દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ફરી ડેપ્યુટેશન
← દેશનિકાલ | દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ ફરી ડેપ્યુટેશન મોહનદાસ કરમચંદ ગાંધી |
ટૉલ્સ્ટોય ફાર્મ-૧ → |
આમ સત્યાગ્રહીઓને જેલમાં મોકલવાનું અને દેશપાર કરવાનું ચાલી
રહ્યું હતું. તેમાં ભરતીઓટ થતી હતી. બંને પક્ષ કંઈક મોળા પણ
પડ્યા હતા. સરકારે જોયું કે જેલ ભરવાથી ચુસ્ત રહેલા સત્યાગ્રહીઓ
હારવાના નથી. દેશનિકાલથી સરકારની અવગણના થતી હતી. કોઈક
કેસો અદાલતોમાં જતા હતા તેમાં તેની હાર પણ થતી હતી. હિંદીઓ
પણ જલદ મુકાબલો કરવા તૈયાર ન હતા. તેટલી સંખ્યામાં સત્યાગ્રહી
રહ્યા પણ નહોતા. કેટલાક કાયર થયા હતા. કેટલાક છેક હારી
ગયા હતા ને ચુસ્ત રહેલાઓને મૂરખ ગણી કાઢતા હતા. મૂરખ
પોતાને ડાહ્યા જોઈ ઈશ્વર ઉપર અને લડાઈની તથા પોતાના સાધનની
સત્યતા ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખી બેઠા હતા. તેઓ માનતા હતા
કે અંતે સત્યનો જ જય છે.
દક્ષિણ આફ્રિકાનો રાજ્યવહીવટ તો એક ક્ષણ પણ રોકાતો ન હતો. બોઅર અને અંગ્રેજો દક્ષિણ આફ્રિકાનાં બધાં સંસ્થાનો એકત્ર કરી વધારે સ્વતંત્રતા ચાહતા હતા. જનરલ હર્ટઝોગ બ્રિટિશ સંબંધ તદ્દન નાબૂદ કરવા ઇચ્છતા હતા. બીજાઓ બ્રિટિશનો નામનો સંબંધ પસંદ કરતા હતા. અંગ્રેજો સંબંધનો સંપૂર્ણ ભંગ તો સહન કરે તેમ ન હતું જે કાંઈ મેળવવું હતું તે બ્રિટિશ પાર્લમેન્ટ મારફતે જ મળે તેમ હતા. એટલે દક્ષિણ આફ્રિકા તરફથી એક ડેપ્યુટેશન વિલાયત જાય ને દક્ષિણ આફ્રિકાનો કેસ બ્રિટિશ પ્રધાનમંડળ અાગળ રજૂ કરે, એવો બોઅર અને બ્રિટિશોએ ઠરાવ કર્યો હતો.
