દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/બોઅર લડાઈ

વિકિસ્રોતમાંથી
← હિંદીઓએ શું કર્યું? (ચાલુ) (વિલાયતનો સંબંધ) દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
બોઅર લડાઈ
મોહનદાસ કરમચંદ ગાંધી
લડાઈ પછી →


૯. બોઅર લડાઈ

જે વાંચનારે પાછલાં પ્રકરણ ધ્યાનપૂર્વક વાંચ્યાં હશે તેને તો ખ્યાલ હોવો જ જોઈએ કે બોઅર લડાઈ વખતે દક્ષિણ આફ્રિકાના હિંદીઓની કેવી સ્થિતિ હતી. ત્યાં સુધી થયેલા પ્રયત્નનું વર્ણન પણ અપાઈ ગયું. ૧૮૯૯ની સાલમાં ડો.. જેમિસને સોનાની ખાણોના માલિકોની સાથે થયેલી ખાનગી મસલત પ્રમાણે જોહાનિસબર્ગ ઉપર ધાડ (રેઈડ) પાડી. બંનેની મુરાદ તો એવી હતી કે જોહાનિસબર્ગનો કબજો લેવાઈ ગયા પછી જ બોઅર સરકારને ધાડની ખબર પડશે.

એ ગણતરીમાં ડૉ. જેમિસન અને એમના મિત્રોએ મોટી ભૂલ કરી. બીજી ગણતરી એ હતી કે કદાચ કાવતરું ઉઘાડું પડી જાય તોપણ રોડેશિયામાં કેળવાયેલા નિશાનબાજો(શાર્પશૂટર)ની સામે અણઘડ બોઅર ખેડૂતો શું કરી શકવાના હતા ? જોહાનિસબર્ગની વસ્તીનો ઘણો મોટો ભાગ તો તેમને વધાવી લેવાનો જ એમ પણ તેઓએ ધારેલું આ ગણતરીમાં પણ એ ભલા દાકતર ભીંત ભૂલ્યા. પ્રેસિડન્ટ ક્રૂગરને વેળાસર બધી ખબર પડી ગઈ હતી. તેણે અતિશય શાંતિથી, કુશળતાથી અને છૂપી રીતે ડૉકટર જેમિસનનો ભેટો કરવાની તૈયારી કરી લીધી અને સાથે સાથે તેની સાથે કાવતરામાં જે માણસો ભળ્યા હતા તેઓને પકડવાની પણ તૈયારી કરી લીધી હતી. તેથી ડોક્ટર જેમિસન જોહાનિસબર્ગ નજદીક પહોંચ્યા તેના પહેલાં તો તેને બોઅર લશ્કરે પોતાની ગોળીઓના બારથી વધાવી લીધા. અા લશ્કરની સામે ડૉ. જેમિસનની ટુકડી ઝીંક ઝીલી શકે એવું હતું જ નહીં. જોહાનિસબર્ગમાં કોઈ સામે ન થઈ શકે તેને સારુ પણ સંપૂર્ણ તૈયારી હતી. તેથી વસ્તીમાંથી કોઈ માથું ઊંચકી ન શકયું. પ્રેસિડન્ટ ક્રૂગરની ચળવળથી જોહાનિસબર્ગના કરોડપતિઓ તો હેબતાઈ જ ગયા. આટલી સરસ તૈયારી હતી તેથી ઘણું સુંદર પરિણામ તો એ આવ્યું કે ખરચ ઓછામાં ઓછું થયું અને જાન ખુવારી પણ ઓછામાં ઓછી થઈ. .

ડૉક્ટર જેમિસન અને સોનાની ખાણોના માલિક મિત્રો પકડાયા. તેઓની ઉપર ઘણી જ ત્વરાથી કામ ચાલ્યું. કેટલાકને ફાંસીની સજા થઈ. આમાં ઘણાખરા તો કરોડપતિ જ હતા. વડી સરકાર આમાં શું કરી શકે ? ધોળે દહાડે ધાડ હતી. પ્રેસિડન્ટ ક્રૂગરની કિંમત એકદમ વધી ગઈ. મિ. ચેમ્બરલેને દીન વચનવાળો તાર કર્યો, અને પ્રેસિડન્ટ ક્રૂગરના દયાભાવને જાગ્રત કરી અા બધા મોટા માણસોને સારુ દયાની માગણી કરી. પ્રેસિડન્ટ ક્રૂગરને પોતાનો દાવ રમતાં બરાબર આવડતું હતું. દક્ષિણ આફ્રિકામાંથી કોઈ પણ શક્તિ એની રાજસત્તા છીનવી શકે એવી ધાસ્તી જ ન હતી. ડૉકટર જેમિસન અને તેના મિત્રોનું કાવતરું તેમની પોતાની ગણતરી પ્રમાણે તો સુંદર રીતે રચાયેલું હતું, પણ પ્રેસિડન્ટ ક્રૂગરની ગણતરી પ્રમાણે બાળકમત જેવું હતું. તેથી તેણે મિ. ચેમ્બરલેનની આજીજીનો સ્વીકાર કર્યો અને કોઈને ફાંસીની સજા નહીં આપી, એટલું જ નહીં પણ બધાને સંપૂર્ણ માફી આપી છોડી મૂક્યા !

