લખાણ પર જાઓ

દિવાસ્વપ્ન/પ્રકરણ- ૨.૩

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ-૨.૨ દિવાસ્વપ્ન
પ્રકરણ-૨.૩
ગિજુભાઈ બધેકા
૧૯૪૨
પ્રકરણ-૨.૪ →


: ૩ :

એક દિવસ બાજુના ઓરડામાંથી “ઓય વોય રે ! મરી ગયો રે!” નો અવાજ આવ્યો.

અમારા કાન ચમક્યા. અમે વાર્તા કરતા હતા. છોકરાઓનું ધ્યાન તે તરફ ગયું. મેં વાર્તા બંધ રાખી કહ્યું: “એક જણ જઈને જુએ જોઈએ, શું છે ? કોણ રડે છે ? શા માટે રડે છે ?”

મોટો એવો છોકરો જોઈ આવ્યો ને કહે: “એ તો પેલા જીવાને માસ્તરે માર્યો.”

મે કહ્યું: “કેમ ?”

“એને ભૂગોળ નથી આવડતી.”

મે ફરી પૂછ્યું: “તેમાં માર્યો શા માટે?”

એક કહે: “લેસન કરી ન લાવે ત્યારે શું થાય ?”

મે કહ્યું: “ પણ ન આવડે તો ?” બીજો કહે: “પણ લેસન તો આવડવું જ જોઈએ; ને ન આવડે તો માસ્તર મારે જ ને !”

મેં પૂછ્યું: “પણ કોઈ ગોખે ને તો યે ન આવડે તો ?”

ત્રીજો કહેઃ “તો યે માસ્તર તો મારે. માસ્તર તો મારે જ. ન આવડે તો મારે."

મેં કહ્યું: “એ તો ઠીક, પણ તમને કોઈને માર ખાવો ગમે?”

બધા કહે: “ના; એ તે કોને ગમે !”

મેં કહ્યું: “હું લેસન આપીશ ને તમે નહિ કરી લાવો તો મારે તમને મારવા કે નહિ ?”

“પણ અમે લેસન કરી જ લાવીશું.”

“પણ ગેાખશો તો યે નહિ આવડે તો ?”

“તો...તો મારવું નહિ. મારો તો તો વાગે ! ન આવડે તો વધારે ભણાવજો ને અમે વધારે ગેાખીશું.”

મેં કહ્યું: “વારુ ત્યારે, આપણે આપણી વાત આગળ ચલાવીએ.”

પણ છોકરાઓનું મન આજે પેલા જીવામાં હતું. તેઓ બધા કહે: “જોજો તો, જીવો તો એવો છે કે પાછળથી માસ્તરને ગાળો દેશે ને ભીંત ઉપર એમનાં ચિત્ર કાઢશે ને જોડે ગાળો લખશે.”

મેં કહ્યું: “જીવાએ એમ ન કરવું જોઈએ. માસ્તરને એમ ન થાય.”

બધા કહે: “પણ માસ્તર એને બહુ મારે છે !”

મેં કહ્યું: “ત્યારે શું કરવું?”

છોકરાઓ કહેઃ “એને ન મારવો.”

મે કહ્યું: “ત્યારે લેસનનું?”

છોકરાઓ કહેઃ “લેસન ન કરી લાવે તો એને શાળામાંથી કાઢી મૂકવો. નાહકનો મારવો શું કામ ! મારવાથી આવડતું હોય તો તો રોજ મારે જ છે ને !” એક કહે: “જીવાનું ભણવામાં મન જ નથી. એનું તેા સસલાં પકડવામાં મન છે, ને એને તો ઢોર હાંકવાં ગમે છે.”

બીજો કહે: “ભાઈ, નિશાળમાં જીવો માર ખાય છે; બાકી બહાર જઈને તો એ છોકરાએાને મારે છે. અમે બધા ય એનાથી બીએ છીએ."

મેં પૂછ્યું: “એ નાતે કેવો છે ?”

છોકરાઓ કહે: “જી, એ તો કોળી છે. એનો બાપ દરબારી નોકર છે ને એને પરાણે ભણાવે છે. એ માસ્તરને ઘેર ભણાવવા પણ રાખેલા છે.”

મેં કહ્યું: “જવા દો ને. ચાલો આપણે વાર્તા પૂરી કરીએ.”

વાર્તા પૂરી કરી અમે ઊઠ્યા ને ઘંટ વાગ્યો. શિક્ષા અને તેનાં પરિણામો સંબંધી વિચારો કરતો કરતો હું ઘેર ગયો. મારે તો શિક્ષા કરવી જ ન હતી એટલે મને મારા મનમાં તો નિરાંત હતી.

થોડા દિવસ વહી ગયા.