લખાણ પર જાઓ

દિવાસ્વપ્ન/પ્રકરણ-૪.૪

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ-૪.૩ દિવાસ્વપ્ન
પ્રકરણ-૪.૪
ગિજુભાઈ બધેકા
૧૯૪૨
પ્રકરણ-૪.૫ →


: ૪ :

એક દિવસ હાઈસ્કૂલમાંથી હું એક દૂરબીન (બાયનોકયુલર) લાવ્યો. છોકરાઓને મેં દુરની વસ્તુઓ કેવી રીતે નજદીક દેખાય છે તે બતાવ્યું. છોકરાઓને ભારે નવાઈ લાગી. આખો દિવસ તેએાએ વારાફરતી બાયનોક્યુલર અાંખ ઉપર રાખ્યાં જ કર્યુંં. રાત્રે હું ગ્રહો અને તારાઓ જોવાનું ટેલીસ્કોપ લઈ આવ્યો. મારા મિત્રો કહેઃ “તું પણ ભારે ધમાલિયો છે !”

મારા શિક્ષકભાઈઓ હવે ઘણુંખરું તો આવા બધા પ્રસંગે મારી સાથે જ રહેતા હતા. નિંદા છોડી મારી પાસેથી કાંઈક શીખવા અભિમુખ થયા હતા. વિદ્યાધિકારીએ તેમની સંમતિથી અઠવાડિયે એક કલાક મારા વર્ગમાં સૌ આવે અને હું કેમ કામ કરું છું તે જુએ એમ ઠરાવ્યું હતું.

રાત્રે મેં ચંદ્ર અને તારાઓ મારા વિદ્યાર્થીઓને બતાવ્યા. તેએાને અધધધ થઈ પડ્યું !

ચંદ્ર બતાવતાં બતાવતાં મેં વાત છેડી: “પેલા ચંદ્રમાં રેંટિયો કાંતતી ડોશી અને બકરી દેખાય છે તે ચંદ્ર ઉપર મેાટી મોટી ખીણો અને પર્વતો છે; અને ત્યાં એટલી બધી ટાઢ છે કે ત્યાં કોઈ માણસ નથી.” છોકરાઓ મારી સામે જોઈ રહ્યા. મેં કહ્યું: “આપણે રહીએ છીએ તે ધરતી અને ચંદ્ર એ બે બહેનો છે, ને એનો બાપ સૂરજ છે.”

વિદ્યાર્થીઓ વધારે આશ્ચર્યથી મારા તરફ જોઈ રહ્યા.

એક જણ કહે: “આવી વાર્તા કઈ ચોપડીમાં છે ?"

મે કહ્યું: “આ વાર્તા નથી, સાચી વાત છે.”

છોકરાઓ કહે: “હોય નહિ!”

મેં કહ્યું: “એમ જ છે.”

તરત જ મેં સૂર્યમાંથી પૃથ્વી કેમ થઈ તેની વાત આરંભી; અને તે વાત જામી. દિવસો ઉપર દિવસો ગયા. એટલામાં તો મેં પૃથ્વીનું પડ ટાઢું કેમ પડ્યું, ખાડાટેકરા કેમ થયા, સરોવરનદીઓ કેમ થયાં, શેવાળ, જળજંતુઓ, માછલાં, દેડકાં, જળસ્થળ પ્રાણીઓ, જંગલો અને જંગલી મનુષ્યો અને જગલીમાંથી ધીરે ધીરે આજનાં મનુષ્યો કેમ થયાં તેની વાત કહી એ વાર્તા ઘણી અદ્ભુત હતી. છોકરાઓ અત્યંત એકાગ્રતાથી તે સાંભળતા હતા. હેડમાસ્તર સાતમા ધોરણના છોકરાઓને પણ તે સાંભળવા મોકલતા.

એક દિવસ હું પૃથ્વીનો ગોળો લાવ્યો અને કહ્યું: “આ બધું આના ઉપર કેમ થયુ તેની વાત કહી.”

