તારે માથે નગારાં વાગે મોતના રે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
તારે માથે નગારાં વાગે મોતના રે
દેવાનંદ સ્વામી


પદ ૧૨ ગરબી.

તારે માથે નગારાં વાગે મોતના રે,
નથી એક ઘડીનો નિર્ધાર,
તોય જાણ્યા નહીં જગદીશને રે.

મોટા મેલીને રાજ મરી ગયા,
જોને જાતાં ન લાગી વાર. - તોય. ૧

તારું જોબન ગયું જખ મારતું રે,
માથે કાળા મતી ગયાં કેશ. - તોય. ૨

અંતકાળે લેવાને જમ આવિયા રે,
તેનો ભાળી ભયંકર વેશ. - તોય. ૩

રોમ કોટિ વિંછું તણી વેદના રે,
દુ:ખ પામ્યો તું દૈવના ચોર. - તોય. ૪


સગાં સ્વાર્થી મળ્યાં સરવે લૂંટવા રે,
તેનું જરાયે ન ચાલે જોર. - તોય. ૫

જીભ ટૂંકી પડી ને તૂટી નાડીઓ રે,
થયું દેહ તજ્યાનું તત્કાળ. - તોય. ૬

દેવાનંદ કહે નવ જાણ્યા મારા નાથને રે,
મળ્યો મનુષ્યનો દેહ વિશાળ. - તોય. ૭