લખાણ પર જાઓ

દિવાસ્વપ્ન/પ્રકરણ-૩.૧

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ-૨.૭ દિવાસ્વપ્ન
પ્રકરણ-૩.૧
ગિજુભાઈ બધેકા
૧૯૪૨
પ્રકરણ-૩.૨ →





તૃતીય ખંડ
છ માસને અંતે
: 2 :

દર વર્ષના રિવાજ પ્રમાણે આ વર્ષ પણ અમારી શાળાએ કયારની તૈયારીઓ કરવા માંડી હતી. મોટા સાહેબ પધારવાના હતા. એવો રિવાજ હતો કે મોટા સાહેબ આવે ત્યારે છોકરાઓ તેમની સામે સંવાદ કરે, કવિતાઓ ગાય, ડ્રિલ કરી બતાવે અને સાહેબ તેમાંના શ્રેષ્ઠને મોટું ઈનામ આપે; બીજાઓને કંઈ કંઈ ઈનામ આપે; અને આખી શાળાને તે દિવસે સાકરના પડા મળે. બધા વર્ગના વિદ્યાર્થીઓને એકઠા કરી હેડમાસ્તર પોતાની નજરે સારા સારા લાગતા ગાનારને, સારા સારા ચોખ્ખું બોલનારને એકઠા કરતા હતા. મારા પર પણ નોટિસ આવી હતી; પણ મારા વર્ગના છોકરાઓ ત્યાં હાજર ન હતા. મને હેડમાસ્તર સાહેબે ખુલાસો પૂછયો ને મે કહ્યું: “મારા વર્ગના છોકરાઓ આ કામમાં ભાગ લઈ ન શકે.”

“કેમ ?”

“આ તો ફક્ત સાહેબ મહેરબાનને રાજી કરવા અને તેમની વાહ વાહ લેવા માટે કરીએ છીએ.”

“પણ તેવો આપણો રિવાજ છે. આપણા ઉપરી સાહેબની તેવી ઈચ્છા છે.”

“હા, તેમ હશે. પણ મારું મન તેમ કરવા કબૂલ કરતું નથી. હું તેમાં ભાગ નહિ લઉં. મારા વર્ગના છોકરાઓ નહિ આવે.

“તો મારે ઉપરી સાહેબને જણાવવું જોઈશે. તમે સહકાર આપતા નથી ને ખલેલ પહોંચાડો છો !”

“આપ જરૂર એમના પર લખશો જ. હું તેમને યોગ્ય જવાબ આપીશ.”

“વારુ ત્યારે, તેમ કરીશું.”

જરા અકળાઈ ગએલા હેડમાસ્તરે મારી બાબતમાં તે જ ધડીએ રિપોર્ટ કરી નાખ્યો.

શાળાના બીજા છોકરાએાને પસંદ કરવામાં આવ્યા: શામજી અને ભીમજીને સંસ્કૃત શ્લોકો બોલવા માટે, દેવજી અને ખીમજીને કવિતા ગાવા માટે. ચંપક અને રમણીકને તથા નેમચંદ અને મગનલાલને સંવાદોમાં મૂકયા. બાકીના ઊંચા, જાડા અને દેખાવડા પાંચપંદરને ડ્રિલ માટે ચૂંટયા. મારા મનમાં હું સમસમી રહ્યો: “સાબાશ રે સાબાશ હેડમાસ્તર સાહેબને, શાળાને અને શિક્ષણની આજની નિતિરીતિને !” આ બધા એવા છોકરાઓને શોધ્યા છે કે જેમને વિષયો સાથે લેવાદેવા ન હોય. શામજી અને ભીમજીના કંઠ કંઈક સારા છે, ને બ્રાહ્મણના છોકરા છે તે ઘરમાં સંસ્કૃત શ્લોક કંઈક સાંભળ્યા છે, એટલે તેમને પસંદ કર્યા છે. પણ એ બિચારાઓને કેમે કરી કશું યાદ જ રહેતું નથી. તેમનોશ્લોકો ગોખી ગોખીને દમ નીકળી જશે. પણ આવું હોય ત્યાં આવું જ હોય ! હું મનમાં દુઃખ પામતો ઘેર ગયો. જમીને ઊઠું છું ત્યાં ઉપરી સાહેબની ચિઠ્ઠી મળી. “આવી જશો; જરા કામ છે.” આપણે તો જાણતા જ હતા કે શું કામ છે. નારાયણનું નામ લઈ હું સાહેબની ઓફિસમાં ગયો. સાહેબના મોં પર ગુસ્સો હતો. મોં જરા જરા લાલ હતું. ભવાં ચડેલાં હતાં. મૂછો વિનાના હોઠ જરા જરા હલતા હતા. તેઓ ખૂબ નારાજ દેખાતા હતા. મને જોઈ 'બેસો ' કહી બોલ્યા: “કેમ, શા માટે તમારા વર્ગના છોકરાઓએ ભાગ ન લેવો ? એમાં કેટલાએક છોકરાઓ સુંદર ને હોશિયાર છે.”

