લખાણ પર જાઓ

દિવાસ્વપ્ન/પ્રકરણ-૪.૫

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ-૪.૪ દિવાસ્વપ્ન
પ્રકરણ-૪.૫
ગિજુભાઈ બધેકા
૧૯૪૨
પ્રકરણ-૪.૬ →


: ૫ :

વાર્ષિક પરીક્ષાનો વખત નજીક આવતો હતો. હું મારા કામનો હિસાબ લેતો બેઠો હતો. હું ગણિતનો હિસાબ લેવા બેઠો. આજ દિવસ સુધી મેં ગણિત હાથમાં લીધું જ ન હતું એમ નહિ પણ એની વાત આજે જ કરવાનું મન થાય છે. મેં જ્યારે મારા વર્ગના છોકરાઓને તેઓ ગણિતમાં કેટલું જાણે છે તે તપાસવા માટે થઈ ગયેલા અભ્યાસમાંથી દાખલા લખાવ્યા ત્યારે તેએાએ ગણી આપ્યા. પ્રથમ તો મને થયું કે આમાં તો બધા બરાબર છે; અને સારું થયું કે જે વિષયમાં હું કાંઈ ખાસ નવું કરી બતાવી શકું તેમ નથી તે વિષયમાં વિધાર્થીઓ ઠીક છે. પરંતુ ધીરેથી મેં દાખલાની પાછળ રહેલો તર્ક પૂછ્યો, રીતનું કારણ પૂછયું ત્યારે અંધારું માલૂમ પડ્યું. મને લાગ્યું કે વિદ્યાર્થીઓને સરવાળા, બાદબાકી વગેરે આવડે છે પરંતુ તે જ્ઞાન પોપટિયું અને યંત્રવત છે. હું વિચાર કરવા લાગ્યો: “આનું શું કરવું ?” મને મૂંઝવણ થવા લાગી. એક તો ગણિતનો વિષય મને એટલો બધો પ્રિય નહિ; એના શિક્ષણમાં થતા દોષો હું સમજું પણ તે કેમ દૂર થાય તેની શોધ મેં કરેલી નહિ. આવે વખતે મારે કેમ કરવું એ પ્રશ્ન આકરો હતો. હું વિદ્યાધિકારી પાસે ગયો ને સીધેસીધું કહ્યું: “સાહેબ, આ ગણિતના વિષયમાં હું કંઈ નવું કરી બતાવી આપી શકીશ નહિ. હા. છોકરાઓને સારી રીતે સમજાવીને તેમને ભણાવીશ અને અભ્યાસક્રમ પૂરો કરાવીશ.”

વિદ્યાધિકારી કહેઃ “એમ કેમ ? શું, એમાં ફેરવવા જેવું કંઈ નથી !”

મેં કહ્યું: “હા જી, છે, પણ તે ફેરફાર પાયામાંથી થવા જોઈએ. બાળકને ગણતાં શીખવવાના સમયથી જ તેની સામે યોગ્ય પદ્ધતિ આપવી જોઈએ. ગણિત એવો વિષય છે કે જો એક વાર તર્કથી તે મનમાં ન ઠસ્યો તો કાયમને માટે તે પાંગળો જ રહે છે."

વિદ્યાધિકારી કહે: “પણ તમે પહેલેથી જ માંડીને ગણિત કરાવો તો ?”

મેં કહ્યું: “પણ તે માટે વખત ક્યાં છે ! વળી હોય તોપણ આ વિદ્યાર્થીઓ કે જેઓને યંત્રવત્ કામ કરવાની ટેવ પડી છે, જેઓ ગણિતમાં કારણ પૂછતા જ નથી ને ગણ્યે જ જાય છે, તેમને રસ્તે લાવવું આકરું છે - ઘણું આકરું છે.”

વિદ્યાધિકારી કહેઃ “પણ ત્યારે આ છોકરાઓનું ગણિત......”

મેં કહ્યું: “એમ તો હું બને તેટલું સારું કરીશ; પણ મારે એટલું જ કહેવાનું કે એમાં જે કાંઈ અખતરા શક્ય છે તે બતાવી ન જ શકાય.”

વિદ્યાધિકારીએ કહ્યું: “ધારો કે તમને પહેલેથી જ એક વર્ગ આપીએ તો તેના ઉપર તમે અખતરો કરો કે નહિ ?”

મેં કહ્યું: “મારી એવી ઉમેદ તો છે જ કે ગણિતનો અખતરો હું એકડેથી જ કરું. પછી હું બધાને કહી શકું કે આ રીત સારી છે. મારા શિક્ષકભાઈઓને ગણિતના વિષયમાં કંઈ ને કંઈ નવી પદ્ધતિ દાખલ કરવાનો શોખ છે તે જાણું છું. હું આવતે વર્ષે જો અખતરો કરવા ભાગ્યશાળી થાઉં તો ચંદ્રશંકર ને હું એ વિષયમાં અખતરા કરીએ. મને લાગે છે કે મોન્ટેસેરી ગણિતપદ્ધતિ અચ્છી છે. તે સ્વાભાવિક છે. મેં તેનું વાચનમનન કર્યું છે પણ પૂરો અનુભવ લીધો નથી.”

વિદ્યાધિકારી કહે: “આવતે વર્ષે તમે આપણે ત્યાં ડેપ્યુટીનું, અધ્યાપનમંદિરના શિક્ષકનું અને ગણિતના અખતરા કરનારનું સ્થાન લ્યો તો ?”

મેં જવાબ આપ્યોઃ “એ તો હરિઈચ્છા; પરંતુ આ વખત માટે તો હું માગી લઉં છું કે ગણિતના વિષયમાં હું કાંઈ ખાસ નવીન કરી બતાવી શકીશ નહિ.”