લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ

વિકિસ્રોતમાંથી
← કાઠિયાવાડીઓને દેશી રાજ્યોનો પ્રશ્ન
ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ
મોહનદાસ કરમચંદ ગાંધી
કાઠિયાવાડ રાજકીય પરિષદ →







૧૪
ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ

[ભાવનગર ખાતે તા. ૮–૧–૨૫ ને રોજ મળેલી ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદમાં ગાંધીજીએ પ્રમુખ તરીકે આપેલું ભાષણ]

મિત્રો,

કાઠિયાવાડ રાજકીય પરિષદનું પ્રમુખપદ સ્વીકારવાનું મને હું જેલમાં ગયો તેની પૂર્વે સૂચવવામાં આવ્યું હતું. તે વેળા એ માનનો બોજો ઉપાડવાના મેં ઇનકાર કર્યો હતો. ઇનકારનાં કારણ આ સમયે મોજૂદ ન હોવાથી મેં પ્રમુખ થવાનું માન સ્વીકાર્યું છે ખરું, પણ ભય વિના નહિ. ભય એટલા સારુ કે રાજ્યપ્રકરણી પ્રશ્નો વિષે સામાન્ય વિચારોથી મારા વિચારોની ભિન્નતા રહેલી જોઉ છું. વળી આ વર્ષને સારુ મહાસભાનું પ્રમુખપદ મારે હસ્તક છે, એ મારે સારુ જરા કફોડી વસ્તુ છે. એ એક જ બોજો મારા ગજા ઉપરવટ માનું છું. તેમાં આ પરિષદનો બોજો ઊચકવો એ બહુ વધારે પડતું થઈ પડે. આ પરિષદનું સુકાન અત્યારે હું ચલાવું તેનો અર્થ જો એ થતો હોય કે આખા વર્ષ સુધી મારે એ જવાબદારી ભોગવવાની છે, તો તો મારાથી એ બોજો ઊચકાય તેવું મુદ્દલ નથી. વળી હું મહાસભાનો સુકાની રહ્યો તેથી જે વિચારો હું આ પરિષદના પ્રમુખ તરીકે જાહેર કરું તે મહાસભાના હોય એવો અર્થ નીકળે તોપણ એ અયોગ્ય ગણાય. રખેને એવો અનર્થ થાય એ ભય પણ મને અત્યારે આ પદ સ્વીકારતાં રહ્યો છે.

તેથી મારે આટલું સ્પષ્ટ કરવાની જરૂર છે કે, દેશી રાજ્યો વિષેના મારા વિચારોને મહાસભાના સભાના વિચારો સાથે કશો સંબંધ નથી. મારા વિચારો તદ્દન સ્વતંત્ર છે; તેને મહાસભાની મહોર નથી મળી.

જો આ પરિષદના પ્રમુખ તરીકે મને લાયક ગણવામાં આવ્યો છે તો મારે હિસાબે તેનું કારણ તો એ છે કે, હું કાઠિયાવાડનો વતની છું ને આ પરિષદના સંચાલકોની સાથે મારે ગાઢ સંબંધ છે. મહાસભાનું સુકાન અત્યારે મારા હાથમાં છે એ તો એક અકસ્માત છે.

વિષયનો આરંભ કરું તે પહેલાં ભાઈ મનસુખલાલના સ્વર્ગવાસની નોંધ મારે લેવી પડે છે. તેમની સાથેના મારો સબંધ તમે સૌ જાણો છો. અત્યારે તેમની ગેરહાજરી તમને સાલે એ નવાઈ નથી; પણ મને બહુ સાલે છે એ હું છુપાવી શકતો નથી. કવિશ્રી શંકર રત્નજી ભટ્ટનો સ્વર્ગવાસ પણ તમને ને મને એટલો જ દુઃખદ હશે. તેમનો પરિચય મને બહુ થોડો હતો. તેમની મદદ અત્યારે આપણને નથી એ પણ જેવીતેવી ખોટ નથી. ઈશ્વર બન્નેનાં કુટુંબને ધીરજ ને શાંતિ બક્ષો, અને આપણે તેમના દુઃખના ભાગીદાર છીએ એ વાત તેમનું દુઃખ હળવું કરો.

મહાસભા અને દેશી રાજ્યો

મેં અનેક વેળાએ જાહેર કર્યું છે કે મહાસભાએ દેશી રાજ્યોને લગતા પ્રશ્નોથી સામાન્ય રીતે અલગ રહેવું જોઈએ. બ્રિટિશ હિન્દુસ્તાનની પ્રજા પોતે સ્વતંત્રતા મેળવવા મથી રહેલ છે. એવે સમયે, તે દેશી રાજ્યોના કારભારમાં વચ્ચે પડવા મથે તો તે નાને મોઢે મોટી વાત કર્યાં જેવું થાય; અથવા તા બહેરાએ મૂંગાને શીખવવા નીકળ્યા બરાબર થાય. દેશી રાજ્યો અને બ્રિટિશ સરકાર વચ્ચેના સંબંધમાં મહાસભા જેમ દેખીતી રીતે કંઈ પણ કરવા કે કહેવા અસમર્થ હોય, તેમ જ દેશી રાજ્યો ને રૈયત વચ્ચેના સંબંધમાં છે.