મારું મન ઠંડું હતું પણ મગજ તેજ હતું, તેથી જવાબ ફેંક્યો: “તે શું, સુંદર છોકરાઓ ને હોંશિયાર છોકરાઓ બીજાઓનું મનોરંજન કરવા માટે છે ! બીજા આગળ નાચીકૂદી શાળાની ખોટી વાહવાહ મેળવવા માટે છે !”

મારો તેજ જવાબ સાંભળી ઉપરી સાહેબ જરા ઠંડા પડ્યા ને કહ્યું: “ત્યારે ? આ કાંઈ નવી વાત નથી. કેટલાં યે વર્ષોથી આ રિવાજ ચાલ્યો આવે છે. મોટા સાહેબ આવે ત્યારે આવું થાય જ છે.”

“માફ કરજો, સાહેબ!” મેં પણ જરા નરમ થઈને કહ્યું: “એમ ભલે થતું આવતું હોય, પણ આપણે તે અટકાવવું જોઈએ, આ તો આપણો કેવળ ઢોંગ છે, દેખાવ છે, સાહેબની પણ છેતરપીંડી છે.”

“કેમ?"

“એમ કે આપણે જે બધું તેમને બતાવીશું તે માત્ર મારી મારીને અને ગોખાવી ગોખાવીને તૈયાર કરાવીને. વળી એ કાંઈ આપણે ભણાવીએ છીએ તેનું સાચું પરિણામ થોડું જ છે ! કેટલા યે દિવસો રીહર્સલ થશે ને ગોખણપટ્ટી ચાલશે ત્યારે પોપટ જેમ છોકરાઓ પઢશે-અને તે પણ પાછળથી મદદ મળશે ત્યારે ! છોકરાઓનો વખત અને પ્રાણ બંને તંગ થશે, ભણતર પડશે; આજે જેમને આ બધા કામને માટે પસંદ કર્યા છે તેઓ બધા એવા છે કે એકે એક હેરાન થઈ જશે ત્યારે તૈયાર થશે.”

“પણ એમાં છેતરપીંડી ક્યાં ?”

“છેતરપીંડી એમ કે આપણે સાહેબને ઠસાવવા માગીએ છીએ કે અમારા છોકરાઓ હોશિયાર છે, અમારી શાળા સુંદર છે, અમારું કામ નમુનેદાર છે. પણ આપણે તો શું છે અને શું નથી તે જાણીએ છીએ.”

