દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/સમાધાનીનો વિરોધ - મારી ઉપર હુમલો
← પહેલી સમાધાની | દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ સમાધાનીનો વિરોધ - મારી ઉપર હુમલો મોહનદાસ કરમચંદ ગાંધી |
ગોરા સહાયકો → |
રાતના નવેક વાગ્યે જોહાનિસબર્ગ પહોંચ્યો. પરબારો પ્રમુખ શેઠ
ઈસપમિયાંને ત્યાં ગયો. મને પ્રિટોરિયા લઈ ગયા છે એ ખબર
તેઓને પડી ગઈ હતી, તેથી કંઈક મારી રાહ પણ જોતા હશે.
છતાં મને એકલો પહોંચેલો જોઈ સૌ આશ્ચર્ય પામ્યા અને ખુશી
થયા. મેં સૂચના કરી કે જેટલાં બની શકે તેટલાં માણસોને બોલાવીને
તે જ વખતે સભા તો ભરવી જોઈએ. ઈસપમિયાં વગેરે મિત્રોને
પણ એ ગમ્યું. ઘણાઓ એક જ લત્તામાં રહેનારા હોય તેથી ખબર
આપવી મુશ્કેલ ન જ પડે. પ્રમુખનું મકાન મસ્જિદની પાસે જ
હતું અને સભાઓ તો મસ્જિદના ફળિયામાં જ થતી. એટલે ગોઠવણ
કરવાપણું બહુ રહ્યું જ નહીં. માંચડા ઉપર એક બત્તી લઈ જવી
એ જ ગોઠવણ. રાતના લગભગ ૧૧ કે ૧૨ વાગ્યે સભા ભરાઈ.
વખત ટૂંક છતાં લગભગ હજારેક માણસો ભેળાં થઈ ગયાં હશે.
સભા ભરાતા પહેલાં જે આગેવાનો હાજર હતા તેઓને મેં સમાધાનીની શરતો સમજાવી હતી. કોઈક તેનો વિરોધ કરતા હતા. છતાં એ મંડળમાંના બધા મારી દલીલ પછી સમાધાની સમજી શકયા. પણ એક શક તો બધાને હતો, "જનરલ સ્મટ્સ દગો દેશે તો ? ખૂની કાયદો ભલે અમલમાં ન આવે પણ આપણી ઉપર મોસલની માફક ઊભો તો રહેશે જ. દરમ્યાન, આપણે મરજિયાત પરવાના લઈને આપણાં કાંડાં કાપી દેવાં એટલે તો આપણી પાસે એ કાયદાનો વિરોધ કરવાનું જે એક મોટું શસ્ત્ર છે તે આપણે હાથે છોડી દેવું ! આ તો જાણી જોઈને શત્રુના પંજામાં ફસાવા જેવું થયું, ખરી સમાધાની તો એ કહેવાય કે ખૂની કાયદો પહલો રદ કરે અને પછી આપણે મરજિયાત પરવાના કઢાવીએ." મને આ દલીલ ગમી. દલીલ કરનારાઓની તીક્ષણ બુદ્ધિ અને તેઓની હિંમતને સારુ મને અભિમાન આવ્યું અને મેં જોયું કે સત્યાગ્રહીઓ એવા જ હોવા જોઈએ.
એ દલીલના જવાબમાં મેં કહ્યું, "તમારી દલીલ સરસ છે અને વિચારવા જેવી છે. ખૂની કાયદો રદ કર્યા પછી જ આપણે મરજિયાત પરવાના લઈએ, એના જેવું સરસ તો બીજું કંઈ ગણાય જ નહીં. પણ એને હું સમાધાનીનું લક્ષણ ન ગણું, સમાધાનીનો અર્થ જ એ કે જ્યાં સિદ્ધાંતનો ભેદ ન હોય ત્યાં બન્ને પક્ષ પુષ્કળ અાપ-લે કરે ને છૂટ મેલે. અાપણો સિદ્ધાંત એ છે કે, આપણે ખૂની કાયદાને વશ થઈને, તેની રૂએ તો કરવામાં વાંધો ન હોય તેવું કામ પણ ન કરીએ. આ સિદ્ધાંતને આપણે વળગી રહેવાનું છે. સરકારનો સિદ્ધાંત એ છે કે, ખોટી રીતે હિંદીઓ ટ્રાન્સવાલમાં દાખલ ન થાય તે સારુ ઓળખાણની નિશાનીઓવાળા અને જેની અદલાબદલી ન થઈ શકે તેવા પરવાના પુષ્કળ હિંદીઓ કઢાવે, ગોરાઓના વહેમને શમાવે અને તેઓને નિર્ભય કરે. આ સિદ્ધાંતને સરકાર ન છોડે. એ સિદ્ધાંત આપણે આજ લગી આપણી વર્તણૂકથી કબૂલ પણ રાખ્યો છે. એટલે, તેની સામે થવા જેવું આપણને લાગે તોપણ જ્યાં સુધી નવાં કારણો ઉત્પન્ન ન થાય ત્યાં સુધી તેની સામે ન લડી શકાય. આપણી લડત એ સિદ્ધાંતને કાપવા સારુ નથી, પણ કાયદાનો કાળો ડામ દૂર કરવા ખાતર છે. એટલે, જે હવે આપણે કોમમાં પ્રગટ થયેલા નવા અને પ્રચંડ બળનો ઉપયોગ કરવા સારુ એક નવો મુદ્દો આગળ કરીએ તો સત્યાગ્રહીના સત્યને ઝાંખપ લાગે. એટલે વાસ્તવિક રીતે તો આ સમાધાની સામે થઈ શકાય એવું નથી. "હવે ખૂની કાયદો રદ થયા પહેલાં આપણે કેમ આપણાં કાંડાં કાપી દઈએ, શસ્ત્રહીન બની જઈએ ? આ દલીલ વિચારીએ. આનો જવાબ તો બહુ સીધો છે. સત્યાગ્રહી ભયને તો કોરે જ મૂકે છે, તેથી વિશ્વાસ કરતાં તે કદી ડરે જ નહીં, વીસ વાર વિશ્વાસનો ઘાત થાય તોપણ એકવીસમી વાર વિશ્વાસ કરવા એ તૈયાર રહે છે. કેમ કે સત્યાગ્રહી પોતાનું વહાણ વિશ્વાસથી જ ચલાવે છે, અને વિશ્વાસ રાખવામાં તે પોતાનાં કાંડાં કાપી દે છે એમ કહેવું એ સત્યાગ્રહને ન સમજવા બરોબર છે.