આમ છતાં બ્રિટિશ હિન્દુસ્તાનના તેમજ દેશી રાજ્યોના લોકો તો એક જ છે. હિન્દુસ્તાન એક છે. વડોદરાના હિન્દીઓ અને અમદાવાદના હિન્દીઓની હાજતોમાં, રીતરિવાજમાં કંઈ ભેદ નથી. ભાવનગરની પ્રજા ને રાજકાટની પ્રજાને નિકટ સબંધ છે. છતાં ભાવનગરની અને રાજકાટની રાજનીતિ નોખી હોય એ કૃત્રિમ સ્થિતિ છે. આજકાલના વાતાવરણમાં જ્યાં લોકો એક છે ત્યાં રાજનીતિ અનેક હોય, એ લાંબી મુદ્દત સુધી ન નભવા જેવી વાત છે. તેથી મહાસભાના વચ્ચે પડ્યા વિના પણ, આધુનિક વાતાવરણના અદૃશ્ય દબાણથી સુધ્ધાં હિન્દુસ્તાનમાં અનેક રાજ્યો છતાં રાજનીતિ તો એક જ થવા જશે. તેમાં જ હિન્દુસ્તાનની સભ્યતાની શોભા ને પરીક્ષા રહેલી છે.

પણ મારો દૃઢ અભિપ્રાય છે કે જ્યાં લગી બ્રિટિશ હિન્દુસ્તાન પરાધીન છે, જ્યાંસુધી, બ્રિટિશ હિન્દુસ્તાનના લોકમતની પાસે ખરી સત્તા નથી, એટલે કે જ્યાંસુધી બ્રિટિશ હિન્દુસ્તાનની પાસે આત્મવિશ્વાસને સારુ શક્તિ નથી — ટૂંકામાં, જ્યાંલગી બ્રિટિશ હિન્દુસ્તાનને સ્વરાજ નથી, ત્યાંલગી બન્ને હિન્દુતાનની સ્થિતિ છિન્નભિન્ન રહેવાની જ. તેની છિન્નભિન્નતામાં જ ત્રીજી સત્તાની હસ્તી રહેલી છે. એટલે બ્રિટિશ હિન્દુસ્તાનની સ્વરાજશક્તિમાં સમસ્ત હિન્દુસ્તાનની રાજ્યપ્રકરણી સુવ્યવસ્થા સમાયેલી છે.

દેશી રાજ્યોની સ્થિતિ

એ સુવ્યવસ્થા કેવી હોય ? એકબીજાની નાશક નહિ પણ પોષક. સ્વરાજ ભોગવતું હિન્દુસ્તાન દેશી રાજ્યોનો નાશ નહિ ઇચ્છે પણ દેશી રાજ્યોને મદદગાર નીવડશે. તેવું જ વલણ દેશી રાજ્યોનું સ્વરાજી હિન્દુસ્તાન પ્રત્યે હશે.

અત્યારની દેશી રાજ્યોની સ્થિતિ મારી દૃષ્ટિએ દયાજનક છે. કેમકે તે પોતે પરાધીન જેવાં છે. રૈયતને દેહાંત દંડ દેવાની સત્તા ભોગવવામાં ખરી સત્તા નથી રહેલી, પણ આખા જગતની સામે રૈયતની રક્ષા કરવાની ઈચ્છા અને શક્તિમાં ખરી સત્તા રહેલી છે. આજે દેશી રાજ્યોની પાસે એવી સત્તા નથી ને તેથી ઉપયોગને અભાવે ઇચ્છા પણ ગઈ જેવી છે. એથી ઊલટું રૈયતની રક્ષા કરવાની સત્તાનો લોપ થયા જેવું થયું છે, અને રૈયતની ઉપર જુલમ કરવાની શક્તિમાં વધારો થતો જોવામાં આવે છે. જેવું વાવમાં હોય તેવું હવાડામાં હોય. સામ્રાજ્યમાં અરાજકતા છે, તેથી સામ્રાજ્યને તાબે રહેલાં દેશી રાજ્યોમાં પણ અરાજકતા છે. તેથી દેશી રજવાડાંમાં રહેલી અરાજકતા રાજામહારાજાઓને જ જવાબદાર નથી પણ વસ્તુસ્થિતિને પણ ઘણે અંશે જવાબદાર છે.

સમસ્ત હિન્દુસ્તાનની વસ્તુસ્થિતિ કુદરતી એટલે ઈશ્વરી નિયમની વિરોધી હોઈ બધે અવ્યવસ્થા ને અસંતોષ જોવામાં આવે છે. જો એક અંગ પણ વ્યવસ્થિત થઈ જાય તો બધે સુવ્યવસ્થા વ્યાપે એવો મારો દૃઢ અભિપ્રાય છે.

કોની પહેલ?

