લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/કાઠિયાવાડનાં સ્મરણો–૧

વિકિસ્રોતમાંથી
← કાઠિયાવાડ રાજકીય પરિષદ દેશી રાજ્યોનો પ્રશ્ન
કાઠિયાવાડનાં સ્મરણો
મોહનદાસ કરમચંદ ગાંધી
કાઠિયાવાડીઓને →







૧૬
કાઠિયાવાડનાં સ્મરણો

પ્રેમસાગરમાં

જ્યારે જ્યારે કાઠિયાવાડમાં હું જાઉં છું ત્યારે ત્યારે પ્રેમનો અસાધારણ અનુભવ કરું છું. એથી મને હવે નવાઈ નથી લાગતી. હું તો બધે કાઠિયાવાડ જોઉં છું. છતાં કાઠિયાવાડના પ્રેમની અસર કંઈ જુદી જ થાય છે. કેમ જાણે કાઠિયાવાડમાં પ્રેમની મને જરૂર જ ન હોય ? અથવા કાઠિયાવાડની પાસેથી પ્રેમનું પ્રદર્શન જ ન ઇચ્છતો હોઉં ? એ લાગણી શું છે એ હું કળી નથી શકતો. કાઠિયાવાડમાં વળી પ્રેમપ્રદર્શન શું? ‘વિનયની પૂરણી’ માગે તે સ્નેહ કેવો?

વધારે આશા

અથવા તો, એ ખરું નહિ હોય કે કાઠિયાવાડની હું વધારે આશા રાખું છું? જાણે તેના બાહ્ય પ્રેમથી મને સંતોષ જ ન વળતો હોય ! એટલા જ પ્રદર્શનથી મનમાં ને મનમાં હું ધૂંધવાતો તો ન હોઉં ? વિવેક કરવામાં મા દીકરાને રોટલો આપવાનું ભૂલી જાય ને તેને સારુ ચોકો લીંપવામાં ગૂંથાઈ જાય તો જેમ દીકરો માને વેગળી માને, તેમ તો મને નહિ થતું હોય ? વિવેક મૂકીને, જે લેવા હું આવ્યો છું એ જ મને આપો એટલે વિવેક કરતાં વધુ મળ્યું, એમ હું મારા વર્તનથી બતાવતો તો ન હોઉં ?

એમ જ છે.

એમ હો યા ન હો પણ હું તો બાપની ભૂમિ છે એમ સમજીને ભાવનગરમાં બેસી ગયો ને આશાના મહેલ ચણ્યા. એકે આશા નિષ્ફળ ન ગઈ. ઘણા ઠરાવો કરવાના સ્વાગતકારિણી સમિતિએ તૈયાર કરી રાખ્યા હતા. તે બધા મેં તો ઉડાવી જ દીધા ગણાય. એ ઠરાવોને ખેંચી લેવાનું મેં સૂચવ્યું તે કંઈ બધાને ગળે ઊતર્યું ન હતું. પણ સમિતિએ તે સલાહ સ્વીકારી લીધી.

રેંટિયો

મતાધિકારમાં રેંટિયાને સ્થાન અપાશે એવું ધારીને હું ભાવનગર નહોતો ગયો. તેથી રેંટિયાનો ઠરાવ જોઈ હું તો રાજી જ થયો. તેમાં કેટલુંક વધારેપડતું હતું. બધા સભ્યોએ દર વર્ષે રૂા. ૫૦ની ખાદી ખપાવવાની વાત હતી ને કાર્યવાહક સમિતિના સભ્યોએ રૂા. પ૦૦ની ખાદી ખપાવવાનું હતું. મેં એ સૂચના ખેંચી લેવા સૂચવ્યું. એટલે સુધી સભ્યો જવાબદારી લે તો તો આપણે પરદેશી કાપડનો બહિષ્કાર વિનાવિલંબે કરી શકીએ. પણ જેમાં બીજાની મદદની જરૂર પડે એવી વસ્તુ મતાધિકારમાં નાખવાથી તેની અસાધારણતાનો નાશ થાય.

પણ જોકે મતાધિકારમાંથી તે કાઢી નાખેલ છે. તોપણ જેઓથી ખાદીપ્રચાર થઈ શકે તેઓ તો કરશે જ. વિષયવિચારિણી સમિતિમાં ચર્ચા થઈ તે મને તો અતિશય પ્રિય લાગી. સહુએ પોતાના અભિપ્રાય નીડરતાથી દર્શાવ્યા. મેં જોયું કે કાંતવાની વિરુદ્ધ મત દર્શાવનારો વર્ગ ઠીક હતો. પણ તેમની દલીલ ઘણા મોટા સમુદાયને પસંદ ન પડી. અહીં સ્વરાજવાદી અને નાફેરવાદી એવા વર્ગ તો હતા જ નહિ. એટલે કાંતવાના ગુણદોષની જ ચર્ચા ચાલી. તેમાં બે વિરોધી જાતના મત હતા. એક કંતામણની તરફેણનો હતો તો બીજો કંતામણને મતાધિકારમાં દાખલ કરવાનો વિરોધી હતો.

