લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/કાઠિયાવાડ રાજકીય પરિષદ–૧

વિકિસ્રોતમાંથી
← ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ દેશી રાજ્યોનો પ્રશ્ન
કાઠિયાવાડ રાજકીય પરિષદ–૧
મોહનદાસ કરમચંદ ગાંધી
કાઠિયાવાડનાં સ્મરણો →







૧૫
કાઠિયાવાડ રાજકીય પરિષદ
બે ભાષણો

પ્રારંભનું ભાષણ

આ પરિષદનું પ્રમુખપદ લેવામાં મને અત્યંત આનાકાની હતી એ મેં મારા ભાષણમાં જણાવેલું છે. પણ માણસ ધારે છે કાંઈ અને ઈશ્વર કરે છે કાંઈ. આના દાખલા મારા જીવનમાં મેં અનેક વખત જોયા છે. અને એવાં એક પણ વિચારશીલ સ્ત્રી કે પુરુષ નહિ હોય કે જેને એનો અનુભવ ન થયો હોય.

આ પરિષદમાં મારે એક જ વસ્તુને પ્રાધાન્ય આપવું પડશે એમ પણ માન્યું હતું, પણ સારે નસીબે હવે મારે બે વસ્તુને પ્રાધાન્ય આપવું પડશે. એક વસ્તુ તો ખાદી, જેના જેવી બીજી એક વસ્તુ મને પ્રિય નથી. કેટલાક મને રેંટિયાઘેલો - ખાદીઘેલો માને છે, અને એ વાત સાચી છે. કારણ આશકને જ માશુકની ખબર પડી શકે છે. આશક જ મહોબત, પ્રેમ, ઇશ્ક શું છે તે કહી શકે છે. હું આશક છું એટલે મને જ ખબર પડી શકે કે મારો પ્રેમ એ શું છે અને મારામાં શું અંગાર ધગી રહ્યા છે. પણ એ અંગાર વિષે હું ઉદ્‌ગાર નથી કાઢવા ઇચ્છતો.

આ રાજકીય પરિષદ છે, અને તમે રાજકીય વસ્તુની ચર્ચાની આશા રાખતા હશો. મારામાં તો ખેડૂતના ભાવ રહેલા છે. જોકે હું જન્મ્યો છું વણિક અને જોકે મારા પિતા અને પિતાના પિતા મુત્સદ્દીગીરી કરતા આવ્યા છે, છતાં મારામાં એ મુત્સદ્દીગીરી નથી, અથવા હોય તો હું લાચાર છું. પણ મારામાં એક બીજી વસ્તુ પણ છે — જે વારસામાં નથી મળેલી, પણ મેં મેળવેલી છે — તે ખેડૂતપણું, ભંગીપણું, ઢેડપણું — જે કાંઈ જગતનું ઉતારપણું કહેવાય છે એ મારામાં રહેલું છે. એવા મારા ખવાસ હોઈ હું ‘રાજકીય’નો અર્થ તમે કરો તેવો — મુત્સદ્દીગીરી — નહીં કરું. મારા જેવા ‘રાજકીય’ વિષયનો વિચાર કરતાં રાજ્યબંધારણનો વિચાર ન કરે, કારણ ખેડૂત ખેતરની દેખરેખ ભાષણોથી ન કરી શકે, કેવળ હળથી જ કરી શકે. ગમે તેટલા તાપતડકામાં પણ તેનાથી હળ ન છોડાય. વણાટનો ધંધો કરનાર પણ કેવળ ઉદ્યમ કરે તો જ પોતાનો ધંધો સાધી શકે. ‘રાજકીય’નો સામાન્ય અર્થ ભાષણો કરવાં, આંદોલનો કરવાં, રાજાની ખામીઓ જોવી. પણ મેં એથી ઊલટો જ અર્થ કર્યો છે. હિંદુસ્તાન બહારની મારી ૨૨ વર્ષની કારકિર્દીમાં પણ મેં એથી ઊલટો જ અર્થ કરેલો. પણ ડુંગર દૂરથી રળિયામણા લાગે, તેમ મને પણ લોકો રાજકારણી એટલે મુત્સદ્દી માનતા આવ્યા છે. મને મુત્સદ્દી કામ કરતાં આવડે છે, પણ મારું મુત્સદ્દીપણું બીજી જાતનું છે. તેમાં વિવેક અને પ્રેમ રહેલા છે, તેમાં ખટપટને સ્થાન નથી; અને ખટપટથી જેટલું કામ લેવાય છે તેના કરતાં વિવેક અને પ્રેમથી હજારોગણું કામ લેવાય છે. અને એમાં ખેડૂતના, ભંગીના, ઢેડના, સૌના હિતનો વિચાર આવી જાય છે. તમે જાણો છો કે મેં મહાસભા આગળ પણ ‘રાજ્યપ્રકરણ’ની આવી જ વ્યાખ્યા કરી હતી, અને તેમ કરતાં હું લજવાયો નહોતો. એ જ દૃષ્ટિએ ખાદીની વાતને મેં રાજકાજમાં સમાવેશ કર્યો છે. મારા દાવો છે કે મારી વાત ડાહી અને જ્ઞાનની છે, અને મને લાગે છે કે એક વખત તમે કહેશો કે ગાંધીએ રેંટિયાની કરેલી વાતમાં અતિશય ચતુરાઈ, જ્ઞાન અને ડહાપણ હતાં. આજે લોકો જ્યારે મને હસે છે અને કહે છે કે રેંટિયો એ ગાંધીનું રમકડું છે, ત્યારે મને દયા આવે છે; અને તે મને ગમે તેટલા હસશે તોપણ હું ખાદીની વાત છોડવાનો નથી.

