લખાણ પર જાઓ

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પકડાપકડી

વિકિસ્રોતમાંથી
← 'ઇન્ડિયન ઓપીનિયન' દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
પકડાપકડી
મોહનદાસ કરમચંદ ગાંધી
પહેલી સમાધાની →


૨૦. પકડાપકડી

રામસુંદરનું પકડાવું સરકારને મદદગાર ન બન્યું એ આપણે જોઈ ગયા. બીજી તરફથી કોમ એકસાસે ઉત્સાહમાં આગળ જવા લાગી, એ પણ અમલદારો જોઈ રહ્યા. 'ઈન્ડિયન ઓપીનિયન'નાં લખાણો એશિયાટિક ખાતાના અમલદારો તો ધ્યાનપૂર્વક વાંચતાં જ હતા. લડતને અંગે કંઈ પણ વાત છૂપી તો રાખવામાં આવતી ન હતી. કોમની નબળાઈ-સબળાઈ બધું શત્રુ, મિત્ર કે ઉદાસી જે કોઈ જોવા ઈચ્છે તે એ અખબારમાંથી જોઈ શકતા, કામદારો પ્રથમથી જ શીખી ગયા હતા કે જે લડતમાં ખોટું કરવાનું કંઈ છે જ નહીં, જ્યાં ફરેબ અથવા ચાલાકીને અવકાશ જ નથી, અને જેમાં બળ હોય તો જ જીતવાનું છે, તેમાં છૂપું રાખવાનું કંઈ હોય જ નહીં. કોમનો સ્વાર્થ જ એ સૂચવે કે નબળાઈરૂપી રોગ નાબૂદ કરવો હોય તો નબળાઈની પરીક્ષા કરી તેને બરોબર પ્રકટ કરવો. છાપું એવા જ ધોરણથી ચાલે છે એમ જયારે અમલદારોએ જોયું ત્યારે તે તેઓને સારુ હિંદી કોમના ચાલુ ઈતિહાસની આરસીરૂપ થઈ પડ્યું, અને તેથી તેઓએ વિચાર્યું કે જ્યાં સુધી અમુક આગેવાનોને તે નહીં પકડે ત્યાં સુધી લડતનું બળ તૂટવાનું જ નથી. તેથી ૧૯૦૭ના ડિસેમ્બરમાં કેટલાક આગેવાનોને કોર્ટમાં હાજર થવાની નોટિસ મળી. આવી નોટિસ આપવામાં અમલદારોએ સભ્યતા વાપરેલી એમ મારે કબૂલ કરવું જોઈએ. તેઓ ધારત તો આગેવાનોને વૉરંટથી પકડી શકત. તેમ કરવાને બદલે હાજર રહેવાની નોટિસો આપી અમલદારોએ સભ્યતાની સાથે પોતાનો વિશ્વાસ પણ જાહેર કર્યો કે આગેવાનો પકડાવાને તત્પર છે. મુકરર કરેલે દિવસે નોટિસ મળી હતી. તેઓ કોરટમાં હાજર થયા.[]

આમાં ક્વીન નામના સખસ જોહાનિસબર્ગમાં વસતા ચીની લોકોના પ્રમુખ હતા. જોહાનિસબર્ગમાં તેઓની વસ્તી ૩૦૦-૪૦૦ માણસોની હશે. તેઓ બધા વેપાર કે ઝીણીમોટી ખેતીનું કામ કરતા. હિંદુસ્તાન ખેતીને સારુ પ્રખ્યાત મુલક છે, પણ મારી માન્યતા છે કે જેટલે દરજજે ચીનના લોકોએ ખેતીને આગળ વધારી છે તેટલે દરજજે આપણે નથી પહોંચ્યા. અમેરિકા વગેરે દેશમાં ખેતીની આધુનિક પ્રગતિ થયેલી છે એનું વર્ણન થઈ જ ન શકે. તેમ પશ્ચિમની ખેતીને હું હજુ અખતરારૂપે માનું છું. પણ ચીન તો આપણા જેવો જ પ્રાચીન દેશ છે અને ત્યાં પ્રાચીન જમાનાથી જ ખેતી કેળવવામાં આવેલી છે. તેથી ચીન અને હિંદુસ્તાન વચ્ચે સરખામણી કરીને આપણે કંઈ શીખી શકીએ છીએ. જોહાનિસબર્ગના ચીનાઓની ખેતી જોઈને અને તેઓની વાતો સાંભળીને મને એમ લાગ્યું કે ચીનાઓનાં જ્ઞાન અને ઉદ્યમ આપણા કરતાં બહુ વધારે છે. જયાં આપણે જમીનને પડતર ગણી તેનો કંઈ ઉપયોગ નથી કરતા ત્યાં ચીનાઓ, પોતાના જુદાં જુદાં ખેતરોના સૂક્ષ્મજ્ઞાનને લીધે, સારા પાક ઉપજાવી શકે છે.

