દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/મુસીબતોનું સિંહાવલોકન (ચાલુ)
← મુસીબતોનું સિંહાવલોકન (નાતાલ) | દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ મુસીબતોનું સિંહાવલોકન (ચાલુ)(ટ્રાન્સવાલ અને બીજા સંસ્થાનો) મોહનદાસ કરમચંદ ગાંધી |
હિંદીઓએ શું કર્યું ? → |
(ટ્રાન્સવાલ અને બીજાં સંસ્થાનો)
જેમ નાતાલમાં તેમ જ વત્તા કે ઓછા પ્રમાણમાં દક્ષિણ આફ્રિકાનાં બીજાં સંસ્થાનોમાં હિંદીઓ તરફ અણગમો સને ૧૮૮૦ પહેલાંથી જ શરૂ થયેલો, અને કેપ કોલોનીને બાદ કરતાં બધાં સંસ્થાનોમાં એક જ મત બંધાયો હતો કે મજૂર તરીકે તો હિંદીઓ બહુ સારા પણ સ્વતંત્ર હિંદીથી તો દક્ષિણ આફ્રિકાને નુકસાન જ થાય છે એ ઘણા ગોરાઓના મનમાં સૂત્રરૂપે ઠસી ગયું હતું. ટ્રાન્સવાલ તો પ્રજાસત્તાક રાજ્ય હતું. ત્યાંના પ્રેસિડન્ટને અમે બ્રિટિશ રૈયત કહેવાઈએ એમ હિંદીઓનું કહેવું એ તો હાંસી વહોરી લેવા સરખું હતું. હિંદીઓને જે કંઈ પણ ફરિયાદ કરવી હોય તો તે કેવળ બ્રિટિશ એલચીની પાસે કરી શકે. એમ છતાં આશ્ચર્ય તો એ છે કે ટ્રાન્સવાલ જયારે બ્રિટિશ સલ્તનતથી કેવળ અળગું હતું ત્યારે જે મદદ બ્રિટિશ એલચી કરી શકતો હતો તે મદદ જ્યારે ટ્રાન્સવાલ બ્રિટિશ સલ્તનત નીચે ગણાયું ત્યારે તદ્દન નાબૂદ થઈ. જયારે લોર્ડ મોર્લીં હિંદી પ્રધાન ના અને તેમની પાસે ટ્રાન્સવાલના હિંદીઓની વકીલાત કરતા એક મંડળ ગયું હતું ત્યારે તેમણે ચોખ્ખું કહેલું કે તમે જાણો છો કે જવાબદારી ભોગવનારી સત્તાઓ ઉપર વડી સરકારનો કાબૂ ઘણો ઓછો છે. સ્વતંત્ર રાજયની સાથે વડી સરકાર લડાઈની ધમકી આપી શકે – લડાઈ પણ કરી શકે, પણ સંસ્થાનોની સાથે તો કેવળ મસલત જ થઈ શકે. એમની સાથેનો સંબંધ રેશમી દોરીથી ગંઠાયેલો છે, જરા તાણવા જતાં તૂટી જાય.. બળથી તો કામ લેવાય જ નહીં; કળ જેટલું કરી શકે એ બધું હું કરીશ એની તમને ખાતરી આપું છું. જ્યારે ટ્રાન્સવાલની સાથે લડાઈ થઈ ત્યારે લડાઈ કરવાનાં કારણોમાંનું એક ત્યાંના હિંદીઓની દુઃખદ સ્થિતિ પણ હતું, એવું લૉર્ડ લેન્સડાઉન, લૉર્ડ સેલબૉર્ન વગેરે બ્રિટિશ અમલદારો બોલ્યા હતા .