હિંદવાસીઓએ જોયું કે જો એકત્રતા– યુનિયન – થાય તો તેમની સ્થિતિ છે તેના કરતાં વધારે કફોડી થશે. બધાં સંસ્થાન હિંદીઓ ઉપર હંમેશા વધારે ને વધારે દબાણ કરવા માગતાં હતાં. એટલે એ બધા વિરોધીઓ વધારે એકત્ર થાય તો હિંદીઓ ઉપર વધારે દબાણ થાય એ દેખીતું હતું. જોકે હિંદીઓનો અવાજ નગારા અાગળ તતૂડીના સમાન હતો, છતાં એક પણ પ્રયત્ન જતો ન કરવો એ હતુથી આ સમયે ફરી હિંદીઓનું એક ડેપ્યુટેશન વિલાયત મોકલવાનો ઠરાવ થયો. આ વેળા ડેપ્યુટેશનમાં મારી સાથે પોરબંદરના મેમણ શેઠ હાજી હબીબને નીમવામાં આવ્યા હતા. એમનો ટ્રાન્સવાલનો વેપાર ઘણા જૂના વખતનો હતો. અનુભવ બહોળો હતો. અંગ્રેજી કેળવણી નહોતી છતાં અંગ્રેજી , ડચ, ઝૂલુ વગેરે ભાષાઓ સહેલાઈથી સમજી લેતા હતા. એમની દિલસોજી સત્યાગ્રહીઓ તરફ હતી પણ પોતે સંપૂર્ણ સત્યાગ્રહી ન કહેવાય. અમે બંને ભાઈઓ કેપટાઉનથી જે આગબોટમાં વિદાય થયા તેમાં દક્ષિણ આફ્રિકાના પ્રખ્યાત બુઝુર્ગ મેરીમૅન પણ હતા. તેઓ યુનિયન સાંધવા સારુ જતા હતા. જનરલ સ્મટ્સ વગેરે તો અગાઉથી પહોંચ્યા હતા. નાતાલ તરફથી પણ એક નોખું હિંદી ડેપ્યુટેશન આ વેળા વિલાયત ગયું હતું. એ સત્યાગ્રહને અંગે ન હતું, પણ નાતાલમાં પડતી મુશ્કેલીઓને અંગે હતું.
આ વખતે લોર્ડ ક્રુ સંસ્થાનોના પ્રધાન હતા અને લૉર્ડ મૉલીં હિંદના વજીર હતા. ખૂબ ચર્ચા થઈ. અમે ઘણાને મળ્યા. એક પણ અધિપતિ કે આમ કે ઉમરાવની સભાના એક પણ મેમ્બર જેને મળી શકાય તેમ હતું તેને મળ્યા વિના ન રહ્યા. લૉર્ડ એમ્પ્ટહીલની મદદ બેહદ હતી એમ કહી શકાય. તેઓ સાહેબ મિ. મેરીમૅન, જનરલ બોથા વગેરેને મળ્યા કરતા હતા અને છેવટે જનરલ બોથા તરફથી એક સંદેશો લાવ્યા. તેમણે કહ્યું : "જનરલ બોથા તમારી લાગણીને સમજે છે. તમારી પરચૂરણ માગણીઓ કબૂલ રાખવા તૈયાર છે. પણ 'એશિયાટિક એકટ' રદ કરવા ને દક્ષિણ આફ્રિકામાં નવા આવનારાઓ વિશેના કાયદામાં ફેરફાર કરવા તૈયાર નથી. કાયદામાં રહેલો કાળાધોળા વચ્ચેનો ભેદ તમે રદ કરાવવા માગો છો તે રદ કરવાની તેઓ ના પાડે છે. ભેદ રાખવો એ જનરલ બોથા સિદ્ધાંત સમજે છે અને કદાચ તેમને લાગે કે રદ કરવો, તોપણ તે વાત દક્ષિણ આફ્રિકાના ગોરાઓ કદી સહન ન કરે. જનરલ સ્મટ્સનો પણ જનરલ બોથાના જેવો જ મત છે. તેઓ બંને કહે છે કે આ તેમનો છેવટનો નિર્ણય છે, ને છેવટનું કહેણ છે. આથી વધારે તમે માગશો તો દુ:ખી થશો ને તમારી કોમ પણ દુ:ખી થશે. માટે તમે કરો તે નિર્ણય જોઈ વિચારીને કરજો. અામ તમને કહવા અને તમારી જવાબદારીનો તમને ચિતાર આપવા જનરલ બોથાએ મને કહ્યું છે.” આટલો સંદેશો આપી લૉર્ડ એમ્પટહીલ બોલ્યા :
“જુઓને, તમારી બધી વહેવારુ માગણીઓ તો જનરલ બોથા કબૂલ રાખે છે અને આ દુનિયામાં આપલે તો આપણે કરવી જ પડે છે. આપણે ઈચ્છીએ છીએ તે બધું મળી શકતું નથી. એટલે હવે મારી તમને ખાસ સલાહ છે કે તમારે આ કહણ કબૂલ રાખવું. તમારે સિદ્ધાંતને ખાતર લડવું હોય તો અાગળ ઉપર તમે લડી શકશો. આ વાતનો તમે બન્ને વિચાર કરી જોજો અને પછી જોઈએ તો જવાબ દેજે.”