આ ઉદ્યોગી અને ચતુર કોમને પણ ખૂની કાયદો લાગુ થતો હતો. તેથી તેઓએ લડતમાં હિંદીઓની સાથે જોડાવાનું યોગ્ય ધાર્યું. એમ છતાં શરૂથી તે આખર સુધી બંને કોમનો બધો વહીવટ વગેરે તદ્દન અલગ રહ્યાં. બંને પોતપોતાની સંસ્થાઓની મારફતે લડી રહ્યા હતા. તેથી શુભ પરિણામ એ આવ્યું કે, જ્યાં સુધી બંને કોમ ટકી રહે ત્યાં સુધી બેઉને લાભ થાય, પણ જો એક પડે તો બીજીને કંઈ નુક્સાનનું કારણ રહે નહીં, પડવાનું તો હોય જ નહીં. છેવટે ચીનાઓ તો ઘણા પડી ગયા હતા, કેમ કે તેમના પ્રમુખે તેમને દગો દીધેલો. પ્રમુખ કાયદાને વશ તો ન થયા, પણ એક દિવસે મને કોઈએ ખબર આપી કે પ્રમુખ તો હિસાબકિતાબ આપ્યા વિના નાસી ગયા છે. સરદાર ગયા પછી અનુયાયીઓએ ટકી રહેવું હંમેશાં મુશ્કેલ તો હોય જ છે, અને તેમાં વળી સરદારમાં કંઈ મેલ જેવામાં આવે ત્યારે તો બમણી નિરાશા ઉત્પન્ન થાય છે. પણ જ્યારે પકડાપકડી શરૂ થઈ ગઈ ત્યારે તો ચીનાઓ અતિશય જોરમાં હતા. તેઓમાંથી તો ભાગ્યે કોઈએ પરવાના કઢાવ્યા હોય. તેથી જેમ હિંદી આગેવાનોને પકડ્યા તેમ ચીનાઓના કર્તાહર્તા મિ. ક્વીનને પણ પકડવામાં આવ્યા. કેટલાક વખત સુધી તો તેણે બહુ સારું કામ કરેલું એમ કહી શકાય.