પણ ઊછળ્યું ધાન પેટમાં ક્યાં સુધી રહી શકે ? પ્રેસિડન્ટ ક્રૂગર પણ જાણતા હતા કે ડૉકટર જેમિસનની ધાડ એ તો ગંભીર રોગનું એક નજીવું ચિહ્ન હતું. જોહાનિસબર્ગના કરોડપતિઓ પોતાની થયેલી નામોશી કોઈ પણ રીતે ધોઈ નાખવાનો પ્રયત્ન ન કરે એ અશકય હતું. વળી, જે સુધારાને અર્થે ડૉકટર જેમિસનનો હુમલો ગોઠવવામાં આવ્યો હતો તે સુધારામાંનું તો હજી કંઈ થયું જ ન હતું. તેથી કરોડપતિઓ કેવળ મૂંગા બેસે તેમ ન હતું. તેઓની માગણી પ્રત્યે, દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ સલ્તનતના મુખ્ય પ્રતિનિધિ (હાઈ કમિશનર) લૉર્ડ મિલ્નરને પૂરેપૂરી લાગણી હતી. તેમ જ ટ્રાન્સવાલનો દ્રોહ કરનારાઓ પ્રત્યેની પ્રેસિડન્ટ ક્રૂગરની મહાઉદારતાની સ્તુતિની સાથે જ ચેમ્બરલેને પ્રેસિડન્ટ ક્રૂગરનું ધ્યાન સુધારાઓ કરવાની જરૂરિયાત તરફ તો ખેંચ્યું જ હતું, સૌ માનતું હતું કે લડાઈ થયા સિવાય ઝઘડો પતવાનો જ નથી. ખાણના માલિકોની માગણી એવા પ્રકારની હતી કે જેનું છેવટ પરિણામ તો એ જ આવે કે ટ્રાન્સવાલમાં બોઅરનું પ્રધાનપદ નાબૂદ થાય.. બંને પક્ષ સમજતા હતા કે લડાઈ એ જ છેવટનું પરિણામ છે. તેથી બંને તૈયારી કરતા હતા. એ વખતનું શબ્દયુદ્ધ જોવા લાયક હતું. પ્રેસિડન્ટ ક્રૂગર વધારે હથિયાર વગેરે મંગાવે એટલે બ્રિટિશ એલચી ચેતવે કે સ્વરક્ષણને સારુ અંગ્રેજ સરકારે પણ દક્ષિણ આફ્રિકામાં થોડું લશ્કર દાખલ કરવું જોઈશે. જ્યારે બ્રિટિશ લશ્કર દક્ષિણ આફ્રિકામાં આવે એટલે પ્રેસિડન્ટ ક્રૂગર તરફથી ટાણો મારવામાં આવે અને વધારે તૈયારી કરવામાં આવે. આમ એક પક્ષ બીજાની ઉપર આરોપ મૂકીને બંને યુદ્ધની તૈયારીઓ ક૨તા જાય.

પ્રેસિડન્ટ ક્રૂગરની જ્યારે પૂરી તૈયારી થઈ રહી ત્યારે તેણે જોયું કે હવે બેસી રહેવું એ તો હાથે કરીને શત્રુને શરણ જવા જેવું છે. બ્રિટિશ સલ્તનતની પાસે પૈસાનો અને પશુબળનો અખૂટ ભંડાર છે; બ્રિટિશ સલ્તનત લાંબા કાળ સુધી ધીમે ધીમે તૈયારી કરતાં અને પ્રેસિડન્ટ ક્રૂગરને દાદ આપવા વીનવતાં વખત ગાળી શકે, અને દુનિયાને બતાવી શકે કે જ્યારે પ્રેસિડન્ટ ક્રૂગર કશી દાદ આપતા જ નથી ત્યારે નછૂટકે યુદ્ધ કરવું પડયું છે; એમ કહી એવી તૈયારીથી યુદ્ધ કરે કે પ્રેસિડન્ટ ક્રૂગરથી લડાઈમાં મુકાબલો થઈ જ ન શકે અને દીન બની બ્રિટિશ સલ્તનતની માગણીઓ કબૂલ કરવી પડે. જે પ્રજાનો ૧૮થી ૬૦ વરસ સુધીની ઉંમરનો બધો પુરુષવર્ગ લડવામાં . કુશળ હોય, જેની ઓરતો પણ ધારે તો લડી શકે એવી હોય, જે પ્રજામાં જાતિસ્વતંત્રતા એ ધાર્મિક સિદ્ધાંત ગણાતો હોય, એ પ્રજા ચક્રવર્તી રાજાના બળની સામે પણ એવી દીન સ્થિતિ ન ભોગવે. બોઅર પ્રજા એવી જ બહાદુર હતી.

ઓરેંજ ફ્રી સ્ટેટની સાથે પ્રેસિડન્ટ ક્રૂગરે પહેલેથી જ મસલત કરી રાખી હતી. આ બંને બોઅર રાજ્યોની એક જ પદ્ધતિ હતી. બ્રિટિશ માગણી પૂરેપૂરી રીતે કબૂલ કરવાનો અથવા તો ખાણના માલિકોને સંતોષ થાય એટલે દરજજે તે કબૂલ રાખવાનો પ્રેસિડન્ટ ફૂગરનો ઈરાદો હતો જ નહીં. તેથી બંને રાજ્યોએ વિચાર્યું કે જયારે લડાઈ થવાની જ છે તો હવે જેટલો વખત જાય તેટલો વખત બ્રિટિશ સલ્તનતને પોતાની તૈયારીને સારુ મળે છે. તેથી પ્રેસિડન્ટ ક્રૂગરે પોતાના છેવટના વિચાર અને છેવટની માગણી લૉર્ડ મિલ્નરને જણાવ્યાં. તેની જ સાથે ટ્રાન્સવાલ અને ઓરેંજ ફ્રી સ્ટેટની સરહદ ઉપર લશ્કર ગોઠવી દીધું. આનું પરિણામ બીજું આવી જ ન શકે. બ્રિટિશ જેવું ચક્રવર્તી રાજ્ય ધમકીને વશ થાય નહીં. “અલ્ટિમેટમ”ની મુદત પૂરી થઈ અને વીજળી વેગે બોઅર લશ્કર આગળ વધ્યું. લેડીસ્મિથ, કિંબરલી અને મેફેકિંગને ઘેરો ઘાલ્યો. અામ ૧૮૯૯માં આ મહાન યુદ્ધ શરૂ થયું, વાંચનાર જાણે જ છે કે લડાઈનાં કારણોમાં એટલે બ્રિટિશ માગણીઓમાં બોઅર રાજ્યોમાં ચાલતી હિંદીઓની પરિસ્થિતિ એ પણ દાખલ હતી.