સાહેબ જરા મૂંગા રહ્યા, વિચાર કરતા બેઠા. મેં આગળ કહ્યું: “આપણે તો ઢોંગ કરીએ છીએ પણ છોકરાઓને પણ તે રસ્તે લઈ જઈએ છીએ. સાહેબ પણ ખુશ થવાનો ડોળ કરશે ને ઈનામ આપતી વખતે ભાષણ કરશેઃ 'આ છોકરાએાએ જે બુદ્ધિશક્તિ અને આવડતવાળું કામ બતાવ્યું છે તેથી અમે ખુશ થયા છીએ, અને ખરેખર તેમાંના કેટલાએક તો ઉત્તમ પ્રકારની આગાહી કરાવે છે કે તેઓ સારા અભ્યાસી, સારા શહેરી, અને ઉત્તમ માણસ થશે. તેમને ઉત્તેજન આપવા માટે આ ઈનામોની યોજના વધાવી લઈ અમે આજે ઈનામ વહેંચવાને ખુશ થયા છીએ.' આ શું બધું તેમના અંતરમાંથી નીકળે છે ! તેઓ શું નથી જાણતા કે આ બધું તેમની ખુશામત વાસ્તે કર્યું છે ! વળી ઈનામ લેનારા છોકરાઓને ગોખાવ્યું ન હોત અને તૈયાર ન કર્યા હોત તો અમસ્તા તેઓ કેવા અભ્યાસી, શહેરી ને માણસ છે તે આપ, એમનાં માબાપ અને શિક્ષકો સૌ જાણે છે.”

ઉપરી સાહેબ બોલ્યા: “તમે વેદિયા છો. કામકાજમાં સમજતા નથી. તમારે તો બધું સિદ્ધાંતમાં આવી જાય ! પણ અહીં તો બધી બાજુ રાખવાની છે.”

મેં કહ્યું: “તે ભલે રાખો. પણ હું તેમાં ભાગ ન લઈ શકું. મારાથી આ ધાંધલ સહન ન થાય. ”

“તો ?"

“તો મારો વર્ગ એ કામમાંથી બાતલ કરો."

“પણ એમાં તો ભારે મુશ્કેલી પડે, બીજા માસ્તરો અને અધિકારીઓ અને...અને મારી મુશ્કેલી પણ વધે. ઉલટું મને તો તમારા વર્ગના સારા છોકરાઓ જોતાં સાહેબનું મન વધારે રાજી થશે એમ હતું. આ તો......"

મે કહ્યું: “મને તમે આમાંથી તો મુક્ત જ કરો. હું કંઈક સાહેબ મહેરબાનને બતાવવા જેવું કરીશ, અને છોકરાઓનો વખત ન જાય, પ્રાણ તંગ ન થાય અને આ ઢોંગધતૂરા તેમાં કરવા ન પડે તેમ ગોઠવીશ. મારા વર્ગમાં આપ સાહેબ મહેરબાનને લાવજો. મારા મનની ખાતરી છે કે આપ અને તેઓ સાહેબ પ્રસન્ન થશો.”

જરા વિચાર કરી ઉપરી સાહેબે ભીનું સંકેલતાં કહ્યું: “વારુ ત્યારે, એમ કરો. તમને આ કામમાંથી મુક્ત રાખે તેમ હું હેડમાસ્તરને લખી નાખું છું. પણ જોજો, એમને તમે ચીડવતા નહિ. એ જરા જૂના જમાનાના છે; તમે ઉછળતા જુવાન છો. મારે તો તમને બેઉને સાચવવા છે. આ કામ જ એટલું કઠિન છે.” મેં મારી રીતે સાહેબની મનમાં કદર કરતાં કરતાં કહ્યું: “વારુ સાહેબ, ત્યારે હું રજા લઈશ.”

*       *       *

શાળામાં આજે પૂર જોસથી તૈયારી થઈ રહી હતી. “સાહેબ પધારે છે ! મોટા સાહેબ પધારે છે !”

મોટા અમલદારો, નાના અમલદારો, ગામના માણસો અને વિદ્યાર્થીઓ હાજર હતા. અમે શિક્ષકો ખડે પગે અને ઢીલેવીલે મોઢે - પણ અક્કડ રહેવાની મહેનત કરતા - વ્યવસ્થા જાળવતા હતા. શાળાના તોફાની છોકરાઓને એક બાજુ બોલાવી હેડમાસ્તરે ધમકાવીને કહ્યું: “જોજો, હરામખોરો ! કંઈ તોફાન કે ગડબડ કરી છે તો કાલે વાંસો હળવો થઈ જશે.”

