લખાણ પર જાઓ

દિવાસ્વપ્ન/પ્રકરણ-૩.૩

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ-૩.૨ દિવાસ્વપ્ન
પ્રકરણ-૩.૩
ગિજુભાઈ બધેકા
૧૯૪૨
પ્રકરણ-૪.૧ →


: ૩ :

છમાસિક પરીક્ષાના દિવસો આવ્યા. ઉપરી સાહેબ પોતે જ તપાસ કરવા આવવાના હતા. સાહેબ પરીક્ષાના શોખીન હતા.

મેં મારા વર્ગની તૈયારી કરી રાખી હતી; પણ તે અલબત્ત મારી રીતે. મેં માગી લીધું હતું કે આખી શાળાની પરીક્ષા થઈ જાય પછી જ મારા વર્ગની પરીક્ષા લેવાય મારા વર્ગની પરીક્ષા વખતે સૌ શિક્ષકભાઈઓ તથા હેડમાસ્તર સાહેબ હાજર રહે. મેં એમ પણ માગ્યું હતું કે મારા વર્ગની પરીક્ષા વખતે દરેક વર્ગના પાંચ પાંચ છોકરાઓ ત્યાં બેસે.

પરીક્ષાને દિવસે મારા મનમાં શાંતિ હતી. કાળજું ધડકતું ન હતું. મારા મનમાં પાસ નાપાસનો પ્રશ્ન ન હતો. મારા અનુભવ પ્રમાણે તો ચિંતા કરવાનું કારણ ન હતું. વિધાર્થીઓને કહેલું જ હતું કે “આપણે જે બધું રોજ રોજ કરીએ છીએ તે આજે પણ કરવાનું છે. પરીક્ષામાં તો બધા પાસ જ છે. આજે તો આપણું કામ જોવા માટે સૌને નોતર્યા છે.”

મારી નાટકી રીત પ્રમાણે મેં પડદા પાછળ સૌ ગોઠવ્યું હતું. આગળના ભાગમાં સૌને બેસાર્યા પછી મેં પડદો ઉપાડયો.

ત્યાં હાજર રાખેલા બીજા વર્ગના છોકરાઓની મંડળીઓ પાડેલી હતી. દરેક મંડળીને મારા વર્ગનો વિદ્યાર્થી વાર્તા કહેતો હતો. વાર્તા કહેવાનું કામ વારાફરતી ચાલ્યું. દરેક વિદ્યાર્થીએ પોતાની વાર્તા પસંદ કરી હતી. વાર્તા ભૂલી જાય તો જોવા માટે ચોપડી પાસે રાખી હતી. તે પોતાની ઢબે પોતાને ગમતી વાર્તા વિદ્યાર્થીઓને કહેતો હતો અને ઉઘાડી રીતે તે સાંભળનારની સાથે કહેવાની ગંમત લઈ રહ્યો હતો. તેને જરૂર વાર્તા કહેતાં આવડતી હતી. છટાથી, ભાવથી, અર્થ સમજીને તે વાર્તા કહેતો હતો સાંભળનાર બરાબર સાંભળતા હતા. વાર્તા પૂરી થઈ. સૌ શિક્ષકો એકબીજા સામે જોઈ રહ્યા. મેં કહ્યું: “આ મારી એક પરીક્ષા.”

એક શિક્ષકે બીજાને કાનમાં કહ્યું: “શાની ?”

મેં સાંભળ્યું ને કહ્યુંઃ “ભાષા ઉપરના કાબૂની, વાર્તાકથનની આવડતની, સ્મૃતિવિકાસની, અભિનયની.”

બધા શિક્ષકો બીજી પરીક્ષાની રાહ જોતા બેઠા.