હવે આપણે એ દુઃખનું પ્રકરણ તપાસીએ. ટ્રાન્સવાલમાં હિંદીઓ પ્રથમ સન ૧૮૮૧માં દાખલ થયા. મરહૂમ શેઠ અબુબકરે ટ્રાન્સવાલની રાજધાની પ્રિટોરિયામાં દુકાન ખોલી અને તેના મુખ્ય મહોલ્લામાં જમીન પણ ખરીદી. બીજા વેપારીઓ ત્યાં એક પછી એક પહોંચ્યા. તેમનો વેપાર ઘણા ઝપાટાથી ચાલ્યો એટલે ગોરા વેપારીઓને અદેખાઈ અાવી. અખબારોની અંદર હિંદીઓની સામે લખાણ શરૂ થયાં. ધારાસભામાં હિંદીઓને કાઢી મૂકવાની ને તેમનો વેપાર બંધ કરવાની સૂચનાઓવાળી અરજી ગઈ. આ ગોરાઓને સારુ કેવળ નવા મુલકમાં ધનતૃષ્ણાનો પાર નહીં. તેઓ નીતિઅનીતિનો ભેદ ભાગ્યે જ જાણે. ધારાસભાને કરેલી તેઓની અરજીની અંદર આવાં વાક્યો આવે છે : "આ લોકો (હિંદી વેપારી) માનુષી સભ્યતા જાણતા જ નથી. તેઓ બદચાલથી થતાં દરદોથી સડે છે. દરેક ઓરતને તેઓ પોતાનો શિકાર ગણે છે; ઓરતોને આત્મારહિત સમજે છે." આ ચાર વાકયોની અંદર ચાર જૂઠાણાં ભર્યા છે. એવા નમૂના તો બીજા ઘણાયે અાપી શકાય. જેવી પ્રજા તેવા જ પ્રતિનિધિ. અાપણા વેપારીઓને તે શી ખબર હોય કે તેઓની સામે કેવી બેહુદી અને અન્યાયી હિલચાલ ચાલી રહી છે ? તેઓ છાપાં વાંચે નહીં. અખબારમાંની હિલચાલ અને અરજીઓમાંની હિલચાલની અસર ધારાસભા ઉપર થઈ અને ધારાસભામાં એક બિલ રજૂ થયું તેની ખબર અગ્રેસર હિંદીઓને કાને પડી એટલે તેઓ ચોંકયા. તેઓ પ્રેસિડન્ટ ફૂગરની પાસે ગયા. મરહૂમ પ્રેસિડન્ટે તેમને ઘરમાં તો દાખલ પણ ન કર્યા. ઘરના આંગણામાં તેઓને ઊભા રાખ્યા અને તેઓનું થોડુંઘણું સાંભળ્યા પછી તેઓને કહ્યું: તમે તો ઈસ્માઈલની ઓલાદ છો એટલે તમે ઈસોની ઓલાદની ગુલામી કરવાને જ જન્મેલા છો. અમે ઈસોની ઓલાદ ગણાઈએ તેથી તમને એકસરખા હક તો મળી જ ન શકે. અમે જે આપીએ તેથી તમારે સંતોષ માનવો જોઈએ. આમાં દ્વેષ કે રોષ હતો એમ આપણાથી નહીં કહી શકાય. પ્રેસિડન્ટ ફૂગરની કેળવણી જ એવા પ્રકારની હતી કે બચપણથી જ બાઈબલના જૂના કરારમાં કહેલી વાતો તેને શીખવવામાં આવી અને તેણે તે માની. અને જે માણસ જેવું માનતો હોય તેવું જ નિખાલસ દિલથી કહે તેમાં તેનો દોષ શો કાઢી શકાય ? છતાં આવા નિખાલસપણે રહેલા અજ્ઞાનની પણ બૂરી અસર તો થાય જ. અને પરિણામ એ આવ્યું કે સન ૧૮૮પમાં ઘણો આકરો કાયદો ધારાસભામાં ઉતાવળે પસાર થયો, કેમ જાણે હજારો હિંદી તુરત જ ટ્રાન્સવાલમાં લૂંટ કરવા તાકી રહેલા હોય ! એ કાયદાની સામે બ્રિટિશ એલચીને હિંદી અગ્રેસરોની પ્રેરણાથી પગલાં ભરવાં પડ્યાં. મામલો સંસ્થાનોના