લખાણ પર જાઓ

તરલા/અરવિન્દ

વિકિસ્રોતમાંથી
← રીસ. તરલા
અરવિન્દ.
ભોગીન્દ્ર દિવેટીયા
લીલા. →


પ્રકરણ ૪ થું.

અરવિન્દ.

મુંબાઈ તેમજ સુરતની સોસાયટીમાં વસન્તલાલનું નામ જાણીતું હતું, એટલું જ નહી પણ માનીતું હતું. વસન્તલાલ વિના ક્લબમાં, ન્યાતમાં, પાર્ટીમાં આનંદ આવતો નહિ. જે દિવસે વસન્તલાલ ઓફીસમાં ન ગયો હોય તે દિવસ ઓફીસ નિસ્તેજ લાગતી. શરીરે કદાવર ખુબસુરત હતો, તે સાથે મળતાવડો અને હસમુખો સ્વભાવ હતો, એટલે પટાવાળાથી માંડી ઉપરી અમલદારને પણ દિવસમાં એકવાર તેને બોલાવ્યા વિના મજા પડતી નહીં.

વસન્તલાલનું કુટુંબ અસલથી જ રાજ દરબારમાં, યુરોપીયન અમલદારોમાં સારી વગ ધરાવતું હતું. બાપદાદા સરકારી નોકરીયાત અને પેન્શનરો હતા. ન્યાતજાતના રિવાજ પ્રમાણે તરલાનો વિવાહ--સગાઈ સુમનલાલ સાથે કર્યો હતો. સુમનલાલ સરકારમાં ઉંચા હોદ્ધા ઉપર હતો, અને મૂળ એકલો હોવાથી જીવનનો ઘણો ભાગ સાસરે ગાળતો.

તરલા અને સુમનલાલ સાથે જ ઉછર્યાં હતાં. સુમનને યોગ્ય કેળવણી આપી તરલાની સાથે પરણવવો એજ હેતુ તરલાના પિતાનો હતો. તરલાનું કુટુમ્બ કેળવાયેલું હતું સુધરેલા વિચારનું હતું, સ્વતંત્રતા, સ્ત્રીઓને છૂટ આપવાના વિચારનું હતું, એટલે તરલા અને સુમન  નાનપણથી સાથે વાંચતાં, સાથે ફરવા જતાં. આમ છતાં તેઓને છેક એકાન્ત મળતી નહિ. તરલાનો નાનો ભાઈ કીકો હમેશાં સાથે ને સાથે રહેતો. એમની ન્યાતના નિયમ પ્રમાણે સગાઈ તોડાય એમ નહોતું. શારીરિક ખોડ કિંવા એવું જ સબળ કારણ ન બતાવાય ત્યાં સૂધી સગાઈનો સંબંધ તોડાય નહિ. આમ હોવાથી જો કે લગ્ન થયાં નહોતાં છતાં એક જ ઘરમાં રહેતાં હોવાથી લગ્ન થયાં મનાતાં. બન્ને હજી પવિત્ર જીવન ગાળતાં. તરલાનું વય અઢાર વર્ષનું હતું અને એના પિતાની ઈચ્છા એવી હતી કે એકવીસમે વર્ષે લગ્ન કરવું. તરલા કે સુમનલાલ બેમાંથી એક્કેને અસંતોષ કે અધીરાઈ નહોતી. બન્ને એકબીજાથી સંતુષ્ટ હતાં. અને આટલાં વર્ષ ગયાં તો ત્રણ વર્ષ આમ નિકળી જશે એમ માની પવિત્ર નિર્દોષ જીવન ગાળતાં હતાં. સુમનલાલે કૉલેજનું શિક્ષણ પૂરું કર્યું હતું અને નોકરીમાં દાખલ થયા હતા.