"ધારો કે આપણે નવા મરજિયાત પરવાના કઢાવ્યા. પછી સરકાર વિશ્વાસઘાત કરે, ખૂની કાયદો રદ ન કરે, તો શું આપણે તે વખતે સત્યાગ્રહ ન કરી શકીએ ? એ પરવાના કઢાવ્યા છતાં, યોગ્ય વખતે આપણે તે બતાવવાની ના પાડીએ તો એની શી કિંમત ? તો, હજારો હિંદીઓ ગુપ્ત રીતે ટ્રાન્સવાલમાં દાખલ થઈ જાય તેમની વચ્ચે અને આપણી વચ્ચે સરકાર કઈ રીતે તફાવત કરી શકે ? એટલે, કાયદા સાથે કે કાયદા વિના, કોઈ પણ સ્થિતિમાં, આપણી મદદ વિના સરકાર આપણા ઉપર અંકુશ ન જ ચલાવી શકે. કાયદાનો અર્થ માત્ર એટલો જ કે જે અંકુશ મૂકવા સરકાર ઈચ્છે છે તે આપણે કબૂલ ન કરીએ એટલે આપણે સજાપાત્ર થઈએ. અને સામાન્ય રીતે એવું બને છે કે, મનુષ્યપ્રાણી સજાના ભયથી અંકુશને તાબે થાય છે. પણ એ સામાન્ય નિયમનું સત્યાગ્રહી ઉલ્લધન કરે છે. જે તે અંકુશને તાબે થાય છે તો ત્યાં પણ તે કાયદાની સજાના ભયને લીધે નહીં, પણ તે અંકુશ માનવામાં લોકકલ્યાણ છે એમ સમજીને, પોતાની ઈચ્છાએ તેમ કરે છે. અને એવી જ સ્થિતિ આપણી અત્યારે આ પરવાનાઓને વિશે છે. એ સ્થિતિ સરકાર ગમે તેવો દગો દઈને પણ બદલાવી નહીં શકે. એ સ્થિતિના ઉત્પન્નકર્તા આપણે છીએ અને તેને બદલી પણ આપણે જ શકીએ છીએ. જ્યાં સુધી સત્યાગ્રહનું હથિયાર આપણા હાથમાં છે ત્યાં સુધી આપણે સ્વતંત્ર અને નિર્ભય છીએ.
“અને મને જો કોઈ એમ કહે કે આજે કોમમાં જે બળ આવ્યું છે તે કંઈ ફરી પાછું આવવાનું નથી, તો હું એમ જવાબ આપું કે એ માણસ સત્યાગ્રહને સમજતો નથી. એના કહેવાનો અર્થ તો એવો થાય કે આજે પ્રગટ થયેલું બળ એ સાચું નથી પણ એક નશા જેવું ખોટું અને ક્ષણિક છે. અને જો એ વાત ખરી હોય તો આપણને જીતવું ઘટતું જ નથી. અને જીતશું તો જીતેલી બાજી પણ આપણે હારી જવાના. માનો કે સરકારે ખૂની કાયદો રદ કર્યો. પછી આપણે મરજિયાત પરવાના કઢાવ્યા અને ત્યાર બાદ સરકારે એ ખૂની કાયદો ફરી પસાર કર્યો અને ફરજિયાત પરવાના કઢાવવાનું શરૂ કર્યું, તો તે વેળાએ સરકારને કોણ રોકી શકનાર છે ? અને જો આ વખતે આપણા બળને વિશે આપણને શંકા હોય તો તે વખતે પણ આપણી એવી જ દુર્દશા હશે. એટલે, ગમે તે દષ્ટિએ આ સમાધાનીને આપણે તપાસીએ તોપણ એમ કહી શકાય કે, એવી સમાધાની કરવામાં કોમને કશું ખોવાનું જ નથી, પણ કોમ તો ખાટશે જ. અને હું તો એમ પણ માનું છું કે, આપણા વિરોધીઓ પણ આપણી નમ્રતા અને ન્યાયબુદ્ધિ ઓળખ્યા પછી તેઓનો વિરોધ છોડશે અથવા ઓછો કરશે."
આમ, જે એકબે માણસોએ એ નાનકડી મંડળીમાં વિરોધ દર્શાવ્યો હતો તેમના મનનું તો હું સંપૂર્ણ સમાધાન કરી શકયો. પણ જે વંટોળિયો મધરાતની મોટી સભામાં વાવાનો હતો તેનું તો મને સ્વપ્નનુંયે ન હતું. મેં સભાને આખી સમાધાની સમજાવી અને સૂચવ્યું : “આ સમાધાનીથી કોમની જવાબદારી ઘણી વધી પડે છે. આપણે દગાથી અથવા ખોટી રીતે એક પણ હિંદીને ટ્રાન્સવાલમાં દાખલ નથી કરવા ઇચ્છતા એ બતાવવાની ખાતર મરજિયાત પરવાના કઢાવવાના છે. કોઈ ન કઢાવે તો તેને હાલ તો સજા પણ નથી થવાની. પણ ન કઢાવવાનો અર્થ એ જ થવાનો કે કોમ સમાધાની કબૂલ નથી રાખતી. તમે અત્યારે હાથ ઊંચા કરીને સમાધાનીને વધાવશો એ જરૂરનું છે એ હું માગું પણ છું. પણ એનો અર્થ એ જ હોય અને હું એ જ કરવાનો કે, તમે હાથ ઊંચા કરનારા નવા પરવાના કાઢવાની ગોઠવણ થાય કે તરત પરવાના કઢાવવા મંડી જશો; અને અાજ લગી પરવાના ન કઢાવવાનું સમજાવવાને સારુ જેમ તમારામાંના ઘણા સ્વયંસેવકો બન્યા હતા, તેમ હવે પરવાના કઢાવવાનું લોકોને સમજાવનારા સ્વયંસેવકો બનશો. અને આપણે ભજવવાનો ભાગ આપણે ભજવી લઈશું ત્યારે જ આ થયેલી જીતનું ફળ આપણે ખરેખરું જોઈ શકીશું."
હું ભાષણ કરી રહ્યો કે તુરત જ એક પઠાણ ભાઈ ઊભા થયા અને સવાલોનો વરસાદ મારી ઉપર વરસાવ્યો: "આ સમાધાનની હેઠળ દશ અાંગળાં આપવાં પડશે ખરાં ?"
"હા અને ના. મારી સલાહ તો એમ જ પડવાની છે કે બધાએ દશ આંગળાં આપવાં. પણ જેને ધર્મનો બાધ હશે અથવા જે તેવાં અાંગળાં આપવામાં સ્વમાન ઘટે છે એમ માનતો હશે તે નહીં આપે તો પણ ચાલશે."
"તમે પોતે શું કરશો ?"
"મેં તો દશ અાંગળાં આપવાનો નિશ્ચય કર્યો છે. હું ન આપું અને બીજાને આપવાની સલાહ આપું એ મારાથી તો ન જ બને."
"તમે દશ અાંગળાંને વિશે ઘણું લખતા હતા. એ તો ગુનેગારોની પાસેથી જ લેવામાં આવે છે ઇત્યાદિ શીખવનાર પણ તમે. આ લડત દશ આંગળાંની છે એવી વાત કહેનાર પણ તમે. એ બધું આજ ક્યાં ગયું?"