હવે બીજી વાત ઉપર આવું છું. મારા અહીં આવવાની વાત થઈ, અને ‘નવજીવન’માં મેં જ્યારથી લખ્યું કે ઢેડોને જુદું સ્થાન આપશો તો મારે માટે તેમની વચ્ચે જ સ્થાન રાખવું પડશે, ત્યારથી ભાવનગરમાં ખળભળાટ મચી રહ્યો છે. કાઠિયાવાડમાં અસ્પૃશ્યતા શું છે તે મેં આંખે જોયેલું છે. મારી પૂજનીય માતા ભંગીને અડવામાં પાપ માનતી, પણ તેથી તેની સામે મને ઘૃણા નથી. પણ માબાપના કૂવામાં મારે નથી ડૂબી મરવું. મારાં માબાપે તો મને સ્વતંત્રતાનો વારસો આપેલો છે. અને આજે હું તેમના વિચારોથી ઊલટા વિચાર કરું છું, તોપણ મને તો ખાતરી છે કે મારી માતાનો આત્મા કહેશે, ‘ધન્ય છે દીકરા, તને ધન્ય છે.’ કારણ તેણે મને આપેલી પ્રતિજ્ઞાઓમાં કોઈને અડવામાં પાપ છે એ વસ્તુ નહોતી. તેણે મને વિલાયત મોકલતાં ત્રણ પ્રતિજ્ઞાઓ આપેલી, પણ એવી પ્રતિજ્ઞા મારી પાસે નહોતી લેવડાવી કે વિલાયતમાં જાય ત્યાં અસ્પૃશ્યતાને ધર્મ સમજજે. હું જોઉં છું કે ભાવનગરમાં આજે નાનો સરખો (અથવા મોટો — હું જાણતો નથી) ખળભળાટ ઉત્પન્ન થઈ રહ્યો છે, અને નાગરો, વાણિયા અને બીજા અકળાઈ રહ્યા છે. તેમનામાંના જેઓ અહીં હોય, જેઓ એમ માનતા હોય કે ગાંધી ભ્રષ્ટ થયો છે અને સનાતન ધર્મની જડ ઉખેડવા બેઠો છે, તેમને હું વિવેક અને દૃઢતાપૂર્વક કહેવા માગું છું કે ગાંધી સનાતન ધર્મની જડ નથી ઉખેડવા બેઠો, ગાંધી જે કહે છે તેમાં જ સનાતન ધર્મની જડ રહેલી છે. તમારામાં ભલે કોઈ પંડિત હોય, તેઓએ ભલે વેદનો શબ્દેશબ્દ ગોખ્યો હોય, તોયે તેમને કહીશ કે તમારી મોટી ભૂલ થાય છે; સનાતન ધર્મની જડ તેઓ જ ઉખેડે છે જેઓ અસ્પૃશ્યતાને હિંદુધર્મનું મૂળ માને છે. એ માન્યતામાં દૂરંદેશી નથી, એમાં વિચાર નથી, વિવેક નથી, વિનય નથી, દયા નથી, એમ હું આદરપૂર્વક જણાવવા માગું છું અને મારા વિચારમાં હું એકલો જ રહી જાઉં તોપણ હું છેવટ સુધી કહીશ કે, અસ્પૃશ્યતાનો આજે આપણે જે અર્થ કરીએ છીએ તેને હિંદુધર્મમાં સ્થાન આપીશું તો હિંદુધર્મને ક્ષયરોગ થશે, અને એ ઘાસણીના પરિણામે તેનો નાશ થવાનો છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોને હું કહું છું કે હિંદુસ્તાનનો ઉદ્ધાર મુસલમાનો ઉપર આધાર નથી રાખતો, ઈસાઈઓ ઉપર નથી રાખતો, જેટલો હિંદુઓ પોતાનો ધર્મ કેવી રીતે જાળવે છે તેના ઉપર રાખે છે. કારણ મુસલમાનોનું કાશીવિશ્વનાથ અહીં નથી પણ મક્કામાં છે, ઈસાઈઓનું જેરુસેલમમાં છે, પણ તમે તો હિંદુસ્તાનમાં જ વસીને મોક્ષ મેળવી શકવાના છો. આ યુધિષ્ઠિરની ભૂમિ છે, આ રામચંદ્રની ભૂમિ છે, ઋષિમુનિઓએ આ ભૂમિમાં તપશ્ચર્યા કરી, અને તેમણે જ સંભળાવેલું કે આ કર્મભૂમિ છે, ભોગભૂમિ નથી. એ ભૂમિના વાસીઓને કહું છું કે હિંદુધર્મ આજે ત્રાજવામાં છે, અને જગતના બધા ધર્મો સાથે આજે તેની તુલના થઈ રહેલી છે, અને જે વસ્તુ અક્કલની બહાર હશે, દયાધર્મની બહાર હશે તે વસ્તુનો હિંંદુધર્મમાં સમાવેશ હશે તો તેનો ખચીત નાશ જ થવાનો છે. દયાધર્મનું મને ભાન છે, અને એ ભાનને લીધે હું જોઈ રહ્યો છું કે હિંદુધર્મ નીચે કેટલું પાખંડ, કેટલું અજ્ઞાન ચાલી રહ્યું છે. એ પાખંડ અને અજ્ઞાનની સામે હું જરૂર પડ્યે એકલો ઝૂઝીશ, એકલો રહીને તપશ્ચર્યા કરીશ, અને એનું જ રટન કરતો મરીશ. કદાચ એવું બને કે હું ગાંડો થઈ જાઉં, અને ગાંડપણમાં હું કહું કે મેં મારા અસ્પૃશ્યતા વિષેના વિચારોમાં ભૂલ કરી હતી, અને હું કહું કે અસ્પૃશ્યતાને હિંદુધર્મનું પાપ જણાવવામાં મેં પાપ કરેલું હતું. તે દિવસે તમે માનજો કે હું ડરી ગયો છું, હું ઝીક ઝીલી નથી શકતો, અને અકળાઈને જ હું મારા વિચારો પાછા ખેંચી લઈ રહ્યો છું. તમે તે વેળા એમ જ માનજો કે હું મૂર્છિત દશામાં એવી વાત કરી રહ્યો છું.

હું આજે જે વાત કરી રહ્યો છું તેમાં મારો સ્વાર્થ નથી, તેમાંથી મને પદવી નથી જોઈતી. પદવી તો મને ભંગીની જોઈએ છે. સફાઈ કરવાનું કામ એ કેવું પુણ્યકાર્ય છે! એ કામ કાં તો બ્રાહ્મણ કરી શકે, કાં તો ભંગી કરી શકે. બ્રાહ્મણ એ જ્ઞાનપૂર્વક કરે, અને ભંગી અજ્ઞાનપૂર્વક કરે. મને બંને પૂજ્ય છે, આદરણીય છે. એમાંથી એકેનો લોપ થાય તો હિંદુધર્મનો લોપ થવાનો છે.