સાહેબ મહેરબાન પધાર્યા, તાળીએાનો ગડગડાટ ને સંગીત. શાળાનો રિપોર્ટ હેડમાસ્તરે છટાથી અને ધ્રૂજતા નથી તેની ખાતરી આપવા માટે ખૂબ મોટા અવાજથી અને વારે વારે અક્કડ થઈ વાંચી સંભળાવ્યો. રીપોર્ટનો અંત આવ્યો ત્યાં સુધીમાં તેમનું અંદરનું પહેરણ ભીનું જેવું થઈ ગયું હતું અને તેમનો અવાજ ઘોઘરા જેવો બન્યો હતો.

રિપોર્ટ વાંચ્યા બાદ રેસિટેશન્સ એટલે કવિતાઓ અને સંવાદોની શરુઆત થઈ. જેમ યંત્રમાંથી કોઈ બોલતું હોય તેમ બિચારા છોકરાઓ બોલતા હતા, તેમના પર કશો જ હાવ કે ભાવ સાચે જ ન હતો. છતાં તેઓ જોરથી બોલતા હતા, હાથપગ હલાવીને બોલતા હતા. કમબખ્તીની વાત એ હતી કે જે કવિતાઓ પસંદ કરી હતી તે સુંદર હતી, રસભરી હતી, સારા કવિની હતી અને છતાં છોકરાઓને ભણાવવા બેસીએ તો તે અઘરી પડે તેવી હતી. બિચારા વગર સમજ્યે તે બોલતા હતા, તેનો અભિનય કરતા હતા ને તેમાં રસ બતાવતા હતા. એમ જ સંવાદોમાં પણ હતું. સંવાદો ઉપદેશપૂર્ણ હતા. જે ઉપદેશો મોટાના મોઢામાં શોભે તે ઉપદેશો નાના બાળકોના મોઢામાં લાજતા હતા. એ ઉપદેશનું ફારસ ઘણું બેહૂદું હતું. મને તો તેમ ચોખ્ખું જ લાગતું હતું, અને તેમજ તે મોટા સાહેબને લાગતું હતું. તે મૂછમાં હસતા હતા, અને શિક્ષકભાઈઓ જો જરા તટસ્થ થઈને જોત તો તેમને પણ તેવું જ લાગત.

મેળાવડો પૂરો થયો. સાહેબે આભાર ને ખુશાલી બતાવ્યાં. ઇનામો વહેંચાયાં અને હેડમાસ્તર, ઉપરી સાહેબ અને સૌને આજના પ્રસંગ માટે સંતોષ થયો. સાહેબે વિવેકના ઉદ્દગારો કાઢ્યા હતા: “આ શાળાના કામે મને સંતોષ આપ્યો છે.”

આખરે અમારા ઉપરી સાહેબે મોટા સાહેબને વિનંતિ કરી: “અમારા આ શિક્ષક કંઈક બતાવવા માગે છે. પેલા પડદા પાછળ કંઈક ગોઠવ્યું છે.”

સાહેબે તે જોવાની ઇચ્છા જણાવી એટલે હું પડદા પાછળ ગયો. ત્રીજી ટકોરીએ પડદો ઉધાડ્યો. વચ્ચે હું અને આજુબાજુ મારા વિદ્યાર્થીઓ હતા. અમારા વર્ગમાં રોજ ગવાતા એક ગીતને અમે પ્રાર્થના રૂપે ગાતા હતા. આખો એારડો શાંત હતો. એકાએક નાટક ક્યાંથી એ વિચારમાં સૌ પડી ગયા હતા.

પ્રાર્થના પછી “કચેરી મેં જાઉંગા” નો ખેલ શરૂ થયો. એક છોકરો ઉંદર થયો હતેા. દોરડું કેડે બાંધી પૂંછડી કરી હતી. માથે કાળું કપડું ઓઢ્યું હતું ને ચાર પગે ચાલી ચૂંચું કરતો હતો. વળી એક છોકરો દરજી, બીજો ભરતવાળો, ત્રીજો મોતીવાળો, ચેાથો ઢોલકવાળો, અને પાંચમો રાજા થયેા હતો. ઉપરાંત હું છઠ્ઠો હતો રાજાના સિપાઈ તરીકે.

