દેખ ભાઈ અખંડ આરતી વાગી
Appearance
દેખ ભાઈ અખંડ આરતી વાગી કાળુજી |
દેખ ભાઈ અખંડ આરતી વાગી
દેખ ભાઈ અખંડ આરતી વાગી, આપ ખોજ્યા ને હૂવા અજવાળાં
જ્યોત આતમની જાગી..- દેખોભાઈ દેખો અખંડ આરતી વાગી....૦
સતગુરુએ જેને ભેદ બતાયા, નામની નોબત વાગી,
જાગ્યા રણકર સેજે સ્મરણ, સુન પર ખુમારી લાગી...
- દેખોભાઈ દેખો અખંડ આરતી વાગી....૦
ભેદ જાણ્યાને બ્રહ્મ પ્રગટ્યાં, અનભે અંગમાં લાગી,
ઈંગળા પીંગળા અમર ઢોળે, સેજે સુખમણા જાગી...
- દેખોભાઈ દેખો અખંડ આરતી વાગી....૦
પૂરણ પરશોતમ પિંડમાં પ્રગટ્યાં, મનોહર મોરલી વાગી,
ઉનમુન થઈને ઉભી અપસરા, સુરતા સુંદરી સોહાગી...
- દેખોભાઈ દેખો અખંડ આરતી વાગી....૦
કોટિન કોટિ સૂર પ્રગટ્યા, સોહંગ કળાયુ જાગી,
દાસ કાળુ કે સંતો મંગળગર ચરણે, સુરતા સાનમાં લાગી...
- દેખોભાઈ દેખો અખંડ આરતી વાગી....૦