"મેં દશ આંગળાં વિશે પહેલાં જે જે લખ્યું છે તેની ઉપર આજે પણ કાયમ છું. દશ આંગળાં હિંદુસ્તાનમાં ગુનેગાર કોમો પાસેથી લેવામાં આવે છે એ વાત હું આજે પણ કહું છું. ખૂની કાયદાની રૂએ દશ આંગળાં તો શું પણ સહી અાપવામાં પણ પાપ છે એમ મેં કહ્યું છે અને આજે પણ કહું છું. દશ આંગળાંની ઉપર મેં બહુ ભાર મૂકયો એ વાત પણ સાચી છે, અને એ ભાર મૂકવામાં પણ મેં ડહાપણ વાપર્યું એમ હું માનું છું. ખૂની કાયદાની ઝીણી બાબતો, જે આપણે આજ સુધી પણ કરતા આવ્યા હોઈએ, તેની ઉપર ભાર દઈને હું કોમને સમજાવું, તેના કરતાં દશ આંગળાં જેવી મોટી અને નવી બાબત ઉપર ભાર દેવો એ સહેલું હતું, અને મેં જોયું કે કોમ એ વાત તુરત સમજી ગઈ.
"પણ આજની સ્થિતિ જુદી છે. જે વસ્તુ ગઈ કાલે ગુનો હતો તે વસ્તુ આજે નવી સ્થિતિમાં ગૃહસ્થાઈ અથવા ખાનદાનીનું નિશાન છે, એમ હું ભાર દઈને કહેવા ઇચ્છું છું. મારી પાસેથી તમે બળાત્કારે સલામ માગો અને હું કરું તો તમારી, લોકોની તેમ જ મારી નજરે પણ હું હલકો જ ઠરું. પણ મારી પોતાની મેળે તમને મારા ભાઈ અથવા તો ઇન્સાન સમજી સલામ કરું એમાં મારી નમ્રતા અને મારી ખાનદાની જાહેર થાય, અને ખુદાના દરબારમાં પણ એ વાત મારી તરફમાં નોંધાય. એ જ દલીલથી હું કોમને દશ આંગળાં આપવાની સલાહ આપું છું."
"અમે સાંભળ્યું છે કે તમે કોમને દગો દીધો છે અને ૧૫,૦૦૦ પાઉંડ લઈને જનરલ સ્મટ્સને વેચી છે. અમે કદી દશ આંગળાં દેવાના નથી અને કોઈને દેવા દઈશું પણ નહીં. હું ખુદાના કસમ ખાઈને કહું છું કે જે માણસ એશિયાટિક અૉફિસમાં જવાની પહેલ કરશે તે માણસને હું ઠાર મારીશ."
"પઠાણ ભાઈઓની લાગણી હું સમજી શકું છું. હું લાંચ ખાઈને કોમને વેચું એવું કાઈ ન જ માને એવી મારી ખાતરી છે. જેઓએ દશ અાંગળાં નહીં દેવાના સોગન ખાધા હોય તેઓને અાંગળાં આપવાની કોઈ ફરજ પાડી શકે એમ નથી, એ હું પહેલેથી જ સમજાવી ગયો છું અને હરકોઈ પઠાણ અથવા બીજા અાંગળાં આપ્યા વિના પરવાના કઢાવવા ઈચ્છે તેઓને પરવાના કઢાવી દેવામાં હું પૂરેપૂરી મદદ કરીશ. અને હું ખાતરી આપું છું કે વગર અાંગળાં આપ્યો તેઓ મરજિયાત પરવાના કઢાવી શકશે.
"ઠાર મારવાની ધમકી મને નથી ગમતી એ મારે કબૂલ કરવું જોઈએ. કોઈને મારી નાખવાના કસમ ખુદાને નામે ન લઈ શકાય એમ પણ હું માનું છું. એથી હું તો એમ જ સમજી લઈશ કે ગુસ્સાના આવેશમાં આવી જઈને જ આ ભાઈએ ઠાર મારવાના કસમ ખાધા છે. પણ તે કસમ અમલમાં મૂકવાના હોય યા ન મૂકવાના હોય, પણ આ સમાધાન કરવામાં મુખ્ય માણસ તરીકે અને કોમના સેવક તરીકે મારી ચોખ્ખી ફરજ છે કે, અાંગળાં આપવાની પહેલ મારે જ કરવી જોઈએ. અને હું તો ઈશ્વરની પાસે માગીશ કે તે મને જ પહેલ કરવા દે. મરવું તો સૌને નસીબે છે જ. રોગથી મરવું કે બીજા એવી જાતના કારણથી મરવું એના કરતાં મારા કોઈ પણ ભાઈને હાથે મરું તેમાં મને દુ:ખ હોય જ નહીં. અને જો તેવે સમયે પણ હું જરાયે ગુસ્સો ન કરું અથવા મારનાર પ્રત્યે દ્વેષ ન કરું તો હું જાણું છું કે, મારું તો ભવિષ્ય જ સુધરે, અને મારનાર પાછળથી તો સમજી જ જાય કે હું તદ્દન નિર્દોષ હતો."
ઉપરના સવાલો થવાનું કારણ સમજાવવાની જરૂર છે. જેઓ કાયદાને વશ થયા હતા તેઓના પ્રત્યે જોકે કંઈ પણ વેરભાવ રાખવામાં નહોતો આવ્યો, છતાં એ કાર્યને વિશે તો સ્પષ્ટ અને આકરા શબ્દોમાં ઘણું કહેવાયું હતું અને ઘણું 'ઈન્ડિયન ઓપીનિયન'માં લખાયું હતું. તેથી, કાયદાને વશ થનારાઓનું જીવન અળખામણું જરૂર થઈ ગયું. તેઓ કદી ધારતા ન હતા કે, કોમનો મોટો ભાગ આબાદ રહી જશે અને એટલે સુધી જોર બતાવશે કે સમાધાન થવાનો પણ વખત આવે. પણ જ્યારે ૧પ૦ ઉપરાંત સત્યાગ્રહીઓ જેલમાં પહોંચી ગયા અને સમાધાનીની વાતો ચાલવા લાગી, ત્યારે કાયદાને શરણ થનારાઓને વધારે વસમું લાગ્યું; અને તેમાં કોઈ એવાય નીકળે કે જે સમાધાની ન ઈચ્છે અને થઈ જાય તો તેમાં ભંગાણ ઇચ્છે.