પાત્રો હંમેશના સાદા જ વેશમાં હતાં. રાજા ટેબલ પર રોફથી બેઠો હતો; ટોપી વાંકી મૂકી હતી. સિપાઈએ એટલે મેં મૂછો મરડીને વાંકી કરી હતી; ફેંટો જરા વાંકો બાંધી દીધો હતો; હાથમાં છરી હતી. ઢોલકવાળા પાસે ઢોલકું હતું. બીજાઓ પાસે કશું હતું નહિ.

રંગભૂમિ તો સાદી જ હતી. પડદા પાછળ એક પાટિયામાં ક્રમ લખેલો હતો. ઓરડાનો ભાગ વાળેલો હતો ને તેના પર એક નાની જાજમ એક છોકરાને ત્યાંથી મગાવીને પાથરી હતી. બાકી શાળામાં એવું કશું ન હતું કે રંગભૂમિની શોભા માટે મૂકી શકાય. છતાં પીપર અને લીમડાની ડાળખીઓ કાપી ભીંતે ચોડેલી હતી. ચાકથી ભોંય પર છોકરાઓએ ગમ્યાં તેવાં ચિત્રો કાઢયાં હતાં.

ઉંદરનું નાટક શરૂ થયું ને પુરું થયું. મેાટાઓ અને નાનાઓ શાંતિથી જોઈ રહ્યા. નાનાઓ-વિદ્યાર્થીઓ રસથી જોતા હતા; મોટાઓ અજાયબીથી જોતા હતા: “આ શું ! આ કઈ નવીનતા ! આ કેવા પ્રકારનું નાટક !”

મારે કહેવું જોઈએ કે છોકરાઓએ સુંદર નાટક ભજવ્યું. તેએાની ભૂલો પડતી ન હતી. પ્રોમ્પ્ટર રાખ્યો જ ન હતો. ભૂલ પડવા જેવું થતું હતું ત્યાં હું તરત જ તે ઉધાડી રીતે સુધારી દેતો હતો.

બીજું નાટક 'દીકરીને ઘેર જાવા દે'નું અને ત્રીજું 'સસેાભાઈ સાંકળિયા'નું થયું.

એક જ પડદો. સીનસીનરીમાં કંઈ નહિ. ક્યાંક માથે ઓઢવાનું તો કયાંક લાકડી રાખવાની. બાકી બધો આધાર છોકરાઓના અભિનય ઉપર હતો.

નાટક છેલ્લી પ્રાર્થના સાથે પૂરાં થયાં ને હું પડદા આગળ આવ્યો. મે નાટકના મૅનેજર પેઠે ભાષણ કર્યું :– “મહેરબાન સાહેબો,

આ અમારા નવા નાટ્યપ્રયોગો આપે શાંતિથી જોયા તે માટે અમે આપ સૌનો ઉપકાર માનીએ છીએ. આપની પાસે એ બાબતમાં હું એકબે હકીકતો રજૂ કરીશ. આપ તે સાંભળવા કૃપા કરશો.

આ ચોથા વર્ગના છોકરાઓ છે. આ પ્રસંગે આપણે બેચાર નાટક ભજવીએ તો કેમ એમ જ્યારે બાળકોને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ ઉત્સાહ અને તત્પરતા બતાવ્યાં. તુરત જ નાટકો પસંદ કર્યાં. જે વાર્તાઓ તેઓએ વાંચી છે ને સાંભળી છે, તેનાં જ આ નાટકો છે. તેમને કહેવામાં આવ્યું હતું કે જેમ દર અઠવાડિયે આપણે વગર તૈયારીએ નાટકો કરીએ છીએ તેમ જ આ વખતે પણ કરવાનાં છે. અમે નાટકો ગોખાવતા નથી. માત્ર તેઓ વાર્તા જાણે છે, દરેક પાત્ર પોતાનું કથન શું છે તે જાણે છે, ને પછી તો રંગભૂમિ ઉપર સંબંધ જાળવીને પ્રસંગ પ્રમાણે હૈયાઉકલતથી બોલે છે. કોઈ પણ બાળકે કોઈ પણ પાઠ ગેાખ્યો નથી. સીનસીનરી અને વેશો નાટકનાં ગૌણ અંગો છે, મહત્ત્વનું અંગ અભિનય અને ભાવદર્શન છે. તેના તરફ અમારું ધ્યાન રહે છે. વેશ વગેરે વધારે નથી કરતા તેથી તેને વિકસવાની પૂરી તક મળે છે. આપે તે અહીં કેટલું જોયું તે આ૫ જાણી શક્યા હશો. તેઓને આ કામ અત્યંત ગમે છે. તેમને આનાથી ખૂબ આનંદ થાય છે. તેમને સાબાશી આપવી નથી પડતી, કેમકે તેઓ સરસ કામ કરે છે તે જ તેમને પૂરેપૂરો સંતોષ આપે છે.