અને સેવાધર્મ મને પ્રિય છે એટલો જ અને ભંગી પ્રિય છે. હું તો ભંગીની સાથે ખાઉં છું પણ ખરો, પણ તમને નથી કહેતો કે તમે પણ તેની સાથે ખાઓ, રોટીબેટીવ્યવહાર કરો. તમને શી રીતે કહી શકું? હું તો ફકીર જેવો છું — સાચો ફકીર છું કે નહીં તેની મને ખખર નથી, હું સાચો સંન્યાસી છું કે નહીં તેની પણ મને ખબર નથી. પણ સંન્યાસ મને ગમે છે. મને બ્રહ્મચર્ય પ્રિય છે, પણ હું સાચો બ્રહ્મચારી છું કે નહીંં તેની મને ખબર નથી કારણ બ્રહ્મચારીને દૂષિત વિચાર આવતા હોય, સ્વપ્નામાં પણ વ્યભિચારના વિચાર કરે તો હું માનું કે તે બ્રહ્મચારી નથી. મારાથી રોષમાં એક પણ શબ્દ બોલાય, દ્વેષમાં કાંઈ પણ કાર્ય થાય, મારો કટ્ટામાં કટ્ટો દુશ્મન કહેવાતો હોય તેની સામે પણ હું કાંઈ ક્રોધમાં વચન ઉચ્ચારું તો હું મને બ્રહ્મચારી ન કહી શકું. એટલે સંપૂર્ણ બ્રહ્મચારી સંન્યાસી હું છું કે કેમ તે હું નથી જાણતો, તોપણ મારો પ્રવાહ અને મારું જીવન તે દિશામાં ચાલી રહ્યું છે એમ જરૂર કહું. અને એવી દશા હોઈ મારાથી એમ ન કહેવાય કે કાઈ ભંગીની દીકરી અથવા કોઈ કોઢિયલ માણસ મારી સેવા ચહાતાં હોય તો મારાથી તેની સેવા ન થાય, મને પોતાના હાથનું ખવડાવવા ચહાતાં હોય તો તે મારાથી ન ખવાય. પછી ઈશ્વરની ઈચ્છા હોય તો મને બચાવે, નહીં તો મને મારે, પણ મારે તો કોઢિયલની સેવા કરવી જ રહી. એમ કરતાં, ઈશ્વરને ગરજ હોય તો મને રાખે એવો પણ દાવો કરું. કારણ ભંગીને, કોઢિયલને, ઢેડને ખવડાવીને ખાવું એ જ મારો ધર્મ સમજું છું. પણ તમે કોઈ વહેવારધર્મે ખાવા-પીવા માટે બાંધેલી મર્યાદાનું ખંડન કરો એમ હું નથી કહેતો. તમારી પાસે તો એટલું જ ઇચ્છું છું કે તમે પાંચમો વર્ણ ન બનાવો. ઈશ્વરે ચાર રચેલા છે, અને તેનો અર્થ હું સમજી શકું છું, પણ તમે પાંચમો અસ્પૃશ્યનો ન પેદા કરો. અસ્પૃશ્યતા મારાથી સહન જ નથી થતી, મને એ શબ્દ સાંભળીને આઘાત પહોંચે છે. જેઓ મારો વિરોધ કરે છે તેમને હું કહું છું કે તમે વિચાર કરો, તમે મારી સાથે આવીને ચર્ચા કરો, સમજી જાઓ કે હું શી લવરી કરી રહ્યો છું; તમે વિવેક અને વિચાર છોડી વાત કરી રહ્યા છો તેની અસર નહિ પડે. આજે મારી પાસે બે પંડિતની સહીથી તાર આવેલો છે. તે પંડિત મહાશયોને હું ઓળખતો નથી. પણ તેમાં તેમણે લખેલું છે કે, ‘હિંદુધર્મનો આશરો લઈને અને પંડિતોને નામે તમારી સામે જે આક્ષેપો થઈ રહ્યા છે તે ખોટા છે, અને અમારા વર્ગના લોકોની સહીના આપને કાગળો મોકલીશું જેમાંથી તમને જણાશે કે અનેક શાસ્ત્રીઓ તમને સાથ આપે છે, જોકે તમે જેટલા જોરથી કામ લઈ રહ્યા છો તેટલા જોરથી અમારાથી કામ નથી લેવાતું; કારણ તમે નીડર રહ્યા. અમારે ઘણા વિચાર કરવા પડે.’. દ્રોણાચાર્ય અને ભીષ્માચાર્ય પાસે આવીને શ્રીકૃષ્ણે કહ્યું કે, ‘તમે પાંડવોની સામે લડશો?’ તો તેમણે કહ્યું કે, ‘ભાઈ, અમારે આજીવિકાની પડી છે, એટલે શું કરીએ ?’ આપણી મધ્યે પણ ઘણા દ્રોણાચાર્યો અને ભીષ્માચાર્યો પડેલા છે. તેમને પેટ પડ્યું છે ત્યાંસુધી તે બિચારા શું કરે? એમનાથી કાંઈ નથી થઈ શકતું તેમાં તે વિદ્વાનોનો દોષ નથી, પણ વિધિનો દોષ છે, સંજોગોનો દોષ છે. પણ તે મનમાં તો માને છે કે ગાંધી સારું કરી રહ્યો છે, અને તેમની આંતરડી મને દુવા દઈ રહી છે. પણ તે સાથે એક બીજી વાત પણ કહું : હું તો સત્યાગ્રહી છું, મારવું નહિ પણ મરવું એ મારો ધર્મ છે, એટલે હું મારે રસ્તે જ કામ લેવાનો. એટલે તમને એક વિનંતી કરું, જો તમને એમ લાગે કે અસ્પૃશ્યતા હિંદુધર્મની જડ છે તો તમે તેમ માનજો, પણ મને પણ એ હિંદુધર્મનું પાપ છે એમ માનવાનો અધિકાર આપો. તમે બની શકે તો હિંદુ સંસારના હૃદયને જાગૃત કરજો, અને મને પણ તેમ કરવાનો તેટલો જ અવકાશ આપજો. સત્યાગ્રહી તો એકમાર્ગી છે, તેને બીજાની સાથે સંતલસ નથી કરવાની, સુલેહનામું નથી કરવાનું, એટલે તમારી સાથે પ્રેમભાવે વર્તવાનું હું વચન આપીશ. જો હું એકલો રહી જાઉં તો દૂર રહી, ‘છેટે છેટે’ કરીને પોકાર કરીશ.

