દિવાસ્વપ્ન/પ્રકરણ- ૨.૪
← પ્રકરણ-૨.૩ | દિવાસ્વપ્ન પ્રકરણ-૨.૪ ગિજુભાઈ બધેકા ૧૯૪૨ |
પ્રકરણ-૨.૫ → |
એક દિવસ હું ઉપરી સાહેબને મળ્યો ને મેં કહ્યું: “સાહેબ, એક એવો હુકમ કાઢી આપો કે શાળામાં આવનાર બાળકે સ્વચ્છ કપડાં પહેરીને આવવું પડશે. માથે ટોપી રાખવી હોય તો તે મેલી નહિ જોઈએ. વાળ રાખવા હોય તો એાળેલા જોઈ એ. દર અઠવાડિયે બાળકના નખ ઉતરાવવા ને વાળ વધે ત્યારે વાળ કપાવવા. કોટ પૂરાં બુતાન વિના ન જ હોય. વળી દરેક વિદ્યાર્થી નાહીધોઈને શાળાએ આવે; અગર હાથપગ ધોઈને તો આવે જ.”
ઉપરી સાહેબે ધીરજથી સાંભળ્યું ને તેઓ હસ્યા કહે “કાં, માબાપ નથી સમજતાં ?” મેં કહ્યું: “માબાપોને ઘણું સમજાવું છું પણ ગળે જ નથી ઊતરતું સારાં સારાં પૈસાદાર માબાપો પણ સમજતાં નથી. એ તો કહે છે કે 'નાનપણમાં અમે પણ એમ જ શાળાએ જતાં.' તેઓ કહે છે કે “રોજ ને રોજ એ બધું તો કોણ કરે ! ભાઈ, તમારું કામ ભણાવવાનું છે તે ભણાવો ને ! આ બધું અમે જોઈ લઈશું.” બહુ થોડો સુધારો થઈ શક્યો છે. ખરેખર સાહેબ, મને એવા વિદ્યાર્થીઓને ભણાવવું નથી ગમતું.”
સાહેબ કહે: “ત્યારે એમ છે ! આપણો જનસમાજ આવો છે. આ સમાજને સંસ્કારી કરવો એટલે તો નેવાનાં પાણી મોભે લઈ જવાં ! તોપણ જ્યારથી આ ખાતું મેં હાથમાં લીધું છે ત્યારથી કંઈક માબાપો ઉપર પણ ઠીક અસર કરી છે.”
મેં કહ્યું: “ત્યારે આપ એક હુકમ ન કાઢી શકો ?”
“એવો હુકમ મારાથી ન કઢાય. મારા અધિકારની બહાર છે.”
“અધિકારની બહાર ! તો પછી આ૫ આવડા મોટા અધિકારી શાના ?”
“આતો રાજ્ય છે. વળી અન્યત્ર પણ આવી સત્તા અધિકારીઓ પાસે નથી હોતી.”
મેં કહ્યું: “ત્યારે?”
ઉપરી સાહેબ: “ત્યારે તમે મોટી સત્તાને હલાવો તો જ આવા હુકમો નીકળે. વળી લોકો આવા હુકમનો ક્યાં અમલ કરવાના છે! વળી તેઓ આપણા હુકમો ન માને તો આપણે શું કરીએ ? ”
“શાળામાંથી બાળકને કાઢી મૂકીએ.”
“તે ન બને; તેમ કરીએ તો હોહો થાય.”
મેં કહ્યું: “એ બધું થઈ શકે; પણ સત્તા વિના શાણપણ શા કામનું ! ખરી વાત છે કે આપણે મહેતાજી એટલે શી વિસાતમાં!”
ઉપરી સાહેબ: “ત્યારે એમ જ સમજો; ને ચાલે છે તેમ ચલવ્યે રાખો. ” “ના, એ તો જાણે નહિ જ બને. છેવટે હું શાળાની અંદર જેટલો પ્રયત્ન થઈ શકે તેટલો કરી છૂટીશ. બાળકોને તેવી ટેવમાં કેળવીશ, ઉપરાંત આ બાબતમાં નવરાશ મળશે ત્યારે જાહેર હિલચાલ કરીશ. ખરી વાત તો એમ છે સાહેબ, કે લોકોને ભલે પડી ન હોય પણ આ શાળાની ગંદકીની પરિસ્થિતિ એટલે તે રોગને ઉછેરવાનું જ સ્થાન !”
