દિવાળીબાઈના પત્રો/પત્ર ૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પત્ર ૬ દિવાળીબાઈના પત્રો
પત્ર ૭
દિવાળીબેન
પત્ર ૮ →


પત્ર ૭
સર્વગુણસંપન્ન-
૩૧-૭-૮૫
 

વિશેષ આપ વિરાગીનું રાગયુક્ત પત્ર પામી સરાગી થઈ છું. તમે મારી પાસે શો સ્પષ્ટ જવાબ ઇચ્છો છો ? હું મૂર્ખ જેવી કાંઈ તરહવાર બોલી પડીશ. મને ભાવનગરનીને આગળથી પોતાનું મન શીખામણ તમારા તરફ પત્ર લખતાં દેતું હતું કે 'મૂર્ખી! તે વાંચનાર તારૂં હ્રદય પરખી જશે, માટે કશું આઘું પાછું ન લખ.' છતાં હું મારી કલમને વારી ન શકી. હવે મને એકે માર્ગ રહ્યો નથી. આજ સુધી હું એમ માનતી કે બધી વાત પોતાના સ્વાધીન જ હોય છે પણ એ ખોટું પડ્યું. તમે મારા એવા હાલ મેળવ્યા છે કે તમે મારૂં સર્વસ્વ અને ખરૂં ભૂષણ – જેને સારૂ હું આજ લગી મોંઘા મણીતુલ્ય સાચવી રાખેલી, – જે લાજ તેના ઉપર પાણી ફેરવવા ઉભી થઇ છું. તમે મારું બધુંય લૂંટી લઈ બાંધીને બળાત્કારે પોતાને તાબે કરી છે. એક કોરેથી તમે મને ઘસડી જાઓ છો, અને એક કોરેથી નીતિ ઘસડે છે. હવે શું કરૂં ? એ (નીતિ) મને કહે છે કે 'રે! બેવકૂફ! એ તારૂં કામ છે? ધૂળ પડી તારી વિદ્યામાં! ધિક્કાર છે તારા ડહાપણને! એમ હેરાન થાય છે તે કરતાં મરી જા.' એવી શીખામણ દે છે. એ મને વ્હાલી થઈ છે ને તમે પણ પરતંત્રતાનું ઈનામ આપી વ્હાલા થયા છો. હવે એ બેય પ્રાણથીએ વ્હાલામાંથી કોને તજું ને કોને ભજું એમ થાય છે. તમે જેમ દ્રઢ મનના છો તેમ હું પણ મેરૂથી મજબૂત મનની છે. તોપણ મને એવા વિચાર આવે છે કે 'જીવ! એ (તમે) ભ્રમર જ્યાં સારું કમળ જોશે ત્યાં તરત જશે. તારામાં શા એટલા ઢંગ બળ્યા છે કે નિરંતર તારા તરફ જ એની વૃત્તિ રહેશે ? વળી, એ તારી પાસે છતાં દૂર છે. તને જે માણસ મળ્યું છે (મારો પતિ) તે ઝેરનો કટકો છે. તારી આજીવિકા (ચાકરી) છે તે એવી સખત છે કે તરત પાણીચું મળશે. તને 'શીળસિંધુ' એવા એવા વિશેષણોયુક્ત શાસ્ત્રી શંકરલાલ માહેશ્વર સરખા પણ કવિતામાં માન આપે છે. તારો પતિ તને દેવી પ્રમાણે પવિત્ર ગણે છે,' ને હું અત્યારસુધી એવી પણ હતી. પણ તમારી પાસે મન આવ્યું ત્યારથી મારા મનને હું છેક નીચ દેખું છું અને એવા વિચારોમાં જ તમને કોઈવાર તરહવાર વિશેષણો જોડું છું. હે કઠિન! તમે મને મળવા ન આવ્યા, પત્ર ન લખ્યું એમ અનેક નિયમો સાચવી શક્યા. પણ મેં તો એકે નિયમ સાચવ્યો નથી, અને હજુએ કહું છું કે જોઈએ તો હું તમારા માટે મરી જાઉં, તો પણ તમે મારા પ્રેમના પ્રમાણમાં મારા ઉપર પ્રેમ રાખનારા નથી. મારા ઉપર પત્ર લખો છો તેય કેમ જાણે વકીલ બારીસ્ટરનો કેશ હોય. હું તો તમને ગમે તેવા ગાંડાઘેલા પત્ર લખીશ. વાંચવો હોય તો વાંચજો. એ બાબત પ્રશ્ન ઉઠાડશો તો કહીશ કે 'લાવો મારૂં લઈ ગયા છો તે પાછું, એટલે સારૂં પત્ર લખીશ', તમારી સાથે વિનોદ કરતાં મને શાળાનું કામ ચલાવવાનો અવકાશ નથી મળતો. કોઈ પૂછે તેનો જવાબ દેવાતો નથી. તમારી કનેથી ઉઠીને બળાત્કારે જવાબ દઉં છું તો કહેવાનું શું ને કહું છું શું ? એક વખત ઘરમાં એવું બન્યું કે મને કાંઈ કહેતા હતા. ત્યારે મેં કહ્યું કે તમે મણિલાલની વાત મારી આગળ શાને કરો છો ? તે તેણેય સાંભળ્યું નહિ. ત્યારે મને કહે 'શું કહે છે?' ત્યારે મેં કહ્યું 'મણિલાલની છબી આવી છે તેને કાચમાં બાંધવી છે.' પછી તે કહે 'જડાવવી છે?' મેં કહ્યું 'હા.' મને ઘણા ઘણા વિચાર આવે છે પણ તમારી તરફથી લગારે મન પાછું હઠતું નથી, ત્યારે લાજ મૂકીને કહું છું સાંભળો – 'તમારો આ પત્ર વાંચીને હું તમારી પછવાડે બ્હેરી, બોબડી, ગાંડી, કુપાત્ર, લૂલી, અશક્ત, પરતંત્ર અને શરણ વગરની થઈ ગઈ છું. શાળામાં મને છોકરીઓ ત્રિરાશી મંડાવવાનું કહે છે ત્યારે ભાગાકાર મંડાવું, પાઠ વાંચવો કહે ત્યારે કહું કે ગરબા ગાઓ. ભૂગોળ ઇતિહાસ લોની! ત્યારે ડીક્ટેશન લખાવું છું. તમારો છેલ્લો પત્ર કાંઈ વસીકરણ ભણાવીને મોકલ્યો છે કે મારે માટે તમે વિરાગી થયા ત્યારે તમારે માટે હું અનુરાગી થઈ (વક્રોક્તિમાં) તમારે માટે હું આવી થઈ છું તો પણ મહીંમહીંથી એમ થાય છે કે 'અરે! હું ધર્મવિરૂદ્ધ કરૂં છું' હવે હારીને તમારે શરણ આવી છું. જોઈએ તેમ કરો.

જો તમે જ મારે માટે દુ:ખી છો એવો નિશ્ચય થશે ત્યારે સૌને દૂર મૂકી તમારી સેવામાં મરણ પર્યન્ત તત્પર રહીશ. ભલે પ્રભુ ... ન આપે. મને આરામ ફરી જન્મ લઈશ ત્યારે થાય તો થાય.

લિ. ભાવનગરનીના પ્રણામ.
 
♣♣