મને આજે અસ્પૃશ્યતાનિવારણના કામમાં જેઓ સાથ દઈ રહ્યા છે તેમને હું કહું છું — ઢેડભંગીઓને પણ કહું છું — કે તમને જેઓ ગાળો દે તેને સહન કરજો; તુલસીદાસ કહી ગયા છે કે દયા એ ધર્મનું મૂળ છે, એટલે પ્રેમ છોડશો તો બાજી હારશો; તમે જેઓ અસ્પૃશ્યતાને પાપ માનો છો તેઓ તમારા વિરાધીઓને તિરસ્કાર કરવાના પાપમાં ન પડશો, તમને ગાળો દેનારા સાથે હસીને બોલજો. તમે હૃદયથી તેમની સાથે પ્રેમ કરશો અને શુદ્ધ આચાર અને વ્યવહાર રાખશો તો આ અસ્પૃશ્યતારૂપી પાપ ચાલ્યું જશે.

પણ અહીં કાઠિયાવાડમાં આવો વિરોધ થાય તે મને ગળે નથી ઊતરતું. કાઠિયાવાડ તો સુદામાજીની ભૂમિ, કાઠિયાવાડ કૃષ્ણનો વાસ, અહીં તો અનિરુદ્ધ રહેલા. જે ભૂમિમાં યોદ્ધાઓએ પોતાનાં લોહી રેડેલાં તે ભૂમિમાં અસ્પૃશ્યતાને સ્થાન મળે તો હું ક્યાં જઈશ? મને ભંગીઓ કહે છે કે, અહીંંની દશા તો એટલી બૂરી છે કે કાઠિયાવાડ બહારના ગુજરાતમાં પણ એવી બૂરી દશા ક્યાંયે નહિ હોય. આ સાંભળીને મારું હૃદય રડે છે.

નારણદાસ સંઘાણીએ કોણ? એ તો મારો દીકરો છે. એક વખત એવો હતો કે એ મારું પાયેલું પાણી પીતો, મારો કેવળ સેવક બનીને રહેલો હતો. એણે પોતાની આખી ‘લાયબ્રેરી’ મને આપેલી. પણ એને પ્રભુએ હવે કુમતિ આપી છે. હું ખરેખર માનું છું કે પ્રભુએ એની મતિ બગાડી છે. છતાં મારે મન તો હજી પણ એ દીકરો જ છે. હું માનું છું કે એનું તોફાન લાંબો વખત નહિ ચાલે. એણે જે પ્રતિજ્ઞા કરી છે તે કદાચ ન ફળે. પણ જો ઈશ્વર કરે અને એ ફળે, અને મારા ઉપર એ હાથ ઉગામે અને હુમલો કરે તો હું કહીશ કે, ‘ભલે તેં એ કર્યું,’ અને તે વેળા હું એને આશીર્વાદ દઈશ. પ્રહ્‌લાદે પોતાના પિતાનું કહેલું ન માન્યું; તેણે એમ જ કહ્યું કે મારા પિતા મારી પાસે અધર્મ કરાવવા ઇચ્છે, મને કુમાર્ગે દોરવા ઇચ્છે તો તે વેળા પિતાનો અનાદર કરવો એ ધર્મ છે. આજે નારણદાસ સંઘાણી એમ માને કે તે પોતે મારા પહેલા ખોળાનો દીકરો છે, તોપણ હું ભ્રષ્ટ થયો છું અને મારો સંહાર કરવો જોઈએ, તો તેણે જરૂર મારો સંહાર કરવો. એ સંહાર કરતાં કરતાં એની આંખોનાં પડળ ખૂલશે, અને પછી તમારી પાસે આવી માથું નમાવી તે પ્રાયશ્ચિત્ત કરશે એવી મારી ખાતરી છે. એ તો બાળક છે, એ જુવાન છે, અને હું હવે બુઢ્ઢો થયો. મારા ઉપર તો અનેક હાથ ઉપાડ્યા છતાં હું ઊગરી ગયો છું. મને ઍપેન્ડિસાઈટીસનો રોગ થયો, મારા ઉપર ઑપરેશન કરવામાં આવ્યું. ઑપરેશન કરતાં દીવો હોલવાયો, અને તે વેળા કર્નલ મૅડક પણ મૂંઝાયો. પણ ઈશ્વરને મને બચાવવો હતો એટલે શું થાય? ઉપનિષદની વાત છે — તેમાં પવનને પૂછવામાં આવે છે કે તું તણખલું હલાવ, અગ્નિને કહેવામાં આવે છે કે તું તણખલું બાળ, પણ ‘ન બને’ કહી વાયુરાજ અને અગ્નિ નાસે છે. એવી વાત છે. પ્રભુ ન ઇચ્છે કે મારે મરવું, તો મને કોણ મારી શકે એમ છે? મારું આવરદા આવી રહ્યું હશે તો તો આમ બોલતો હોઉં, સુખમાં બેઠો હોઉં, તેવી વેળા પણ પ્રાણ કોઈ ન જાણે તેમ ઊડી જાય, અને તેને કોઈ રોકી શકવાનું નથી. પણ મે કાંઈક વ્યવહારનો અનુભવ લીધેલો છે, કાંઈક જ્ઞાન મેળવેલું છે, એટલે તમને વિનંતિ કરું છું કે મારી વાત માનજો ને નારણદાસ ઉપર દયા કરો. મારે માટે હું તમારી પાસેથી દયા નથી માગતો, દયા તો હું ઈશ્વર પાસેથી જ માગું છું, પણ તમારી પાસેથી હું સાચા સૈનિકની પ્રતિજ્ઞા માગું છું. અને તમને કહું છું કે તમે પ્રતિજ્ઞા લો તો તે તમારે પાળવી જ પડશે. વગરવિચારે પ્રતિજ્ઞા લેશો તો હું બહુ ભારે પડીશ. પણ તમારી પાસે લીધેલી પ્રતિજ્ઞા હું તો પળાવીશ, એટલે કાલે જોઈ વિચારી ચેતીને અહીં આવજો.