પછી મેં પાણી અને જમીન કયાં છે, કાળા લોકો અને ધોળા લોકો ક્યાં છે, પીળા લોકો અને રાતા લોકો ક્યાં છે, ઠીંગણા અને ઊંચા લોકો ક્યાં છે એ બધું બતાવ્યું. પછી મેં પૃથ્વીના કુદરતી વિભાગો અને તેનાં નામો કહ્યાં પછી આપણે એશિયામાં છીએ; એશિયામાં આ દેખાય છે તે હિંદુસ્તાન છે; હિંદુસ્તાનમાં આ દેખાય છે તે કાઠી લોકોનો મુલક કાઠિયાવાડ છે; અને કાઠિયાવાડમાં આ ભાવનગર છે, તે બતાવ્યું.

મેં છોકરાઓને કહ્યું: “આ લો ગોળો અને પેલી પેટીમાંથી કાઢો નકશાઓ. આ ગોળા ઉપર કયાં કયાં તે બધા બંધબેસતા આવે છે તે શોધી કાઢો.” હું છોકરાએાને દરરોજ કાંઈ નવું નવું જોઈ જવા કહેવા લાગ્યો. મેં કહ્યું: “તમે જે જે ગામે આજ સુધી જોયાં હોય તે ખોળી કાઢો. ત્યાં કયે કયે રસ્તેથી જવાય છે તે જુઓ. રસ્તામાં કઈ કઈ નદીઓ આવે છે, કયાં કયાં ગામો આવે છે તે પણ જુઓ.”

આ એક રીત થઈ. બીજી બાજુએ હું આફ્રિકા જોઈ આવેલો એટલે આફ્રિકાનો નકશો સામે રાખીને હું આફ્રિકાની વાતો કરવા લાગ્યો. મેં વિક્ટોરિયા ન્યાન્ઝા, ટાંગાન્યિકા, ઝાંબેસી, નાઈલ અને આફ્રિકાના સિંહો અને હાથીઓ ને ત્યાંના લોકો-મસ્સાઈ ને કોવીરોન્ડોની વાત કહી. પછી એક દિવસે મેં તેમને કહ્યું: “આ આપણી આજુબાજુના લોકો કોળી, કુંભાર, ભરવાડ, રબારી વગેરે છે એને તો જોવા જાઓ.” વળી એમ કહીને તે દૃષ્ટિએ એકબે પ્રવાસો તેમની સાથે ગામડામાં, સીમમાં, નદીકિનારે, ડુંગરા ઉપર એમ મેં ગોઠવ્યા અને તેમને ભૂતળના અભ્યાસ તરફ અભિમુખ કર્યા.

પછી મેં તેમને માટે ભૂગોળનું એક વાચનાલય વસાવવાનો વિચાર કર્યો; પણ તેવા સુંદર પ્રવાસોનાં પુસ્તકો આપણી ભાષામાં ન મળ્યાં. જે મળ્યાં તે તેમને આપ્યાં અને કહ્યું: “પુસ્તક વાંચતા જાઓ અને નકશો જોતા જાઓ. માણસ ક્યાંથી કયાં જાય છે તે જુઓ અને તેની સાથે ફરો.”

પ્રવાસના ગ્રંથો વિદ્યાર્થીઓને વાંચવા ગમે છે. એકબે વિઘાર્થીઓને કાઠિયાવાડ સર્વસંગ્રહમાં બહુ મજા પડી. નક્શા ઉપરથી એક ગામડું પસંદ કરે અને તેની હકીકત સર્વસંગ્રહમાંથી વાંચે. એમ કેટલાં યે જાણીતાં અજાણ્યાં ગામ વિષે માહિતી મેળવે. રવિભાઈનાં ચિત્રાએ અમદાવાદનો તેમને સારો પરિચય કરાવ્યો. દરેકેદરેક અગત્યના સ્થળનાં એવાં ચિત્ર-આલ્બમો હોત તો સારું થાત. એક દિવસ રવિભાઈ આવ્યા અને તેમની પાસે મદ્રાસનાં દૃશ્યોની એક ફિલ્મ હતી તે મેં તેમને બતાવી. સિનેમા નુકસાન કરે છે તેમ બીજી બાજુએ શિક્ષણ આપવાના એક કીમતી સાધન તરીકે પણ તે ઊભું રહે છે. દૂરનાં દૃશ્યો આબેહૂબ બતાવવાથી તેમનો ભૌગોલિક રસ વધતો જાય છે. સિઝર્સ સિગારેટનો ગંજીપો મને હાથ લાગેલો. તેમાં દેશેદેશના માણસોનાં ચિત્રો છે. એ ચિત્રો પણ જોવા મૂક્યાં. મારો ઉદ્દેશ તેમને આખી દુનિયાનું જ્ઞાન કરાવવાનો ન હતો; તેમને કશું યાદ રહે તેવી મતલબ પણ નહોતી. માત્ર તેમના મન ઉપર વસે કે દુનિયા આવડી મોટી છે, તેમાં ઘણું જોવાજાણવા જેવું છે અને તેને જોવાને માટે આ સાધનો છે, એટલે બસ.