પકડાયેલાઓમાંથી બીજા જે આગેવાનની ઓળખાણ આ સ્થળે કરાવવા ઈચ્છું છું તે થંબી નાયડુ, થંબી નાયડુ એ તામિલ હતા. તેમનો જન્મ મોરીશિયસમાં થયેલો. પણ માબાપ મદ્રાસ ઈલાકામાંથી આજીવિકા માટે મોરીશિયસ ગયેલાં. થંબી નાયડુ સામાન્ય વેપારી હતા. નિશાળની કેળવણી કંઈ જ નહીં એમ કહી શકાય. પણ અનુભવજ્ઞાન ઊંચા પ્રકારનું અંગ્રેજી ઘણી સારી રીતે બોલીલખી શકે, જોકે ભાષા બોલવામાં અને લખવામાં ભાષાશાસ્ત્રીની દૃષ્ટિએ તેમાં દોષ જણાય, તામિલનું જ્ઞાન પણ અનુભવથી જ મેળવેલું. હિંદુસ્તાની પણ સારી રીતે સમજે અને બોલે, તેલુગુનું પણ ઠીક જ્ઞાન, જોકે હિંદી અથવા તેલુગુ લિપિ મુદ્દલ ન જાણે મોરીશિયસની ભાષા, જે ક્રીઓલને નામે ઓળખાય છે અને જે અપભ્રષ્ટ ફ્રેંચ ગણી શકાય, તે ભાષાનું ઘણું સારું જ્ઞાન થંબી નાયડુને હતું, આટલી ભાષાઓનું વ્યાવહારિક જ્ઞાન દક્ષિણના હિંદીઓમાં હોવું એ અપવાદરૂપે ન હતું. દક્ષિણ આફ્રિકામાં સેંકડો હિંદીઓ આ બધી ભાષાઓનું સામાન્ય જ્ઞાન ધરાવનારા જોવામાં આવશે. વળી આ બધી સાથે હબસીની ભાષાનું જ્ઞાન તો હોય જ. આ બધું ભાષાજ્ઞાન તેઓ અનાયાસે મેળવે છે અને મેળવી શકે છે. તેનું કારણ મેં તો એ જોયું કે પરભાષાની મારફતે કેળવણી લઈને તેઓનાં મગજ થાકી ગયેલાં નથી હોતાં. તેઓની યાદશક્તિ તીવ્ર હોય છે, અને તે તે ભાષાના માણસોની સાથે બોલીબોલીને અને અવલોકન કરીને જ તેઓ જુદી જુદી ભાષાનું જ્ઞાન મેળવે છે, તેમાં તેઓના મગજને બહુ તસ્દી નથી પડતી, પણ મગજના આવા સહેલા વ્યાયામથી બુદ્ધિ સ્વાભાવિક રીતે ખીલી નીકળે છે. એવું જ થંભી નાયડુનું થયું હતું. તેની બુદ્ધિ ઘણી તીવ્ર હતી. નવા નવા પ્રશ્નો ઘણી ચપળતાથી સમજી લે. તેની હાજરજવાબી આશ્ચર્ય પમાડે. હિંદુસ્તાન ન જોયેલું છતાં હિંદુસ્તાન ઉપર તેમને અગાધ પ્રેમ હતો. સ્વદેશાભિમાન તેમની રગે રગે વ્યાપી રહ્યું હતું. તેમની દૃઢતા તેમના ચહેરામાં ચિતરાયેલી હતી. તેમના શરીરનો બાંધો ઘણો મજબૂત અને કસાયેલો હતો. મહેનત કરતાં થાકે જ નહીં. ખુરશીએ બેસી આગેવાની કરવી હોય તો એ પદને શોભાવી શકે, અને એટલી જ સ્વાભાવિક રીતે હેલકરીનું કામ પણ કરે. સરિયામ રસ્તેથી બોજો ઊંચકી જતાં થંબી નાયડુ જરાય શરમાય નહીં. મહેનત કરવી હોય ત્યારે રાતદિવસનો ભેદ જાણે જ નહીં. અને કોમને અર્થે સર્વસ્વ હોમવામાં સૌની સાથે હરીફાઈ કરી શકે. જો થંબી નાયડુ હદ કરતાં વધારે સાહસિક ન હોત અને તેમનામાં ક્રોધ ન હોત, તો અત્યારે એ વીરપુરુષ ટ્રાન્સવાલમાં કાછલિયાની ગેરહાજરીમાં કોમની આગેવાની સહેજે લઈ શકત. ટ્રાન્સવાલની લડત ચાલી ત્યાં સુધી તેના ક્રોધનું વિપરીત પરિણામ આવી નહોતું શક્યું. અને તેનામાં જે અમૂલ્ય ગુણો હતા તે જવાહિરોની માફક ચળકી રહ્યા હતા. પણ પાછળથી મેં જાણ્યું કે તેનો ક્રોધ અને સાહસિકતા તેનાં પ્રબળ શત્રુ નીવડયાં છે અને તેણે તેના ગુણોને ઢાંકી દીધા છે. તે ગમે તેમ હો, પણ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની લડતમાં થંબી નાયડુનું નામ હંમેશાં પહેલા વર્ગમાં જ રહશે.