જેઓએ કાંતવાના પક્ષમાં મત આપ્યો છે તેમની ફરજ તદ્દન સ્પષ્ટ છે. તેઓએ અડગપણે કાંતી અને બીજી રીતે પોતાના કાંતવાનો ને ખાદીનો પ્રચાર શરૂ કરી પોતાની શ્રદ્ધા સિદ્ધ કરવી રહી છે. જો તેઓ મત આપ્યા છતાં નિયમિત રીતે નહિ કાંતે તો તેઓએ કાઠિયાવાડને અને મને દગો દીધો ગણાશે. અને જો તેઓ નિરતર કાંતશે જ તો તેઓ વર્ષને અંતે ન કાંતનારને કાંતતા કરી મૂકશે.

ખાદી પહેરો

જેમ કાંતવું તેમ જ ખાદીનું પહેરવું. ખાદી પહેરવા પ્રત્યે તો મેં ભાગ્યે જ વિરોધ જોયો. એટલા બધા મત ખાદીના પક્ષમાં પડવા છતાં ખાદીના પહેરનાર કાઠિયાવાડમાં એટલા ઓછા છે કે તેથી દુઃખ જ થાય. કાઠિવાડની ખાદી બહાર જાય ને તેનો સ્થાનિક ઉપાડ ઘણો જ થોડો થાય એ બહુ દુઃખદાયક વાત ગણાય. પણ હવે જ્યારે પરિષદમાં ઘણા મત ખાદીના પક્ષમાં પડ્યા છે ત્યારે ખાદીની ખપત કાઠિયાવાડમાં ઘણી જ વધવી જોઇએ.

આજન્મ સભ્યો

કાઠિયાવાડ રાજકીય સભામાં છત્રીસેક આજન્મ સભ્યો છે કેમકે તેમણે એકીવખતે પાંચ રૂપિયા ભર્યાં છે. આ સભ્યોમાંથી કોઈએ તેમના હકનો પ્રશ્ન ઉઠાવ્યો ને મારી પાસેથી પ્રમુખ તરીકે નિર્ણય માગ્યો. કાંતવાનો ઠરાવ તેની વિરુદ્ધની કલમ રદ કરે છે, તેથી આજન્મ સભ્યોના હક જાય છે કે રહે છે એ પ્રશ્ન હતો. હરાવ પ્રમાણે તો વિરોધી કલમો હોય તે ઊડી જાય. પ્રશ્ન અટપટો હતો, પણ મારે ચુકાદો આપ્યા વિના છૂટકો ન રહ્યો. મેં એ ચુકાદો આપ્યો છે કે, આજન્મ સભ્યો કાંતે નહિ ને કાંતે તોપણ સભ્ય તરીકે રહી શકે છે. કાયદેસર હક રદ કરવાનો પરિષદને અધિકાર છે કે એનો નિર્ણય મેં નથી આપ્યો. પરિષદના ઠરાવથી આજન્મ સભ્યોના હકમાં ફેરફાર થાય છે કે નહિ એટલા જ પ્રશ્નનો નિર્ણય કરવાની મને જરૂર હતી, અને એ નિર્ણય મેં ઉપર પ્રમાણે આજન્મ સભ્યોની તરફેણમાં આપ્યો છે.

તેઓને પ્રાર્થના

પણ મારી તેઓને પ્રાર્થના છે કે, તેઓએ આ હકનો લાભ ન ઉઠાવવો પણ પરિષદના મંત્રીને પોતાનો હક છોડવાનો ને પરિષદના ઠરાવને સ્વેચ્છાએ સ્વીકારવાનો પત્ર લખી મોકલવો. હું જાણું છું કે ઘણા સભ્યો તે ઉપર મુજબ સવાલ ઉઠાવવા જ નહોતા માગતા. ઘણા કાંતવાને તૈયાર છે. એટલે જ્યાં મહત્ત્વનો ફેરફાર પરિષદે કર્યો છે ત્યાં આજન્મ સભ્યો પોતાના હકની રૂએ તે ઠરાવને માન ન આપવું એ અઘટિત છે, એમ મારી અલ્પ મતિ છે.