ઉપરી સાહેબઃ “વારુ, તમને ગમે તેમ તમે કરો. પ્રયોગ કરવા તો તમે આવ્યા છો. પણ આ ચેાથો માસ પૂરો થવા આવ્યો છે. જોજો, વખત દોડ્યો જાય છે.”
નમસ્કાર કરી હું ઘેર આવ્યો. ઘરના ખર્ચે (કંટિજંટમાં તો શું હતું કે ખરીદી શકું ! ) બે સરસ મજાની સાવરણી લીધી; એક નાનો એવો આરસો લીધો; એક દાંતિયો ને એક ખાદીનો કટકો લીધો, ને એક નાની સરખી કાતર લીધી. સારું હતું કે નિશાળના કંપાઉંડમાં નળ તો હતો. વર્ગમાં બધી તૈયારી કરી રાખી.
મેં છોકરાઓને હારબંધ ઊભા રાખ્યા. તેઓ હવે તો સારી રીતે અભિમુખ થયા હતા. મારા પર તેમની પ્રીતિ હતી. હું કંઈ ને કંઈ પણ તેમને ગમે તેવું ને ફાયદાકારક કરું છું તેમ તેમને લાગ્યું હતું.
મે આરસામાં સૌને તેમનાં મોં બતાવ્યાં ને કહ્યું: “જેઓને લાગતું હોય કે પોતાનાં મોં, આંખ, નાક, ગંદાં છે તેઓ નળે જઈ ધોઈ નાખે. સાથે હાથપગ પણ ધુએ ને વાળ પણ ભીના કરે.”
એ તો તબડ તબડ કરતા બધા ઊપડ્યા ને ઉપરાછાપરી પડતા હાથ, મોં, પગ, વગેરે ધોવા લાગ્યા.
મેં વિચાર્યું કે “આ લોકોને આગળપાછળ ચાલતાં અને ક્રમવાર કામ કરતાં બતાવવું જોઈશે. આમ ધબડ ધબડ કામ તો આપણો આખો સમાજ કરે જ છે. એ અણઘડતામાંથી તો આપણે આ લોકોને ઉગારવા છે.” તુરતજ મેં ત્યાં એક લીટો કર્યો ને સૂચના આપી: “આ લીટા પર સૌ ઊભા રહો ને વારાફરતી નળ પર જાઓ.”
હું બે હાથમાં બે ખાદીના ટુકડા લઈ ઊભો રહો; ને બંને બાજુ હાથ, પગ, મોં, માથું લોવાવા લાગ્યાં.
આવી રીતે નિશાળના કંપાઉંડમાં તો પહેલવહેલું જ થતું હતું. રસ્તે જતા માણસો જોઈ રહ્યા હતા કે નિશાળમાં વળી આ શું ચાલે છે !
બધાએ હાથમાં ધોઈ લીધાં એટલે અમે વર્ગમાં ગયા, ને મેં દાંતિયો આપી આવડે તેમ એાળી લેવા સૌને કહ્યું. ટોપીઓને એક ખૂણામાં મૂકાવી હતી. બધા સ્વચ્છ થયા, સુંદર દેખાયા, સ્વસ્થ થયા.
મે ચાકથી ગોળ દોર્યો ને સૌને તે પર બેસાર્યા. હું પણ એ જગ્યાએ બેઠો ને મેં તેમને કહ્યું: “હવે જુઓ, તમારા હાથ કેટલા ચોખ્ખા છે ! તમારું મોં કેટલું સુંદર લાગે છે ! તમને આ ગમે કે નહિ?”
સૌએ કહ્યું: “હા.”
મેં કહ્યું: “ત્યારે આપણે એમ કરીએ તો ? રોજ નિશાળે આવીને આ કામ તમારે કરી લેવું; પછી આપણે બીજું કામ કરીશું.”
તે દિવસે મને સારું લાગ્યું; દિલ પ્રસન્ન થયું. મેં કહ્યુંઃ “ચાલો આજે કવિતા બોલીએ.” હું જે પહેલી કવિતા બોલ્યો તે એક પ્રાર્થના હતી. સહેજે આજે મારા મનમાંથી પ્રાર્થના નીકળી ગઈ.
તે દિવસે નખનું કામ રહી ગયું. કપડાં અને બુતાનનું તો બાકીજ હતું. ચલાવી લેવાનું રાખી તે દિવસનું બીજું કામ ઉપાડ્યું.