અમારે બધાને અદાલતમાં સાથે જ હાજર થવાનું હતું. પણ બધાના કેસ નોખા નોખા ચલાવવામાં આવ્યા હતા. અમારે કોઈને કંઈ બચાવ કરવાનો તો હતો જ નહીં. સૌએ પોતાના ગુના કબૂલ કરવાના હતા. મેં કોર્ટની પાસે કંઈ એકરાર પણ રજૂ નહોતો કર્યો. વિચારપૂર્વક અને ધર્મ સમજીને જ હું ખૂની કાયદાની સામે થયેલો છું અને તેને સારુ સજા મળે એ સહન કરવામાં માન સમજીશ, એવા ભાવાર્થનું જ હું બોલ્યો હતો. બે માસની આસાન કેદની સજા થઈ. જે અદાલતમાં હું સેંકડો વખત વકીલ તરીકે ઊભો રહેલો, વકીલમંડળની સાથે બેસતો, તે આજે તહોમતદારના પીંજરામાં ખડો છું, એ વિચાર કંઈક વિચિત્ર લાગ્યો ખરો. પણ એટલું તો મને બરાબર યાદ છે કે વકીલમંડળની બેઠકમાં બેસવામાં જે કંઈ માન મેં માન્યું હશે તેના કરતાં અપરાધીના પીંજરામાં ઊભા રહેવામાં મેં ઘણું વધારે માન માન્યું. તેમાં દાખલ થતાં લેશમાત્ર પણ ક્ષોભ થયાનું મને સ્મરણ નથી. અદાલતમાં તો સેંકડો હિંદી ભાઈઓ, વકીલો, મિત્રો વગેરેની સમક્ષ હું ઊભો હતો. જેવી સજા સંભળાવવામાં અાવી કે તરત કેદીઓને લઈ જવાને દરવાજેથી લઈ જતાં પહેલાં જ્યાં કેદીઓને રાખવામાં આવે છે ત્યાં મને એક સિપાઈ લઈ ગયો.*

તે વખતે મેં બધું મારી આસપાસ સૂમસામ જોયું. કેદીઓને બેસવાનો એક બાંકડો હતો ત્યાં બેસવાનું કહી પોલીસ અમલદાર દરવાજે બંધ કરીને ચાલતો થયો. અહીં મને ક્ષોભ થયો ખરો. હું ઊંડા વિચારમાં પડી ગયો. ક્યાં ઘરબાર ! ક્યાં વકીલાત ! ક્યાં સભાઓ ! એ બધું શું સ્વપ્નવત્ અને આજે હું કેદી ! બે મહિનામાં શું થશે ? બે મહિના પૂરા કાઢવા જ પડશે ? લોકો થોકબંધ પોતાનાં વચન પ્રમાણે ચાલ્યા આવે તો બે મહિના કાઢવા જ શેના પડે ? પણ જે ન જ આવે તો બે મહિના કેટલા બધા લાંબા જશે ?


*અદાલતમાં કેસ ચાલ્યાની વિગત આ પ્રમાણે હતી : "બધાના કેસ નોખા નોખા ચલાવવામાં આવ્યા હતા. મૅજિસ્ટ્રેટે કેટલાકને ૪૮ કલાકમાં અને કેટલાકને સાત કે ચૌદ દહાડામાં ટ્રાન્સવાલ છોડી જવા ફરમાવ્યું. હુકમની મુદત ૧૦મી જાન્યુઆરી, ૧૯૦૮ના રોજ પૂરી થતી હતી. તે જ દહાડે અમને સજા ફરમાવવા કોર્ટમાં હાજર રહેવા હુકમ હતો. આ અને આવા વિચારો લખાવતાં મને જેટલો વખત લાગે છે તેના સોમા ભાગનો વખત પણ આવતાં નહીં લાગેલો. એ વિચારો આવ્યા તેવો જ હું શરમાયો. આ કેટલું બધું મિથ્યાભિમાન ! હું તો જેલને મહેલ ગણાવનારો ! ખૂની કાયદાની સામે થતાં જે સહન કરવું પડે તે દુ:ખ નહીં પણ સુખ ગણાવું જોઈએ, તેની સામે થતાં જાનમાલ વગેરેનું અર્પણ કરવું એ તો સત્યાગ્રહમાં વિલાસ ગણાવો જોઈએ, એ બધું જ્ઞાન આજે કયાં ચાલ્યું ગયું ? એ વિચાર આવતાંની સાથે જ હું અક્કડ બની ગયો અને મારી મૂર્ખાઈ તરફ હસવા લાગ્યો. બીજા ભાઈઓને કેવી કેદ મળશે ? તેઓને પણ મારી સાથે જ રાખશે કે કેમ ? એ બધા વ્યાવહારિક વિચારોમાં પડી ગયો. એ બધી ભાંજગડ કરું છું તેવામાં દરવાજો ખૂલ્યો, પોલીસ અમલદારે મને તેની પાછળ જવા ફરમાવ્યું. હું ચાલ્યો પછી મને આગળ કર્યો, તે પાછળ ચાલ્યો અને મને જેલની પીંજરગાડી આગળ લઈ ગયો અને તેમાં બેસી જવાનું કહ્યું. મને જોહાનિસબર્ગની જેલ તરફ હાંકી ગયા.


