દિવાસ્વપ્ન/પ્રકરણ-૧.૧૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પ્રકરણ-૧.૯ દિવાસ્વપ્ન
પ્રકરણ-૧.૧૦
ગિજુભાઈ બધેકા
૧૯૪૨
પ્રકરણ-૨.૧ →


: ૧૦ :

વાર્તા, રમતો, પુસ્તકાલય, આદર્શ વાચન તેમ જ સ્વચ્છતાની અને વ્યવસ્થાની ખટપટ કરતાં બેત્રણ માસ વીતી ગયા. હું કામનો હિસાબ કરવા બેઠો. મેં થયેલા કામ પર નજર નાખી. મને લાગ્યું કે “હજી પાશેરામાં પહેલી પૂણી પણ નથી થઈ. અભ્યાસક્રમના વિષયો ગૂજરાતી, ગણિત, ઇતિહાસ, પદાર્થ- પાઠ વગેરેમાં તે કશું જ નથી કર્યું. બીજા વર્ગોમાં તો કેટલું યે ચાલી ગયું છે. આ બધું તો વર્ષ આખરે મારે કરી બતાવવું જ પડશે. એ મારા અખતરાની શરત છે. વારુ, એ તો 'ઠીક. પણ મેં શું શું સાધ્યું તે તો જોઉં ! વાર્તાકથન સારી રીતે ફાવ્યું હતું. છોકરાઓ તેથી ઠીક ઠીક વ્યવસ્થિત અને અભિમુખ થયા હતા. પણ હજી ચંપકલાલ અને રમણલાલને વાર્તા નથી ગમતી; રામજી અને શંકરને વાર્તા સાવ સહેલી પડે છે; ને વાર્તા વખતે રઘો ને માધો આંખમીચકારા કરે છે, આંગળીઓના ચાળા કરે છે ને બીજાનાં આળવીતરાં કરે છે તેનો ઉપાય તો કરવો જ રહ્યો છે ! હા, એટલું ખરું છે કે રમત રમાડવાથી બાળકો મારી સાથે ખીલે છે, મને પોતાને ગણવા લાગ્યા છે, મારાથી બહુ બીતા નથી, અને રમત પછી આદર્શ વાચન ખૂબ ધ્યાનથી સાંભળે છે. પણ હજી રમત વખતની અવ્યવસ્થા ને ઘેાંઘાટ થોડાં જ ઘટ્યાં છે. ખૂબ મહેનત કરું છું પણ હજી પૂરો રસ્તો કપાયો નથી.

“વાચનાલયમાં હજી થોડી જ ચોપડીઓ છે. માબાપોને હજી હું પાઠ્યપુસ્તકોને બદલે પુસ્તકાલય રચવાની વાત ગળે ઉતારી શક્યો નથી. મને લાગતું હતું કે માબાપને ભાષણ આપીશું ને સમજાવીશું એટલે બધું થઈ જશે. પણ અહીં તો માબાપને માત્ર 'ભણાવી દે' એટલું સમજવાની ટેવ પડી છે. તેઓ બીજું કશું સાંભળવા નવરાં નથી, અને તેમને સમજાતું પણ નથી. પણ ફિકર નહિ; એ તો પાછળ લાગવાથી થશે. આજ નહિ તો કાલે; હજી ઘણા દિવસો છે.”

મને થયું: “આ પ્રયોગ એટલે તો મોટું મહાભારત કામ ! આથી જેટલી આપણી કલ્પના, સમજણ અને આદર્શ તેટલી તેની ગંભીર અને મોટી મૂંઝવણ. મારા મનને અનેક પ્રશ્નો મૂંઝવતા હતા. સ્વચ્છતાનું તો હજી કંઈ જ થયું ન હતું, ટોપીઓમાં તો કંઈ ન વળ્યું. કપડાં એકાદબે દિવસ સુધી ઠીક ઠીક સારાં આવ્યાં ને પછી તો પાછી એની એ સ્થિતિ ! નખ પણ પાછા એના એ પાવડા જેવા વધવા લાગ્યા છે. પણ આની પણ પાછળ પડ્યા સિવાય રસ્તો નથી. સમાજમાં નવી ટેવ નાખવી છે એટલે તો ધીરજથી પણ વારંવાર કરવાથી જ થશે.

“ને એકલા છોકરાની જ થોડી ચિંતા છે ? ઉપરી સાહેબ પણ હવે જરા ઉતાવળા થયા છે. તેમના ય પાછા ઉપરી અને વિરોધીઓ હોય છે. તેઓ જશના ભાગી થવા માગે છે, પણ ઉતાવળ અને પરિણામ બંને માગે છે. તેમની મદદ કરવાની શક્તિ પણ મર્યાદિત તો છે જ." “મારા સાથી-શિક્ષકોને તો મારામાં કશો વિશ્વાસ જ નથી. તેએા તો મને ચોખ્ખો વેદિયો જ માને છે; ને હા, હું કંઈક હોઈશ પણ ખરો. એમ તો અનુભવ વિનાનો. પણ આ એમની માન્યતાઓ અને શીખવવાની રીતો તો મારે ન જ જોઈએ. તે જોતાં જ મને ત્રાસ થાય છે ! એમ તો હું જે કરું છું તે જ બરાબર છે. મારા છોકરાઓ મને જોઈ નાસી જતા નથી. તેઓ મને ઠીક ઠીક ચાહે છે, મારું માન રાખે છે. આજ્ઞા પણ ઉપાડે છે. પરંતુ આ શિક્ષકોના છોકરાઓ તો તેમને જોઈ ભાગી જાય છે; ને પાછળથી તેમના ચાળા પાડતા મેં તેમને નજરે ભાળ્યા છે ! એક પણ છોકરો શિક્ષક પાસે આવી હસીને કે હેતથી ઊભો રહેતો જ નથી. તેઓ વર્ગમાં ચૂપચાપ હલ્યાચાલ્યા વિના બેસે છે ને બહાર નીકળે છે ત્યારે ધીંગામસ્તી કરે છે. એ રીતે મારા છોકરાએાને મેં વાજબી છૂટ આપી છે; ને તેઓ વર્ગમાં થોડીક ગડબડ કરી લે છે તેથી તે અત્યંત વધારે પડતી ગડબડ બહાર મચાવતા નથી. પણ પેલાઓ કહે છે કે હું તો તેમને બગાડું છું, ફટાડું છું; માત્ર વાર્તા કહું છું ને ભણાવતો નથી; રમાડીને રઝળાવું છું ! ઠીક છે, જોયું જશે. એ રમત અને વાર્તા એટલે મારે મન તો અરધોઅરધ શિક્ષણ છે!

“આમ છે છતાં મારું કામ વિકટ છે તે મારે ધ્યાનમાં રાખવું જ જોઈએ; અને એમ રાખીને જ હું કામ કરીશ.”

વિચારમાંથી બારના ટકોરે જાગ્યો ને પછી “હે ભગવાન! આખરે તો બધું તારા હાથમાં છે.” એમ કહી બધી ચિંતા એને ખેાળે સોંપી “કાલની વાત કાલે જોઈશ.” એમ કરીને સૂતો.

*