તમારી ૩૦ મિનિટ લેવી હતી, પણ મેં ૩૫ મિનિટ લીધી છે; એ પાંચ મિનિટનો મને અધિકાર નહોતો, પણ ભંગીને અર્થે તમે મને એ છૂટ આપી છે અને તમારી પાસે મેં લીધી છે.


ઉપસંહારનું ભાષણ

જ્યારે જ્યારે હું કાઠિયાવાડમાં આવ્યો છું ત્યારે ત્યારે મારા પ્રત્યે અપૂર્વ પ્રેમનો મેં અનુભવ કર્યો છે. એ જ પ્રેમનો અનુભવ આ વેળા પણ કર્યો છે. અને તેમાં આશ્ચર્યની વાત નથી. હિંદુસ્તાનમાં જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં કાઠિયાવાડ જ નજરે પડે છે—એટલે કે પ્રેમનો વરસાદ વરસાવવામાં આવે છે. પણ હું તો તમારી પાસે એક અલૌકિક વસ્તુ માગું છું. તમારા પ્રેમથી હું અકળાઈ જાઉં, કારણ તમે જે વાત કબૂલ કરો તેનો અમલ ન કરો તો મારે માટે તમારો પ્રેમ પોષક નહિં પણ ઘાતક નીવડવાનો છે. એ પ્રેમથી હું ચડી તો ન જ શકું, પણ મને આળસ ચડે અને હું જાગ્રત ન રહું તો મારી અધોગતિ થાય. પ્રેમથી છલકાઈ જાઉં એવો મારો સ્વભાવ નથી, પણ જો તે પ્રેમનું કામોમાં પરિવર્તન ન થાય તો તમારી અને મારી વચ્ચેના સંબંધનું શું થાય? એ સબંધ જાહેર છે, ખાનગી નહિ. તમારી સેવાને માટે તમારી સાથે સબંધ છે. તમે મને ખાનગી નિમંત્રણ આપો તો કદાચ હું ન સ્વીકારી શકું, પણ તમે મને જાહેર સેવાને માટે ગમે ત્યારે બોલાવી શકો છો. એટલે તમારા પ્રેમનું પરિવર્તન જાહેર કામમાં ન થાય ત્યાંસુધી એ પ્રેમની કિંમત નથી. એ પ્રેમની ઈશ્વરના દરબારમાં ભલે કિંમત હોય, પણ હું તો તમારો વ્યાવહારિક મિત્ર એટલે વ્યાવહારિક પ્રેમ માગું. હું પ્રાકૃત માણસ રહ્યો, મારામાં રાગદ્વેષ રહેલા છે, લાગણીઓને દબાવવી એ મારો ધર્મ છે. એટલે હમેશાં ચિત્તની વૃત્તિના નિરોધનો પ્રયત્ન કરું. એટલે પ્રેમ પણ એવો ઇચ્છું, પ્રેમને એવું સ્વરૂપ આપું કે તેથી ચિત્તવૃત્તિ શાંત થાય, એવું સ્વરૂપ આપું કે જેથી હું બળું નહિ. પ્રેમ એ અગ્નિ સમાન છે: તેનો સદુપયોગ થાય તો પાવક અગ્નિની જેમ તે શુદ્ધ કરે, નહિ તો તે સામાન્ય અગ્નિની જેમ બાળે. હું બળી જવા નથી માગતો, એટલે તમારો મારા પ્રત્યેનો પ્રેમ દેશકાર્યમાં વપરાય તો જ તેનું શુદ્ધ પરિવર્તન છે. એટલે તમે આટલી કબૂલાત આપ્યા છતાં કાંઈ કામ નહિ કરો અને મને નિરાશ કરો તો કાઠિયાવાડનું શું થશે, એનો ખૂબ વિચાર કરજો.