અમારે કોઈને કાંઈ બચાવ કરવાનો હતો જ નહીં. કાયદા પ્રમાણે અમે પરવાના નથી મેળવ્યા ને તેથી દર્શાવેલી મુદતમાં ટ્રાન્સવાલની હદ છોડવી, એ મૅજિસ્ટ્રેટના હુકમનો સવિનય અનાદર કર્યાનો ગુનો સૌ કબૂલ કરવાના હતા.

મેં કોર્ટ પાસે ટૂંકો એકરાર કરવા રજા માગી, તે મળી. મેં આ પ્રમાણેના ભાવાર્થનું કહ્યું : મારા અને મારા પછીના કેસોમાં ભેદ પાડવો જોઈએ. હમણાં પ્રિટોરિયાથી મને ખબર મળ્યા કે, ત્યાં મારા દેશબાંધવોને ત્રણ માસની સખત મજૂરીની કેદની સજા અને ભારે દંડ, અને તે ન ભરે તો બીજી સખત મજૂરીની ત્રણ માસની કેદ,– આમ સજા કરવામાં આવી છે. એમણે જો ગુનો કર્યો છે તો મેં તેથી મોટો ગુનો કર્યો છે. તેથી મૅજિસ્ટ્રેટ મને ભારેમાં ભારે સજા ફરમાવે એ મેં માગ્યું.

"પરંતુ, મૅજિસ્ટ્રેટે મારું કહેવું ધ્યાનમાં ન લીધું ને બે માસની આસાન કેદની સજા કરી." જેલમાં લઈ ગયા ત્યાં મારાં કપડાં ઉતરાવ્યાં. મને ખબર હતી કે જેલમાં કેદીઓને નગ્ન કરવામાં આવે છે. બધાનો નિશ્ચય હતો કે, જેલના ધારાઓ જયાં સુધી વ્યક્તિગત અપમાન કરનારા ન હોય અથવા ધર્મવિરુદ્ધ ન હોય ત્યાં સુધી તેને ઇરાદાપૂર્વક માન આપવાનું છે, એવો અમે સત્યાગ્રહીનો ધર્મ માન્યો હતો. જે કપડાં પહરવાને મળ્યાં તે બહુ મેલાં હતાં. એ પહેરવાં તો જરાયે ન ગમ્યાં. એ પહેરતાં અને મનને વાળતાં દુ:ખ થયું, પણ મેલની કેટલીક બરદાસ કરવી પડશે એમ સમજી મન ઉપર અંકુશ રાખ્યો. નામઠામ નોંધી મને એક વિશાળ ઓરડીમાં લઈ ગયા. થોડો વખત ત્યાં રહ્યો તેટલામાં મારા સાથીઓ પણ હસતાબોલતા આવી પહોંચ્યા અને મારી પાછળ તેઓનો કેસ કેવી રીતે ચાલ્યો અને શું થયું એ તેઓએ કહી સંભળાવ્યું. મારો કેસ થઈ ગયા પછી લોકોએ કાળા વાવટા હાથમાં ઝાલીને સરઘસ કાઢેલું, કોઈક ઉશ્કેરાયેલા પણ ખરા, પોલીસ વચમાં પડેલી, બેચારને માર પણ પડયો, એટલું જાણી શકયો. અને બધાયને એક જ જેલમાં અને એક જ કોટડીમાં રાખ્યા તેથી અમે બધા ખૂબ રાજી થયા.