આ અવસરે દક્ષિણ આફ્રિકાના હિંદીઓએ શું કરવું? એ મહાપ્રશ્ન તેમની સમક્ષ ખડો થયો. બોઅરમાંથી તો આખો પુરુષવર્ગ લડાઈમાં ચાલ્યો ગયો. વકીલોએ વકીલાત છોડી, ખેડૂતોએ પોતાનાં ઘર છોડચાં, વેપારીઓએ પોતાના વેપારનો ત્યાગ કર્યો, નોકરોએ નોકરી છોડી. અંગ્રેજ તરફથી બોઅરના પ્રમાણમાં તો નહીં જ છતાં કેપ કોલોની, નાતાલ અને રોડેશિયામાંથી દીવાની વર્ગમાંના સંખ્યાબંધ માણસો સ્વયંસેવકો બન્યા. ઘણા મોટા અંગ્રેજ વકીલો અને અંગ્રેજ વેપારીઓ તેમાં જોડાયા. જે અદાલતમાં હું વકીલાત કરતો હતો તેમાં મેં હવે ઘણા થોડા વકીલો જોયા. મોટા વકીલો તો ઘણા લડાઈના કામમાં ગૂંથાઈ ગયા હતા. હિંદીઓ ઉપર જે આળ મૂકવામાં આવતાં હતાં તેમાંનું એક એ હતું કે "આ લોકો દક્ષિણ આફ્રિકામાં કેવળ પૈસા એકઠા કરવાને જ આવે છે, આપણી (અંગ્રેજો) ઉપર કેવળ બોજારૂપ છે, અને જેમ ઊધઈ લાકડામાં ભરાઈને લાકડું કોતરી કેવળ ખોખું કરી નાખે છે તેમ આ લોકો આપણાં કલેજાં કોરી ખાવાને જ આવેલા છે. મુલકની ઉપર જે ધાડ આવે, ઘરબાર લૂંટવાનો સમય આવે, તો તેઓ કંઈ આપણને કામ આવવાના નથી. આપણે ધાડપાડુઓથી બચવું પડશે એટલું જ નહીં પણ સાથે આ લોકોનું રક્ષણ કરવું પડશે." આ આળનો પણ અમે બધા હિંદીઓએ વિચાર કર્યો. એ આળમાં વજૂદ નથી એ બતાવવાનો આ સુંદર અવસર છે એમ તો અમને બધાને લાગ્યું. પણ બીજી તરફથી નીચેના વિચારો પણ ક૨વા પડયા.

"આપણને તો અંગ્રેજ અને બોઅર બંને સરખા કનડે છે. ટ્રાન્સવાલમાં દુ:ખ છે અને નાતાલ-કેપમાં નથી એવું નથી. જે તફાવત છે તે કેવળ પ્રમાણનો. વળી, આપણે તો ગુલામ જેવી પ્રજા કહેવાઈએ. બોઅર જેવી ખોબા જેટલી કોમ પોતાની હસ્તીને સારુ લડી રહેલી છે એમ આપણે જાણીએ છીએ તે છતાં તેનો નાશ થવામાં આપણે નિમિત્તભૂત કેમ થઈએ ? અને છેવટે વ્યવહારદૃષ્ટિએ વિચારતાં બોઅર હારવાના છે એવું કોઈથી કહી શકાય એમ નથી. તેઓ જીતી જાય તો આપણી ઉપર વેર લેવા કેમ ચૂકે ?"

આ દલીલ સખત રીતે મૂકનાર અમારામાં એક સબળ પક્ષ હતો. હું પોતે પણ એ દલીલ સમજી શકયો હતો, તેને જોઈતું વજન પણ આપતો હતો. છતાં મને તે બરોબર ન લાગી, અને મેં એ દલીલના રહસ્યનો જવાબ મારા મનને અને કોમને નીચે પ્રમાણે આપ્યો :