ગઈ રાતે વિષયવિચારિણી સભામાં ઘણી વાતો તમે મારા ઉપર છોડી દીધી. તમે ઠરાવોનો મોટો ખરડો કરીને લાવેલા, એવી આશાથી કે પેટ ભરીને દુઃખનાં વર્ણન કરીશું, અને તે વર્ણનથી જ દુઃખ ઓછું કરીશું. પણ મેં તમને સલાહ આપી કે તમે વર્ણન કરવાનું છોડી તમારી શક્તિ કેળવતા થઈ જાઓ; અને તમે મારી સલાહ માની. એ સલાહ તમે માની તેનું કારણ એ નથી કે હું મોટો માણસ છું, પણ એ કારણ છે કે હું કામ કરનાર માણસ છું, હું અનુભવની વાત કરનાર માણસ છું. મેં તમને બીજો એક ઠરાવ નથી કરવા દીધો, રાજાઓની સામે તમારી ફરિયાદોની જાહેરમાં ચર્ચા નથી કરવા દીધી, બલ્કે તમારાં મોં બંધ કર્યાં છે, તેથી એમ ન સમજજો કે તેથી મેં મારું પણ મોં બંધ કર્યું છે અને હું હવે સૂઈ જવા માગું છું. તમને ચૂપ કરીને મેં મોટો બોજો વહોરી લીધો છે. હું સૂઈ જવા માગતો નથી, હું તો આખું વર્ષ કામ કરવા માગું છું. પણ મારા રસ્તા જુદા છે. તમને મેં જે સલાહ આપી છે તેમાં મનુષ્ય વિષે, અને તેથી જ કાઠિયાવાડના રાજ્યકર્તાઓ વિષે મને વિશ્વાસ રહેલો છે તેનું દર્શન છે. અમૃતસરમાં મૉન્ટેગ્યુ સાહેબને ન વગોવવાની મેં સલાહ આપેલી તેમાં પણ તેનો અને રાજા જ્યૉર્જનો અવિશ્વાસ ન કરવો એ વાત રહેલી હતી. મેં તે વેળા કહેલું કે સુધારા લઈ લો, અને સુધારાની નીચે જેટલી શક્તિ કેળવાય તેટલી કેળવો. અને મહાસભાએ મારી સલાહ અર્ધીપોણી કબૂલ રાખેલી. આનું કારણ શું? તે વેળા તો મારી સાથે લડનાર લોકમાન્ય તિલક મહારાજ જેવા યોદ્ધા હતા. તેમણે મારું કહેવું કેમ કબૂલ કર્યું હશે? એટલા જ માટે કે તેમને લાગેલું કે ગાંધી કહે છે તે ઠીક કહે છે, એટલે તેમણે એક શબ્દ બદલીને મારી વાત કબૂલ રાખેલી. મેં તેમને કહેલું : ‘આજે વિશ્વાસ રાખી સુધારા સ્વીકારો. તમે અને હું જે દિવસે નિરાશ થઇશું, જે દિવસે સુધારા એ સુધારા નહિં પણ ધૂંસરી લાગશે, તે વેળા તેનો ત્યાગ કરીશું, અને તે વેળા તેની નિંદા કરવાનો અધિકાર આપણને પ્રાપ્ત થશે. આજે આપણને એ અધિકાર નથી, કારણ આજે તો મૉંટેગ્યુ કહે છે કે તમને જેટલું અપાય એટલું આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. લૉર્ડ સિંહ જેઓ જાણકાર છે, પરાક્રમી પુરુષ છે, દેશપ્રેમી છે, તે પણ કહે છે કે સુધારા લઈ લો.’ વળી શહેનશાહના ખરીતાના શબ્દોમાં પણ માધુર્ય હતું. એ બધા વિચારે મેં સુધારા સ્વીકારવાની સલાદ આપેલી. આ વિશ્વાસની સ્થિતિમાંથી અસહકારની ઉત્પત્તિ થઈ. આજે પણ હું વિશ્વાસ રાખવાનો પ્રયોગ સૂચવી રહ્યો છું. પણ ૧૯૧૯ની ઉપમાને એક છેડા સુધી ન ખેંચશો. તેનો તમે એટલો અર્થ કરવાને અધિકારી છો કે હું સૂઈ જવાનો નથી. તમે મારી આગળ જેટલી વાતો કહી છે તેમાં વધારે દુઃખની રાડો મારી પાસે આવી છે. તે બધી સાચી છે કે ખોટી તેની મને ખબર નથી. જો તે સાચી જ સાબિત થશે તો તે દૂર કરવામાં મારો જેટલો વગ હશે, જેટલી ચતુરાઈ હશે, તેનો ખર્ચ કરી નાંખીશ, રાજ્યકર્તાઓને હું મળવાનો પ્રયત્ન કરીશ. મને જો મળવાની રજા આપશે તો તેમને હું એક દીનની જેમ મળીશ, અને જો તેઓની પરવાનગી હશે તો તેમની સાથે શું થયું તે જાહેરમાં રજૂ કરીશ. ધોરાજીવાળા મુસલમાન આવ્યા હતા તેમણે મને કહ્યું, ‘આ કાઠિયાવાડ રાજકીય પરિષદ કહેવાય અને તમે અમને ધોરાજી વિષે એક શબ્દ પણ કહેવા ન દો?’ મેં કહ્યું, ‘ના.’ કારણ તેમની ફરિયાદમાં કેટલું સાચું અને કેટલું ખોટું તેની મને ખબર નથી. ગોંડળના ઠાકોર સાહેબને હું ઓળખું છું, તેમની સાથે મને પરિચય થયેલો છે, તેમની પ્રત્યે મને માન છે, અને તે બાહોશ રાજા‚ છે એમ હું માનું છું. તેમને હાથે રૈયતનો બગાડ થાય એ મને અસહ્ય છે, એમને એક બે કે પચાસ માણસના કહેવાથી હું કેમ વગોવું ? એમની નિંંદા કેમ થાય? એમને હું જ્યાંસુધી મળ્યો નથી, એમના અધિકારીઓની સાથે વાતચીત કરી નથી, ત્યાંસુધી તમને કાંઈ પણ સલાહ આપવી એ મારા સ્વભાવની વિરુદ્ધ છે. એટલે મેં ધોરાજીવાળાને કહ્યું કે તમે કહો છો તેની બરોબર તપાસ કરીશ. હવે તો મૌલાના શૌકતઅલી આવી ગયા. એટલે મારામાં વધારે બળ આવ્યું છે. મારે હિંદુમુસલમાનો વચ્ચે કશો ભેદ નથી. છતાં એ લોકોને એની શી ખબર હોય ? એટલે મેં એમને કહ્યું: મૌલાના અને હું બંને મળીને તમને સલાહ આપીશું, અને તેમણે પણ કહ્યું કે, ‘તમે જે સલાહ આપશો તે અમે સ્વીકારીશું.’

જેમ ગોંડળનું તેમ જ જામનગરનું. જામનગર વિષે પણ ઘણી ફરિયાદ મારી પાસે આવી છે. જે રાજાને પ્રજા મિત્ર કહી શકે તેવા જામસાહેબ અને હું બાળમિત્ર હતા. સ્વર્ગસ્થ કેવળરામ માવજી દવેનો જામસાહેબના ઉપર ભલામણપત્ર લઈ ને હું વિલાયત ગયેલો. હું એ ભલામણપત્ર લઈને શોભી શકેલો. ત્યાં અનેકવાર હું એમને મળેલો. તે વેળા જામસાહેબના અમે જે સમકાલીન હતા તેમને સૌને થતું કે જામસાહેબને ગાદી મળે તો કેવું સારું ! પણ આજે તો તેમની બહુ નિંદા સાંભળી રહ્યો છું. તે બધી સાચી છે કે ખોટી તેની મને ખબર નથી, પણ એક પણ સાચી ન હોય એમ હું ઇચ્છું છું. અને એમ પણ ઇચ્છું છું કે પ્રજાની ઉપર જાણેઅજાણે તેમને હાથે અથવા આડકતરી રીતે જે જુલમ થયા હોય તેને તે પોતાને હાથે જ ધોઈ નાંખે. તેમને ચીડવવા એ મારું કામ નથી. તેમને નમ્રતાપૂર્વક કહેવાનું મારું કામ છે, અને તેને માટે વાતાવરણ તૈયાર કરવું એ મારું કામ છે. મારા દુશ્મનને પણ — જો કોઈ દુશ્મન હોય, દાખલા તરીકે સર માઈકલ ઓડવાયર મને દુષ્ટમાં દુષ્ટ માને છે છતાં એ સૂબો થઈ ને આવે તો તેને હું ઉઘાડે પગે જઈને મળું. તો પછી જામસાહેબને હું અવિનયે મળું એ તો મારા સ્વપ્નામાંયે નથી.