પ્રધાન સુધી ગયો. એ કાયદાથી દાખલ થનાર હિંદીની પાસેથી પચીસ પાઉન્ડ લેવાની વાત હતી. અને એક તસુ પણ જમીન તે ન લઈ શકે, મતદાર તો તેનાથી ન જ થઈ શકાય. આ બધું એટલું અજુગતું હતું કે તેનો બચાવ દાખલાદલીલથી તો ટ્રાન્સવાલની સરકાર કરી શકે નહીં. ટ્રાન્સવાલ સરકાર અને વડી સરકાર વચ્ચે સુલેહનામું હતું જે 'લંડન કન્વેન્શન'ને નામે ઓળખાતું હતું. તેમાં બ્રિટિશ રૈયતના હકો જાળવવાની એક કલમ [૧] હતી. એ કલમને આધારે વડી સરકારે આ કાયદાનો વિરોધ કર્યો. ટ્રાન્સવાલની સરકારે એવી દલીલ કરી કે જે કાયદો તેણે કરેલો છે તેમાં વડી સરકારે જ પહેલેથી સ્પષ્ટ અથવા ગર્ભિત સંમતિ આપી હતી. આમ બંને પક્ષ વચ્ચે મતભેદ થવાથી તકરાર પંચની પાસે ગઈ. પંચનો ફેંસલો લૂલો થયો. તેણે બંને પક્ષને રાજી રાખવાનો પ્રયત્ન કર્યો. પરિણામ એ આવ્યું કે હિંદીઓએ તેમાં પણ ખોયું જ. માત્ર ફાયદો એટલો થયો કે વધારે ખોવાને બદલે ઓછું ખોયું. એ પંચના ઠરાવ પ્રમાણે સુધારો સન ૧૮૮૬માં થયો. તેની રૂએ પચીસ પાઉન્ડને બદલે ત્રણ પાઉન્ડ લેવાનું ઠર્યું અને જમીનની માલિકી કયાંયે ન લઈ શકાય એવી આકરી શરત હતી તેને બદલે એવું ઠર્યું કે ટ્રાન્સવાલની સરકાર મુકરર કરે તેવા લત્તામાં કે વાડીમાં હિંદીઓ જમીન લઈ શકે. આ કલમનો અમલ થવામાં પણ સરકારે મન ચોર્યું, તેથી આવા વાડાઓમાં પણ જલખરીદ (પસાયતી) જમીન લેવાના હક તો ન જ આપ્યા. આ વાડાઓ દરેક શહેરમાં જ્યાં હિંદીઓનો વસવાટ હતો તેમાં શહેરથી ઘણે દૂર અને ગંદામાં ગંદી જગ્યાએ રાખવામાં આવ્યા. ત્યાં પાણીબત્તીની સગવડ ઓછામાં ઓછી, પાયખાનાં સાફ કરવાનું પણ તેવું જ; એટલે આપણે ટ્રાન્સવાલની પંચમ જાતિ બન્યા. અને તેથી અા વાડાઓ અને હિંદુસ્તાનના ઢેડવાડાઓમાં કંઈ જ તફાવત નહીં એમ કહી શકાય. જેમ હિંદુ ઢેડને અડકવાથી અથવા ઢેડના પડોશથી અભડાઈ જાય તેમ જ હિંદીના સ્પર્શથી કે પડોશથી ગોરા અભડાય એવી સ્થિતિ લગભગ આવી રહી. વળી આ સન ૧૮૮૫ના કાયદા નં. ૩નો ટ્રાન્સવાલની સરકારે એવો અર્થ કર્યો કે હિંદી કોમ વેપાર પણ અા વાડાઓમાં જ કરી શકે. આ અર્થ બરોબર છે કે નથી તેનો ફેંસલો ટ્રાન્સવાલની અદાલત રેપર પંચે રાખેલો હતો એટલે હિંદી વેપારીઓની સ્થિતિ બહુ કફોડી હતી. છતાં મસલતો ચલાવી, કોઈ જગ્યાએ કોઈ કેસો લડી, કોઈ જગ્યાએ વગો ચલાવી, હિંદી વેપારીઓ પોતાની સ્થિતિ ઠીક ઠીક જાળવી શકયા હતા. આ પ્રમાણે દુ:ખદ અને અનિશ્ચિત હાલત બોઅર લડાઈ જાગી તે વખતે ટ્રાન્સવાલની હતી.