આ સાંભળી મેં શેઠ હાજી હબીબ તરફ જોયું. તેઓએ કહ્યું : “મારી વતી કહો કે હું સમાધાની પક્ષ તરફથી કહું છું કે મને જનરલ બોથાનું કહેણ મંજૂર છે. એટલું જો તેઓ સાહેબ આપે તો આપણે હાલ સંતોષ વાળીએ ને સિદ્ધાંતને સારુ પાછળથી લડી લઈએ. હવે કોમ વધારે ખુવાર થાય એ મને ગમતું નથી. જે પક્ષની વતી હું બોલું છું તે પક્ષની સંખ્યા વધારે છે ને તેની પાસે પૈસો પણ વધારે છે." મેં આ વાકયોનો અક્ષરેઅક્ષર તરજુમો કરી આપ્યો. ને પછી મારા પક્ષ તરફથી હું બોલ્યો : “અાપે જે તસદી લીધી છે તેને સારુ અમે બન્ને આપના આભારી છીએ. મારા સાથીએ જે કહ્યું તે બરોબર છે. તેઓ સંખ્યામાં ને પૈસામાં વધારે બળવાન પક્ષની વતી બોલે છે. હું જેમની વતી બોલું છું તેઓ પ્રમાણમાં ગરીબ છે ને સંખ્યામાં થોડા છે. પણ તેઓ મરણિયા છે. તેમની લડાઈ વ્યવહાર તેમ જ સિદ્ધાંત બન્નેને સારુ છે. જો બેમાંથી એક જતું જ કરવું પડે તો તેઓ વ્યવહારને જવા દઈ સિદ્ધાંતને સારુ ઝૂઝશે. જનરલ બોથાની સત્તાનું અમને માપ છે. પણ અમારી પ્રતિજ્ઞાને અમે તેના કરતાં પણ વધારે વજનદાર સમજીએ છીએ. તેથી પ્રતિજ્ઞાના પાલનને અર્થે અમે ખુવાર થવા રાજી છીએ. અમે ધીરજ રાખીશું. અમારો વિશ્વાસ છે કે અમે અમારા નિશ્ચય ઉપર કાયમ રહીશું તો જે ઈશ્વરને નામે અમે પ્રતિજ્ઞા લીધી છે તે તેને પૂરી કરશે.
આપની સ્થિતિ હું પૂરી સમજું છું. આપે અમારે સારુ ઘણું કર્યું છે. હવે આપ અમને મૂઠીભર સત્યાગ્રહીઓને વધુ સાથ ન દઈ શકો તો અમને તેનો ધોખો નહીં થાય. અને તેથી આપે કરેલો ઉપકાર પણ અમે નહીં ભૂલીએ. આપ પણ અમે આપની સલાહ કબૂલ નથી રાખી શકતા તેને સારુ અમને માફ કરશો, એવી અમને ઉમેદ છે. જનરલ બોથાને અમારી બંનેની વાત અાપ સુખેથી સંભળાવજો ને કહેજો કે, અમે જે થોડા છીએ તે પ્રતિજ્ઞાનું પાલન કરવાના જ છીએ ને આશા રાખવાના છીએ કે, અમારી દુ:ખ સહન કરવાની શક્તિ અંતે તેમના હૃદયને પણ ભેદશે ને તેઓ 'એશિયાટિક એકટ' રદ કરશે.”