ત્યારે પહેલ કાણ કરે? દેખીતું છે કે પહેલ બ્રિટિશ હિન્દુસ્તાનથી જ થવી જોઈએ. ત્યાં રૈયતને પોતાની ભયંકર સ્થિતિનું ભાન થયું છે અને તેમાંથી છૂટવાની ઇચ્છા છે. અને જેમ જિજ્ઞાસા પછી જ જ્ઞાન સંભવે છે, તેમ આ ભયમાંથી છૂટવાની ઇચ્છા કરનાર પ્રજાને જ મુક્તિના ઉપાય મળશે ને તે તે ઉપાય યોજશે. તેથી જ મેં અનેક વેળા કહ્યું છે કે, બ્રિટિશ હિન્દુસ્તાનનું સ્વાધીન થવું એ જ દેશી રાજ્યોનું સ્વાધીન થવું છે. બ્રિટિશ હિન્દુસ્તાનના સ્વાધીન થવાનો શુભ અવસર આવશે ત્યારે રાજાપ્રજાના સંબંધ મટી નહિ જાય પણ ત્યારે એ સંબંધ નિર્મળ થશે. સ્વરાજની મારી કલ્પનામાં રાજસત્તાનો નાશ નથી. મારી કલ્પનામાં ધનસંચયનો નાશ નથી. ધનસંચયમાં જ રાજસત્તા રહેલી છે. હું ધનિક, મજૂર ઇત્યાદિ વચ્ચે સદ્‌વ્યવહાર ઇચ્છું છું. કેવળ મજૂરવર્ગનું કે કેવળ ધનિકવર્ગનું સામ્રાજ્ય નથી ઇચ્છતો. હું આ વર્ગોને સ્વભાવથી જ અરસપરસ વિરોધી નથી માનતો. જગતમાં તો ગરીબ તવંગર રહેવાના જ. પણ તેમની વચ્ચેના વહેવારનું પરિવર્તન થયે જશે. ફ્રાન્સ પ્રજાસત્તાક છે, પણ ત્યાં બધી જાતના વર્ગો છે.

આપણે શબ્દજાળમાં ન ફસાઈએ. જે જે દૂષણો આપણે હિન્દમાં જોઈએ છીએ તે બધાં બહુ સુધરેલી મનાતી પશ્ચિમની પ્રજાઓમાં પણ છે. તેને આપણે જુદાં નામથી ઓળખીએ છીએ. ડુંગરા જેમ દૂરથી રળિયામણા લાગે છે, તેમ પશ્ચિમની કેટલીક વસ્તુઓ આપણને દૂરથી રૂપાળી દીસે છે. હકીકત તપાસીએ તો ત્યાં પણ રાજા પ્રજા વચ્ચે ક્લેશ ચાલ્યા જ કરે છે. ત્યાં પણ લોકો સુખ શોધે છે ને દુઃખ ભોગવે છે.

દેશી રાજ્યો વિષે

આ સુંદર દેશના રાજામહારાજાઓને વિષે મારી પાસે ઘણા કાઠિયાવાડીઓ ફરિયાદ કરે છે અને મારી શિથિલતાને સારું મને ઠપકો આપે છે. આ અધીરા મિત્રો કદાચ હવે સમજશે કે હું શિથિલ નથી પણ હું તો અવ્યવસ્થા મટાડવાના ઇલાજ શોધી ને યોજી રહ્યો છું. સ્વરાજની ચળવળમાં મેં સર્વસ્વ હોમ્યું છે તે એમ જાણીને કે તેમાં બધી આપત્તિઓને સારુ રામબાણ દવા છે. જેમ સૂર્ય ઊગતાં અંધકારમાત્ર દૂર થાય છે, તેમ સ્વરાજરૂપી સૂર્યનો ઉદય થયે રાજા પ્રજા બન્નેની અરાજકતારૂપી અંધકાર દૂર થશે જ.

પરદેશગમન

દેશી રાજ્યોની રાજનીતિ ઉપર આક્ષેપો થયા જ કરે છે. તેમાંથી આ નાનકડું કાઠિયાવાડ મુક્ત નથી. રાજામહારાજાઓને વિષે એક ફરિયાદ સર્વસાધારણ છે. દિવસે દિવસે યુરોપ જવાનો શોખ વધતો જાય છે. કામસર અથવા જ્ઞાન મેળવવા ખાતર વિલાયત જવું એ તો સમજી શકાય એવું છે, પણ મોજશોખને ખાતર જવું અસહ્ય જણાય છે. જે સંસ્થાનમાં રાજા ઘણો વખત બહાર રહે તે સંસ્થાનની સ્થિતિ દયાજનક બને છે. આ લોકસત્તાના અને વહેવારજ્ઞાનપ્રચારના યુગમાં જે સંસ્થાન કે તંત્ર લોકપ્રિય અને લોકકલ્યાણકારી નહિ હોય તેની હસ્તી ટકવાની નથી એ આપણે અનુભવી રહ્યા છીએ. આ ન્યાયમાંથી દેશી રાજ્યો મુક્ત રહી શકે તેમ નથી. તેની સરખામણી હમેશાં અંગ્રેજી રાજ્ય સાથે ને સ્વરાજ સ્થપાશે ત્યારે સ્વરાજની સાથે થવાની જ. શહેનશાહ જ્યૉર્જ પ્રધાનની સંમતિ વિના ઇંગ્લંડ છોડીને ક્યાંયે જઈ શકતા નથી. રાજ્યાસને આવ્યા પછી શહેનશાહ ભાગ્યે જ બહાર નીકળે છે, જોકે શહેનશાહની જવાબદારી દેશી રાજાઓના જેટલી હોતી નથી. દેશી રાજાઓ રાજ્યની લગામ પોતાને હસ્તક રાખે છે. નાની સરખી નિમણૂક પણ તેઓ જ કરે છે. એક પુલ બાંધવો હોય તેને સારુ પણ તેમની પરવાનગીની જરૂર પડે છે. આવી સ્થિતિમાં દેશી રાજાઓનું પરદેશગમન પ્રજાને બહુ અળખામણું લાગે છે.