ટ્રાન્સવાલમાં રહેનાર પઠાણોની સંખ્યા ઘણી ઓછી હતી. બધા મળીને પ૦થી વધારે નહીં હોય, એમ મારી માન્યતા છે. તેઓમાંના ઘણા લડાઈને વખતે આવેલા સિપાઈઓ હતા અને જેમ લડાઈને વખતે આવેલા ઘણા ગોરા દક્ષિણ આફ્રિકામાં વસી ગયા, તેમ લડાઈમાં આવેલા પઠાણો તેમ જ બીજા હિન્દીઓ પણ વસી ગયા હતા. તેમાંના કેટલાક મારા અસીલો પણ થયા હતા અને બીજી રીતે પણ હું તેઓને ખૂબ ઓળખતો થઈ ગયો હતો. તેઓ જાતે બહુ ભોળા હોય છે, શૂરવીર તો હોય છે જ. મારવું અને મરવું એ તેઓની નજરમાં ઘણી સામાન્ય વસ્તુ છે. અને જો તેઓને કોઈના ઉપર રોષ ચડે તો તેને માર મારે – તેઓની ભાષામાં – તેની પીઠ ગરમ કરે અને કોઈ વાર મારી પણ નાખે. આમાં તેઓ કેવળ નિષ્પક્ષપાતી હોય છે. સગો ભાઈ હોય તો તેની સાથે પણ એ જ પ્રમાણે વર્તે. પઠાણોનો એટલો સમુદાય હોવા છતાં, તેઓમાં તકરાર થાય ત્યારે એકબીજા મારામારી કરે જ. આવી મારામારીના કિસ્સા કેટલીક વાર મારે શમાવવા પડતા. તેમાંયે જ્યારે દગાની વાત આવે ત્યારે તો તેઓ પોતાનો ગુસ્સો જીરવી જ ન શકે. ન્યાય મેળવવાને સારુ માર એ જ તેઓની પાસે કાયદો હતો.
પઠાણો આ લડતમાં પૂરો ભાગ લેતા હતા. તેઓમાંના કોઈ કાયદાને વશ થયા ન હતા. તેઓને ભમાવવા એ સહેલું હતું. દશ અાંગળાંની બાબતમાં તેઓને ગેરસમજૂતી થાય એ તદ્દન સમજી શકાય એવી વાત હતી અને એ દ્વારા તેઓને ઉશ્કેરવા એ જરાયે મુશ્કેલ ન હતું. લાંચ લીધી ન હોય તો દશ અાંગળાં આપવાની વાત હું કેમ કરું? આટલું સૂચવવું એ પઠાણોને વહેમમાં નાખવાને સારુ બસ હતું.
વળી એક બીજો પક્ષ પણ ટ્રાન્સવાલમાં મોજૂદ હતો. તે પક્ષ ટ્રાન્સવાલમાં વગર પરવાને છૂપી રીતે આવેલાઓનો અને જેઓ છૂપી રીતે વગર પરવાને અગર ખોટે પરવાને હિંદીઓને દાખલ કરતા હતા તેવાઓનો હતો. અા પક્ષનો સ્વાર્થ સમાધાની ન થાય તેમાં જ રહેલો હતો. લડાઈ ચાલ્યા કરે ત્યાં સુધી કોઈએ પરવાના દેખાડવાના હતા જ નહીં અને તેથી નિર્ભય થઈને આ પક્ષ પોતાનો વ્યાપાર ચલાવ્યા જ કરે અને લડાઈ ચાલુ રહે તે દરમ્યાન આવા માણસો જેલમાં જવામાંથી તો સહેલાઈથી બચી શકે. એટલે લડાઈ લંબાય ત્યાં સુધી આ પક્ષ પોતાને સારુ સુકાળ માને. અામ અા લોકો પણ પઠાણોને સમાધાનીની સામે ઉશ્કેરી શકે. હવે વાંચનાર સમજી શકશે કે પઠાણો એકાએક કેમ ઉશ્કેરાઈ ગયા હતા.
પણ અા મધરાતી કટાક્ષની અસર સભાની ઉપર કંઈ થઈ નહીં. મેં સભાનો મત માગ્યો હતો. પ્રમુખ અને બીજા આગેવાનો મકકમ હતા. આ સંવાદ થઈ રહ્યા પછી પ્રમુખે સમાધાની સમજાવનારું અને તે કબૂલ રાખવાની આવશ્યકતા જણાવનારું ભાષણ કર્યું અને પછી સભાનો મત લીધો. બેચાર પઠાણો જે એ વખતે હાજર હતા તે સિવાય બધાએ એકમતે સમાધાની બહાલી રાખી. અને હું સવારના બે કે ત્રણ વાગ્યે ઘેર પહોંચ્યો. સૂવાનું તો કયાંથી જ મળી શકે ? કારણ કે મારે વહેલા ઊઠી બીજાઓને છોડાવવા જેલ જવાનું હતું. હું સાત વાગ્યે જેલ પર પહોંચી ગયો. સુપરિન્ટેન્ડેન્ટને ટેલિફોનથી હુકમ મળી ગયો હતો અને તે મારી રાહ જ જોઈ રહ્યો હતો. એક કલાકની અંદર બધા સત્યાગ્રહી કેદીઓને છોડી મૂક્યા. પ્રમુખ વગેરે બીજા હિંદીઓ બધાને લેવાને આવ્યા હતા. અને જેલથી અમારું સરઘસ પાયદળ સભાસ્થાને ગયું. ત્યાં પાછી સભા થઈ. એ દિવસ અને બીજા બેચાર દિવસ મિજબાનીઓમાં અને સાથે સાથે લોકોને સમજાવવામાં ગયા.