એ બંને રાજ્યો વિષે મારી પાસે ફરિયાદો ભરેલી છે. પુષ્કળ સાહિત્ય આવી પડ્યું છે. પણ એનો મારાથી ઉપયોગ ન થાય જ્યાંસુધી પૂરી તપાસ કરવા માટે પૂરેપૂરા ઉપાયો નથી લીધા. એટલે જ મારાથી એમની જાહેર વગોવણી ન થઈ શકે. પણ એ ફરિયાદો હું ભૂલવાનો નથી. આ વર્ષમાં મારાથી એ દૂર કરાવવાને માટે જેટલું થાય તેટલું કરીશ, અને વર્ષની આખરે મારા કામની રોજનીશી તમારી પાસે રજૂ કરવા હું ઉમેદ રાખું છું.

હવે તમારી પાસે મારે એક વિનંતિ છે. તમે જાહેર કે ખાનગી કડવી ટીકાથી તમારા જ કામમાં વિઘ્ન ન નાંખશો. જાહેર ટીકા કરીને રાજ્યકર્તાઓને ચીડવશો નહિં, કારણ તે રાજા છે, અમલવાળા છે, અને અમલ આંધળો છે. રામચંદ્રજી કાંઈ જુગે જુગે થયા છે? ઉમર જેવા ખલીફ કાંઈ જુગે જુગે થાય? ઇસ્લામની પૂરેપૂરી જાહોજલાલીવાળા ચાર ખલીફાઓની કારકિર્દી ત્રીસ વર્ષમાં પૂરી થઈ, તે પછી જેટલા ખલીફા થયા તેમાંથી કોઈ પેલા ચારને અડે એવા નહોતા. એ જગતનો ન્યાય છે. રત્નો જ્યાં જોઈએ ત્યાં પાકતાં નથી. ખાણને ઊંડે ખોદીએ ત્યારે કોક જગ્યાએ તે જડે છે. આ કારણે રાજા જ્યારે ચિડાય, ક્રોધ કરે, ત્યારે તે બેવકૂફ છે એમ હું ન માનું. ક્રોધ મારામાં પણ છે, અને તમારામાં પણ છે. કારણ રાજા થોડા જ યોગી છે ? આપણેયે થોડા જ યોગી છીએ ? એવા યોગીનો એક જ દાખલો તો જનક વિદેહીનો હતો. એક જ દાખલો, કારણ તેઓ પ્રાકૃત મનુષ્ય હોવા છતાં એવા યોગી થઈ ગયા. અને રામચંદ્રજી તો અવતારી પુરુષ કહેવાય. આ પૃથ્વીને ટીંબે જનક વિદેહી જેવો બીજો એકે પાકેલો નથી એમ ઇતિહાસ શીખવે છે. રાજા એટલે અમલદાર તો ખરો જ. અને અમલદાર થયો એટલે તેનું કાંઈક તો સહન કર્યે જ છૂટકો. આપણને પ્રજાસત્તાક રાજ મળે ત્યારે પણ કોઈક અમલદાર તો હશે જ જેનું કેટલુંક તો સહન કરવું પડશે. અરે, આ મારું જ તમને કેટલું સહન કરવું પડ્યું? મેં મારા અમલનો આંધળો ઉપયોગ નહિ કર્યો હોય ! એક શાસ્ત્રીએ મારી પાસે ભાષણ કરવાની રજા માગી, તેમને મેં ન બોલવા દીધા, એક મુનિની પણ બોલવાની ઇચ્છા હતી. તેમને મેં કહ્યું કે, તમને બોલવાની હરીફાઈમાં ન ઊતરવા દેવાય, તમે ઘેર ઘેર જઈ ને રેંટિયા કંતાવો’ એમ કરવામાં મેં વિનય કર્યો કે અવિનય એની મને શી ખબર ? પણ આ બે દિવસનો હું ગમે તેવો પણ રાજા. ગમે તેવડો હોય, ચોથા પાંચમા વર્ગનો હોય, તોયે તે રાજા; અને જ્યાં પદવી અને ૫દ ત્યાં રાજ્યાધિકાર; જ્યાં રાજ્યાધિકાર હોય ત્યાં ક્રોધ અને અન્યાય માટે અવકાશ રહેલો છે. એટલે રાજ્યકર્તાના અમલથી મળતા કડવા ઘૂંટડા આપણે પીવા જ રહ્યા.