હવે આપણે ફ્રી સ્ટેટ તપાસીએ. ત્યાં દસપંદરથી વધારે હિંદી દુકાનો નહીં થઈ હોય તેવામાં જ ગોરાઓએ જબરદસ્ત હિલચાલ ચલાવી મૂકી. ત્યાંનો ધારાસભાએ ચોક્સીથી કામ કરી તળિયું સાફ જ કર્યું. એક સખત કાયદો પસાર કરી, નજીવો નુકસાનીનો બદલો આપી, દરેક હિંદી દુકાનદારને ફ્રી સ્ટેટમાંથી કાઢી મૂકયો.. એ કાયદાની રૂએ હિંદી વેપારી જમીનના માલિક કે ખેડૂત તરીકે ફ્રી સ્ટેટમાં વસી જ ન શકે, મતદાર તો ન જ થવાય. ખાસ રજા મેળવીને મજૂરવર્ગ અથવા હોટલના વેઈટર તરીકે રહી શકે ! આવી રજા પણ દરેક અરજદારને મળે એવું તો હોય જ નહીં. પરિણામ એવું આવ્યું કે ફ્રી સ્ટેટમાં કોઈ પ્રતિષ્ઠિત હિંદી બેચાર દિવસ રહેવાને ઈચ્છે તોપણ બહુ મુસીબતે જ રહી શકે. લડાઈને સમયે ત્યાં આશરે ચાળીસેક હિંદી વેઈટર સિવાય બીજા કોઈ હિંદી ન હતા.
કેપ કોલોનીમાં જોકે થોડીઘણી હિલચાલ અખબારોમાં હિંદીઓની સામે થયાં કરતી. નિશાળો વગેરેમાં હિદી બાળકો ન જઈ શકે, હોટેલ વગેરેમાં હિંદી મુસાફર ભાગ્યે જ ઊતરી શકે,–આવી હિંદીઓની અવગણના કરનારી વર્તણૂક તો ત્યાં પણ હતી – છતાં વેપારવણજ અથવા જમીનની માલિકી વિશે કંઈ હરકત ઘણા કાળ સુધી ન હતી.