જેમ જેમ વખત થતો ગયો તેમ તેમ એક તરફથી સમાધાનીનું રહસ્ય સમજાવવા લાગ્યું, અને બીજી તરફથી ગેરસમજૂતી પણ વધવા લાગી. ઉશકેરણીનાં કારણો તો આપણે ઉપર તપાસી જ ગયા તે સિવાય જનરલ સ્મટ્સને લખેલા કાગળમાં પણ ગેરસમજૂતીને સારુ કારણ હતું જ. તેથી, અનેક પ્રકારની જે દલીલો ઊઠતી હતી તે સમજાવવામાં મને જે તકલીફ પડી તે, લડાઈ ચાલુ હતી તે દરમ્યાન પડેલી તકલીફના પ્રમાણમાં ઘણી વધારે હતી. લડાઈને વખતે જેને પોતાનો દુશમન માન્યો છે તેની સાથેના વ્યવહારમાં મુશ્કેલીઓ ઊભી થાય છે. પણ મારો અનુભવ એવો છે કે તે મુશ્કેલીઓનો નિકાલ તો હંમેશાં સહેલાઈથી થઈ શકે છે. તે વખતે માંહોમાંહેના ઝઘડા, અવિશ્વાસ વગેરે હોતાં જ નથી, અથવા પ્રમાણમાં જૂજ હોય છે. પણ લડાઈ પૂરી થયા પછી માંહોમાંહેના વિરોધો વગેરે, જે સામે આવેલી આપત્તિને લીધે શમી રહેલા હોય છે તે, બહાર આવે છે, અને લડાઈનો અંત જો સમાધાનીથી આવ્યો હોય છે તો તેમાં ખોડ કાઢવાનું કામ હંમેશાં સહેલું હોવાથી ઘણા હાથમાં લઈ લે છે. અને જ્યાં તંત્ર કોમી અથવા પ્રજાસત્તાક હોય ત્યાં નાનામોટા બધાને જવાબો આપવા પડે છે. અને સંતોષવા પડે છે. એ યથાર્થ જ છે. જેટલો અનુભવ માણસ આવે સમયે, એટલે મિત્રો વચ્ચેની ગેરસમજ અથવા, ઝઘડાને સમયે, મેળવી શકે છે, તેટલો વિરોધપક્ષ સામેની લડાઈમાં નથી મેળવી શકતો. વિરોધી સામેની લડાઈમાં એક પ્રકારનો નશો રહ્યો છે અને તેથી તેમાં ઉલ્લાસ હોય છે. પણ મિત્રોની વચ્ચે જ્યારે ગેરસમજૂતી અથવા વિરોધ પેદા થાય છે ત્યારે તે અસાધારણ બનાવ ગણાય છે, અને તે હંમેશાં દુ:ખકર જ હોય છે. છતાં પણ મનુષ્યની કસોટી આવે જ સમયે થાય છે. મારો તો આવો અપવાદરહિત અનુભવ છે, અને મને લાગે છે કે એવે જ સમયે હું હંમેશાં બધી આંતરિક સંપત્તિ વધારે મેળવી શકયો છું. લડતનું શુદ્ધ સ્વરૂપ જે લોકો લડતાં લડતાં સમજી શકયા ન હતા તે સમાધાનીને અંગે અને સમાધાની પછી ખૂબ સમજ્યા. ખરો વિરોધ તો પઠાણોથી આગળ ન ગયો.
આમ કરતાં બેત્રણ માસમાં એશિયાટિક ઑફિસ મરજિયાત પરવાના કાઢવા તૈયાર થઈ ગઈ. પરવાનાનું રૂપ તદ્દન બદલાયું હતું. તે ઘડવામાં સત્યાગ્રહી મંડળની સાથે મસલત કરવામાં આવી હતી.
તા. ૧૦-ર -૧૯૦૮ની સવારે અમે કેટલાક જણ પરવાના કઢાવવા સારુ તૈયાર થયા. લોકોને ખૂબ સમજાવવામાં આવ્યું હતું કે પરવાના કઢાવવાનું કામ કોમે ઝપાટાબંધ ઉકેલી નાખવું. અને પ્રથમ દિવસે આગેવાનોએ જ સૌ પહેલા પરવાના કઢાવી લેવા એવી પણ મસલત હતી. તેમાં હેતુ ભડક ભાંગવાનો, એશિયાટિક અમલદારો પોતાનું કામ વિવેકથી કરે છે કે નહીં તે પણ તપાસવાનો અને એ કામની બીજી રીતે દેખરેખ રાખવાનો હતો. મારી અૉફિસ તે જ સત્યાગ્રહની પણ ઑફિસ હતી. ત્યાં હું પહોંચ્યો તેવા જ અૉફિસની દીવાલની બહાર મીર આલમ અને તેના સાથીઓને મેં જોયા.
મીરઆલમ મારો જૂનો અસીલ હતો, પોતાનાં બધાં કામોમાં સલાહ લેતો. ઘણા પઠાણો ટ્રાન્સવાલમાં ઘાસનાં કે વાળાનાં ગાદલાં બનાવવાનું કામ કરતા. તેમાં સારો ફાયદો મેળવતા. આ ગાદલાંઓ મજૂરોની મારફતે બનાવડાવે અને પછી નફો ખાઈને વેચે. મીરઆલમ પણ એવું કામ કરતો. તે છ ફૂટથી વધારે ઊંચો હશે. વિશાળ કદનો બેવડા બાંધાનો હતો. આજે પહેલી જ વાર મેં મીરઆલમને ઑફિસની અંદરને બદલે બહાર જોયો, અને અમારી અાંખો મળ્યા છતાં તેણે પહેલી જ વાર સલામ ભરવાનું મોકૂફ રાખ્યું. પણ મેં સલામ ભરી એટલે એણે વાળી. મારા રિવાજ મુજબ મેં પૂછયું, "કૈસે હો ?" "મને એવો આભાસ છે કે "અચ્છા હૈ" એવો તેણે જવાબ આપ્યો. પણ આજે તેનો ચહેરો હંમેશની માફક ખુશનુમા ન હતો. તેની આંખમાં ગુસ્સો હતો એમ હું જોઈ ગયો. મેં મારા મનમાં તેની નોંધ લીધી. કંઈક થવાનું છે એમ પણ ધાર્યું. હું ઑફિસમાં પેઠો. પ્રમુખ ઈસપમિયાં અને બીજા મિત્રો આવી પહોંચ્યા અને અમે એશિયાટિક અૉફિસ ભણી રવાના થયા. સાથે મીરઆલમ અને તેના સાથીઓ પણ ચાલ્યા.
એશિયાટિક અૉફિસે લીધેલું મકાન 'વૉન બ્રેન્ડિસ સ્કવેર'માં હતું. એ સ્કવેરમાં જતાં મેસર્સ આરનોટ અને ગિબ્સનની હદ બહાર પહોંચ્યા ને ઓફિસ ત્રણેક મિનિટના રસ્તા જેટલી દૂર રહી હશે તેટલામાં મીરઆલમ મારે પડખે આવ્યો. મીરઆલમે મને પૂછયું, "કહાં જાતે હો ?" મેં જવાબ આપ્યો, "મેં દશ અંગુલિયાં દેકર રજિસ્ટર નિકલવાના ચાહતા હું, અગર તુમ ભી ચલોગે તો તુમારે અંગુલિયાં દેનેકી જરૂરત નહીં હૈ. તુમારા રજિસ્ટર પહલે નિકલવા કે મેં અંગુલિયાં દેકર મેરા નિકલવાઊંગા," આટલું હું કહી રહ્યો ત્યાં તો મારી ખોપરી ઉપર પછવાડેથી એક લાકડીનો ફટકો પડયો. "હે રામ" બોલતો હું તો બેભાન થઈને ઊંધો પડયો. પછી જે થયું તેનું મને કંઈ ભાન ન હતું. પણ મીરઆલમે તેમ જ તેના સાથીઓએ વધારે લાકડીઓ મારી અને પાટુઓ પણ મારી. તેમાંની કેટલીક ઈસપમિયાંએ તથા થંબી નાયડુએ ઝીલી. તેથી ઈસપમિયાંને પણ થોડો માર પડયો અને થંબી નાયડુને પણ પડયો. અાટલામાં શોરબકોર થયો. આવતા જતા ગોરાઓ ભેળા થઈ ગયા. મીરઆલમ તથા તેના સાથીઓ ભાગ્યા, પણ તેઓને ગોરાઓએ પકડી લીધા. દરમ્યાન પોલીસ પણ આવી પહોંચી. તેઓ પોલીસને હવાલે થયા.
