દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પહેલો સત્યાગ્રહી કેદી
← પહેલી ફૂટ | દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પહેલો સત્યાગ્રહી કેદી મોહનદાસ કરમચંદ ગાંધી |
'ઇન્ડિયન ઓપીનિયન' → |
અથાગ પ્રયત્ન કર્યા પછી જ્યારે એશિયાટિક ઓફિસને પ૦૦થી વધારે નામ ન મળી શકયાં ત્યારે કોઈકને પણ પકડવા જોઈએ એ નિશ્ચય પર એશિયાટિક અમલદારો આવ્યા. વાંચનાર જર્મિસ્ટન નામ જાણે છે. ત્યાં ઘણા હિંદીઓ રહેતા હતા. તેમાં રામસુંદર પંડિત કરીને એક હિંદી પણ હતો. તે દેખાવમાં બહાદુર જેવો અને વાચાળ હતો, થોડાઘણા શ્લોક પણ જાણતો હતો. ઉત્તર હિંદુસ્તાનનો એટલે રામાયણના દુહા-ચોપાઈ તો જાણે જ, અને પંડિત કહેવાય તેથી લોકોમાં તેની પ્રતિષ્ઠા પણ હતી. તેણે ભાષણો ઠેકઠેકાણે કર્યા. અને ભાષણોમાં એ ખૂબ જુસ્સો રેડી શકતો. ત્યાંના કેટલાક વિઘ્નસંતોષી હિંદીઓએ એશિયાટિક ઓફિસને જણાવ્યું કે જો રામસુંદર પંડિતને પકડવામાં આવે તો જર્મિસ્ટનના ઘણા હિંદીઓ એશિયાટિક ઓફિસમાંથી પરવાના લે. રામસુંદર પંડિતને પકડવાને સારુ આ લાલચને વશ થયા વિના તે ઓફિસનો અમલદાર ન જ રહી શકે. રામસુંદર પંડિત પકડાયા. આવી જાતનો આ પહેલો જ કેસ હોવાથી સરકારમાં તેમ જ કોમમાં ખૂબ ખળભળાટ થયો. રામસુંદર પંડિત જેને માત્ર જર્મિસ્ટન જ જાણતું હતું તેને એક ક્ષણમાં આખું આફ્રિકા જાણતું થયું. એક મહાન પુરુષનો કેસ ચાલતો હોય અને બધાની નજર તેની ભણી વળે તેમ સૌની નજર રામસુંદર પંડિત તરફ વળી. કોઈ પણ જાતનો સુલેહ જાળવવાનો બંદોબસ્ત રાખવાની સરકારને જરૂર ન હતી. છતાં તેવો બંદોબસ્ત પણ કર્યો. અદાલતમાં પણ રામસુંદર કોમનો એક પ્રતિનિધિ છે અને સામાન્ય ગુનેગાર નથી એવી રીતે તેનો આદર થયો. અદાલત ઉત્સુક હિંદીઓથી ભરાઈ ગઈ હતી. રામસુંદરને એક મહિનાની સાદી જેલ મળી. તેને જોહાનિસબર્ગની જેલમાં રાખવામાં આવ્યો હતો. તેને સારુ યુરોપિયન વોર્ડમાં અલગ કોટડી હતી. તેને મળવામાં જરાયે મુશ્કેલી નહોતી આવતી. બહારથી ખાવાનું જવા દેતા હતા અને કોમ તરફથી હંમેશાં સુંદર ખાણું પકાવીને મોકલવામાં આવતું હતું. તે જે ઈચ્છે તે પૂરું પાડવામાં આવતું હતું. કોમે તેની જેલનો દિવસ ભારે ધામધૂમથી ઊજવ્યો. કોઈ હતાશ ન થયું પણ ઉત્સાહ વધ્યો. જેલ જવાને સેંકડો રાજી હતા. એશિયાટિક ઓફિસની આશા ફળીભૂત ન થઈ. જર્મિસ્ટનના હિંદી પણ પરવાનો લેવા ન ગયા. ફાયદો કોમને જ મળ્યો. મહિનો પૂરો થયો. રામસુંદર છૂટ્યા અને વાજતેગાજતે સરઘસમાં તેમને જ્યાં સભા ભરવાનું મુકરર કર્યું હતું ત્યાં લઈ ગયા. ઉત્સાહપૂર્વક ભાષણો થયાં. રામસુંદરને ફૂલના હારોથી ઢાંકી દીધા. સ્વયંસેવકોએ તેમને તેમના માનમાં મિજબાની આપી, અને સેંકડો હિંદીઓ, આપણે પણ જેલમાં ગયા હોત તો કેવું સારું એમ માનતા, રામસુંદર પંડિતનો મીઠો દ્વેષ કરવા લાગ્યા.