છએક વાગ્યા એટલે અમારો દરવાજો બંધ કરવામાં આવ્યો. ત્યાંની જેલની કોટડીના દરવાજામાં સળિયા વગેરે હોતા નથી. છેક ઊંચે દીવાલમાં એક નાનું જાળિયું હવાને સારુ રાખવામાં આવે છે. એટલે અમે તો તિજોરીમાં પુરાયા એવું લાગ્યું, વાંચનાર જોશે કે જે આદરસત્કાર જેલઅધિકારીઓએ રામસુંદરનો કર્યો હતો તેવો કંઈ અમારો ન કર્યો. એમાં નવાઈ પણ ન હોય. રામસુંદર એ પહેલા સત્યાગ્રહી કેદી. એથી સત્તાધિકારીઓને પૂરું ભાન પણ ન હોય કે કઈ રીતે તેની સાથે વર્તવું જોઈએ. અમારી તો પહેલેથી જ ઠીક સંખ્યા ગણાય અને બીજાઓને પકડવાનો ઈરાદો તો હતો જ, તેથી અમને હબસી જેલખાનામાં રાખવામાં આવ્યા. દક્ષિણ આફ્રિકામાં વિભાગ જ બે હોય છે : ગોરા અને કાળા (હબસી), અને હિંદી કેદીની ગણતરી પણ હબસી વિભાગમાં જ થાય છે. મારા સાથીઓને પણ મારા જેટલી જ અને સાદી જેલ હતી. સવાર પડયું એટલે અમને માલૂમ પડ્યું કે સાદી કેદવાળાને પોતાનો પોશાક પહેરી રાખવાનો હક હોય છે અને તે ન પહેરવા ઇચ્છે તો સાદી કેદવાળાને સારુ જે ખાસ પોશાક હોય છે તે આપવામાં આવે છે. અમે નિશ્ચય કર્યો હતો કે ઘરનો પોશાક પહેરવો એ અયોગ્ય જ છે અને જેલનો જ પહેરવો એ શોભે. એ અમે અધિકારીઓને જણાવી દીધું. તેથી અમને સાદી કેદવાળા હબસી કેદીઓનો પોશાક આપવામાં આવ્યો. પણ એવી સાદી કેદવાળા સેંકડો કેદી દક્ષિણ આફ્રિકાની કેદમાં હોતા જ નથી. તેથી જ્યારે બીજા સાદી કેદવાળા હિંદીઓ આવવા લાગ્યા ત્યારે સાદી કેદનાં કપડાં જેલમાં ખૂટી પડયાં ! અમારે તે વિશે કંઈ તકરાર કરવાની હતી જ નહીં, તેથી અમે મજૂરીવાળા કેદીઓનાં કપડાં પહરવામાં આનાકાની ન કરી. કેટલાક જે પાછળથી આવ્યા તેઓએ એવાં કપડાં પહેરવાને બદલે પોતાનાં જ પહેરી રાખવાનું પસંદ કર્યું, એ મને ઠીક તો ન લાગ્યું, પણ એ બાબતમાં અાગ્રહ કરવો એ દુરસ્ત ન જણાયું.