પેલો પડદો પાછો ઊઘડયો ને સૌ ગોળાકારમાં બેઠા હતા. સામે પાટિયા પર લખ્યું હતું: ' અંતકડીની રમત.' એકે કવિતા ગાઈ પછીનાએ તેના છેલ્લા અક્ષર ઉપર બીજી ગાઈ. એમ આખું વર્તુળ પૂરું થયું. વળી પાછી અંતકડી ચાલી.

ઉપરી સાહેબ કહે: “ સામસામે કેમ ગોઠવ્યા નથી ? મંડળી જોઈએ ને ?”

મેં કહ્યું: “ના જી, મેં તે કાઢી નાખેલું છે. એમાં હારજીત આવે છે. એમાંથી સ્પર્ધા અને ઈર્ષા જન્મે છે. આમાં એકને ન આવડે તો તેની પછીનો ઉપાડે છે ને કામ આગળ ચાલે છે. એક વાર કદાચ નથી સૂઝતું તો બીજી વાર આવડે છે."

ઉપરી સાહેબે દાઢી ખંજવાળી આંખો મટમટાવી.

છોકરાઓને બેસાર્યા હતા તો થોડી વાર રમવા; પણ તેમને તો ખૂબ મજા આવી ગઈ એટલે તેઓને તો ઘંટડી વાગી પણ ઊઠવું ગમે નહિ. મેં થોડી મિનિટ વધારે આપીને પડદો પાડયો.

મે પડદા બહાર આવી કહ્યું: “આપ જોશો કે પાઠયપુસ્તકની અંદરની કેટલી બધી કાવ્યપંક્તિઓ તેમને બરાબર યાદ છે. કવિતાના વર્ગમાં આ રમત હું રોજ ચલાવતો આવ્યો છું.”

ઉપરી સાહેબે કહ્યું: “Hear, Hear! (સાંભળો, સાંભળો !)” પાછો પડદો ઊઘડયો. વર્તુળમાં સૌ વરતઉખાણા નાખતા હતા. ભારે ઉત્સાહ હતો.

ઉપરી સાહેબ: “એાહો ! આ તો વરતો ને ઉખાણા ! મેં નાનપણમાં સાંભળેલાં, પણ તે અભ્યાસક્રમમાં કયાં છે ?”

મે કહ્યું: “ જી, અભ્યાસક્રમમાં ભાષાશિક્ષણ છે. અભ્યાસક્રમ પાછળ જિજ્ઞાસા, વિકાસ અને જ્ઞાનવૃદ્ધિ છે. વળી આ છોકરાઓ। તો આ રમત પર ગાંડા છે. કેટલાં બધાં વરતો તેમને આવડે છે ! ને દરેક વરતમાં કેટલું મહત્ત્વ છે ! આજે તે અભ્યાસક્રમમાં નથી છતાં તે મેં લીધાં છે; પણ મને આશા છે કે આવતા વર્ષમાં આ૫ એને અભ્યાસક્રમમાં સ્થાન આપશો." ત્યાર પછી અમે શબ્દોની રમત ચલાવી. એક શબ્દ બોલે તેના છેડાના અક્ષર પરથી બીજો શબ્દ બોલાય; તેના છેડા ઉપરથી ત્રીજો શબ્દ બોલાય. આ રમત આમ તો સહેલી હતી પણ જ્યારે એમ જણાયું કે કોઈ એક વિદ્યાર્થીએ ગામનાં, કોઈએ નદીઓનાં, કોઈએ ડુંગરનાં, કોઈએ મુસલમાનનાં, કોઈએ હિણ્દુનાં, કોઈએ લોકવરણનાં, કોઈએ બ્રાહ્મણનાં તો કોઈએ વાણિયાનાં એવાં જ નામો બોલવાનું પોતપોતાને માટે નક્કી કરી રાખ્યું હતું ત્યારે સૌને તે રમત વધારે ગમી.