પણ રામસુંદર ફૂટી બદામ નીવડયા. તેનું જોર ખોટી સતીના જેવું હતું. એક મહિનાની જેલમાંથી નીકળી શકાય તેમ તો હતું જ નહીં. કેમ કે તેનું પકડાવું અનાયાસે થયું હતું જેલમાં તો બહાર નહીં તેટલી સાહેબી તેણે ભોગવી હતી. છતાં છૂટો ફરનાર અને વળી વ્યસની માણસ જેલના એકાંતવાસની, અને અનેક પ્રકારના ખોરાક મળવા છતાં, ત્યાં રહેલા સંયમની બરદાસ ન કરી શકે. એવું રામસુંદર પંડિતનું થયું. કોમની અને જેલના અમલદારોની ભારે ખુશામત ભોગવ્યા છતાં તેને જેલ કડવી લાગી. અને તેણે ટ્રાન્સવાલને અને લડતને છેલ્લી સલામ કરી રાત લીધી. દરેક કોમમાં ખેલાડીઓ તો હોય જ છે અને જેમ કોમમાં તેમ લડતમાં. તેઓ રામસુંદરની રગેરગ જાણતા હતા. પણ તેનાથી પણ કોમનો કંઈક અર્થ સરે છે એમ સમજીને તેઓએ રામસુંદર પંડિતનો છૂપો રહેલો ઈતિહાસ મને તેનું પોકળ ઊઘડયા પહેલાં કોઈ દિવસ જાણવા દીધો જ નહીં. પાછળથી મને માલૂમ પડયું કે રામસુંદર તો પોતાની ગિરમીટ પૂરી કર્યા વિના ભાગી આવેલ ગિરમીટિયો હતો તેના ગિરમીટિયા હોવાની કંઈ એબ નથી. લડતને અતિશય શોભાવનાર તો ગિરમીટિયા જ હતા, એ વાંચનાર છેવટે જોશે. લડત જીતવામાં પણ તેઓનો મોટામાં મોટો હિસ્સો હતો. ગિરમીટમાંથી ભાગી નીકળવું એ જરૂર દોષ હતો.
પણ રામસુંદરનો આખો ઈતિહાસ તેની એબ બતાવવાને સારુ મેં નથી ટાંક્યો, પણ તેમાં જે રહસ્ય રહેલું છે એ બતાવવાને અર્થ જ એ ઈતિહાસ દાખલ કર્યો છે. દરેક શુદ્ધ લડતના આગેવાનોની ફરજ છે કે તેઓએ શુદ્ધ માણસોને જ શુદ્ધ લડતમાં દાખલ કરવા જોઈએ. પણ ગમે તેવી સાવચેતી રાખતાં છતાં અશુદ્ધ માણસોને અટકાવી નથી શકાતાં. એમ છતાં સંચાલકો નીડર અને સાચા હોય, તો અશુદ્ધ માણસોના અજાણપણે દાખલ થઈ જવાથી લડતને છેવટે નુક્સાન નથી પહોંચતું. રામસુંદર પંડિતનું પોત કળાયું, એટલે તેની કિંમત ન રહી. તે તો બિચારો પંડિત મટી કેવળ રામસુંદર જ રહ્યો. કોમ તેને ભૂલી ગઈ, લડતને તો જોર જ મળ્યું, લડતને નિમિત્તે ભોગવાયેલી જેલ જમે ખાતામાંથી બાતલ ન થઈ, તેના જેલ જવાથી જે જોર આવ્યું તે તો કાયમ રહ્યું, અને તેના દાખલાથી બીજા નબળા માણસો પોતાની મેળે લડતમાંથી સરી ગયા. આવી નબળાઈના બીજા કેટલાક દાખલાઓ પણ બન્યા ખરા. તેનો ઈતિહાસ હું નામઠામ સહિત આપવા ધારતો નથી. એ આપવાથી કંઈ અર્થ સરે તેમ નથી. કોમની નબળાઈ-સબળાઈ બધી વાંચનારના ધ્યાન બહાર ન રહી શકે, તેથી એટલું કહી દેવાની જરૂર છે કે, રામસુંદર તે એક જ રામસુંદર ન હતા, પણ મેં એમ જોયું કે બધા રામસુંદરોએ લડતની તો સેવા જ કરી.
વાંચનાર રામસુંદરનો દોષ ન જુએ. આ જગતમાં મનુષ્યમાત્ર અપૂર્ણ છે. કોઈની અપૂર્ણતા વિશેષ જોવામાં આવે છે, ત્યારે આપણે તેનું અાંગળીચીંધણું કરીએ છીએ. વાસ્તવિક રીતે એ ભૂલ છે. રામસુંદર કાંઈ જાણી જોઈને નબળો નહીં બન્યો. માણસ પોતાના સ્વભાવની દશા બદલી શકે, તેના ઉપર અંકુશ મૂકી શકે, પણ તેને જડમૂળથી કોણ કાઢી શકે ? જગતકર્તાએ એટલી સ્વતંત્રતા તેને આપી જ નથી. વાઘ જો તેની ચામડીની વિચિત્રતા બદલી શકે તો મનુષ્ય પોતાના સ્વભાવની વિચિત્રતા બદલી શકે, ભાગી જવા છતાં પણ રામસુંદરને પોતાની નબળાઈને સારુ કેટલો પશ્ચાત્તાપ થયો હશે એ આપણને કેમ ખબર પડે ? અથવા તેનું ભાગી જવું એ જ તેના પશ્ચાત્તાપનો એક સબળ પુરાવો ન ગણાય ? જો તે બેશરમ હોય તો તેને ભાગવાની શી જરૂર હતી ? પરવાનો કઢાવીને ખૂની કાયદાની રૂએ તે હમેશાં જેલમુક્ત રહી શકત, એટલું જ નહીં, પણ તેણે ધાર્યું હોત તો એશિયાટિક અૉફિસનો દલાલ બનીને બીજાઓને ભમાવી શકત અને સરકારનો માનીતો પણ થઈ શકત. એવું કરવાને બદલે પોતાની નબળાઈ કોમને બતાવતાં શરમાવાથી તેણે મોં છુપાવ્યું અને એમ કરીને પણ તેણે સેવા જ કરી એવો ઉદાર અર્થ અાપણે કેમ ન કરીએ ?