આમ હોવાનું કારણ જણાવવું જોઈએ. એક તો કેપટાઉનમાં મુખ્યત્વે કરીને અને આખા કેપ કોલોનીમાં સામાન્ય રીતે મલાયી લોકોની વસ્તી સારા પ્રમાણમાં હતી. એ વિશે આપણે આગળ જોઈ ગયા. મલાયી પોતે મુસલમાન તેથી હિંદી મુસલમાનોની સાથે તેઓનો સંબંધ તરત જ થયો, અને તેની વાટે હિંદીઓનો સંબંધ પણ થોડોઘણો તો થાય જ. વળી હિંદી મુસલમાનોમાંના કેટલાકે મલાયી ઓરતોની સાથે વિવાહનો સંબંધ જોડચો, મલાયીની સામે તો કોઈ પ્રકારનો કાયદો કેપની સરકારથી કેમ થઈ શકે ? એની તો કેપ કોલોની જન્મભૂમિ, એની ભાષા પણ ડચ. ડચની સાથેનો જ તેમનો પ્રથમનો વાસ, એટલે રહેણીમાં તેઓનું ઘણું અનુકરણ. આવાં કારણોથી કેપ કૉલોનીમાં ઓછામાં ઓછો રંગદ્વેષ હમેશાં રહ્યો છે. વળી કેપ કોલોની એ જૂનામાં જૂનું સંસ્થાન હોવાથી અને દક્ષિણ આફ્રિકાનું કેળવણીનું કેન્દ્ર હોવાથી ત્યાં પ્રૌઢ, વિનયી અને ઉદાર દિલના ગોરા પણ પેદા થયા. મારી માન્યતા પ્રમાણે તો દુનિયામાં એકે એવી જગ્યા નથી અને એક એવી જાતિ નથી કે જયાં અથવા જેમાં યોગ્ય પ્રસંગ મળે અને સંસ્કાર પડે તો સુંદરમાં સુંદર મનુષ્યપુષ્પ ઉત્પન્ન થઈ ન શકે. દક્ષિણ આફ્રિકામાં બધી જગ્યાએ એના નમૂના મેં સદ્ભાગ્યે જોયા છે. પણ કેપ કોલોનીમાં તેનું પ્રમાણ બહુ વધારે હતું. તેમાંના સૌથી વધારે જાણીતા અને વિદ્વાન એ મિ. મેરીમેન છે, જે દક્ષિણ આફ્રિકાના ગ્લૅડસ્ટન ગણાતા, કેપ કોલોનીમાં પ્રધાન પણ હતા. બીજું, મિ. મેરીમેન[૨] જેટલો જ નહીં તો તેનાથી બીજા દરજજે ભોગવનાર આખું શ્રાઈનર કુટુંબ અને તેવું જ મોલ્ડીનોનું[૩] કુટુંબ. શ્રાઈનર કુટુંબમાં કાયદાના પ્રખ્યાત હિમાયતી મિ. ડબલ્યુ. પી. શ્રાઈનર થઈ ગયા. કેપ કૉલોનીના પ્રધાનમંડળમાં પણ એક વખત હતા. તેમની બહેન અૉલિવ શ્રાઈનર એ દક્ષિણ આફ્રિકાની લોકપ્રિય અને જયાં જયાં અંગ્રેજી ભાષા બોલાય છે ત્યાં પ્રખ્યાત થયેલાં વિદુષી બાઈ હતાં. મનુષ્યમાત્ર પરનો તેનો પ્રેમ અનહદ હતો. તેની આંખમાંથી જ્યારે જુઓ ત્યારે પ્રેમનો ઝરો જ ઝરતો હોય. એ બાઈએ તેનું 'ડ્રીમ્સ' નામનું પુસ્તક લખ્યું ત્યારથી તે 'ડ્રીમ્સ'ની લેખિકાને નામે ઓળખાઈ. એની સાદાઈ એટલી બધી હતી કે પોતે નામાંકિત કુટુંબની અને વિદુષી હોવા છતાં ઘરમાં વાસણ સુધ્ધાં પોતે જ સાફ કરતી. મિ. મેરીમેન અને આ બે કુટુંબોએ હમેશાં હબસીઓનો પક્ષ લીધેલો, અને જ્યારે જ્યારે તેઓના હક ઉપર ચડાઈ થતી ત્યારે તેઓ તેમની સખત હિમાયત કરતાં. એ તેમનો પ્રેમ હિંદી તરફ પણ વળતો, જોકે તેમાંનાં બધાં બંને વચ્ચે ભેદ કરતાં. તેઓની દલીલ એ હતી કે હબસીઓ દક્ષિણ આફ્રિકાના ગોરાઓના આવવા પહેલાંના વતનીઓ હોઈને તેઓનો સ્વાભાવિક હક ગોરાઓથી છીનવી નહીં શકાય. પણ હિંદી નિવાસીઓને વિશે ન્યાયપૂર્વક તેઓની હરીફાઈનો ભય ટાળવાની ખાતર કંઈ કાયદાઓ ઘડાય તો એ કેવળ અન્યાયી નહીં ગણાય. એમ છતાં તેઓની લાગણી તો હમેશાં હિંદીઓની પ્રત્યે રહેતી. મરહૂમ ગોપાળ કૃષ્ણ ગોખલે જયારે દક્ષિણ આફ્રિકામાં આવ્યા ત્યારે તેમના માનમાં ભરાયેલી દક્ષિણ આફ્રિકાની પહેલી સભા જે ત્યાં કેપટાઉન ટાઉનહૉલમાં મળી હતી તેમાં મિ. શ્રાઈનર પ્રમુખ હતા. મિ. મેરીમેને પણ તેમની સાથે મીઠાશથી, વિનયથી વાતો કરેલી અને હિંદીઓ પ્રત્યેની લાગણી દર્શાવેલી કેપટાઉનનાં અખબારોમાં પણ પ્રમાણમાં પક્ષપાત ઘણો ઓછો હતો.