મેં મારા શિક્ષકભાઈઓને કહ્યુંઃ “આ રમત માટે ઘણા ઘણા શબ્દો મળે તે માટે હું છોકરાઓને કહું છું કે તમે નકશા અને શબ્દકોશ વગેરે ચોપડીઓ ઉપર નજર ફેરવતા રહેશો તો ઘણા શબ્દો હાથમાં જ રમ્યા કરશે. ઘણી વાર છોકરાઓ રમત રમવાને બદલે જાતજાતના શબ્દો - જુદા જુદા વર્ગના શબ્દો એકઠા કરવામાં ઘણો વખત કાઢે છે. બધા એકબીજાને શબ્દો સંભારી આપે છે ને કોઈ કોઈ તો શબ્દો લખી લે છે.”

ઉપરી સાહેબ કહે: “આ રમતની પાછળ ઘણું તત્ત્વ દેખાય છે. આવી જાતની બધી રમતો બુદ્ધિશક્તિ અને સામાન્ય જ્ઞાન વધે તે માટે દરેક વર્ગમાં અવશ્ય દાખલ કરવી જોઈએ.” મારી સામે ખાસ નજર કરી તેમણે કહ્યું: “તમે પણ ઠીક નવું નવું ઉભું કરો છો !”

કોઈ શિક્ષકે બીજાને ઉપરી સાહેબ ન સાંભળે તેમ કહ્યું: “તે એવા ધંધા કરવા તો અહીં એ આવ્યા છે. એમને ક્યાં ભણાવવું છે ! આ તો મજા છે મજા ! આપણું ભણાવીને માથું પાકે છે ને આમાં તો ગંમત સિવાય બીજું ક્યાં છે!”

બીજો કહે: “હવે જૂના ભણતરને બદલે આ નવા ભણતરનો જમાનો આવ્યો. હવે એ દિવસે તે ગયા - કડ કડ બોલી જવું, ને ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે. હવે તો ભણવા માટે રમતગમત રહી. બાકી આગળ ઉપર તે થાય તે ખરું. હવે કોઈનું મન જ ભણવામાં નથી. રમત રમાડીએ તો સૌને સારા લાગીએ.”

મારું લક્ષ મારા વિદ્યાર્થીઓનું કામ બતાવવામાં હતું એટલે હું ઉપરની વાતચીત સાંભળી શક્યો નહિ પણ પાછળથી કોઈએ મને તે કહેલી.

મેં સીટી મારી એટલે બધા છોકરાઓ હાથમાં સાવરણી લઈ હારબંધ ઊભા રહ્યા. તેમને મેં સાવરણી સાથે કસરત કરાવી. પછી મેં તેમને ચારેકોર વાળી નાખવાનો હુકમ કર્યો. તેએા આખી શાળા ફરતા ફરી વળ્યા, જ્યાં તેમણે કચરો દીઠો ત્યાં તેમણે સાવરણી ફેરવી; અને જે કચરો એકઠો થયો તે એક ટોપલામાં ભરી અમારી સામે હાજર કર્યો.

ઉપરી સાહેબ તથા શિક્ષકભાઈઓ આ ધાંધલ જોઈ રહ્યા હતા. આ અમારા વર્ગના વિદ્યાર્થીઓની પરીક્ષા હતી. ઉપરી સાહેબે પૂછ્યું: “સાવરણી સાથે ડ્રિલ શા માટે કરવી એ નથી સમજાતું.”

મેં કહ્યું: “હમણાં તો દેશની ગંદકી એ જ મોટી આપત્તિ છે. જ્યાં સુધી એનું સામ્રાજ્ય છે ત્યાં સુધી આપણી દુર્દશા જ હું દેખું છું. એની સામે જ મેં તો પહેલી લડાઈ લીધી છે. ગંદકી દૂર કરવાની રીતસરની લડત થવી જોઈશે. સાવરણીથી ડ્રિલ એ તો માત્ર સૂચક છે. આ છોકરાઓનું પહેલું લેસન આ સાવરણી ડ્રિલ છે. એારડો પૂરેપૂરો સાફ ન હોય ત્યાં સુધી અમે બીજું કશું કામ કરતા જ નથી. હવે તો છોકરાઓને પણ ગંદકી નથી ગમતી.”