પડખે જ એક ગોરાની ઓફિસ* હતી તેમાં મને ઊંચકી લઈ ગયા. થોડી વારે મને ભાન આવ્યું તો મેં મારા મોં ઉપર નમેલા રેવરંડ ડોકને જોયા. તેમણે મને પૂછયું, "તને કેમ છે ?" મેં હસીને જવાબ આપ્યો, "મને તો ઠીક છે, પણ મારા દાંત અને પાંસળીઓ દુખે છે." મેં પૂછયું, "મીરઆલમ કયાં છે ?" તેમણે કહ્યું, "તે તો પકડાઈ ગયો છે અને તેની સાથે બીજા પણ." મેં કહ્યું, "તેઓ છૂટવા જોઈએ." ડોકે જવાબ આપ્યો, "એ બધું તો થઈ રહેશે. અહીંયાં તો તું એક પરાઈ અૉફિસમાં પડેલો
*અૉફિસના ગોરા માલિકનું નામ મિ. જે. સી. ગિબ્સન. છે. તારો હોઠ ફાટી ગયો છે. પોલીસ તને ઇસ્પિતાલમાં લઈ જવાને તૈયાર છે. પણ જો મારે ત્યાં તું આવે તો મિસિસ ડોક અને હું તારી બનતી સારવાર કરીશું." મેં કહ્યું, "મને તો તમારે ત્યાં લઈ જાઓ. પોલીસની કહેણને સારુ તેનો આભાર માનજો. પણ તમારે ત્યાં આવવું મને પસંદ છે એમ એ લોકોને કહેજો."
આટલામાં એશિયાટિક અૉફિસર પણ આવી પહોંચ્યા. એક ગાડીમાં મને આ ભલા પાદરીને ત્યાં લઈ ગયા. દાક્તરને બોલાવવામાં આવ્યા હતા. દરમ્યાન મેં એશિયાટિક અમલદાર મિ. ચમનીને કહ્યું, "મારી ઉમેદ તો તમારી અૉફિસમાં આવીને દસ અાંગળાં આપી પહેલો પરવાનો કઢાવવાની હતી. તે તો ઈશ્વરને મંજૂર ન હતું. પણ હવે મારી વિનંતી છે કે તમે હમણાં જ કાગળિયાં લઈ આવો અને મને રજિસ્ટર કરો. હું આશા રાખું છું કે મારા પહેલાં બીજાને નહીં કરો." તેમણે કહ્યું, "એવી શી ઉતાવળ છે ? હમણાં દાક્તર આવશે. તમે આરામ લો. પછી બધું થઈ રહેશે. બીજાઓને પરવાના આપીશ તોપણ તમારું નામ પહેલું રાખીશ." મેં કહ્યું : "એમ નહીં; મારી પણ પ્રતિજ્ઞા છે કે જે હું જીવતો રહું તો અને ઈશ્વરને મંજૂર હોય તો સૌ પહેલો હું પોતે જ પરવાનો કઢાવું. તેથી જ મારો આગ્રહ છે કે તમે કાગળિયાં લઈ આવો." અાથી તે ગયા.
મારું બીજું કામ એ હતું કે એટર્ની – જનરલ એટલે સરકારી વકીલને તાર કરવો કે, "મીરઆલમ અને તેના સાથીઓએ મારી ઉપર જે હુમલો કર્યો છે તેને સારુ હું તેઓને દોષિત ગણતો જ નથી. ગમે તેમ હોય તોપણ, હું તેઓની ઉપર ફોજદારી ચાલે એમ ઇચ્છતો નથી. મારી ઉમેદ છે કે મારે ખાતર તમે તેઓને છોડી મૂકશો.' એ તારના જવાબમાં મીરઆલમ અને તેના સાથીઓને છોડી મૂકવામાં આવ્યા.
પણ જોહાનિસબર્ગના ગોરાઓએ એટર્ની - જનરલ ઉપર આવા પ્રકારનો સખત કાગળ લખ્યો : 'ગુનેગારોને સજા થવા વિશે ગાંધીના વિચારો ગમે તેવા હોય, તે આ મુલકમાં ન ચાલી શકે. તેને જે માર પડયો છે તે વિશે એ ભલે કશું ન કરે, પણ ગુનેગારોએ ઘરને ખૂણે માર નથી માર્યો. સરિયામ રસ્તા વચ્ચે ગુનો થયો છે. એ જાહેર ગુનો ગણાય. કેટલાક અંગ્રેજો પણ ગુનાનો પુરાવો આપી શકે એમ છે. ગુનેગારોને પકડવા જ જોઈએ." આ હિલચાલને લીધે સરકારી વકીલે મીરઆલમ અને તેના એક સાથીને ફરી પાછા પકડ્યા, અને તેઓને ત્રણ ત્રણ મહિનાની ટીપ મળી. માત્ર મને સાક્ષી તરીકે બોલાવવામાં નહોતો આવ્યો."
ફરી અાપણે દરદીની કોટડી ભણી નજર કરીએ. મિ. ચમની કાગળિયાં લેવા ગયા એટલામાં ડૉકટર * આવી પહોંચ્યા. તેમણે મને તપાસ્યો. મારો ઉપલો હોઠ ચિરાઈ ગયો હતો તે સાંધ્યો. પાંસળીઓ વગેરે તપાસીને તેને લગાડવાની દવા આપી. અને જ્યાં સુધી તે ટાંકા ન તોડે ત્યાં સુધી બોલવાની મનાઈ કરી. ખાવામાં પણ પ્રવાહી પદાર્થ સિવાય બીજું ખાવાની મનાઈ કરી. મને કોઈ જગ્યાએ ઘણી વખત ઈજા થઈ નહોતી એવું તેણે નિદાન કર્યું. અઠવાડિયાની અંદર હું બિછાનું છોડી શકીશ અને સામાન્ય પ્રવૃત્તિમાં પડી શકીશ, માત્ર બેએક મહિના શરીરને બહુ પરિશ્રમ ન આપવાની જરૂર રહેશે, આમ કહી તે વિદાય થયા. આમ મારું બોલવાનું બંધ થયું, પણ મારા હાથ ચાલી શકતા હતા. કોમની પ્રત્યે, પ્રમુખની મારફતે મેં એક ટૂંકો ગુજરાતી કાગળ લખી પ્રગટ કરવા મોકલી દીધો. તે નીચે અાપું છું :
"મારી તબિયત સારી છે. મિસ્ટર અને મિસિસ ડોક મરી પડે છે, અને હું થોડા દિવસમાં પાછો નોકરી ઉપર ચડીશ. જેઓએ માર માર્યો છે તેઓની ઉપર મને ગુસ્સો નથી. તેઓએ અણસમજથી આ કામ કર્યું છે. તેઓની ઉપર કંઈ કામ ચલાવવાની જરૂર નથી. જો બીજાઓ શાંત રહેશે તો આ કિસ્સાથી પણ આપણને લાભ જ છે.
