લખાણ પર જાઓ

દિવાસ્વપ્ન/પ્રકરણ-૪.૨

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ-૪.૧ દિવાસ્વપ્ન
પ્રકરણ-૪.૨
ગિજુભાઈ બધેકા
૧૯૪૨
પ્રકરણ-૪.૩ →


: ૨ :

હું હવે ભૂગોળ શીખવવાનો વિચાર કરવા લાગ્યો. ભૂગોળનું પાઠ્યપુસ્તક જોઈ તેને નિરાશાથી બાજુએ મૂક્યું. અભ્યાસક્રમ વાંચીને મનને માઠું લાગ્યું. શા માટે છોકરાઓને આ નદીઓ અને પર્વતનાં નામો યાદ કરાવવાં ! મને ક્યાં એ બધું યાદ છે ! ગઈ કાલે વિદ્યાધિકારી સાહેબ પણ નકશામાં જોઈ ઑસ્ટ્રેલિયાનો રસ્તો શોધતા હતા. નાનપણમાં મોઢે કરેલી ભૂગોળ કોને યાદ રહે છે ! મને થયું: “આ ભૂગોળ ન જ ભણાવીએ તો કેમ ! મને પોતાને ખરી ભૂગેળ આફ્રિકા ગયો ત્યારે જ સમજાઈ. ત્યાર પછીથી ભૌગોલિક આંખ ઉઘડી. આજે મને ભૂગોળમાં અત્યંત રસ છે. મને ભૂગોળ અત્યંત ઉપયોગી લાગે છે. પણ આ વિદ્યાર્થીએાને આ બધું અત્યારથી શા માટે સમજાવવું ને ભણાવવું ! આ અભ્યાસક્રમ પ્રમાણે તો નહિ જ ચલાય. આ પાઠ્યપુસ્તક જોઈ હસવું આવે છે. વિદ્યાધિકારીને મળું ? મારી પોતાની રીતે વિદ્યાર્થીઓમાં ભૌગોલિક વૃત્તિ અને દૃષ્ટિ ઉત્પન્ન કરવાની રજા લઉં ?”

હું વિદ્યાધિકારી પાસે ગયો.

સાહેબે પૂછયું : “કેમ ?”

મે કહ્યું: “ભૂગોળનો વિષય અભ્યાસક્રમમાંથી છોડી દઈએ તો ?”

“એ તો ન જ બને. અભ્યાસમાં ભૂગોળ અત્યંત મહત્ત્વનો વિષય છે. ઇતિહાસ કરતાં પણ આજે ભૂગોળ કામની છે. આપણા અખતરામાં વિષય છોડી દેવાની વાત નથી. વિષય સરસ રીતે ભણાવી દેવાનો છે. તમે ભણાવો ગમે તે રીતે પણ બીજા શિક્ષકોને ખાતરી કરી આપો કે ભૂગોળ રસિક વિષય છે અને સરસ રીતે ભણાવી શકાય છે. તમારા અખતરાની કિંમત મને એમાં છે.”

વિદ્યાધિકારીએ સરસ રીતે મારું મોં બંધ કર્યું; પણ મેં કહ્યું: “આ પાઠ્યપુસ્તક અને અભ્યાસક્રમ તો મારે ન જોઈએ. હું મારી રીતે ભૂગોળ શીખવીશ. હું આશા રાખું છું કે આપ નિરાશ નહિ થાઓ.”

સાહેબે કહ્યું: “હું પણ એ જ માગું છું.”

થોડી વાર પછી વિદ્યાધિકારીએ એક બીજો સવાલ પૂછયો: “તમારું શું ધારવું છે - આપણે આ પરીક્ષાઓ લઈએ છીએ તે બાબતમાં ? નવીન શિક્ષણના હિમાયતીઓ પરીક્ષાનો સદંતર વિરોધ કરે છે; અને તેની બદી ખરેખર ભયંકર છે. અમારે તો ખાતું ચલવવું રહ્યું એટલે પરીક્ષાને કેમ કાઢી શકાય ! પરિણામ પણ જોઈએ. વળી પરીક્ષા ન લઈએ તો શિક્ષક ન પણ ભણાવે, અને પ્રામાણિક શિક્ષક ભણાવ્યે જાય તો પણ ભણાવતાં આવડ્યું છે કે નહિ તેની ખબર પરીક્ષા વિના ન પણ પડે. વળી એ બધું છતાં વિદ્યાર્થીમાં ભણતર ઊગ્યું છે કે નહિ એ જાણવાનો કાંઈક રસ્તો તો જોઈએ જ. આ મુશ્કેલીમાં તમારે શેનો અભિપ્રાય થાય છે ?”