વાત ચાલતી હતી એટલામાં વિદ્યાર્થીઓ હાથ, પગ, મોઢું ધોઈને આવ્યા ને મેં બીજી સીટી મારી. ઉપરી સાહેબ: “આ તમારો અખતરો તો વિચિત્ર છે. ચોથા ધોરણનું ભણતર ભણાવવાનો અખતરો કરતાં કરતાં આ આવું કેટલુંક કર્યું છે?”

મેં કહ્યું: “મારા અખતરામાં આ વસ્તુને અવકાશ છે. ચોથા ધોરણનું ભણતર ભણાવું તે પહેલાં મારે તેમને પહેલા ધોરણનું ભણતર ભણાવવું જોઈએ ને !”

છોકરાઓ દોડીને બહાર ગયા હતા ને શાળાની આજુબાજુ ઝાડ ઉપર ચડી ગયા હતા. મેં બીજી સીટી મારી અને તેઓ કૂદી કૂદીને નીચે પડ્યા. ત્રીજી સીટીએ તેઓ પુનઃ ઉપર ચડ્યા ને ચેાથીએ નીચે પડ્યા.

હેડમાસ્તર: “ માળું આ ભણતર ભારે ! આ તો વગર ભણાવ્યે આવડે ! આમાં સાહેબ, ભણતર કેવું !”

મેં હેડમાસ્તરને કહ્યું: “હવે આવું ભણાવ્યા વિના નથી આવડતું. આપણે આવું ભણતર ભણવા પણ ક્યાં દઈએ છીએ ! ને ભણવા દેવું પણ ક્યાં છે !”

હેડમાસ્તર: “ના, એ વાત બરાબર નથી.”

મે કહ્યું: “ત્યારે આ આપણી શાળાના છોકરાઓ ઊભા. પૂછો જોઈએ, કેટલાક આ પ્રમાણે ચડીપડી શકે છે?"

તરત જ ઉપરી સાહેબે બધા છોકરાઓને ચડવાનો હુકમ આપ્યો; પણ બેત્રણ જણ માંડ માંડ ચડ્યા.

મે કહ્યું: “સાહેબ, આ જાતની મેં તેમને કેટલીક તાલીમ આપી છે. આ બધી બાબતો મારા શિક્ષણ અને અખતરાના વિષયો છે.” પછી જરા હસીને મેં કહ્યું: “સાહેબ, પરીક્ષાપત્રકમાં એ બધાનાં નામો છે. એના ગુણ મૂકવા જોઈશે.”

ઉપરી સાહેબે વિનોદમાં જવાબ વાળ્યો: “અરે, તમે પણ ગુણ માગવાના કે?” ત્રીજી સીટી મારી એટલે શાળાના કબાટમાંથી છોકરાઓ ભમરડા અને દોરીઓ લઈ આવ્યા ને ભમરડે રમવા લાગ્યા. શેરીના છોકરાઓની પેઠે નહિ, ૫રંતુ ઘોંધાટ અને બાઝાબાઝી કર્યા વિના તેઓ રમતા હતા. તેઓ એકાગ્ર હતા ને રમવામાં કંઈ લુચ્ચાઈ કરતા ન હતા. રમવાને માટે ચોક્કસ સ્થળ હતું ને સૌનો એક મુખી હતો.

અમે સૌ નાનપણમાં ભમરડાથી રમેલા એટલે સૌને રમતની મજા પડી.

ઉપરી સાહેબ: “આ છોકરાઓને ભમરડે રમતાં ક્યારે શીખવ્યું ? આ લોકો બરાબર વ્યવસ્થાથી અને નિયમનથી રમે છે.”