બીજા કે ત્રીજા દિવસથી જ સત્યાગ્રહી કેદીઓ ભરાવા લાગ્યા. તેઓ તો જાણી જોઈને પકડાતા હતા. ઘણાખરા બધા ફેરી કરનારા જ હતા. દક્ષિણ આફ્રિકામાં દરેક ફેરી કરનારને – પછી તે ગોરો હોય કે કાળો – ફેરીના પરવાના લેવા પડે છે, અને તે હમેશાં સાથે રાખવા જ જોઈએ અને પોલીસ માગે ત્યારે બતાવવા જોઈએ. ઘણે ભાગે હમેશાં કોઈ ને કોઈ પોલીસ તો એવા પરવાના માગે જ. અને ન બતાવે તેને પકડે. અમારા પકડાયા પછી જેલ ભરી દેવી એવો નિશ્ચય કોમે કર્યો હતો. ફેરીવાળાઓ તેમાં આગળ પડ્યાં. તેઓને પકડાવું પણ સહેલું હતું. ફેરીના પરવાના ન બતાવે એટલે પકડાય. એમ પકડાઈને એક અઠવાડિયાની અંદર તો ૧૦૦થી વધારે સત્યાગ્રહી કેદી થઈ ગયા. અને થોડાઘણા હંમેશાં આવતા જ જાય, તેથી અમને તો વગર અખબારે અખબાર મળ્યા જેવું પણ થઈ ગયું. હમેશના ખબર આ ભાઈઓ લાવતા હોય. જ્યારે ખૂબ સત્યાગ્રહી પકડાવા લાગ્યા ત્યારે યા તો ન્યાયાધીશ થાક્યો અથવા, જેમ અમે માન્યું હતું તેમ, ન્યાયાધીશને સરકાર તરફથી સૂચના મળી કે સત્યાગ્રહીઓને હવે પછી સાદી જેલ આપવી જ નહીં, મજૂરીવાળી જ આપવી તેથી, એ ગમે તેમ કહો, પણ હવે સખત મજૂરીની જેલ મળવા માંડી. આજ પણ મને લાગે છે કે કોમનું અનુમાન ખરું હતું. કારણ કે પ્રથમના કેસોમાં જે સાદી જેલ અપાઈ ત્યારે પછી એ જ વખતની લડતમાં અને પછી વખતોવખત લડત જાગી તેમાં, કોઈ પણ વખતે, પુરૂષોને કે સ્ત્રીઓને પણ સાદી જેલ ટ્રાન્સવાલની કે નાતાલની એક પણ કોર્ટમાં આપવામાં આવી નથી. જ્યાં સુધી બધાને એક જ પ્રકારની સૂચના કે હુકમ ન હોય ત્યાં સુધી દરેક મૅજિસ્ટ્રેટ દરેક વેળાએ દરેક પુરૂષને અને સ્ત્રીને મજૂરીવાળી જ સજા આપે એ જો કેવળ આકસ્મિક સંયોગ હોય તો લગભગ ચમત્કાર ગણાય.

આ જેલમાં સાદી જેલના કેદીઓને ખોરાકમાં સવારે મકાઈના લોટની રાબડી મળે તેની અંદર મીઠું ન હોય, પણ દરેક કેદીને થોડું નિમક આપવામાં આવે. બપોરે બાર વાગ્યે પાશેર ભાત, ઉપરથી મીઠું અને અધોળ ઘી, અને પાશેર ડબલરોટી. સાંજે મકાઈના અાટાની રાબ અને તેની સાથે થોડું શાક, અને તે મુખ્યત્વે કરીને બટાટા. તે નાના હોય તો બે ને મોટો હોય તો એક. આ ખોરાકથી કોઈનું પેટ નહીં ભરાતું. ચાવલ ચીકણા રંધાતા. ત્યાંના દાકતરની પાસે કંઈક મસાલાની માગણી કરી. હિંદની જેલોમાં પણ મળે છે એમ સૂચવ્યું, "અહીં હિંદુસ્તાન નથી અને કેદીને સ્વાદ હોય નહીં એટલે મસાલો પણ હોય નહીં" અામ કડક જવાબ મળ્યો. દાળની માગણી કરી, કેમ કે મજકૂર ખોરાકમાં સ્નાયુ બાંધી શકે તેવો ગુણ નથી હોતો; ત્યારે દાક્તરે કહ્યું કે, "કેદીઓએ દાકતરી દલીલ કરવી નહીં જોઈએ. સ્નાયુબંધક ખોરાક આપવામાં આવે છે, કેમ કે અઠવાડિયામાં બે વખત મકાઈને બદલે સાંજે બાફેલા વાલ આપવામાં આવે છે." અને જે માણસની હોજરી એમ અઠવાડિયામાં અથવા પખવાડિયામાં જુદા જુદા ગુણવાળા ખોરાક જુદે જુદે વખતે એકસાથે લઈને તેમાં રહેલાં સત્ત્વો ખેંચી લઈ શકે તો દાકતરની દલીલ બરોબર હતી. વાત એ હતી કે દાકતરનો ઇરાદો અમને કોઈ રીતે અનુકૂળ થવાનો હતો જ નહીં. અમારો ખોરાક અમે પોતે રાંધીએ એ માગણી સુપરિન્ટેન્ડેન્ટે કબૂલ રાખી. રસોઇયા તરીકે અમે થંબી નાયડુને ચૂંટી કાઢયા. રસોડામાં તેને ઘણાયે ઝઘડા કરવા પડતા. શાકનું વજન ઓછું મળે તો પૂરું માગે, તેમ જ બીજી વસ્તુઓનું. માત્ર બપોરનું રાંધવાનું જ અમારે હસ્તક આવ્યું હતું. રાંધવાનું અમારે હસ્તક આવ્યા પછી ખોરાક કાંઈક સંતોષથી ખાવા લાગયા.