આપની પાસે મેં બે પક્ષ રજૂ કર્યા — રાજપક્ષ અને પ્રજાપક્ષ. કાઠિયાવાડના રાજ્યકર્તાથી અન્યાય થાય એ મારે માટે અસહ્ય છે. હું તેમને એટલું જ કહીશ કે ‘તમે કયા ભવને માટે આ અન્યાય કરો છો?’ પ્રજાને એટલું જ કહું કે, તેઓ ખામેશીથી સહન કરતાં શીખે એમ હું ઇચ્છું છું. પ્રજાના હક વિષે મેં મારા છાપેલા ભાષણની છેલ્લી કંડિકામાં કહ્યું છે. એ કંડિકા તમે અનેકવાર વાંચજો, ગોખી લેજો. કોઈ પ્રજા ચડી નથી શકી જેણે હકનું સેવન કરેલું છે. કેવળ તે જ પ્રજા ચડી શકી જેણે ફરજનું ધાર્મિક સેવન કર્યું. ફરજના પાલનમાંથી તેને હક મળી રહ્યા. ફરજ અદા કરતાં કરતાં ઈશ્વરની પ્રાર્થના કરવી કે ઇષ્ટ અધિકાર પણ મળે જ. આપણાં શાસ્ત્રો માતૃભક્તિ અને પિતૃભક્તિ શીખવે છે. એનો અર્થ શો ? મારા પિતા મારા પર ચિડાય, મને ગાળ દે, મારે, તોપણ્ તેની સેવા કરું; બહુ બહુ તો તેમને કહ્યું કે, ‘ના, બાપુ, આટલા બધો માર ન મારો.’ એનું કારણ શું? આ તમારી આગળ ગર્જના કરનારા શૌકતઅલી — એની માના રાક્ષસ જેવા દીકરા, એની માતા ઘુરકાવે તો ચૂપચાપ બેસી જતા. એનું રહસ્ય શું છે? એનું કારણ એ છે કે માતાપિતાની પાછળ તેમનો અધિકાર મળે છે – વારસો મળે છે. એ આજ્ઞાપાલનની પાછળ બાપનો વારસો મળવાનો છે એ વાત રહેલી છે, જોકે એ વારસાની આશા રાખીને આજ્ઞાપાલન કરૂં તો તો હું મરી પડું, એટલે એ આશા રાખ્યા વિના આજ્ઞાનું પાલન કરવું એમ પણ શાસ્ત્ર જ શીખવે છે. એવું કફોડું આપણું શાસ્ત્ર છે. હકની આશા ન રાખનાર હક મેળવે છે, અને હકની વાત કરનાર પડે છે એ ન્યાય છે. અને એ જ ન્યાય હું તમારી આગળ મૂકું છું. એ ન્યાયનું તમે પાલન કરશો તો કાઠિયાવાડના સ્વરાજની એક વિનયી સેના તમે ઉત્પન્ન કરી છે એમ માનજો. આ વર્ષોમાં એવા વિનયી કાર્યકર્તાઓની સેના તમે તૈયાર કરો એટલે પછી કોઈ રાજા તમારો તિરસ્કાર નહિ કરી શકે. અત્યારે તમને શંકા લાગે છે કે તમને કોઈ રાજા પોતાના રાજ્યમાં પરિષદ ભરવા દેશે કે નહિ. સોરઠવાળાએ પરિષદને આમંત્રણ દીધું, તે ડરતાં ડરતાં આપ્યું કે રખેને અમુક ઠેકાણે ભરવાનો વિચાર કરીશું અને રાજા ના પાડશે તો ? એટલે તમે તમારું વાતાવરણ એટલું સ્વચ્છ કરો, તમારું ચારિત્રબળ એટલું વધારો કે તમને કોઈ રાજા ના પાડી ન શકે. તમે મારી સલાહનો એવો અર્થ ન કરશો કે તમારે કાંઈ અઘટિત કરવાનું છે, તમારા માનને હાનિ પહોંચે એવું કાંઈ કરવાનું છે. ભારેમાં ભારે કામ કરતાં તમારા આગ્રહને ન છોડજો, સત્યને ન છોડજો, તેમજ વિનય અને મૃદુતાને ન છોડજો. હું પોતે અખબારનવીસ છું — અને તોયે પુરાણો વર્તમાનપત્રકાર. ૧૯૦૪ થી એ કામ હું કરતો આવ્યો છું, અને મને એ કામ સારી રીતે આવડે છે એમ માનું છું કારણ સો વસ્તુ લખવાનો ઇરાદો થાય ત્યારે એક વસ્તુ લખું એવો મારો સ્વભાવ છે. હવે ‘યંગ ઇંડિયા’માં હું અરસપરસની ગાળો, અને ગમે તેની ગમે તે ફરિયાદો છાપ્યે જાઉં તો એ છાપાની જે પ્રતિષ્ઠા છે તે રહે ખરી? ‘નવજીવન’માં મારી પાસે જેટલું આવે તેટલું ચીતરું તો કોઈ વાંચનાર રહે ખરો ? એ નિયમને લીધે જ મેં બંને છાપાંને માટે કાંઈક પ્રતિષ્ઠા મેળવી છે. એ નિયમમાં પણ કોઈકવાર ભૂલ થઈ જાય છે. એટલે મુત્સદ્દીઓને અને લેખકોને કહું કે તમે કલમને કેદમાં રાખજો, અને આત્માનો વિકાસ કરજો, લોભ તમે શબ્દનો કરો, આત્મોન્નોતિનો નહિ. ખુશામત પણ ન કરજો, ક્રોધ પણ ન કરજો. સંયમમાં ખુશામત નથી, જ્યારે ક્રોધ— વાંકો શબ્દ — ખુશામત કરતાં પણ ખરાબ છે. ખુશામત અને ક્રોધ એ એક જ વસ્તુની — નબળાઈની — બે બાજુ છે. વક્ર બાજુએ ક્રોધ છે. નબળો માણસ ખુશામત કરે અથવા પોતાની નબળાઈ ઢાંકવા માટે ક્રોધ કરે. કોઈ પણ ક્રોધી પુરુષ એમ ન માને કે તેણે જોર બતાવેલું છે. જોર કર્મમાં રહેલું છે. અને કર્મ એટલે ધર્મપાલન. જગતનું હૃદયસામ્રાજ્ય ભોગવનારાએ સંયમાગ્નિમાં પોતાની ઇંદ્રિયોને ભસ્મ કરેલી હોય છે. તમે પણ કાઠિયાવાડનો ઉદ્ધાર કરવા ઇચ્છતા હો તો યાદ રાખજો કે શાંતિ અને સંયમથી જ તમે તે સાધી શકશો. રાજા પોતાનું કામ દંડથી લે છે. તમે તમારું કામ સેવા અને પ્રેમથી લેજો, તમારાં સેવા અને પ્રેમનું રાજા અને પ્રજા બંને ઉપર સિંચન કરો કે જેથી ઉત્પન્ન થયેલી કાઠિયાવાડની સુવર્ણવાટિકા સૌ જોવાને આવે. મારો આશિર્વાદ છે — જો આશીર્વાદ આપવાનો મારા અધિકાર હોય તો — અને નહિ તો હું ઈશ્વર પ્રત્યે પ્રાર્થના કરું કે એવો દિવસ તુરત આવો.

નવજીવન, ૧૫–૧–૧૯૨૫