લૉર્ડ ઍમ્પ્ટહીલે ઉત્તર આપ્યો :
“તમે એમ ન જાણજો કે હું તમને છોડી દઉં. મારે પણ મારી સજજનતા તો જાળવવી રહેલી જ છે. જે કામ એક વાર હાથ ધર્યું તેને અંગ્રેજ એકાએક છોડતા નથી. તમારી લડત વાજબી છે. તમે શુદ્ધ સાધનોથી લડો છો. હું તમને કેમ છોડું? પણ મારી સ્થિતિ તમે સમજી શકો છો. દુ:ખ તો તમારે ભોગવવાનું રહ્યું. એટલે જરા પણ સમાધાની થઈ શકે તો તે કબૂલ કરવાની સલાહ આપવી એ મારો ધર્મ ગણાય, પણ તમે જે દુ:ખ સહન કરનારા છો તે પોતે તમારી ટેકને સારુ ગમે તેટલું દુઃખ સહન કરવા તૈયાર હો તો હું તમને કેમ રોકું ? હું તો તમને ધન્યવાદ જ આપું. એટલે તમારી કમિટીનો પ્રમુખ તો હું રહીશ જ ને મારાથી બનતી મદદ પણ જરૂર કર્યા કરીશ. પણ તમારે એટલું ધ્યાનમાં રાખવું રહ્યું છે કે ઉમરાવની સભામાં હું એક નાનો સભાસદ ગણાઉં, મારું વજન બહુ ન ગણાય. છતાં જે કાંઈ છે તે તમારે સારુ વપરાયા જ કરશે, એ વિશે તમે નિઃશંક રહેજો.”
આ ઉત્તેજનનાં વચન સાંભળી અમે બંને રાજી થયા.
વાંચનારે આમાં એક મધુર વસ્તુ કદાચ નહીં પારખી હોય. શેઠ હાજી હબીબ અને હું ઉપર જણાવ્યું તેમ મતભેદ ધરાવતા હોવા છતાં, અમારી વચ્ચે એટલી મીઠાશ હતી અને એટલો વિશ્વાસ હતો કે શેઠ હાજી હબીબે પોતાનું વિરોધી વેણ મારી મારફતે જ કહવડાવવામાં અાંચકો ન ખાધો. તેઓ એટલો વિશ્વાસ રાખી શકતા હતા કે હું તેમનો કેસ લૉર્ડ એમ્પ્ટહીલ પાસે બરાબર રજૂ કરીશ.
અહીં વાંચનારને એક અપ્રસ્તુત વાત પણ કહી દઉં. વિલાયતમાં રહ્યો તે દરમ્યાન મારે ઘણા અરાજકતાવાદીઓ સાથે વાતો થયેલી. બધાની દલીલોનું ખંડન કરતાં ને દક્ષિણ આફ્રિકામાં તેવા માણસો હતા તેમનું સમાધાન કરવામાંથી 'હિંદ સ્વરાજ'ની ઉત્પત્તિ થઈ. તેનાં મુખ્ય તત્ત્વો મેં લૉર્ડ એમ્પ્ટહીલની સાથે પણ ચર્ચેલા હતાં તે એવા જ ઇરાદાથી કે, તેઓ સાહેબ એવો ખ્યાલ મુદ્દલ ન લાવે કે મેં મારા વિચારો દબાવીને તેમના નામનો ને તેમની મદદનો દક્ષિણ આફ્રિકાના કામને સારુ ગેરઉપયોગ કર્યો. તેઓ સાહેબ સાથેની આ વિશેની મારી ચર્ચા મને હમેશાં યાદ રહી છે. તેમને ત્યાં માંદગી હતી છતાં મને તેઓ મળ્યા હતા. અને જેકે 'હિંદ સ્વરાજ'ના મારા વિચારોને તેઓ મળતા ન આવ્યા, છતાં દક્ષિણ આફ્રિકાની લડતમાં તેમણે પોતાનો હિસ્સો છેવટ લગી પૂરેપૂરો આપ્યો અને અમારી વચ્ચેનો મીઠો સંબંધ છેવટ લગી કાયમ રહ્યો.