"દક્ષિણ આફ્રિકામાં આપણી હસ્તી કેવળ બ્રિટિશ રૈયત તરીકે જ છે. દરેક અરજીમાં બ્રિટિશ રૈયત તરીકે જ હકો માગેલા છે. બ્રિટિશ રૈયત હોવામાં માન માન્યું છે અથવા માન છે એમ રાજ્યાધિકારીઓને અને જગતને મનાવ્યું છે, રાજ્યાધિકારીઓએ પણ હકોનો બચાવ આપણે બ્રિટિશ રૈયત હોવાથી જ કર્યો છે, અને જે કાંઈ સાચવી શકાયું છે તે બ્રિટિશ રૈયત હોવાથી દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજો દુ:ખ આપે તેથી તેમનાં અને આપણાં ઘરબાર જવાનો સમય પણ આવે તે વખતે આપણે અદબ ભીડી પ્રેક્ષક તરીકે તમાશો જોયા કરવો એ આપણા મનુષ્યત્વને ન છાજે એટલું જ નહીં પણ એ દુઃખમાં વધુ દુઃખ વહોરી લેવા બરોબર છે. જે આરોપને આપણે ખોટો માન્યો છે અને ખોટો સાબિત કરવાનો આપણને અનાયાસે અવસર મળ્યો છે, તે અવસરને જતો કરવો એ આપણે હાથે જ આરોપ સાબિત કર્યા બરોબર થશે. અને પછી આપણી ઉપર વધારે દુ:ખ પડે અને અંગ્રેજે વધારે કટાક્ષ કરે એ નવાઈ નહીં કહેવાય. એ તો આપણો દોષ જ ગણાય. અંગ્રેજોના જેટલા આરોપો છે તેને જરાયે પાયો જ નથી – દલીલ કરવા જેવું પણ તેમાં કંઈ નથી એમ કહેવું એ આપણને પોતાને છેતરવા બરાબર થાય. આપણે બ્રિટિશ સલ્તનતમાં ગુલામ જેવા છીએ એ વાત ખરી, પણ અત્યાર સુધીની આપણી વર્તણૂક સલ્તનતમાં રહીને ગુલામી ટાળવાનો પ્રયત્ન કરવાની રહેલી છે. હિંદુસ્તાનના બધા અગ્રેસરો એ જ પ્રમાણે કરે છે. આપણે પણ એમ જ કરી રહ્યા છીએ. અને જો બ્રિટિશ રાજ્યના ભાગ તરીકે જ આપણી સ્વતંત્રતા અને ઉન્નતિ સાધવા ઈચ્છતા હોઈએ તો એમ કરવાનો, આ વખતે આપણે પણ લડાઈમાં તનમનધનથી મદદ કરવી એ સુવર્ણ અવસર છે. બોઅર પક્ષ એ ન્યાયનો પક્ષ છે એમ તો ઘણે ભાગે કબૂલ કરી શકાય. પણ રાજ્યતંત્રની અંદર રહીને રૈયતવર્ગના પ્રત્યેક જણે પોતે બાંધેલા સ્વતંત્ર વિચાર અમલમાં મુકાતા નથી. રાજ્યાધિકારી જેટલાં પગલાં ભરે છે તે બધાં યોગ્ય જ હોય એમ બનતું નથી, તેમ છતાં જ્યાં સુધી રૈયતવર્ગ અમુક શાસનને કબૂલ કરે ત્યાં સુધી તે શાસનમાં કાર્યોને સામાન્ય રીતે અનુકૂળ થવું અને તેમાં મદદ કરવી એ રૈયતવર્ગનો સ્પષ્ટ ધર્મ છે.

"વળી રૈયતવર્ગમાંનો કોઈ ભાગ ધાર્મિક દષ્ટિએ રાજ્યતંત્રના કોઈ કાર્યને અનીતિમય માને તો તે વખતે તેણે એ કાર્યમાં વિઘ્ન નાખતાં પહેલાં અથવા સહાય દેતાં પહેલાં અનીતિમાંથી બચાવવાનો પ્રયત્ન સંપૂર્ણતાએ અને જીવને જોખમે પણ કરવો જોઈએ. એવું અાપણે કાંઈ કર્યું નથી. એવો ધર્મ આપણી સામે ખડો પણ નથી થયો અને એવા એક સાર્વજનિક અને સંપૂર્ણ કારણને લઈને અાપણે અા લડાઈમાં ભાગ લેવા નથી ઈચ્છતા એવું કોઈએ કહ્યું નથી – માન્યું નથી. તેથી આપણો રૈયત તરીકે સામાન્ય ધર્મ તો એ જ છે કે લડાઈના ગુણદોષનો વિચાર કર્યા વિના લડાઈ થઈ છે તો આપણે યથાશક્તિ મદદ કરવી. છેવટે બોઅર રાજ્યો જીતે – અને તેઓ ન જ જીતે એવું માનવાને કંઈ જ કારણ નથી – તો આપણે ઓલમાંથી નીકળી ચૂલમાં પડીએ અને પછી તો મનમાનતું વેર વાળે એમ કહેવું અથવા માનવું એ બહાદુર બોઅરને અને આપણને અન્યાય કરવા બરોબર છે. એ તો કેવળ આપણી નામર્દાઈની નિશાની ગણાય. એવો ખ્યાલ સરખો કરવો એ વફાદારીને બટ્ટો ગણાય. કોઈ અંગ્રેજ ક્ષણભર પણ એવો વિચાર કરી શકે કે અંગ્રેજ હારે તો તેનું પોતાનું શું થાય ? લડાઈના મેદાનમાં પડનાર કોઈ પણ માણસ પોતાનું મનુષ્યત્વ ખોયા વિના આવી દલીલ કરી જ ન શકે." આવી દલીલ મેં ૧૮૯૯માં કરી અને તેમાં કંઈ પણ ફેરફાર કરવા જેવું મને આજે પણ નથી લાગતું, એટલે કે હું જે મોહ તે વખતે બ્રિટિશ રાજતંત્ર ઉપર રાખતો હતો, આપણી સ્વતંત્રતાની જે આશા એ રાજતંત્રની નીચે તે વખતે મેં બાંધી હતી, તે મોહ અને તે આશા જે આજે પણ કાયમ હોય તો હું અક્ષરશ: એ જ દલીલ દક્ષિણ આફ્રિકામાં કરું અને તેવા સંજોગોમાં અહીં પણ કરું. આ દલીલની સામે ઘણા રદિયા મેં દક્ષિણ આફ્રિકામાં સાંભળેલા, ત્યાર પછી વિલાયતમાં પણ સાંભળેલા. એમ છતાં મારા વિચારો બદલવાનું કંઈ પણ કારણ હું જોઈ શકયો નથી. હું જાણું છું કે મારા આજના વિચારોને પ્રસ્તુત વિષયની સાથે કશો સંબંધ નથી, પણ ઉપરનો ભેદ જણાવવાનાં બે સબળ કારણ છે. એક તો એ કે અા પુસ્તક ઉતાવળથી હાથમાં લેનાર ધીરજથી અને ધ્યાનપૂર્વક આ પુસ્તક વાંચે એવી આશા રાખવાનો મને કંઈ હક નથી. એવા વાંચનારને મારી આજકાલની હિલચાલની સાથે ઉપરના વિચારોનો મેળ મેળવતાં મુશ્કેલી પડે, અને બીજું કારણ એ કે એ વિચારશ્રેણીની અંદર પણ સત્યનો જ આગ્રહ છે. આપણે જેવા અંતરમાં છીએ તેવા જ દેખાવું, અને તે પ્રમાણે વર્તવું એ ધર્માચરણનું છેલ્લું પગથિયું નથી પણ એ પહેલું પગથિયું છે. ધર્મનું ચણતર એ પાયા વિના અસંભવિત છે.