સુમનલાલ કસ્ટમ્સ ઓફીસર હતો અને ઘણી વાર એની વગથી વસન્તલાલને ઓળખાવું પડતું. આ પ્રમાણે સુમનલાલ અને વસન્તલાલ વફાદારીભરી નોકરીથી, અમલદારોના મિલનસાર અને સ્નેહાળ સ્વભાવથી જનસમાજમાં પ્રીતિપાત્ર થઈ પડ્યા હતા.

વસન્તલાલ આબકારી ઓફીસર હતો, અને રોજના નિયમ પ્રમાણે કામથી પરવારી ઓફીસની ચેમ્બરમાં બેઠો હતો ત્યાં પટાવાળો વિઝીટીંગ કાર્ડ લઈ આવ્યો. કાર્ડ ઉપર નામ વાંચતાં જ ચમક્યો, અને પટાવાળો ખસે તે પહેલાં બારણા તરફ દોડ્યો અને એક સદ્‌ગૃહસ્થને અંદર લાવ્યો.

‘અરે ! અરવિન્દ ! તું મુંબાઈમાં ? ક્યારનો આવ્યો છે? સામાન ક્યાં ? ઘેર કેમ ન આવ્યો ?’

‘હું હજી ચાલ્યો જ આવું છું. સામાન હોટલમાં. બારોબાર ત્હને મળવા જ આવ્યો છું.’

‘બહુ રાજી થયો. ઘણા દિવસથી મળું મળું થતું હતું પણ મ્હારાથી મુંબાઈ છોડાતું નથી ને ત્હને મુંબાઈ ગમતું નથી. પણ વાત તો કર. કાઠીયાવાડની શાન્ત હવા અને ઘી માખણ છોડી આ ધાંધલીયા મુંબઈગરા ક્યાંથી સાંભર્યા?’

‘તે હમણાં નહી, પછી વાત.’

‘એનો અર્થ એટલો કે આજ તો નથી જવાનો. આજે સાંજે આપણે સાથે જમીશું, પણ ઘેર નહી હોં. બાઈસાહેબની તબીયત ઠીક નથી. આપણે એમ્પાયર હોટલમાં જઈને નાસ્તો લઈશું. સાંજના વાત.’

“જેવી તારી મરજી. ઈંગ્રેજી ભણ્યા ને ઓફીસર થયા એટલે હોટલ બતાવતા થયા. અમારાં ગામડાંમાં મહેમાન આવે ને તારી પેઠે બાઈ માંદાં છે એમ ન કહેવાય હોં ! કાલને વાણે છોકરાં પાસેથી પણ ખાવાના ને રહેવાના પૈસા માગજે. ભોગ. આપણે પૈસા આપવાના નથી. પણ વસન્તલાલ ! એક પૂછું ?” આટલું કહેતાં અરવિન્દના મ્હોં ઉપર શરમના શેરડા પડ્યા. કહું કે ન કહું? બનાવશે તો નહી ને ? એમ થયું. મશ્કરી કરવી હોય તો કરવા દે કરી અરવિન્દ બોલ્યો,

“વસન્ત ! પેલું કુટુમ્બ મુંબાઈમાં છે કે કેમ ?” વસન્તલાલ હસ્યો અને બોલ્યો, “હં, હં, આ તો બીલાડી ઘી સુંઘતી સુંઘતી આવી છે ! મ્હને થયું ખરું કે મુંબાઈનું મ્હોં ન જોનાર આમ એની મેળે ક્યાંથી ? ત્હારા જેવા મહાત્માને પણ એ લાગણી ખરી કે ? ગભરાઈશ નહી, મ્હનેને મારી સાળી વ્હાલી છે. સાંજના પાંચ વાગ્યા પછી મેદાનીયામાં મળશે, કેક વૉકમાં જ જોઉં છું. ઠીક ત્યારે આપણે ત્યાં મળીશું અને ત્યાંથી પછી સાથે જ જઈશું. જોજે પાછો ધૂન ચડે ને એમને એમ ગાડીમાં ચડી બેસતો નહી. આ ફેરી ગયો તો લીલા મળી રહી હોં !”

“જા, જા, હવે કામ કર. બ્હાર લોકો ખોટી થાય છે.”