આપે તસ્દી લઈ આ બાલનાટકો જોયાં તેથી ફરી વાર હું આપનો ઉપકાર માની વિરમું છું.”

મોટા સાહેબના મોં ઉપર પ્રસન્નતા દેખાતી હતી તે હું ક્યારનો જોઈ રહ્યો હતો. તે તુરત ઊઠ્યા ને બોલ્યા: “I can-not but congratulate both the teacher and the taught for the real treat they gave us this afternoon. It was splendid ! I felt I was in a new school in my own country-England. It was really charming to see little kiddies playing mouse and tailor and king and so forth and so on, all spontaneous and free, This is true education. All recitation and cramming is a thing of the past. Oh ! It's terrible demon ! It's ugly, soulkilling.”[]

આટલું બોલી તે અટક્યા ને ફરી પાછા બેલ્યા: “I again say, I am very happy to see this. I won't give them prizes. The genuine pleasure they felt while acting, is a greater and better reward than anything else. I am very glad indeed; very very glad.”[]


  1. ૧. આ શિક્ષક અને વિદ્યાર્થીએાએ અત્યારે જે ખરેખરી ગંમત આપી છે તે બદલ તેમને અભિનંદન ઘટે છે. કામ ખરેખર સુંદર થયું છે ! મને જાણે કે મારી પોતાની, માતૃભૂમિ ઈંગ્લાંડમાં હોઉ એમ લાગતું હતું. આ નાના બાળકો સ્વયંસ્ફૂર્તિથી ઉંદર, દરજી અને રાજાના પાઠો ભજવતા હતા, તે દૃશ્ય અદભુત હતું. આ જ સાચી કેળવણી છે. રેસીટેશન અને ગેાખીને સંવાદો ભજવવાનો કાળ હવે રહ્યો નથી. એ રીત ખરેખર નિર્ઘૃણ, બેહૂદી અને આત્માનો નાશ કરનારી છે.
  2. ૨. હું ફરી વાર કહું છું કે આ જોઈને મને ખૂબ આનંદ થયો છે. હું આને માટે ઈનામ આપવા માગતો નથી. નાટ્યપ્રયોગો અને અભિનય વખતે તેમને જે ખરેખરો આનંદ થતો હતો તે જ તેમનું ખરૂં ઈનામ છે. ખરેખર, હું ભારે ખુશ થયો છું.

મેળાવડો પૂરા થયો અને સૌ સૌને ઠેકાણે જતા હતા. ઉપરી સાહેબની છાતી ફૂલી ગઈ હતી.

તેમણે મને મોટા સાહેબ પાસે બેલાવ્યો ને મારું એાળખાણ કરાવ્યું, અને હું અખતરા કરું છું તેની તેમને વાત કરી. સાહેબે મારી સાથે હાથ મેળવી કહ્યું: “Bravo! You are success! Go on with your experiments. This is something! Rest is sham and bosh !” []

ઉપરી સાહેબના મનમાં શું થતું હશે !

* * *

હું ઘેર ગયો. ખરેખર આજે હું આનંદમાં હતો. સાહેબે હાથ મેળવ્યા ને સાબાશી આપી તે એક કારણ ખરું; પણ ખરું કારણ તો મારા અખતરાની આજે કંઈક કિંમત થઈ તે હતું. પણ હું વિચાર કરતો હતોઃ “સાહેબ તો પોલિટિકલ અમલદાર છે; તેમને આ નવી નિશાળ ને એ બધી વાતની શી ખબર !” પણ મને પછી ખબર પડી કે તેમના દીકરાને યૂરોપની કોઈ નવીનમાં નવીન શાળામાં તેમણે ભણવા મૂક્યો છે, અને તેથી પોતે નવી કેળવણીમાં રસ લે છે.