મે કહ્યું: “સાહેબ, અમારી શીખવવાની જગા નદીકાંઠે છે. અમે ફરવા જઈએ ત્યાં આવી કેટલી યે બાબતો કરીએ છીએ; અને રમત રમતમાં તો કેટલું યે આવડી જાય છે!”

ઉપરી સાહેબે અંગ્રેજીમાં કહ્યું: “તમે સાચું કહો છો. હમણાં જ મેં વાંચ્યું છે કે બાળકો રમત દ્વારા બધું ભણે છે.” હેડમાસ્તર તરફ જોઈને કહેઃ “હવે નિશાળમાં આવું બધું ક્યારે દાખલ કરશો ?”

હેડમાસ્તર કહે: “પણ સાહેબ, આવું બધું કરવા જઈએ ત્યારે અભ્યાસક્રમ પૂરો શી રીતે કરવો ! આ ભાઈને તો માથે શી પડી છે ! એક વરસ જેવું ભણાવાશે એવું ભણાવશે, ને કહેશે એ તો અખતરો હતો. થયું તેટલું કર્યું. બાકીનામાં ન પહોંચાયું, ન બન્યું. છોકરાઓથી ન થઈ શક્યું.” અને આપ પણ કહેશો કે અખતરામાં તો જે નીકળે તે માન્ય હોય. અમે તો આ અભ્યાસક્રમની સાંકળથી બંધાયેલા છીએ. આપ સાહેબ જ ઉપરથી લખી મોકલો છો કે 'કેમ કામ પૂરું નથી થયું ? કેમ પરિણામ મોળાં છે ? કેમ અભ્યાસક્રમ પૂરો ન કર્યો?'" ઉપરી સાહેબ જરા હસ્યા. મનમાં જરા ખીજાયા હતા પણ તે તેમણે દબાવ્યું હતું.

એક સીટી મારી ને છોકરાઓએ પોત પોતાનાં પહેરણો કાઢી નાખ્યાં. છોકરાની હાર ઊભી રહી. બધા ટટાર હતા. ઠીક ઠીક જામેલા હતા. સ્વચ્છ હતા. બ્રાહ્મણની જનેાઈઓ મેલી ન હતી. હાથ, મોં, વાળ બરાબર ચોખ્ખાં હતાં, નખમાં મેલ ન હતા. વાળ વધેલા ન હતા આંખોમાં ચીપડાં ન હતાં. ટોપીઓ ધોયેલી હતી.

ઉપરી સાહેબે જરા હસીને કહ્યું: “કેટલા દિવસથી તૈયારી કરી હતી ? આ સ્વચ્છતા વગેરેની તૈયારી કરાવતાં ખૂબ મહેનત કરવી પડી હશે !”

મેં કહ્યું: “સાહેબ, છ માસથી તૈયારી ચાલે છે. છ માસથી મહેનત કરું છું. આપ સૌ કયાં નથી જાણતા !”

એક વધારે સીટી મારી અને છોકરાઓ કપડાં પહેરી, રાજી થઈ, હારબંધ ઊભા રહી નમસ્કાર કરી ચાલ્યા ગયા.

હેડમાસ્તરે જરા મર્મમાં કહ્યું: “પરીક્ષા પૂરી ?”

મે કહ્યું: “હજી વાર છે. ઓરડામાં આપ સૌ પધારશો ?”

હેડમાસ્તર: “હા, હા, ઓરડાને તમે થોડા દિવસથી વાપરવા માગી લીધો છે, અને અમને કોઈને અંદર આવવા દેતા નથી. કંઈક ભેગું કરાવતા હતા, ખરું ?”

મે કહ્યું: “ચાલો તો.”

અમે સૌ ઓરડામાં આવ્યા.

ઉપરી સાહેબઃ “ઓહો ! આ તો નાનું એવું સંગ્રહસ્થાન છે!”