આમ બહાર જવામાં જે ખરચ થાય છે એ પણ અસહ્ય છે. રાજાઓની હસ્તીનો આધાર જો નીતિ ઉપર હોય તો તેઓ સ્વતંત્ર માલિક નથી પણ પ્રજાના પૈસાના ટ્રસ્ટી — રક્ષક છે. તેઓની આવક પ્રજાની પાસેથી મળતી મહેસૂલ છે. એ મહેસૂલનો વ્યય જે રીતે ટ્રસ્ટી કરે તે જ રીતે તેમનાથી થાય. આ તત્ત્વનો અમલ અંગ્રેજી રાજ્યતંત્રમાં લગભગ સંપૂર્ણતાએ થાય છે એમ કહી શકાય, યુરોપમાં જતા રાજાઓ અઢળક ધન ખરચ કરે છે તેનો કોઇ બચાવ નથી એમ મારી અલ્પ મતિ સૂચવે છે.

આ પરદેશગમનના વધતા જતા શોખનો એક બચાવ એવો કરવામાં આવે છે કે રાજાએ શરીરસુખાકારીને અર્થે જાય છે! આ બચાવ તો કેવળ હાસ્યજનક ગણાય. આપણો આ મહાન દેશ, જ્યાં હિમાલય જેવો પર્વતરાજ અચલિત શાસન ભોગવી રહ્યો છે, જેની કૂખમાંથી ગંગા, જમુના, બ્રહ્મપુત્ર, સિંધુ આદિ મહાન નદીઓ નીકળે છે, તે દેશમાંથી શરીરસુખાકારીની શોધમાં કોઈને વિદેશ જવાની જરૂર હોય જ નહિ. કરોડો માણસો જે દેશમાં પોતાનું જીવન સુખેથી ગાળી શકે છે તે રાજાઓના આરોગ્યને સારુ બસ હોવો જ જોઈએ.

પશ્ચિમનું અનુકરણ

પણ પરદેશગમનનો સૌથી મોટો ગેરલાભ તો રાજાઓ પશ્ચિમની સંસ્કૃતિનું છીછરું અનુકરણ કરે છે તે છે. પશ્ચિમની સંસ્કૃતિમાંથી આપણને ઘણું શીખવાનું ને લેવાનું મળે છે, પણ તેમાંનું ઘણું ત્યાજ્ય છે. યુરોપનાં હવાપાણીને જે અનુકૂળ હોય તે બધાં હવાપાણીને અનુકૂળ હોય એમ માનવાનું કારણ નથી. અનુભવ તો એમ શીખવે છે કે, દરેક હવાપાણીને જુદી જુદી વસ્તુ અનુકૂળ પડે છે. પશ્ચિમના રીતરિવાજો પૂર્વને હજમ ન થાય. પૂર્વનાને પશ્ચિમ હજમ ન કરે. પશ્ચિમની પ્રજામાં સ્ત્રીપુરુષો સંયમપૂર્વક સાથે નાચી શકે છે, ને નાચતી વેળા મદ્યપાન પણ કરતાં છતાં તેઓ મર્યાદા જાળવી શકે છે એમ કહેવાય છે. આપણને આ રિવાજનું અનુકરણ કરીએ તો કેવું પરિણામ આવે એ મારે કહેવાનું ન જ હોય. હાલ અખબારોમાં ચર્ચાતો એક પાટવી કુંવરનો કેસ આપણને કેટલો શરમાવે છે!

નિરંકુશ ખરચ

બીજી ફરિયાદ રાજામહારાજાઓનાં નિરંકુશ ખરચોની છે. આ ખરચ દિવસે દિવસે વધતાં જ જાય છે. તેમાંનાં ઘણાં ખરચનો બચાવ કરવો મુશ્કેલ છે. રાજાઓને અમુક મર્યાદામાં રહી પોતાના ભોગવિલાસને અર્થે ખરચ કરવાનો અધિકાર ભલે હોય, પણ નિરંકુશ અધિકાર તો ન જ હોય, તેઓ ન ઇચ્છે, એમ હું માની લઉં છું.

મહેસૂલ પદ્ધતિ

રાજાઓની મહેસૂલ ઉઘરાવવાની પદ્ધતિ પણ દોષરહિત નથી જોવામાં આવતી. તેઓએ અંગ્રેજી પદ્ધતિનો સ્વીકાર કરી પ્રજાને બહુ નુકસાન પહોંચાડ્યું છે એવો મારો વિશ્વાસ છે. ગમે તેવી સ્થિતિમાં પણ ખોબા જેટલા અંગ્રેજોએ પોતાની સત્તા આ મુલકમાં ટકાવવી એ નીતિસર છે એમ આપણે સ્વીકારીએ તો અંગ્રેજી મહેસૂલ પદ્ધતિનો કંઈક બચાવ થાય છે. દેશી રાજાને એવો સિદ્ધાંત મનાવવાની આવશ્યકતા સરખી નથી. તેને પોતાની હસ્તીને વિષે પ્રજા તરફનો ભય નથી. તેને મોટા લશ્કરની જરૂર નથી; કોઈ પણ રાજ્યની પાસે તે નથી, ને બ્રિટિશ રાજનીતિ તે થવા દે એવું નથી. છતાં પ્રજા પાસેથી તેની શક્તિ ઉપરાંત કર ઉઘરાવવાની પ્રથા પડી ગયેલી છે એ પ્રજાને ખૂંચે છે. લોકકલ્યાણના કાર્યને જ અર્થે મહેસૂલ હોય એવી આપણી પુરાણી પરંપરા છે. તેનો હું ચોમેર ત્યાગ જ જોઈ રહ્યો છું. આ જોઈ ને મને દુઃખ થાય છે.