હવે આપણે પાછા ઈતિહાસ તરફ વળીએ.

મારી દલીલ ઘણાને ગમી. એ દલીલ મારી એકલાની જ હતી એમ પણ હું વાંચનારને મનાવવા ઈચ્છતો નથી. વળી આ દલીલ પહેલાં પણ લડાઈમાં ભાગ લેવાનો વિચાર રાખનારા ઘણા હિંદીઓ હતા જ. પણ હવે વ્યાવહારિક પ્રશ્ન એ ખડો થયો કે આ વંટોળિયો વાઈ રહ્યો છે તેમાં હિંદી તૂતીનો અવાજ કોણ સાંભળશે ? હિંદીની શી ગણતરી થશે ? હથિયાર તો અમારામાં કોઈએ કોઈ દહાડો ઝાલ્યાં જ ન હતાં. લડાઈનું બિનહથિયારીમાં કામ કરવાને સારુ પણ તાલીમ તો જોઈએ જ. એકતાલે કૂચ કરતાં પણ અમારામાંના કોઈને ન આવડે. વળી લશ્કરની સાથે લાંબી મજલ કરવી, પોતપોતાનો સામાન ઊંચકીને ચાલવું એ પણ કેમ થઈ શકે ? વળી ગોરાઓ અમને બધાને 'કુલી' જ ગણે, અપમાનો પણ કરે, તિરસ્કારની નજરે જુએ. એ કેમ સહન થઈ શકે ? અને લશ્કરમાં દાખલ થવાની માગણી કરીએ તો એ માગણી કેવી રીતે સ્વીકારાવવી ? છેવટે અમે બધા એવા નિશ્ચય પર આવ્યા કે સ્વીકારાવવાને સબળ પ્રયત્ન કરવો, મહેનત મહેનતને શીખવશે, ઈચ્છા હશે તો શક્તિ ઈશ્વર આપશે; મળેલું કામ કેમ થશે તેની ચિંતા છોડી દેવી; બને તેટલી તાલીમ લેવી અને એક વખત સેવાધર્મ સ્વીકારવાનો નિશ્ચય કરીએ તો પછી માનઅપમાનનો વિચાર માંડી જ વાળવો, અપમાન થાય તે સહન કરીને પણ સેવા કરી શકીએ.

અમારી માગણીનો સ્વીકાર કરાવવામાં અનહદ મુશ્કેલીઓ આવી. તેનો ઈતિહાસ રસિક છે પણ એ આપવાનું આ સ્થાન નથી; તેથી એટલું જ કહી દઉં છું કે અમારામાંના મુખ્ય માણસોએ ઘવાયેલાઓની અને દરદીઓની સારવાર કરવાની તાલીમ લીધી. અમારી શારીરિક સ્થિતિ વિશે દાકતરોનાં સર્ટિફિકેટ મેળવ્યાં, અને લડાઈમાં જવા માગણી સરકારને મોકલી દીધી. એ કાગળ અને તેની પાછળ રહેલા સ્વીકાર કરવાના આગ્રહની અસર ઘણી સારી થઈ. કાગળના જવાબમાં સરકારે ઉપકાર માન્યો પણ તે વખતે સ્વીકાર કરવાનો ઈનકાર કર્યો. દરમ્યાન બોઅરોનું બળ વધતું ચાલ્યું. તેમનો ધસારો તો એક મોટી રેલની માફક થયો અને નાતાલની રાજધાની સુધી આવી પહોંચવાનો ભય જણાયો. ઘણા જખમી થયા. અમારો પ્રયત્ન તો જારી જ હતો. છેવટે એમ્બયુલન્સ કોર(ઘવાયેલાઓને ઊંચકનારી અને તેમની સારવાર કરનારી ટુકડી)તરીકે અમારો સ્વીકાર થયો. અમે તો ઈસ્પિતાલોનાં પાયખાનાં સાફ કરવાનું અથવા ઝાડુ દેવાનું કામ પણ સ્વીકારવાનું લખી મોકલ્યું હતું. એટલે ઍમ્બુલન્સ કોર બનાવવાનો સરકારનો વિચાર અમને આવકારલાયક લાગે એમાં શી નવાઈ ? અમારું જે કહેણ હતું તે સ્વતંત્ર અને ગિરમીટમુક્ત હિંદીઓ વિશે હતું. અમે તો સૂચના કરી હતી કે ગિરમીટિયાઓને પણ આમાં દાખલ કરવા એ ઈચ્છવા જેવું છે. એ વખતે તો સરકારને જેટલા મળે એટલા માણસો જોઈતા હતા. તેથી બધી કોઠીઓમાં પણ નિમંત્રણ મોકલેલાં. પરિણામે લગભગ ૧૧૦ હિંદીઓની શોભીતી વિશાળ ટુકડી ડરબનથી રવાના થઈ. તે રવાના થતાં મિ. એસ્કંબ જેનું નામ વાંચનાર જાણે છે અને જે નાતાલના ગોરા સ્વયંસેવકોના ઉપરી હતા તેણે અમને ધન્યવાદ અને આશીર્વાદ આપ્યા !