હેડમાસ્તર: “હું એમ જ ધારતો હતો. છોકરાઓ લાવવામૂકવાની દોડાદોડ કરી રહ્યા હતા.” મેં કહ્યું: “છોકરાઓએ ખૂબ ઉત્સાહથી આ કામ કર્યું છે. મેં કહ્યું હતું કે 'તમારે જેમ ગોઠવવું હોય તેમ ગોઠવજો. હું જરા પણ બતાવીશ નહિ.'”

ઉપરી સાહેબ: “આ તમામ રચના વિદ્યાર્થીઓની છે ?”

મેં કહ્યું: “હા છે.”

ઉપરી સાહેબ: “પણ એ શી રીતે બને ! It is so very tastefully arranged !” (બધું બહુ રસપૂર્વક ગોઠવેલું છે.)

હું મૂંગો રહ્યો. મારા કામનું પરિણામ હવે તો સ્પષ્ટ રીતે બોલવાનું હતું.

ઉપરી સાહેબ: “આ બધું ભેગું કયાંથી કર્યું ? કુદરતના પાઠો આપવા માટે આ બધું બહુ કામનું છે.”

મેં કહ્યું: “સાહેબ, કુદરતમાંથી જ. તેની પાસેથી પાઠ લેતાં લેતાં આ આણ્યું છે.”

હેડમાસ્તરે ઉમેર્યું : “છોકરાઓને ફરવા લઈ જાય છે ત્યાંથી હશે, સાહેબ !”

ઉપરી સાહેબ: “આ તો ભારે કામ થઈ ગયું ! આ સંગ્રહ હવે વીખશો નહિ. આખી શાળા માટે તે આપણને કામ આવશે. આવો સંગ્રહ આપણે વધારીને મોટો કરવા શિક્ષકોને કહીશું.”

હેડમાસ્તર મનમાં ગણગણ્યા: “ને પછી શિક્ષકો ભણાવશે ક્યારે !”

સંગ્રહની એક યાદી છોકરાઓએ તૈયાર કરી હતી. ઉપરી સાહેબે તે વાંચી અને સાથે જ ખુશ થયા. તેઓ કહે: “આ છોકરાઓ ઈનામને લાયક છે.”

મેં કહ્યું: “સાહેબ, આ સંગ્રહ કરવાની મજા એ જ એમનું ઈનામ હતું. આ આખો સંગ્રહ જ એમનું ઈનામ છે.” ઉપરી સાહેબ: “તો પણ...”

હું બેાલ્યો નહિ.

એક ખૂણામાં ગારાનાં રમકડાં હતાં.

ઉપરી સાહેબ: “આ કોણે કરેલાં !”

મેં કહ્યું: “છોકરાઓએ. આ આખા ઓરડામાં મારો કશો જ હાથ નથી.”

ઉપરી સાહેબઃ “પણ આટલાં બધાં રમકડાં કયે દિવસ કર્યા ને ક્યારે પકવ્યાં ?”

મે કહ્યું: “એ તો નદીકાંઠે આઠ આઠ દિવસે કરેલાં ને ત્યાં જ ભઠ્ઠી નાખી પકવેલાં.”

ઉપરી સાહેબ: “અરે, તમારું ભેજું કાંઈ અજબ લાગે છે ! તમારો પ્રયેાગ કંઈ અદ્ભુત લાગે છે ! કંઈ સાધન નહિ મળે તો નદીકાંઠે ઊપડો છો. ખેતરની માટીનો ગારો કરો છો ને શાબાશ.”

મેં તેમને આગળ બોલવા ન દીધા. વચ્ચે જ કહ્યું: “હવે આ૫ આ ઓશરીમાં જરા નિરાંતે બેસો. તેમનું બીજું થોડુંએક કામ બતાવું.”

સૌને મેં બેસાર્યા.

હેડમાસ્તરે વિચાર કરતાં કરતાં કહ્યું: “સાહેબ, કરીએ તો આ બધું ય; પણ પછી ભણાવવું ક્યારે !”

