લખાણ પર જાઓ

તાર્કિક બોધ/પ્રસ્તાવના

વિકિસ્રોતમાંથી
તાર્કિક બોધ
પ્રસ્તાવના
દલપતરામ
૧. ક્રૂરચંદ અને સુરચંદનો સંવાદ →



प्रस्तावना.


ગુજરાત વર્નાક્યુલર સોસઈટીના સેક્રેટરી મેહેરબાન ટી. બી. કરટીસ સાહેબે મને આજ્ઞા કરી, કે બુદ્ધિપ્રકાશ ચોપાનિયામાંથી સારા સારા વિષયોનો સંગ્રહ કરીને, મળાતા વિષયોની ચાર ચાર આનાની કિંમતની ચાર ચોપડીઓ કરવી. તેથી વિદ્યા ભણતરની ઉસકેરણીના વિષયોનો સંગ્રહ કરીને, પ્રથમ विद्याबोध નામની ચોપડી મેં તૈયાર કરી પછી નાના પ્રકારની તાર્કિક વાતો મેં જોડી કાઢીને બુદ્ધિપ્રકાશમાં દાખલ કરેલી હતી. તેમાંથી કેટલીએક વાતોનો સંગ્રહ કરીને આ બીજી ચોપડી તૈયાર કરી. તે તાર્કિક વાતોથી વાંચનારને બોધ થાય એવી વાતો છે, માટે આ ચોપડીનું નામ तार्किकबोध રાખ્યું છે. તેમાં ૧૫ વિષયો દાખલ કર્યા છે. અને ક્રૂરચંદ, તથા સુરચંદનો સંવાદ લઈને એક જોડી દીધો છે.

તેમાં પહેલા ત્રણ વિષયોમાં માણસ ઉપર દયા રાખીને તેઓને સુધારવા બાબત છે. પછીના ત્રણ વિષયોમાં કેવા પુસ્તક ઉપર પકો ભરૂંસો રાખવો, તથા વિદ્વાનોની પરીક્ષા કેવી રીતે કરવી તે બાબત છે. પછી સાતમા અને આઠમા વિષયોમાં મરનાર માણસને કેડે રોવું કુટવું નહિ. તથા અતિશે દીલગીર થવું નહિ તે બાબત છે. તે પછીના ત્રણ વિષયોમાં બાળકને કેળવણી આપવા બાબત છે. પછીના ત્રણમાં દેશી રાજાઓને તથા પ્રજાને શિખામણ છે. અને છેલા વિષયમાં તર્કશક્તિનો અભ્યાસ કરવા બાબત છે.

આ ચોપડીમાં રમુજ સાથે બોધ છે. તે અસરકારક છે.

દલ. ડાહ્યા.