અંગ્રેજી અખબારોને આ બધું ચમત્કાર જેવું જ લાગ્યું. હિંદી કોમ લડાઈમાં કંઈ પણ ભાગ લે એવી આશા ન જ હતી. એક અંગ્રેજે ત્યાંના મુખ્ય અખબારમાં એક સ્તુતિકાવ્ય લખ્યું, તેની ટેકની એક લીટીનો અર્થ આવો છે : 'આખરે તો આપણે બધા એક જ રાજ્યના બાળ છીએ.'

આ ટુકડીમાં લગભગ ૩૦૦થી ૪૦૦ ગિરમીટમુક્ત હિંદીઓ હશે કે જે સ્વતંત્ર હિંદીઓની હિલચાલથી એકઠા થયેલા. તેમાં સાડત્રીસ જણ અાગેવાન તરીકે ગણાતા હતા. કેમ કે એ લોકોની સહીથી સરકારને કહેણ ગયેલું, અને બીજાઓને એકઠા કરનારા એ હતા. આગેવાનોમાં બેરિસ્ટર, મહેતાઓ વગેરે હતા. બાકીનામાં કારીગર – જેવા કે કડિયા, સુતાર, મજૂરવર્ગ વગેરે – હતા. આમાં હિંદુ, મુસલમાન, મદ્રાસી, ઉત્તરના હિંદી એમ બધા વર્ગના હતા.. વેપારીવર્ગમાંથી કોઈ જ નહીં એમ કહી શકાય. પણ વેપારીઓએ પૈસાનો ફાળો સારો આપ્યો હતો.

આવડી ટુકડીને ફોજી ભથ્થું મળે તેના ઉપરાંત બીજી હાજતો હોય છે અને તે પૂરી પડી શકે તો તેથી એ કઠણ જિંદગીમાં કંઈક રાહત મળે છે. એવી રાહતજોગી વસ્તુઓ પૂરી પાડવાનું વેપારીવર્ગે માથે લીધેલું, અને તેની સાથે જે ઘવાયેલાની અમારે સારવાર કરવી પડે તેઓને સારુ પણ મીઠાઈ, બીડી વગેરે આપવામાં પણ તેઓએ સારી મદદ કરેલી. વળી જ્યાં જ્યાં શહેરોની પાસે અમારો મુકામ થતો ત્યાં ત્યાં વેપારીવર્ગ આવા પ્રકારની મદદ કરવામાં પૂરો ભાગ લેતો હતો.

ગિરમીટિયા જે આ ટુકડીમાં આવ્યા હતા તેઓને સારુ તે તે કોઠીમાંથી અંગ્રેજ સરદારો મોકલવામાં આવ્યા હતા, પણ કામ તો બધાને એક જ હતું. બધાને સાથે જ રહેવાનું હતું. તેથી આ ગિરમીટિયા અમને જોઈને ખૂબ રાજી થઈ ગયા અને એક આખી ટુકડીની વ્યવસ્થા સહેજે અમારા હાથમાં જ આવી પડી. તેથી તે આખી ટુકડી હિંદી કોમની જ ગણાઈ અને તેના કામનો યશ કોમને જ મળ્યો. ખરું જોતાં ગિરમીટિયાઓનું તેમાં દાખલ થવું એનો યશ કોમ ન જ લઈ શકે, તેનો યશ તો કોઠીવાળાઓ જ લે. પણ એટલું ખરું કે એ ટુકડી બંધાઈ ગયા પછી તેની સુવ્યવસ્થાનો યશ તો સ્વતંત્ર હિંદીઓ જ એટલે કોમ જ લઈ શકે અને તેનો સ્વીકાર જનરલ બુલરે પોતાનાં લખાણોમાં (ડિસ્પેચમાં) કરેલો છે. અમને દરદીઓની સારવારની તાલીમ આપનાર ડોક્ટર બૂથ પણ અમારી ટુકડીની સાથે હતા. એ ભલા પાદરી હતા અને હિંદી ખ્રિસ્તીઓમાં કામ કરતા પણ બધાની સાથે ભળી જતા. અને ઉપર સાડત્રીસ નામો મેં ગણાવ્યાં તેમાં ઘણા આ ભલા પાદરીના શિષ્યો હતા. જેવી હિંદી ટુકડી બની હતી તેવી જ યુરોપિયનોની ટુકડી પણ બનાવવામાં આવી હતી, અને બંનેને એક જ જગાએ કામ કરવાનુ હતું.