"હિંદુએ જરા પણ મનમાં રોપ રાખવાનો નથી. આમાંથી હિંદુ-મુસલમાન વચ્ચે ખટાશ પેદા થવાને બદલે મીઠાશ થાય એમ ઇચ્છું છું, ને ખુદા – ઈશ્વરની પાસે તેવું માગું છું.
* મિ. થ્વેઇટ્સ. "માર પડયો ને વધારે પડે તોપણ હું તો એક જ સલાહ આપીશ. તે એ કે, ઘણે ભાગે બધાએ દશ આંગળાં આપવાં. તેમ કરવામાં જેઓને ભારે ધાર્મિક વાંધો હશે તેમને સરકાર છૂટ આપશે. તેમાં જ કોમનું અને ગરીબોનું ભલું તથા રક્ષણ થાય છે.
"જો આપણે ખરા સત્યાગ્રહી હોઈશું તો મારથી કે ભવિષ્યના દગાની બીકથી જરાયે ડરશું નહીં.
"જેઓ દશ આંગળાં બાબત વળગી રહ્યા છે તેમને હું અજ્ઞાન સમજું છું.
"હું ખુદાની અાગળ માગું છું કે કોમનું ભલું કરે, તેને સત્યને રસ્તે ચડાવે, અને હિંદુ તથા મુસલમાનને મારા લોહીના પાટા વડે સાંધે."
મિ. ચમની આવ્યા. દુઃખેસુખે ને જેવાંતેવાં પણ મારાં આંગળાં મેં અાપ્યાં. એ વખતે એમની અાંખમાં મેં પાણી પણ જોયાં. એમની સામે તો મારે કડવું લખાણ કરવું પડેલું. પણ પ્રસંગ પડયે માણસનું હૃદય કેવું કોમળ બની શકે છે એનો ચિતાર મારી આગળ ખડો થયો. આ બધો વિધિ પૂરો થતાં ઘણી મિનિટો નહીં ગઈ હોય એમ વાંચનાર કલ્પી લેશે. હું તદ્દન શાંત અને સ્વસ્થ થઈ જાઉં એ મિ. ડોક અને તેમનાં ભલાં પત્ની ઝંખી રહ્યાં હતાં. જખમ પછીની મારી માનસિક પ્રવૃત્તિથી તેમને દુ:ખ થતું હતું. રખેને તેની માઠી અસર મારી તબિયત ઉપર થાય એ તેમને ભય હતો. એટલે સાનો કરીને અને બીજી યુક્તિઓ રચીને તેઓ મારા ખાટલા આગળથી બધાઓને લઈ ગયાં અને મને લખવાની કે કંઈ પણ કરવાની મનાઈ કરી. મેં માગણી કરી (અને તે લખીને જણાવેલી) કે હું તદ્દન શાંત થઈ સૂઈ રહું તે પહેલાં અને તેને સારુ તેમની દીકરી અૉલિવ, જે એ વખતે તદ્દન બાલિકા હતી, તેણે મને મારું પ્રિય અંગ્રેજી ભજન સંભળાવવું. નરસિંહરાવના તેના તરજુમાની મારફતે ઘણા ગુજરાતીઓ એ ભજનનો અર્થ તો જાણે છે. તેની પહલી લીટીઓ નીચે પ્રમાણે છે :
તેમણે મને એ સમજાવ્યું અને ઑલિવને ઈશારાથી બોલાવી, બારણા બહાર ઊભા રહી, ધીમે સાદે ભજન ગાવાનો હુકમ કર્યો. આ લખાવતી વેળાએ એ આખું દશ્ય મારી નજર આગળ તરે છે અને ઑલિવના દિવ્ય સૂરના ભણકારા હજુ પણ મારા કાનમાં સંભળાઈ રહ્યા છે.
આ પ્રકરણને સારુ હું અપ્રસ્તુત ગણું અને વાંચનાર પણ ગણે એવું ઘણું આમાં હું લખી ગયો છું, અને છતાં તેમાં એક સ્મરણનો ઉમેરો કર્યા વિના હું આ પ્રકરણ પૂરું કરી શકતો નથી. એ સમયનાં બધાં સ્મરણો મારે સારુ એટલાં બધાં પવિત્ર છે કે તે હું પડતાં મેલી શકતો નથી. ડોક કુટુંબની ચાકરીનું વર્ણન હું કેવી રીતે કરી શકું ?
જોસેફ ડોક બૅપ્ટિસ્ટ સંપ્રદાયના પાદરી હતા. દક્ષિણ આફ્રિકામાં આવ્યા પહેલાં તેઓ ન્યૂઝીલૅન્ડમાં હતા. આ હુમલા પહેલાં છએક મહિનાની વાત પર તે મારી ઑફિસે આવ્યા અને મને પોતાનું નામ મોકલાવ્યું. તેમાં 'રેવરંડ' વિશેષણ વાપરવામાં આવ્યું તે ઉપરથી મેં ખોટી રીતે કલ્પી લીધું કે, જેમ કેટલાક પાદરીઓ મને ખ્રિસ્તી બનાવવાના ઇરાદાથી અથવા તો લડત બંધ કરવાનું સમજાવવાને સારુ આવતા તેમ, અથવા મુરબ્બી બની, લડતમાં દિલસોજી બતાવવા આવ્યા હશે. પણ મિ. ડોક અંદર આવ્યા, ને અમને વાતચીત કરતાં ઘણી મિનિટ નહીં થઈ હોય એટલામાં જ મેં મારી ભૂલ જેઈ અને મનમાં ને મનમાં તેમની ક્ષમા માગી. તે દિવસથી અમે ગાઢ મિત્ર બન્યા. અખબારોમાં આવતી લડતની દરેક હકીકતથી પોતાની વાકેફગારી તેઓએ બતાવી. "અા લડતમાં તમે મને તમારો મિત્ર જ ગણજો. મારાથી જે કંઈ સેવા થઈ શકે તે હું મારો ધર્મ સમજી કરવા ઇચ્છું છું. ઈશુના જીવનનું ચિંતન કરીને હું જો કંઈ શીખ્યો હોઉં તો એ જ કે દુખિયારાંના દુ:ખમાં ભાગ લેવો.” આમ અમારી ઓળખાણ થઈ અને દિવસે દિવસે અમારી વચ્ચે સ્નેહ અને સંબંધ વધતા જ ગયા. ડોકનું નામ આ ઇતિહાસમાં હવે પછી વાંચનાર ઘણે પ્રસંગે જોશે. પણ ડોક કુટુંબે મારી કરેલી ચાકરીનું વર્ણન આપતાં આટલી ઓળખાણ વાંચનારને આપવાની જરૂર હતી. રાત ને દિવસ કોઈ ને કોઈ તો મારી પાસે હાજર હોય જ, જ્યાં સુધી હું તેમના ઘરમાં રહ્યો ત્યાં સુધી એ ઘર ધર્મશાળા બની ગયું હતું ! હિંદી કોમમાં ફેરિયા વગેરે હોય, એમણે તો મજૂરના જેવાં કપડાં પહેર્યા હોય, મેલાં પણ હોય, જોડા પર શેર ધૂળ પણ હોય. વળી પોતાની ગાંસડ કે ટોપલી પણ સાથે હોય. આવા હિંદીઓથી માંડીને પ્રમુખ જેવા, એમ બંને પંક્તિના હિંદીઓની મિ. ડોકને ઘેર સેર ચાલી હતી. સહુ મારી ખબર કાઢવા અને જ્યારે ડૉક્ટરની રજા મળી ત્યારે મને મળવા આવતા, બધાને એકસરખા માનથી અને ભાવથી પોતાના દીવાનખાનામાં મિ. ડોક બેસાડતા, અને જ્યાં સુધી મારું રહેવાનું ડોક કુટુંબની સાથે રહ્યું ત્યાં સુધી મારી માવજતમાં અને સેંકડો જેવા આવનારના આદરસત્કારમાં તેમનો બધો વખત જતો. રાતના પણ બેત્રણ વખત ચુપચાપ મારી કોટડીમાં ડોક જોઈ તો જાય જ. એમના ઘરમાં મને કોઈ દિવસે એનો ખયાલ ન આવી શકયો કે, આ મારું ઘર નથી અથવા તો મારાં વહાલામાં વહાલાં સગાં હોય તો તેઓ મારી સંભાળ વધારે લે.