મિ. મેરીમેન વગેરેનું જે હું લખી ગયો તેવું બીજા ગોરાઓને વિશે પણ લખી શકાય. અહીં તો માત્ર દાખલા તરીકે ઉપરનાં સર્વમાન્ય નામો આપેલાં છે. આવા કારણથી કેપ કોલોનીમાં રંગદ્વેષ હમેશાં ઓછો રહ્યો છતાં જે વાયુ દક્ષિણ આફ્રિકાનાં ત્રણ સંસ્થાનોમાં નિરંતર વાયા કરતો હતો તેની ગંધ કેપ કોલોનીમાં ન જ પહોંચે એવું તો કેમ બને ? તેથી ત્યાં પણ નાતાલના જેવા પ્રવેશના અને વેપારના પરવાનાના કાયદા પસાર થયા. એટલે દક્ષિણ આફ્રિકાનું બારું જે હિંદીઓને સારુ તદ્દન ખુલ્લું હતું તે બોઅર લડાઈને વખતે લગભગ બંધ થઈ ગયું હતું એમ ગણી શકાય. ટ્રાન્સવાલમાં પ્રવેશ ઉપર પેલા ત્રણ પાઉન્ડની ફી ઉપરાંત કંઈ પણ અંકુશ નહોતો. પણ જ્યારે નાતાલ અને કેપનાં બંદરો બંધ થયાં ત્યારે ટ્રાન્સવાલ જે મધ્યમાં આવ્યું ત્યાં જનારા હિંદીઓ હિંદુસ્તાનથી કયાં ઊતરે ? એક રસ્તો હતો. તે પોર્ટુગીઝનું ડેલાગોઆ બે બંદર. પણ ત્યાંયે ઓછાવત્તા પ્રમાણમાં બ્રિટિશ સંસ્થાનોનું અનુકરણ થયું. ઘણી મુસીબતો વેઠી અથવા લાંચરુશવત દઈ નાતાલ મારફતે તેમ જ ડેલાગોઆ બે મારફતે છૂટાછવાયા હિંદીઓ ટ્રાન્સવાલમાં જઈ શકતા એટલું કહી દેવું જોઈએ.
- ↑ એ કલમ 'લંડન કન્વેન્શન”માં ૧૪મી હતી.
- ↑ મિ. મેરીમેનની વધુ પિછાન : કેપ કોલોનીને ૧૮૭૨માં જવાબદાર રાજતંત્ર મળ્યું ત્યારથી તે ત્યાંના દરેક પ્રધાનમંડળમાં સભ્ય હતા અને ૧૯૧૦માં દક્ષિણ આફ્રિકાનું યુનિયન સ્થપાયું તે વેળાના છેલ્લા પ્રધાનમંડળના પ્રમુખ હતા.
- ↑ સર જોન મોલ્ટીનો સન ૧૮૭રના પ્રથમ પ્રધાનમંડળના પ્રમુખ હતા.