હું કેટલાંએક આંકડાનાં પૂઠાં લાવ્યો. એક પર છોકરાઓનો વર્ગ શરૂ કર્યો ત્યારના અક્ષરના નમૂના હતા; બીજા પર ગઈ કાલના અક્ષરના નમૂના હતા. પૂંઠા ઉપર લખ્યું હતું 'અક્ષર-પ્રગતિસૂચક પત્રક.'

બધાને અક્ષરોની પ્રગતિ સારી લાગી. એક શિક્ષકે બીજાના કાનમાં કહ્યું: “આ તો ખાસ સારા છોકરા પાસે ધીરેથી કઢાવીને મૂકયા હશે.”

મને શિક્ષકનો આ મેલો વિચાર ખટક્યો; પણ મેં તે ન ગણકાર્યો. મને એ એટલો બધો હલકો લાગ્યો કે ન પૂછો વાત.

ઉપરી સાહેબ: “તમે આ ફેરફાર શી રીતે કરો છો ?”

મેં કહ્યું: “જુદા જુદા ઉપાયો કરીને.”

ઉપરી સાહેબ: “તે ઉપાયોને શાળામાં દાખલ કરીએ તો ?”

મેં કહ્યું: “તે થઈ શકે; જરૂર થઈ શકે. હું આપને બતાવી શકીશ.”

હું એક બીજી ચોપડી લાવ્યો. તેમાં દરેક વિદ્યાર્થીએ આ છ માસમાં કુલ કેટલી ચોપડીઓ વાંચી હતી તેની યાદી હતી. એને દરેક પાને વિદ્યાર્થીનું નામ હતું. વિદ્યાર્થીએ પોતે ચોપડી વાંચીને ચોપડીનું નામ પોતાને હાથે તેમાં લખેલું હતું.

મેં તે ઉપરથી છેલ્લે પાને થોડાએક આંકડા કાઢ્યા હતા. કેટલા વિદ્યાર્થીએાએ કુલ કેટલી ચોપડીઓ વાંચી, સરેરાશ વિદ્યાર્થી દીઠ કેટલી વંચાઈ, સૌથી વધારે ચોપડીઓ કોણે અને સૌથી ઓછી કોણે વાંચી વગેરે. ચોપડીઓની દૃષ્ટિએ પણ નોંધ કરેલી: કઈ ચોપડીઓ ખૂબ વંચાઈ ને કઈ છેક જ ન વંચાઈ. વંચાએલી ચોપડીએાનું વર્ગીકરણ પાડી બતાવ્યું હતું કે વર્ગના છોકરાઓએ કયા વિષય પર વાંચવાનો ખાસ રસ લીધો હતો.

ઉપરી સાહેબે ચોપડી જોઈ તેઓ અજાયબી પામી બોલ્યા: “આટલી બધી ચોપડીઓ વંચાઈ ગઈ ! વળી તે આટલા આટલા વિષય પર! કયારે તે વાંચી ?”

“જી હા, તેમ બન્યું છે, અને તે મારી આંખો નીચે.” ઉપરી સાહેબે પૂછ્યું: “હેડમાસ્તર સાહેબ, તમારા સાતમા ધોરણના વિદ્યાર્થીએાએ આ છ માસમાં કેટલાં પુસ્તકો વાંચ્યાં હશે ?”

હેડમાસ્તર કહે: “ સાહેબ, વાંચે કયાંથી ! વાંચવા જાય તો ઇતિહાસ, ભૂગોળ, ભૂમિતિ, બધું ભણે કયાંથી !”

ઉપરી સાહેબ બોલ્યા નહિ પણ વિચારમાં તો પડ્યા. મારા તરફ જોઈને કહેઃ “તમારા છોકરાઓ ભાષામાં વગર પરીક્ષાએ પાસ થાય છે. કહો, હવે શું બાકી છે?”

હું વિદ્યાર્થીઓનું હસ્તલિખિત માસિક લઈ આવ્યો.