આબકારી

મહેસૂલ વધારવાને સારુ અંગ્રેજી આબકારી ખાતાનું અનુકરણ દુઃખદાયક છે. એમ કહેવાય છે કે આબકારી ખાતું તો હિંદુસ્તાનનો પ્રાચીન રોગ છે. મને એ વાત માન્ય નથી. પ્રાચીન કાળમાં રાજાઓએ મદ્યાદિના વેપારમાંથી મહેસૂલ ભલે ઉઘરાવ્યું હોય, પણ તેઓએ લોકોને આજની પેઠે મદ્યપી નહોતા બનાવી દીધા. પણ આવી મારી માન્યતા ભલે ભૂલભરેલી હોય, આબકારી ખાતું જેવું આજે છે તેવું પ્રાચીનકાળથી હો; પ્રાચીન એટલું સારું જ એવો મોહ મને નથી. હિંદુસ્તાની તેટલું સારું જ એવો મોહ પણ મને નથી. મદિરા, અફીણ, ઇત્યાદિ કેફી વસ્તુઓ આત્માને મૂર્છિત બનાવે છે, મનુષ્યને હેવાન કરતાં પણ હલકો કરી મૂકે છે, એ આપણે નજરે જોઈએ છીએ. આ વ્યસનવાળા મનુષ્યોની સ્થિતિ આપણને કમમાટી ઉપજાવે છે. એવી વસ્તુઓનો વેપાર કરવો પાપ છે એ સ્વયંસિદ્ધ વાત છે. દેશી રાજ્યેાએ દારૂનાં પીઠાં માત્ર બંધ કરી અંગ્રેજી રાજ્યાધિકારીઓને સારુ દૃષ્ટાંતરૂપ બનવું ઘટે છે. કોઈ કોઈ જગ્યાએ કાઠિવાડમાં આ સુધારા કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે, તેને હું વધાવી લઉં છું ને ઉમેદ રાખું છું કે દારૂનું એક પણ પીઠું નહિ હોય એવો દિવસ તુરત આવશે.

અંગત

કેટલાંક રાજ્યો વિષે મારી પાસે અંગત ટીકા આવ્યા કરે છે. એના ઉલ્લેખ હું અહીં કરવા નથી ઇચ્છતો. મને એ વિષે ‘યંગ ઇંડિયા’ તેમજ ‘નવજીવન’માં લખવાનું બહુ કહેવામાં આવ્યું છે, પણ સંપૂર્ણ હકીકત જાણ્યા વિના અને બની શકે તો તે તે રાજ્ય તરફથી જે કહેવાનું હોય તે સાંભળ્યા વિના મૌન જ ધારણ કરવાનું મેં ઉચિત ધાર્યું છે. વિષયવિચારિણી સભામાં હું એ આક્ષેપો વિષે માહિતી મેળવવાની આશા રાખીશ, ને પછી જો મારે કંઈ પણ કરવું કે કહેવું ઘટશે તો હું અવશ્ય કરીશ કે કહીશ.

રેંટિયો ને ખાદી

બે વિષયો એવા છે કે જેમાં દેશી રાજ્યો તરફથી સંપૂર્ણ ઉત્તેજનની ઉમેદ રાખી શકાય. આ દેશની આર્થિક નીતિ એ હતી કે આપણે આપણું અનાજ પેદા કરતા ને ખાતા, તથા કપાસ પેદા કરી તેનું સૂતર આ ઘરમાં કાંતી તેનાં કપડાં વણાવી પહેરતા. આમાંની એક સ્થિતિ મોજૂદ છે ને બીજીનો લગભગ નાશ થયો છે. મનુષ્ય જેટલું ખોરાકમાં ખરચે છે તેનો દસમો હિસ્સો પોતાના પોશાકમાં ખર્ચે છે. તેથી સેંકડે દસ રૂપિયાનું ખરચ આપણે આપણા દેશમાં પોતપોતામાં કરવાને બદલે પરદેશની અને આપણી મિલોમાં કરીએ છીએ. એટલે કે આપણે તેટલી મહેનત ખોઈએ છીએ ને તે ખોટની સાથે આપણે કપડાંનું ખરચ કરીએ છીએ ને પરિણામે બેવડો માર ખમીએ છીએ. ફળ એ મળ્યું છે કે આપણા ખોરાકમાંથી ખર્ચ બચાવી આપણે તે કપડાંમાં નાંખીએ છીએ. તેથી આપણે દિવસે દિવસે કંગાલ થતા જઈએ છીએ. ખેતી અને કંતામણ ને વણાટ એ બે ધંધા આપણા ઘરમાં કે ગામમાં ન રહે તો આપણો નાશ જ સંભવે છે. ભાવનગર તાબાનાં બધાં ગામ જો પોતાનાં કપડાં ને ખોરાક ભાવનગરથી મંગાવે તો કેવું પરિણામ આવે એ વિચાર પરિષદના સભ્યોને જ સોંપું છું. આમ છતાં અત્યારે આપણે કપડાં વિષે એવો વિપરીત વહેવાર ચલાવીએ છીએ. આપણાં કપડાં આપણે કાં તો પરદેશથી મંગાવીએ છીએ અથવા તો આપણી મિલેામાંથી. બન્ને સ્થિતિમાં આપણાં ગામડાંની પ્રજા ક્ષીણ થતી જાય છે.