અમારું કહેણ બિનશરતી હતું, પણ સ્વીકારપત્રમાં એમ જણાવવામાં આવ્યું હતું કે અમારે તોપ કે બંદૂકના ધાની હદની અંદર કામ કરવાનું ન હતું, એનો અર્થ એ થયો કે લડાઈના ક્ષેત્રમાં જે સિપાઈ ઘવાય તેને ફોજની સાથે રહનારી સારવાર કરનારી કાયમી ટુકડી ઉપાડી જાય અને લશ્કરની પછાડી મૂકે. ગોરાની અને અમારી તાત્કાલિક ટુકડીઓ તૈયાર કરવાનો સબબ એ હતો કે લેડીસ્મિથમાં ઘેરાઈ રહેલા જનરલ વ્હાઈટને છોડાવવાનો મહાપ્રયત્ન જનરલ બુલર કરવાના હતા અને તેમાં કાયમી ટુકડી પહોંચી વળે તેના કરતાં ઘણા વધારે જખમી થવાની તેને ધાસ્તી હતી. લડાઈ એવા મુલકમાં ચાલી રહી હતી કે જ્યાં રણક્ષેત્ર અને મથકની વચ્ચે પાકા રસ્તાઓ પણ નહીં. તેથી ઘોડાગાડી વગેરે વાહનોથી ઘવાયેલા માણસોને લઈ જવાનું અશક્ય. મથક હંમેશ કોઈ પણ રેલવે સ્ટેશનની પાસે રાખેલું હોય અને તે રણક્ષેત્રથી સાત આઠ માઈલથી પચીસ માઈલ સુધી પણ દૂર હોય.

અમને કામ કરવાનું તુરત જ મળ્યું અને તે ધાર્યા કરતાં સખત. સાત આઠ માઈલ સુધી જખમીઓને ઉપાડી જવા એ તો સહજ હતું. પણ પચીસ માઈલ સુધી અને તે પણ ભયંકર જખમ ખાધેલા સિપાઈઓ અને અમલદારોને ઊંચકી જવાના. રસ્તામાં તેઓને દવા દેવી, કૂચ સવારે આઠ વાગ્યે શરૂ થાય અને સાંજના પાંચ વાગ્યે તો મથક ઉપર પહોંચવાનું આ ઘણું આકરું કામ ગણાય. એક જ દિવસમાં પચીસ માઈલનો પંથ ઘાયલને ઊંચકીને કરવાનું તો એક જ વખત આવેલું. વળી અારંભમાં હાર ઉપર હાર થતી ગઈ અને જખમીઓ ઘણા વધી પડયા તેથી ગોળાની હદમાં અમને નહીં લઈ જવાનો વિચાર પણ અમલદારોને માંડી વાળવો પડ્યો હતો. પણ મારે એટલું જણાવવું જોઈએ કે જ્યારે એવો પ્રસંગ આવ્યો ત્યારે અમને કહી દેવામાં આવ્યું હતું કે, 'તમારી સાથેની શરત પ્રમાણે તમારા ઉપર ગોળા પડે એવા જોખમમાં તમને મૂકવા નથી, તેથી જો તમે એ જોખમમાં પડવા ઈચ્છો તો તમને તેવી ફરજ પાડવાનો જનરલ બુલરનો મુદ્દલ વિચાર નથી. પણ જો તમે એ જોખમ ઉપાડો તો સરકાર જરૂર તમારો ઉપકાર માનશે.' અમે તો જોખમ ઉપાડવા ઈચ્છતા જ હતા, બહાર રહેવું એ અમને ગમેલું જ નહીં, તેથી આ પ્રસંગને બધાએ વધાવી લીધો. કોઈની ઉપર ગોળીના ઘા નહીં થયેલા તેમ કોઈને બીજી રીતે પણ ઈજા નહોતી થઈ.

આ ટુકડીના રસિક અનુભવો તો ઘણા છે, પણ તે બધા આપવાની આ જગા નથી. પણ એટલું કહેવું જોઈએ કે જેમાં અણઘડ મનાતા ગિરમીટિયા પણ હતા એવી આ આપણી ટુકડીને યુરોપિયનની તાત્કાલિક ટુકડીના તેમ જ કાળા લશ્કરના ગોરા સિપાઈઓના પ્રસંગમાં અનેક વાર આવવું પડતું, છતાં અમને કોઈને એમ નહીં લાગ્યું કે ગોરાઓ અમારી સાથે અતડાઈથી વર્તતા હતા અથવા તિરસ્કાર બતાવતા હતા. ગોરાઓની તાત્કાલિક ટુકડીમાં તો દક્ષિણ આફ્રિકામાં વસેલા ગોરાઓ જ હતા. તેઓ લડાઈ પહેલાં હિંદીવિરોધી હિલચાલમાં ભાગ લેનારા હતા. પણ આ આપત્તિના પ્રસંગે હિંદીઓ પોતાના અંગત દુ:ખ ભૂલીને મદદ કરવા નીકળ્યા છે એ જ્ઞાને અને એ દૃશ્યે તેમનાં હૃદય પણ એ ક્ષણે તો પિગળાવી દીધાં હતાં. જનરલ બુલરના લખાણમાં અમારા કામની તારીફ હતી એ પાછળ કહેવાઈ ગયું છે. સાડત્રીસ આગેવાનોને લડાઈના ચાંદ પણ આપવામાં આવ્યા હતા.

