તેને ઘેર શીદ જઈએ ?
Appearance
તેને ઘેર શીદ જઈએ ? મીરાંબાઈ |
તેને ઘેર શીદ જઈએ ?
જેને મારા પ્રભુજીની ભક્તિ ના ભાવે રે,
તેને ઘેર શીદ જઈએ?
જેને ઘેર સંત પ્રાહુણો ના આવે રે,
તેને ઘેર શીદ જઈએ?
સસરો અમારો અગ્નિનો ભડકો,
સાસુ સદાની શૂળી રે,
એની પ્રત્યે મારું કાંઈ ના ચાલે રે,
એને આંગણિયે નાખું પૂળી રે ... તેને ઘેર શીદ...
જેઠાણી અમારી ભમરાનું જાળું,
દેરાણી તો દિલમાં દાઝી રે,
નાની નણંદ તો મોં મચકોડે,
તે ભાગ્ય અમારે કર્મે પાજી રે ... તેને ઘેર શીદ...
નાની નણંદ તો મોં મચકોડે,
બળતામાં નાખે છે વારિ રે,
મારા ઘર પછવાડે શીદ પડી છે?
બાઈ તું જીતી ને હું હારી રે ... તેને ઘેર શીદ...
તેને ખૂણે બેસીને મેં તો ઝીણું કાંત્યું,
તે નથી રાખ્યું કાંઈ કાચું રે,
બાઈ મીરાં ગિરિધર ગુણ ગાવે,
તારા આંગણિયામાં થેઈ થેઈ નાચું રે ... તેને ઘેર શીદ...