બીજા દેશોમાં કપડાં બહારથી મંગાવતા છતાં તેઓની આર્થિક હાનિ નથી થતી એવા દાખલાઓથી આપણે ન ભોળવાઈએ. બીજા દેશોમાં લોકો કાંતવાવણવાનો ધંધો છોડે છે તો તેને બદલે બીજો વધારે કમાણીવાળો ઉદ્યમ કરે છે. આપણે કતાણવણાટ છોડી નકામા બેસીએ છીએ.

આ સ્થિતિમાંથી મુક્ત થવું એ કાઠિયાવાડને બહુ સહેલું છે. આપણા રાજાઓ રૈયતવર્ગને ઉત્તેજન આપી, પોતે દૃષ્ટાંત બેસાડી કાઠિયાવાડમાં ખાદીનો પુનરુદ્ધાર કરી શકે છે ને કાઠિયાવાડમાં વધતી જતી કંગાલિયત રોકી શકે છે. કાઠિયાવાડમાં મિલો ને જિનો થાય તેમાં હું કાઠિયાવાડની ઉન્નતિ નથી જોતો પણ અવનતિ જોઉં છુ. કાઠિયાવાડની રૈયતના સામાન્ય વર્ગને કાઠિયાવાડ છોડવું પડે છે તે હું શુભ ચિહ્ન નથી માનતો. થોડા સાહસિક કાઠિયાવાડી વધારે ધનલાભ સારુ કાઠિયાવાડ છોડે એ આવકારલાયક હોય, પણ લોક કંગાલ બને તેથી લાચારીએ દેશત્યાગ કરે એ ખેદકારક ને કાઠિયાવાડનાં રાજ્યોને સારુ નામોશીભરેલું ગણાય. હું પરદેશમાં રહેલો જ્યારે કાઠિયાવાડમાં આવું છું ત્યારે લોકોમાં તેજવૃદ્ધિને બદલે તેજહાનિ જોઉં છું.

આજકાલ હાથે કાંતવાની ને હાથે વણવાની કળા વધારે ખીલતી જાય છે; ખાદીનો મહિમા વધતો જાય છે. શું તેમાં રાજાઓ અને મહારાજાઓ મદદ ન કરે ? તેઓ ખેડૂતોને કેળવે, કાઠિયાવાડની હાજત પૂરતું રૂ બચાવે, તે પોતે ખાદી પહેરી ખાદીનો પ્રચાર કરે એ તેમને શોભાવનારું જ થશે. ખાદીમાત્ર જાડી હોવાની જરૂર નથી. રાજાઓ હાથકંતામણ ને વણાટને ઉત્તેજન આપી વણાટમાં થતી અનેક કળાકારીગીરીને પાછી જીવતી કરી શકે છે. રાણીસાહેબો સુંદર, રંગીન, ઘૂઘરીદાર રેંટિયા ઉપર ઝીણું રૂ કાંતી તેની શબનમ ખાદી વણાવી તે વડે સુશોભિત અને સુરક્ષિત રહે. કાઠિયાવાડમાં અનેક જાતની ભાતો વણાતી મેં નજરે જોયેલી છે. એ કળાનો હવે લગભગ અંત થયો છે. આવી કળાને ઉત્તેજન આપવું એ રાજાઓનું ખાસ ક્ષેત્ર છે.

અસ્પૃશ્યતા

બીજો અતિશય અગત્યનો વિષય અસ્પૃશ્યતા છે. હરિજન વર્ગને મહાગુજરાતના બીજા ભાગો કરતાં કાઠિયાવાડમાં વધારે ખમવુ પડે છે. તેઓને રેલગાડીમાં પણ દુઃખ દેવામાં આવે છે. રાજાઓ પરદુઃખભજન ગણાય છે; તેઓ તો દુર્બળનું બળ હોવા જોઈએ. તેઓ હરિજનોની વહારે નહિ ધાય ? રાજા પ્રજાની આશિષે જીવે છે. હરિજનોની આશિષના અધિકારી થઈ તે પોતાના જીવનને સુશોભિત ન કરે? શાસ્ત્ર તો પોકારીને કહે છે કે, બ્રાહ્મણ અને ભંગી વચ્ચે ભેદ ન હોય. બન્નેને આત્મા છે, બન્નેને પાંચ ઇંદ્રિય છે, બન્નેને આહારનિદ્રાદિ સામાન્ય છે. રાજાઓ ઇચ્છે તો હરિજનોની હાલતમાં બહુ સુધારો કરી શકે છે, તે પોતે હરિજનોને ધાર્મિક ભાવથી સ્પર્શ કરી અસ્પૃશ્યતાને નિર્મૂળ કરી શકે છે. હરિજનોને સારુ સુંદર નિશાળો, કૂવા વગેરે કરાવી તેમના હૃદયના સ્વામી બની શકે છે.