લેડીસ્મિથને છોડાવવાનો જનરલ બુલરનો આ હુમલો પૂરો થતાં એટલે બે મહિના દરમિયાન અમારી ટુકડી તેમ જ ગોરાની ટુકડીને રજા આપવામાં આવી હતી. લડાઈ તો ત્યાર પછી બહુ લાંબી ચાલી. અમે તો સદાયે ફરી જોડાવા તૈયાર હતા અને વિખેરવાના હુકમની સાથે કહેવામાં આવ્યું હતું કે વળી પાછી જો એવી જબરી હિલચાલ ઉપાડવામાં આવશે તો સરકાર અમારો ઉપયોગ જરૂર કરશે. દક્ષિણ આફ્રિકાના હિંદીઓએ લડાઈમાં આપેલો આ હિસ્સો પ્રમાણમાં નજીવો ગણાય. જાતનું જોખમ તો કંઈ જ નહીં એમ કહીએ તો ચાલે. એમ છતાં શુદ્ધ ઈચ્છાની અસર થયા વિના તો રહેતી જ નથી. વળી જયારે એવી ઈચ્છાની કોઈએ આશા ન રાખી હોય તે વખતે તેનો અનુભવ થાય ત્યારે તો તેની કિંમત બેવડી અંકાય છે. હિંદીઓને વિશે એવી સુવાસ લડાઈ ચાલતી હતી તે દરમ્યાન રહી.

આ પ્રકરણ પૂરું કરતાં પહેલાં એક જાણવાજોગ કિસ્સો મારે નોંધવો જોઈએ. લેડીસ્મિથના ઘેરાયેલા માણસોમાં અંગ્રેજો તેમ જ ત્યાં વસનારા છૂટાછવાયા હિંદીઓ પણ હતા. તેમાં વેપારીવર્ગ તેમ જ ગિરમીટિયા, રેલવેમાં કામ કરનારા અથવા ગોરા ગૃહસ્થોને ત્યાં નોકર તરીકે રહનારા પણ હતા. તેમાંનો એક ગિરમીટિયો નામે પરભુસિંગ હતો. ઘેરાયેલા માણસોમાં સૌને કંઈ કંઈ ફરજ તો ઉપરી અમલદાર સોંપે જ. ઘણું જ જોખમવાળું અને તેટલું જ કીમતી કામ 'કુલી'માં ખપતા પરભુસિંગને હસ્તક હતું. લેડીસ્મિથની નજીક ટેકરી ઉપર બોઅર લોકોની પોમ્ પોમ્ નામની તોપ હતી. તેના ગોળાથી ઘણાં મકાનોનો નાશ થયો અને કેટલાક જાનથી પણ ગયા. તોપમાંથી ગોળો છૂટે અને દૂરના નિશાન સુધી પહોંચે તેમાં એક બે મિનિટ તો અવશ્ય જાય. જો એટલી મુદતની સાવચેતી ઘેરાયેલાને મળે તો ગોળો આવી પહોંચે તેના પહેલાં તેઓ કંઈ ને કંઈ ઓથ નીચે જાય, અને પોતાનો જીવ બચાવે. પરભુસિંગને એક ઝાડ તળે બેસવાનું હતું. તોપ શરૂ થાય અને ચાલ્યા કરે ત્યાં સુધી તે બેસતો. તેણે તોપવાળા ટેકરા તરફ જોયા જ કરવું, અને જેવો એ ભડકો જુએ કે તરત ટોકરો વગાડવો. તે સાંભળીને જેમ બિલાડીને જોઈને ઉંદર પોતાના દરમાં ઘૂસી જાય તેમ જીવલેણ ગોળો આવવાની સાવધાનીનો ધંટ વાગતાં જ શહેરીઓ પોતપોતાની ઓથમાં છુપાઈ જાય અને જાન બચાવે.

પરભુસિંગની આ અમૂલ્ય સેવાની તારીફ કરતાં લેડીસ્મિથના અમલદાર જણાવે છે કે પરભુસિંગે એવી નિષ્ઠાથી કામ કરેલું કે એક પણ વખત ઘંટ વગાડતાં એ ચૂકયો નથી. એટલું ઉમેરવાની ભાગ્યે જ જરૂર હોય કે પરભુસિંગને પોતાને તો હંમેશાં જોખમમાં જ રહેવાનું હતું. આ વાત નાતાલમાં પ્રગટ થઈ એટલું જ નહીં પણ લોર્ડ કર્ઝનને કાને પણ પહોંચી. તેમણે પરભુસિંગને ભેટ કરવા એક કાશ્મીરી ઝભ્ભો મોકલાવ્યો અને નાતાલની સરકારને જણાવ્યું કે જેટલી જાહેર રીતે બની શકે તેટલી જાહેર રીતે કારણ દર્શાવીને પરભુસિંગને તે ભેટ કરવો. એ કામ ડરબનના મેયરને સોંપવામાં આવ્યું હતું. અને ડરબનના ટાઉન હૉલમાં કાઉન્સિલ ચેમ્બરમાં જાહેર સભા ભરી એ ભેટ આપવામાં આવી હતી. આ દૃષ્ટાંત આપણને બે વસ્તુ શીખવે છે : એક તો કોઈ પણ મનુષ્યને હલકો કે નજીવો ન ગણવો, બીજું, ગમે તેવો ભીરુ માણસ હોય એ પણ અવસર આવ્યે વીર બની શકે છે.