વાંચનાર એમ પણ ન માને કે, હિંદી કોમની લડતની આટલી બધી જાહેર રીતે તરફદારી કરવા સારુ અથવા મને પોતાના ઘરમાં સંઘરવા સારુ ડોકને કંઈ જ સહન કરવું પડયું નહોતું. પોતાના પંથના ગોરાઓને અર્થે એઓ એક દેવળ ચલાવતા હતા. તેમની આજીવિકા આ પંથવાળા મારફતે મળતી હતી. આવા લોકો કંઈ બધા ઉદાર દિલના હોય એવું કોઈએ માનવું નહીં. હિંદીઓ પ્રત્યેનો સામાન્ય અણગમો તેઓમાં પણ હતો જ. ડોકે એ વાતની દરકાર જ કરી નહીં. અમારા પરિચયના આરંભમાં જ મેં આ નાજુક વિષય તેમની સાથે ચર્ચેલો. તેમનો જવાબ નોંધવા લાયક છે. તેમણે કહ્યું : "મારા વહાલા મિત્ર ! ઈશુના ધર્મને તું કેવો માને છે ? જે માણસ પોતાના ધર્મને ખાતર શૂળીએ ચડ્યો અને જેનો પ્રેમ જગતના જેટલો વિશાળ હતો તેનો હું અનુયાયી છું. જે ગોરાઓથી મારા ત્યાગનો તને ભય છે તેઓના પ્રત્યે હું ઈશુના અનુયાયી તરીકે જરાયે શોભવા ઈચ્છતો હોઉં, તો આ લડતમાં મારે જાહેર રીતે ભાગ લેવો જ જોઈએ, અને તેમ કરતાં મને મારું મંડળ તજી દે તો મારે તેમાં જરાયે દુઃખ ન માનવું જોઈએ. મારી આજીવિકા તેઓની પાસેથી મળે છે એ ખરું, પણ તું એમ તો નહીં જ માને કે આજીવિકાને ખાતર હું તેઓની સાથે સંબંધ રાખું છું, અથવા તો તેઓ મારી રોજીના આપનાર છે. મારી રોજી તો મને ઈશ્વર આપે છે. તેઓ નિમિત્તમાત્ર છે. મારા તેઓની સાથેના સંબંધની વગર બોલ્યે સમજાઈ ગયેલી એ શરત છે કે મારી ધાર્મિક સ્વતંત્રતામાં તેમનામાંથી કોઈ વચ્ચે આવી જ ન શકે. એટલે મારે વિશે તું બેફિકર જ રહેજે. હું કંઈ હિંદીઓની ઉપર મહેરબાની કરવા આ લડતમાં પડયો નથી. મારો તો ધર્મ છે એમ સમજીને પડયો છું. પણ હકીકત એવી છે કે મારા ડીન (દેવળના મુખિયા)ની સાથે મેં આ બાબતની ચોખવટ કરી લીધી છે. તેઓને મેં વિનયપૂર્વક જણાવી દીધું છે કે, જો મારો હિંદી કોમ સાથેનો સંબંધ તેઓને ન રુચતો હોય તો તેઓ મને સુખેથી રજા આપી શકે છે, અને બીજા ગોવાળ.('મિનિસ્ટર')ને રોકી શકે છે. પણ તેઓએ મને તદ્દન નિશ્ચિંત કરી મૂકયો છે એટલું જ નહીં પણ મને ઉત્તેજન આપ્યું છે. વળી એમ પણ તારે ન સમજવું કે બધા ગોરાઓ એકસરખી જ રીતે તમ લોકોની તરફ તિરસ્કારની નજરે જુએ છે. પરોક્ષપણે તમારા પ્રત્યે કેટલી બધી લાગણી છે તેનો તને ખ્યાલ ન હોઈ શકે, પણ મને તો અનુભવ હોવો જોઈએ એમ તું કબૂલ કરશે."
આટલી સ્પષ્ટ વાત થયા પછી મેં ફરી એ વિષય કોઈ દિવસ છેડ્યો જ નહીં. અને પાછળથી હજુ લડત ચાલતી હતી તે દરમ્યાન, જ્યારે ડોક પોતાનું ધર્મકાર્ય કરતાં કરતાં રોડેશિયામાં દેવલોક પામ્યા ત્યારે તેમના દેવળમાં તેમના પંથવાળાઓએ સભા કરી હતી, તેમાં મરહૂમ કાછલિયા અને બીજા હિંદીઓ તેમ જ મને બોલાવ્યા હતા; અને તેમાં મને બોલવાનું પણ નિમંત્રણ આવ્યું હતું. હું ઠીક ઠીક હાલવાચાલવા જેવો થાઉં તેને દશેક દિવસ થયા હશે. એવી સ્થિતિએ પહોંચ્યા પછી મેં આ માયાળુ કુટુંબની રજા લીધી. અમને બંનેને એ વિયોગ દુખદાયી થઈ પડયો હતો.