ટીકાનો બચાવ

દેશી રાજ્યોની ટીકા કરવી મને પસંદ નથી. તેમની સાથેનો ગાંધી કુટુંબનો સબંધ ત્રણ પેઢીથી ચાલતો આવેલો મારી જાણમાં છે. ત્રણ રાજ્યેાની દીવાનગીરીનો સાક્ષી હું પોતે રહ્યો છું. મારા પિતાશ્રી અને મારા કાકાશ્રીનો સબંધ તે તે રાજ્યો સાથે મીઠો હતો એ મને યાદ છે. મનુષ્ય વિવેકહીન નથી એવો મારો વિશ્વાસ છે. એટલે હું દેશી રાજ્યોના ગુણો જ જોવા ઇચ્છું છું. દેશી રાજ્યોનો હું નાશ નથી ઇચ્છતો એમ અગાઉ લખી ગયો છું. દેશી રાજ્યોથી ઘણું લોકહિત થઈ શકે એમ હું માનું છું, અને જો અહીં હું ટીકામાં ઊતર્યો છું તો તે કેવળ રાજાપ્રજાના હિતાર્થે છે. મારો ધર્મ સત્ય અને અહિંસાનો છે, સત્ય મારો પરમેશ્વર છે. અહિંસા તેને ઓળખવાનું સાધન છે. એ સત્યને વશ રહી મેં કેવળ અહિંસક એટલે પ્રેમભાવે ટીકા કરી છે; તે રાજામહારાજાઓ તેવે ભાવે સમજો ને સ્વીકારો એવી મારી તેઓ પ્રત્યે વિનંતિ છે.

રામરાજ્ય

દેશી રાજ્યની કલ્પના રામરાજ્યની છે. રામે એક ધોબીની ટીકાથી પ્રજાને સંતોષવા પ્રાણસમ પ્રિય, જગદ્‌વંદ્ય, સતીશિરોમણિ, સાક્ષાત કરુણાની મૂર્તિરૂપ સીતાજીનો ત્યાગ કર્યો. રામે કૂતરાને પણ ન્યાય આપ્યો. રામે સત્યના પાલનને અર્થે રાજ્યનો ત્યાગ કરી, વનવાસ ભોગવી, પૃથ્વીના રાજામાત્રને ઉચ્ચ કોટિના સદાચારનો પદાર્થપાઠ આપ્યો. રામે અખંડ એકપત્નીવ્રત પાળી રાજા પ્રજા સૌને ગૃહસ્થાશ્રમમાં સંયમ કેમ પળાય એનું દર્શન કરાવ્યું, રામે રાજ્યાસનને શોભાવી રાજ્યપદ્ધતિને લોકપ્રિય કરી, અને રામરાજ્ય એ સ્વરાજની પરિસીમા છે એમ સિદ્ધ કરી આપ્યું. રામને આજકાલનાં લોકમત જાણવાનાં અતિ અધૂરાં સાધનોની જરૂર ન હતી કારણકે તે પ્રજાના હૃદયના સ્વામી થયા હતા. રામ પ્રજામતને સાનમાં સમજતા. પ્રજા રામરાજ્યમાં આનંદસાગરમાં ડૂબતી હતી.

એવું રામરાજ્ય આજ પણ સંભવે છે. રામના વંશનો લોપ નથી થયો. આધુનિક યુગમાં પ્રથમના ખલીફાઓએ પણ રામરાજ્ય સ્થાપ્યાં હતાં એમ કહી શકાય. હજરત અબુબકર અને હજરત ઉમર કરોડોનું મહેસૂલ ઉઘરાવતા છતાં પોતે ફકીર હતા. જાહેર ખજાનામાંથી એક કોડી સરખી ન લેતા, પ્રજાને ન્યાય મળે છે કે નહિ એ જોવા નિરંતર જાગૃત રહેતા. દુશ્મનને પણ દગો ન દેવાય, તેને પણ શુદ્ધ ન્યાય આપવો જોઈએ, એ તેઓનો સિદ્ધાંત હતો.

પ્રજા પ્રત્યે

રાજવંશીઓને વિષે એ શબ્દ લખી મારું ઋણ મેં અદા કર્યું છે એવો મારો નમ્ર મત છે. હવે પ્રજા પ્રત્યેનું ઋણ અદા કરવાનો પ્રયત્ન કરું. જેવા રાજા તેવી પ્રજા એ લોકવાક્યમાં અર્ધસત્ય છે. એટલે કે એ કથન જેટલે અંશે ખરું છે તેટલે જ અંશે ‘જેવી પ્રજા તેવા રાજા’ એ કથન પણ ખરું છે. જ્યાં પ્રજા જાગ્રત છે ત્યાં રાજાની હસ્તી કેવળ પ્રજા ઉપર આધાર રાખે છે. જ્યાં પ્રજા ઊંઘતી છે ત્યાં રાજા રક્ષક મટી ભક્ષક થઈ જવાનો પૂરો સંભવ રહે છે. ઊંઘતી પ્રજાને રાજાનો દોષ કાઢવાનો અધિકાર નથી. રાજાને પ્રજા બન્ને સંજોગોને વશ હોય છે. સાહસિક રાજા પ્રજા સંજોગોને વશ કરે છે. સંજોગોને વશ કરી રહેવું તેનું નામ પુરુષાર્થ છે. પુરુષાર્થહીનનો નાશ છે, અને તે યથાર્થ છે. આ સિદ્ધાંત સમજે તે ધીરજ ન છોડે, તે દૈવને દોષ ન દે, તે પારકાને દોષ ન દે, તે પોતાના જ દોષ કાઢે ને જુએ. આ સિદ્ધાંતને આધારે હું હિંસા અથવા બળાત્કારનો વિરોધ કરું છું. દોષનું કારણ જ્યારે પોતામાં છે ત્યારે પારકામાં દોષારાપણ કરી તેનો નાશ ઇચ્છવો કે કરવો તેથી કારણ દૂર નથી થતું એટલું જ નહિં, પણ કારણ જડ ઘાલે છે ને રોગ વધતો જાય છે.