રાત્રે બેચાર શિક્ષકો મળવા આવેલા, તેઓ સાહેબે શું કહ્યું વગેરેની પૂછપરછ કરતા હતા ત્યાં જ ઉપરી સાહેબની ચિઠ્ઠી આવી ને હું તેમને ત્યાં ગયો.

સાહેબ આજે પ્રસન્ન હતા. આજે મોટા સાહેબ શાળાથી ખુશ થયા હતા. ઉપરી સાહેબે મને ખુરશી આપી; ને પોતે આરામ ખુરશી પર લાંબા થયા ને બોલ્યાઃ “પહેલાં મને એ કહો કે છોકરાઓને નાટકમાંથી કાંઈ જ ગોખાવ્યું ન હતું?”


  1. સાબાશ ! તમારું કામ આબાદ છે ! આવા અખતરા હજુ કર્યા કરો. આમાં જ કંઈક કેળવણી છે. બીજુ બધું નિરૂપયેાગી-ઢોંગ છે!

મેં કહ્યું: “આપને એમ લાગ્યું !”

ઉપરી સાહેબ: “ના; પણ એ બધું યાદ શી રીતે રહ્યું ! બધા બરાબર બોલતા હતા.”

મેં કહ્યું: “વાત જ એ છે એમને વાર્તા સંભળાવી હતી. વાર્તા ગમતી હતી. વાર્તાનાં પાત્રોના મનોભાવ સાથે તેમણે એકતારપણું અનુભવ્યું હતું. જે બધું તેઓએ સાચે જ પોતાનું કર્યું હતું તે તેઓ પ્રગટ કરતા હતા.”

ઉપરી સાહેબ: “પણ હાવભાવ કોણે શીખવ્યા ?"

મેં કહ્યું: “એમ તો કોઈ એ બતાવ્યા નથી. અમે દર અઠવાડિયે નાટકો કરીએ છીએ. તેમાં હું પોતે ઊતરું છું ને છોકરાઓ પણ ઊતરે છે. મને આવડે છે તેવો મારા પાત્રમાં હાવભાવ હું કરું છું. છોકરાઓ પણ પોતાનાં પાત્રોના હાવભાવ કરે છે.”

ઉપરી સાહેબ: “પણ એ કેમ બને ? મને નથી સમજાતું.”

મે કહ્યું: “એમની આંખ ખુલ્લી છે ને ! તેઓ દરજી, સુતાર, કુંભાર, ઉંદર વગેરેને જુએ છે - સાંભળે છે. વાર્તામાં તેમનું વર્ણન આવે છે તે સાંભળે છે. ઉપરાંત તેમને ઈશ્વરે કલ્પનાશક્તિ આપેલી છે. આથી તેઓ અનુભવ અને કલ્પના મેળવી તેઓને મનમાં સૂઝે છે તેમ અભિનય કરે છે. તેઓજ પોતાના પરીક્ષક છે, અનુભવ અને કલ્પના રંગભૂમિ ઉપર ઊતરે છે કે નહિ તે તેઓ જોતા હશે.”

ઉપરી સાહેબ: “અરે,આ તો બહુ ઊંચી ને અઘરી વાત થઈ.”

મેં કહ્યું: “પણ છોકરાઓને ક્યાં આ વાત સમજવાની હોય છે ! આ તો તેઓ જે કરે છે તે કેમ કરે છે તેનું પૃથક્કરણ છે.”

ઉપરી સાહેબ: “હં, I see (સમજ્યો). એ તો ઠીક, પણ આજ તો કમાલ કરી. મોટા સાહેબ ખુશ થયા.” મેં કહ્યુંઃ “અને ન થયા હોત તો પણ આ નાટકનું કામ તો ચાલ્યા જ કરત.”