સર પ્રભાશંકર પટ્ટણી

સર પ્રભાશકર પટ્ટણીની કાંતવાની પ્રતિજ્ઞાને હું કેટલેક અંશે પરિષદનું મહાન કામ માનું છું. જે શબ્દોમાં તેમણે પોતાની પ્રતિજ્ઞા જાહેર કરી તે અતિશય ગંભીર હતા, તેની છાપ પણ સભ્યો ઉપર ખૂબ પડી હતી. તે પ્રતિજ્ઞાનું મૂળ આ હતું. બેલગામમાં મહાસભાની પૂર્ણાહુતિ પછી ઘણાઓએ નિશ્ચય કર્યો હતો કે તેઓ પહેલી માર્ચ પહેલાં અમુક સંખ્યામાં કાંતનાર સભ્યો કરશે. આમાં મેં સો નામ એકઠાં કરવાનો પ્રયત્ન કરવાનું મારે માથે લીધું હતું, ને સાથે એ પણ કહ્યું હતું કે નાખુશ ગણાય એવા પણ બીજા બે કાંતનાર ગોતવા હું પ્રયત્ન કરીશ. મારે કાઠિયાવાડમાં આવવાનું જ હતું તેથી મેં તે નામ કાઢિયાવાડમાંથી જ શોધવાનું ધાર્યું હતું. તેમાં નાખુશમાં મેં પટ્ટણી સાહેબનું નામ ધારેલું હતું. જ્યારે કાંતવાનો ઠરાવ વિષયવિચારિણી સમિતિએ સ્વીકાર્યો ત્યારે મેં સો નામની માગણી કરી ને સાથે જણાવ્યું કે, પટ્ટણી સાહેબને કાંતવાનું સમજાવવાની કોશિશ કરીશ. એ શબ્દ મારા મોંમાંથી નીકળ્યા તેવા જ પટ્ટણી સાહેબ ઊભા થયા ને તેમણે પ્રતિજ્ઞા કરી કે, તેમની તબિયત સારી રહે ત્યાંલગી તે હમેશાં નિયમસર ઓછામાં ઓછો અરધો કલાક જમ્યા પહેલાં કાંતશે જ. તેમાં એ શરત કરી કે મારે તેમને કાંતવાનું શીખવવું. મને તો ભાવતી વાત થઈ. પરિષદ પૂર્ણ થયા બાદ મારે તેમના મહેમાન થવાનું હતું. પરિષદને બીજે જ દહાડે મેં તેમને અર્ધો કલાક શીખવ્યું. તે જ અરધા કલાકમાં તેમણે પૂણીમાંથી તાર કાઢતાં શીખી લીધું. બીજે દિવસે તો તેમણે બે કલાકમાં ૪૮ વાર સુંદર આઠ નંબરનું સૂતર કાંત્યું ને ત્રીજે દિવસે એક કલાકમાં ૨૭ વાર કાંત્યું. બન્ને દહાડા સ્નાન કરી સૂતર કાંત્યા પછી જ ભોજન કર્યું. આ પ્રમાણે બીજા એવા પ્રતિષ્ઠિત અમલદારો અને રાજવંશીઓ કાંતી દાખલો બેસાડે તો દેશના ગરીબ વર્ગ ઉપર સરસ છાપ પડે અને તે ઉદ્યમી બને. પટ્ટણી સાહેબની પ્રતિજ્ઞા સર્વાંશે સફળ થાય એવી મારી ઉમેદ છે.

મારે જણાવવું જોઈ એ કે તેઓ મહાસભાના કે કાઠિયાવાડ રાજકીય સભાના સભ્ય નહિ થાય. તેમ થાય એવી મારી માગણી કે ઇચ્છા ન હતી. કાંતવાને રાજ્યપ્રકરણ સાથે મારી દૃષ્ટિએ સંબંધ છે. પણ તે સંબંધના ખ્યાલ વિના પણ કાંતવાની ક્રિયા તો થઈ જ શકે છે. તેમાં જે ગરીબ પ્રત્યે ધાર્મિક લાગણી રહી છે ને તેમાં જે અર્થશાસ્ત્ર રહ્યું છે તે તો બધાને માન્ય થાય એવી વસ્તુ છે. હું તો ઇચ્છું છું કે લૉર્ડ રીડિંગ પણ કાંતે. રાજકારણના ખ્યાલ વિના પણ જો રાજા પ્રજા ઉભય કાંતતાં થઈ જાય ને ખાદી પહેરતાં થઈ જાય તો, હું જાણું છું કે, હિંદુસ્તાનનો ઉદ્ધાર એની મેળે થઈ જાય. આ એક એવી વસ્તુ છે કે તેમાં બધા વિનાસંકોચે ભાગ ભાગ લઈ હિંદની થોડીઘણી પણ સેવા કરી શકે છે.

રૂનું ઉઘરાણું

પરિષદ પૂરી થઈ કે તુરત, ગરીબોને રૂ પૂરું પાડી તેમની પાસેથી કેવળ અરધા કલાકની મહેનત લેવાના ઇરાદાથી, રૂનું ઉઘરાણું કરવા ભાઈ દેવચંદ પારેખ, ભાઈ મણિલાલ કોઠારી, ભાઈ બરરોરજી ભરૂચા વગેરે નીકળી પડ્યા, ને ભાવનગર છોડતા લગીમાં લગભગ ૨૭૫ મણ રૂનું ઉઘરાણું થઈ ગયું. લગભગ બે હજાર મણની ભિક્ષા કાઠિયાવાડખાંથી જ મેળવવાની ઉમેદ રહી છે. હું આશા રાખું છું કે ઉઘરાણું હોંશપૂર્વક થશે ને જેઓ આપવાને લાયક છે તે આપતાં મુદ્દલ સંકોચ નહિ કરે.

નવજીવન, ૧૮–૧–૧૯૨૫