મેં કહ્યું: “આપની મુશ્કેલી સાચી છે. જ્યાં સુધી ગમે તે વિદ્યાર્થી ભણવા બેસે છે અને જયાં સુધી ગમે તે શિક્ષક ભણાવે છે ત્યાં સુધી પરીક્ષા જોઈશે જ. પરીક્ષા ત્યારે કાઢી નાખીએ કે જ્યારે અંદરથી ભણવાની હોંશે વિદ્યાર્થી ભણવા આવે, અને સામેથી ભણાવવાની કળાવાળા શિક્ષક ભણાવવાની હોંશથી ભણાવવા બેશે. પણ હાલની ભાડૂતી સ્થિતિમાં પરીક્ષાને પેસવાની જગા છે.”

વિદ્યાધિકારી કહેઃ “અલબત્ત, હું એ બાબતમાં કાંઈક સુધારા કરવા માગુ છું.”

મેં કહ્યું: “આજે તમે માત્ર છમાસિક અને વાર્ષિક પરીક્ષા લો છો તેને બદલે માસિક પરીક્ષા દાખલ કરો. જો વિદ્યાર્થીને પરીક્ષાની કસોટીએ ચડવું પડે તેમ છે તો પરીક્ષાનો જેટલો વિશેષ પરિચય તેટલો તેનો ત્રાસ પણ ઘટે છે. અતિપરિચયથી ત્રાસ સહ્ય થાય છે. બીજું પરીક્ષા હોશિયાર વિદ્યાર્થીને માપવા માટે નહિ પણ કાચા વિદ્યાર્થીઓને જગાડવા માટે, તેમની કચાશ કેટલી છે તે ખોળી કાઢવા માટે થાય. આ મોટો દૃષ્ટિફેર છે. ત્રીજું જે વિદ્યાર્થીઓ માનતા હોય કે પોતાને વિષય આવડે છે તેમને પરીક્ષામાંથી માફ રાખવા. ઇચ્છાપૂર્વક વિદ્યાર્થી પોતાની કચાશ મપાવવા પરીક્ષા આપે. કચાશ નહિ મપાવે તેને કચાશ દૂર કરવાનો અવકાશ નહિ રહે એવી સમજણ વિદ્યાર્થીઓમાં આપીએ. પરીક્ષાથી માપી શકાય તેવા જ વિષયોની પરીક્ષા રાખીએ અને બાકીના વિષયોને પરીક્ષામાંથી બાતલ કરીએ. વળી પરીક્ષા વખતે વિદ્યાર્થી એને પાઠ્યપુસ્તકો જોઈને જવાબ આપવાની છૂટ આપીએ. આપણે કહીએ કે ન આવડે તો જોઈને જવાબ આપવા. મોઢેથી કહી ન શકાય તો ચોપડીમાંથી જોઈને સમજાવવું. વિદ્યાર્થી પાઠ્યપુસ્તકને જવાબ આપવામાં કેવી રીતે વાપરે છે તેમાં તેની સ્વતઃ પરીક્ષા થઈ રહેશે. બીજું આપણે ઉપલા ધોરણમાં જવા લાયક, નાલાયક અને કાચું હોય તે પાકું કર્યા પછી જવાને લાયક એવા ત્રણ વિભાગ વિદ્યાર્થીના પાડીએ. પહેલે નંબરે પાસ, બીજે નંબરે પાસ એ ધોરણ રદ કરીએ.”

વિદ્યાધિકારી વચ્ચેથી બેલ્યા: “આવતે વર્ષે મારે તમને ડેપ્યુટી નીમવા જોઈએ.” હું જરા હસ્યો અને આગળ બેાલ્યોઃ “પરીક્ષા શિક્ષકોને હાથે લેવાવી જોઈએ. તેઓ જ વિદ્યાર્થીઓની શક્તિ વધારે જાણી શકે છે, અશક્તિનાં કારણો જાણી શકે છે, અને ઉપલા ધોરણમાં ચાલશે કે નહિ તે કહી શકે છે. હા, ડેપ્યુટીની જરૂર છે, પણ તે પરીક્ષા કેમ લેવાય તે બાબતની પરીક્ષા લેવા માટે છે – શિક્ષકને બરાબર પરીક્ષા લેતાં આવડે છે કે નહિ તેની પરીક્ષા લેવા માટે જ છે.”

વિદ્યાધિકારી: “આ વળી નવો વિચાર.”

મેં કહ્યું: “જી હા, લાગે છે તો એમ.”

પરીક્ષા વિષે મારે વધારે કહેવાનું હતું; પણ સાહેબને જમવાનો વખત થયો તેથી તે ઊઠ્યા. હસતાં હસતાં તેમણે કહ્યું: “ઠીક ઠીક, આપણે આ વિષય ફરી વાર વિચારીશું. એક વાર શિક્ષકો આગળ તમે ભાષણ આપો.”

હું ઊઠ્યો. મનમાં ગણગણ્યો : “એમ ભાષણ આપે શિક્ષકો ક્યાં ડાહ્યા થાય એમ છે ! પરીક્ષાની ઘરેડમાંથી તેમને કાઢવા ઘણા અઘરા છે. છતાં એમ થઈ શકે તેમ હોય તો તે વિદ્યાધિકારીઓના હુકમોથી થઈ શકે; પણ એ બિચારા તો...”