ઉપરી સાહેબ: “પણ તમે આ પ્રયોગ કરો છો તેની મને તો જાણ જ ન કરી. ઘણું કરી હેડમાસ્તર કે બીજા શિક્ષકો પણ જાણતા નથી.”

મેં કહ્યું: “ખરી વાત છે. મેં જ તેમને વાત કરી નથી. તેમને મન આ બધું રખડવું-રઝળવું છે. તેઓ છમાસિક પરીક્ષા માટે લેસન કરાવવામાં પડ્યા છે.”

ઉપરી સાહેબ: “પણ તેમને ખબર તો પડે જ ને !”

મેં કહ્યું: “ના. અમે દર અઠવાડિયે ફરવા જઈએ છીએ ત્યાં રમત તરીકે આવું કરીએ છીએ. એક પછેડી હુ લેતો જાઉં છું એને અમે પડદો કરીએ છીએ; બે છોકરા તે પકડીને ઊભા રહે છે. એની એક બાજુ જોનારા ને બીજી બાજુ નાટકવાળા રહે છે.”

ઉપરી સાહેબ: “ શું કહો છો !”

મેં કહ્યું “એ જ કહું છું.”

ઉપરી સાહેબ: “વારુ ત્યારે, આપણે આપણી શાળાના બધા વર્ગમાં નાટકો દાખલ કરીએ. મોટા સાહેબને તો આ વાત બહુ જ ગમે છે. ખરેખર, નાટકો સુંદર થતાં હતાં ! આપણે પેલાં રેસિટેશન્સની કડાકૂટ કાઢી નાખીએ તો ?”

મેં કહ્યું: “મેં તો કાઢી જ નાખ્યાં છે ને ! આપ હવે કાઢો તો.”

ઉપરી સાહેબઃ “એમ જ કરીએ. સાહેબ પણ કહે છે કે Be damned cramming ! Yes; I also remember my days of cramming.[] પણ હું તો જરા બુદ્ધિશાળી છોકરો હતો એટલે આપણને તો આકરું નહિ પડતું, પણ બીજા બિચારા ગોખી ગોખીને મરી જતા હતા. Be damned ગોખણપટ્ટી ! [].”

હું મનમાં હસી રહ્યો હતો. “આજે મોટા સાહેબની પધરામણીથી ભારે કામ થયું ! અખતરામાં આ પણ એક અનુભવ !”

હું ઘેર જઈ સૂઈ રહ્યો.


 : ૨ :

છમાસિક પરિક્ષા માથે આવી હતી. અન્ય વર્ગમાં પુનરાવર્તન થઈ રહ્યું હતું. ઇતિહાસ, ભૂગોળ, ગણિત, ભાષા ફરી વાર ગોખાતાં હતાં - તાજાં કરાતાં હતાં. એક વાર તો છ માસનો અભ્યાસક્રમ પૂરો થઈ ચૂક્યો હતો. મારું પોતાનું ગાડું તો હજી કયાં ય દૂર હતું; અને પરિક્ષાની દૃષ્ટિએ વિચાર કરું તો તો હું ઘણો જ પાછળ હતો. આમ છતાં મારે મારા વર્ગની પરીક્ષા તો આપવાની જ હતી. હું પુનરાવર્તન કરાવવામાં વખત ગાળવાનો ન હતો. તે વખત મારે બચવાનો જ હતો. મારું શિક્ષણકાર્ય છેક સુધી ચાલવાનું હતું, કારણ કે મારા વર્ગમાં જે કાંઈ થતું હતું તેનું પુનરાવર્તન વિદ્યારોએ સ્વતઃ જ કર્યા કરતા હતા. પુનરાવર્તન સ્વયં થાય તેની યોજનાઓ પણ મેં યોજી હતી. દાખલા તરીકે અંતકડીની રમતમાં તેઓને કવિતાઓનું પુનરાવર્તન પુનઃ પુનઃ થયા જ કરતું હતું.


  1. નાપાક ગોખણપટ્ટી ! હા, મને પણ મારા ગોખણપટ્ટીના દિવસો બરાબર યાદ છે.
  2. ગોખણપટ્ટીનો નાશ થાઓ.