પણ એવી સગવડો મેળવી શકાય કે ન મેળવી શકાય, છતાં સુખેથી જેલ ભોગવવી છે એ નિશ્ચયમાં આ મંડળીમાંથી કોઈ ડગ્યું ન હતું. વધતાં વધતાં સત્યાગ્રહી કેદીની સંખ્યા ૧પ૦ ઉપર ગઈ હતી. સાદી કેદવાળા રહ્યા એટલે પોતાની કોટડી વગેરે સાફ રાખવા સિવાયનું અમને કંઈ કામ ન હતું. અમે કામની માગણી કરી. સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું, "જો હું તમને કામ આપું તો મેં ગુનો કર્યો ગણાય, તેથી હું લાચાર છું. સાફસૂફ કરવામાં તમારી મરજીમાં આવે તેટલો વખત તમે ગાળી શકો છો." ડ્રિલ વગેરે કસરતની માગણી કરી, કેમ કે અમે જોતા હતા કે મજૂરીવાળા હબસી કેદીઓને પણ ડ્રિલ આપવામાં આવતી હતી. "તમારા રખેવાળ(વૉર્ડર)ને વખત મળે અને એ તમને કસરત કરાવે તો હું વિરોધ નહીં કરું, તેમ હું તેને ફરજ પણ ના પાડું. તેને કામ ઘણું હોય છે અને તે તમારી અણધારેલી સંખ્યા આવવાથી વધ્યું છે," આવો જવાબ મળ્યો ! રખેવાળ બહુ ભલો માણસ હતો. તેને તો એટલી પરવાનગી જ જોઈતી હતી. તેણે રસપૂર્વક હંમેશાં સવારના ડ્રિલ આપવાનું શરૂ કર્યું. એ બધું અમારી કોટડીના નાના સરખા આંગણામાં જ થઈ શકે એમ હતું, તેથી અમારે તો ફૂદડી ફરવાનું જ રહ્યું. એ ભલો રખેવાળ શીખવી જાય તે પ્રમાણે એક પઠાણ ભાઈ નવાબખાન ડ્રિલ શરૂ રાખતા અને ડ્રિલના અંગ્રેજી શબ્દોનો ઉર્દૂ ઉચ્ચાર કરી અમને હસાવી મૂકતા. "સ્ટૅન્ડ ઍટ ઇઝ”ને તે 'ટડલીસ' કહેતા ! થોડા દિવસ તો એ ક્યો હિંદુસ્તાની શબ્દ હશે તે અમે સમજી જ ન શકયા. પાછળથી બંધ બેઠું કે આ તો નવાબખાની અંગ્રેજી છે !

  1. મુકરર કરેલે દિવસે, શનિવાર તા. ૨૮મી ડિસેમ્બર, ૧૯૦૭ના રોજ, હાજર રહેલાઓને આ પ્રમાણેની નોટિસનો જવાબ આપવાનો હતો; કાયદા પ્રમાણે તમારે પરવાના મેળવવા જોઈતા હતા છતાં તમે નથી મેળવ્યા; તેથી અમુક મુદતમાં તમારે ટ્રાન્સવાલની હદ છોડવી એવો હુકમ કેમ ન આપવો ?