ઉપરી સાહેબે પૂછયું: “આ બધા લેખો છોકરાએાના ?”

"જી હા.”

“આ એકબે કવિતાઓ છે તે પણ?”

“જી હા. હમણાંથી એકબે છોકરાઓ કવિતાઓ લખવાનો પ્રયત્ન કરે છે.”

“પણ આ કવિતામાં તમે કાંઈ સુધારી આપો છો ખરા કે નહિ?”

“ના, હજી સુધી તેમ નથી કર્યું, જેવી લખાઈ છે તેવી જ પ્રગટ થઈ છે."

“આ બધું છોકરાઓ પોતાની મેળે લખે છે, ઉતારા કરે છે કે તમે સુઝાડો છો ?”

“ઉતારા કરવાનો શો અર્થ, સાહેબ ! હું કહું છું કે 'જે ગમે તે લખો. સૂઝે તે લખો. બધું લખાય. વળી જે લખો તે પ્રગટ કરો.' તેઓને બધાં લખાણો ગમે છે ને હું બધાંને પ્રગટ કરું છું.”

ઉપરી સાહેબ: “આ છમાસિક પરીક્ષા માટે તો ખાસ કરાવ્યું હશે ?” મેં કહ્યુંઃ “ના જી. આ છેલ્લા ત્રણ માસ થયાં દર માસે આ પ્રવૃત્તિ ચાલે છે. હા, આ છમાસિક પરીક્ષામાં મૂકયું છે ખરું, પણ તે પરીક્ષા માટે તૈયાર નથી કર્યું.”

ઉપરી સાહેબે ખુશ થતાં થતાં ડોકું હલાવ્યું ને કહ્યુંઃ “ભારે અધરું કામ છે.” મને ઉદ્દેશીને કહે: “તમે અજબ કામ કરી બતાવો છો. છ માસમાં કયાં સુધી ગયા છો !”

હેડમાસ્તર હળવેથી બોલ્યા: “હવે ગણિત, ભૂગોળ અને ઈતિહાસની પરીક્ષા કયારે છે? અમે બપોરે હાજર રહીએ કે ?”

કદાચ એવું બોલી મને ટકોર કરવી હશે ! મેં હજી ગણિત અને ભૂગોળમાં મીંડું કર્યું હતું તેની હેડમાસ્તરને ખબર હશે. મેં કહ્યું: “ભૂગોળ અને ગણિતમાં મારાથી કશું બન્યું નથી; પણ બાર માસે મારે તે કામ પણ કરી બતાવવાનું તો છે જ, વળી ઇતિહાસમાં કામ થયું છે પણ તે બતાવવા જેવું નથી થયું.”

હેડમાસ્તર: “એાહો ! ત્યારે તો મોટા મોટા વેશો જ રહી ગયા કહો ને !”

ઉપરી સાહેબ: “હેડમાસ્તર સાહેબ, એ તમારી દૃષ્ટિએ: આ ભાઈની દૃષ્ટિએ નહિ, તમારે તો ઇતિહાસ ને ભૂગોળ, ગણિત ને પલાખાં એ જ મોટું ભણતર !”

ઉપરી સાહેબ જરા મજામાં હતા એટલે હેડમાસ્તરે સામેથી સંભળાવી: “પણ સાહેબ, આપની દૃષ્ટિએ પણ એમ જ છે. આપ પણ એમાં જ પરિણામ માગો છો !”

સૌ જરા મજાની વાતો કરતા ઊઠ્યા. મારા વર્ગની છમાસિક પરીક્ષા પૂરી થઈ જતાં જતાં ઉપરી સાહેબે કહ્યું: તમારું પરીક્ષાપત્રક?”

મેં કહ્યું: “એ તો તૈયાર કર્યું જ નથી.”

ઉપરી સાહેબઃ “ત્યારે પરીક્ષામાંથી તમારો વર્ગ બાતલ.”