લખાણ પર જાઓ

દિવાસ્વપ્ન/પ્રકરણ-૧.૯

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ-૧.૮ દિવાસ્વપ્ન
પ્રકરણ-૧.૯
ગિજુભાઈ બધેકા
૧૯૪૨
પ્રકરણ-૧.૧૦ →


: ૯ :

દસબાર દિવસ ગયા ને મેં પુસ્તકાલયનો વિચાર હાથમાં લીધો. વાર્તાઓ ઘણી કહેવાઈ ગઈ હતી. છોકરાઓ ચોથા ધોરણના હતા. હવે તેમના હાથમાં પુસ્તકાલય આવવાની જરૂર હતી.

છોકરાઓને કહી દીધુંઃ “ચોથી ચોપડી ને ઇતિહાસના પૈસા લેતા આવજો. અહીંથી તેનું બધું કરીશું.”

બીજે દિવસે એક છોકરો ચેાથી ને ઈતિહાસ લઈને જ આવ્યો. તે કહે: “મારા બાપાએ ચોથીમાં પડ્યો તે દિવસનાં લઈ રાખ્યાં હતાં.” બીજો કહે: “મારા મોટાભાઈની ચોપડીઓ છે તે લાવ્યો છું.”

ત્રીજો કહે: “મારી ચોપડીઓ તો મુંબઈથી મારા ફુઆ મોકલવાના છે. અહીંથી નથી લેવી.”

એક કહે: “મારા બાપા પૈસા આપવાની ના પાડે છે. તે કહે છે કે ચો૫ડી અમે અપાવી દેશું.”

મને થયું: “માર્યા ! પુસ્તકાલયનો મેળ મળવો કલ્પનામાં સહેલો હતો પણ ખરેખર તો ભારે આકરું છે !”

થોડાએક જણ પૈસા લાવ્યા હતા તેમના પૈસા રાખી લીધા, પહેાંચ આપી ને છોકરાઓને કહ્યું: “ઠીક.”

બીજે દિવસે છોકરાઓ કહે: “ અમારી ચોથી ? અમારો ઈતિહાસ?”

મે કહ્યું: “એ તો તમારા પૈસા ભેગા કરી મેં આ નવી વાર્તાઓની ચોપડીઓ આણી છેઃ તમે કહેતા હતા ને કે અમને વાર્તાની ચોપડીઓ વાંચવી બહુ ગમે છે તેથી.”

છોકરાઓ ખુશ ખુશ થઈ ગયા. તેઓ સારાં સારાં રંગીન પૂંઠાવાળી અને ચિત્રોવાળી ચોપડીઓ જોઈ પડાપડી કરવા માંડ્યા.

મે કહ્યું: “આપણી પાસે તો હજી પંદર જ ચોપડીઓ છે; પંદર જણા વાંચી શકશે. બાકી વીશ જણા મારી પાસે આવે, ને હું વાંચુ છું તે સાંભળે.” એકદમ ગડબડ ગોટાળા ન થાય માટે મેં ઉમેર્યું : “પહેલેથી પંદર જણા વાંચે ને બીજાએ મારી પાસે આવે.”

પંદર જણાએ પંદર ચોપડી ઉપાડી ને એના પર તૂટી પડ્યા. મે કહ્યું: “જે એક ચોપડી વાંચી રહે તે ટેબલ પર મૂકી દે, ને ત્યાં પડી હોય તે લે; એટલે વારાફરતી સૌને બધી ચોપડીઓ વાંચવા માટે મળે.”

બીજાઓને મેં પાસે લીધા ને આદર્શ વાચન શરૂ કર્યું. મેં છટાથી, ભાવથી, નિયમ પ્રમાણે વાંચવા માંડ્યું; પણ પેલા પંદર જણાના વાંચવાનો અવાજ ! અટકીને મેં કહ્યું: “ભાઈઓ, સૌ મનમાં વાંચો. અમને અડચણ થાય છે.” સૌ ધીરા તો પડ્યા પણ તેમને મૂક વાચનનો મહાવરા જ ન હતો. તેઓ તાણીને જ વાંચતા હતા. તેઓ ધીમા પડી પાછા ઊંચેથી વાંચવા લાગ્યા. મેં તેમને છૂટા છૂટા ઓશરીમાં બેસી વાંચવાનું કહ્યું ને હું અંદર રહ્યો.

આદર્શ વાચન ચાલ્યું વાર્તા પસંદ કરેલી હતી એટલે સૌએ તે રસપૂર્વક સાંભળ્યું. ઘંટ થયો ત્યાં સુધી પુસ્તકવાચન અને આદર્શ વાંચન ચાલ્યાં, ને પછી અમે ઘેર ગયા.