એક બીજી રમત પણ કાઢેલી. તે રમતનું નામ 'ચાલો આપણે મુસાફરીએ જઈએ.' એવું રાખેલું. ભાવનગરથી અમદાવાદ, દ્વારકા, મુંબઈ, હિમાલય, વિલાયત એમ ઊપડવા નીકળતા. પછી કેમ ઊપડવું, કઈ કઈ ગાડીએામાં બેસવું, ક્યાં ક્યાં ગાડીઓ બદલવી, ક્યાં ક્યાં જોવા જેવું છે અને શું શું જોવા જેવું છે, કેટલા દિવસમાં કેટલો પ્રવાસ થશે, કોને કોને મળવું, શું શું ખરીદવું એનો વિચાર કરતા. ખરેખર ખર્ચનો અડસટ્ટો બાંધતા અને શહેરોની ગાઈડો જોઈ પ્રવાસમાં જોવાનાં સ્થળો નોંધી લેતા અને ભૂગોળેામાંથી વખણાતી ચીજો વાંચીને કઈ લેવી તે નક્કી કરતા. સાચે જ મુસાફરીએ નીકળ્યા હોઈએ તેવો બધી બાબતનો અભ્યાસ કરતા. આ અભ્યાસ ભૂગોળ સમજવાની રીતના એક નમૂના રૂપે કરાવતો. બાકીનું વિદ્યાર્થીએા ઉપર છોડતો. કોઈ વાર દીવાસળીની પેટી ક્યાંથી આવી તેનું નકશા ઉપર પગેરૂં કાઢતા; કોઈ વાર અહીં ઊગેલું રૂ વિલાયત જાય છે તે ક્યે રસ્તે જાય છે તે જાણવા કલ્પનામાં રૂની ગાંસડી ઉપર બેસીને ચાલતા. કોઈ વાર બજારમાં ફરવા જતા ને એક દુકાનમાં કયા કયા દેશો અને ગામો આવીને બેઠાં છે તેની તપાસ કરતા. કોઈ વાર નદીઓનાં નામોની તો કોઈ વાર પર્વતોનાં નામેાની, કોઈ વાર દેશોનાં તો કાઈ વાર શહેરોનાં નામોની એમ ભૌગોલિક વસ્તુનાં અને ભૌગોલિક સ્થળનાં નામોની અંતકડી ચલાવતા. ચિત્રકામમાં વિદ્યાર્થીઓ ઝાડ ચીતરતા તેમ નકશાઓ ચીતરવાનો રસ લેતા અને પોતે ચીતરેલા નક્શામાં પોતે જ જોયેલાં, વાંચેલાં તથા સાંભળેલાં ગામો, નદીઓ ને ડુંગરા પૂરતા; ને વધારે પૂરવા માટે નવાં ગામો ક્યાં છે અને ક્યાં આવ્યાં તે ભૂગોળમાંથી વાંચીને જોતા. આ રીતે અમારું ભૂગોળનું શિક્ષણ ચાલતું.

મારા શિક્ષકભાઈએાએ મને એક દિવસ કહ્યું: “ભાઈ, આ કામ તો તમારું. આટલી બધી હકીકતો અમારે ક્યાંથી જાણવી ! આવી રીતે અમને ભૂગોળની વાતો કરતાં ન આવડે.”

મેં કહ્યું: “ભાઈ, એ પણ આવડે. આપણે જરા ઉદ્યોગ કરવો જોઈએ. આપણામાં ઉત્સાહ હોવો જોઈએ.”