સત્યાગ્રહ

રાજવંશીઓની જે જે ખામીઓ ઉપર હું નજર ફેરવી ગયો છું તે તે ખામીઓનું કારણ જેટલે અંશે રાજાઓ પાતે છે તેટલે જ અંશે, અને વધુ વિચાર કરીએ તો વધારે અંશે, પ્રજા પોતે છે એમ આપણે જોઈશું. પ્રજામત અમુક કાર્યની વિરુદ્ધ હોય તો તે કાર્ય રાજા નહિ કરી શકે. પ્રજામતનું વિરુદ્ધ હોવું એટલે મનનો બણબણાટ નહિ. પ્રજામતનો વિરોધ ત્યારે જ દર્શાવાય કે જ્યારે વિરોધની પાછળ બળ હોય. પુત્ર પિતાના કાર્યની વિરુદ્ધ હોય ત્યારે તે શું કરે છે? વિરોધપાત્ર કાર્ય છોડી દેવાને સારુ તે પિતાને વીનવે છે એટલે કે વિવેકપૂર્વક અરજી કરે છે. અનેકવાર પ્રણિપાત કર્યાં છતાં જ્યારે પિતા નથી માનતો ત્યારે તે પિતાની સાથેનો સહકાર છોડે છે, એટલે સુધી કે પિતાનું ઘર પણ છોડે છે. આ શુદ્ધ ન્યાય છે. જ્યાં પિતા પુત્ર જંગલી હોય છે ત્યાં બેની વચ્ચે લડાઈ થાય છે, એકબીજા ગાળાગાળી કરે છે ને છેવટે મારામારી પર ઊતરે છે. સભ્ય ને આજ્ઞાંકિત પુત્ર મરણ લગી વિનયનો, શાંતિનો, અહિંસાનો, પ્રેમનો ત્યાગ કરતો જ નથી. તેનો પ્રેમ જ તેનો અસહકાર સૂચવે છે. આવા પ્રેમમય અસહકારને પિતા પોતે એાળખી શકે છે. પુત્રનો ત્યાગ કે વિયોગ તે સહન નથી કરી શકતો, તેનો અંતરાત્મા દુભાય છે, ને તે પશ્ચાત્તાપ કરે છે. હંમેશાં એમ જ બને છે એમ આપણે જોતા નથી. પણ પુત્રે તો અસહકાર કરી પોતાના ધર્મનું પાલન કર્યું.

આવા પ્રકારનો અસહકાર રાજા પ્રજા વચ્ચે હોઈ શકે. અમુક સંજોગો વચ્ચે તે પ્રજાનું કર્તવ્ય હોય. એવા સંજોગો ક્યારે આવ્યા કહેવાય ? ત્યારે જ કે જ્યારે પ્રજા સ્વભાવે સ્વતંત્ર અને નિર્ભય હોય; રાજ્યના કાનૂનોને તે સ્વેચ્છાએ, દંડના ભય વિના, સમજપૂર્વક માન આપે. રાજ્યના કાયદાનું સાદર વિવેકપૂર્વક પાલન એ અસહકારનો પ્રથમ પાઠ છે.

બીજો પાઠ તિતિક્ષા છે. રાજ્યના ઘણા કાયદા આપણને અગવડ પડતા લાગે. છતાં તેને આપણે સહી લઈએ. પુત્રને પિતાની ઘણી આજ્ઞાઓ ખૂંચતી હોય છતાં તે તેને માન આપી પોતાનું પુત્રત્વ સિદ્ધ કરી આપે છે. જ્યારે તે અસહ્ય લાગે, તે અનીતિમય લાગે, ત્યારે જ તેનો વિનયપૂર્વક નિરાદર કરશે. એવો નિરાદર પિતા તુરત સમજી શકશે. તેમ જ જે પ્રજા રાજ્યના અનેક કાયદાને માન આપીને પોતાની ઇરાદાપૂર્વક થયેલી વકાદારી સિદ્ધ કરી આપે તે જ પ્રજાને સાદર નિરાદરનો અધિકાર પ્રાપ્ત થાય છે.

ત્રીજો પાઠ સહિષ્ણુતાનો છે. જેનામાં દુઃખ સહન કરવાની શક્તિ નથી તે અસહકાર ન કરી શકે. માલમિલકતના અને કુટુંબનાયે ત્યાગની શક્તિ જેણે કેળવી નથી તે કદી અસહકાર નહિ કરી શકે. અસહકારથી રાજા કોપાયમાન થઈ અનેક પ્રકારના દંડ દે એ સંભવિત છે. એમાં પ્રેમની પરીક્ષા રહેલી છે. એમાં ધૈર્યની અને વીર્યની કસોટી છે. એ સહન કરવા જે તૈયાર નથી તે અસહકાર ન કરી શકે. આ ત્રણે પાઠ એક બે વ્યક્તિ શીખી લે તેથી પ્રજા અસહકાર કરવા તૈયાર થઈ ન ગણાય. પ્રજાકીય અસહકાર થઈ શકવાને સારુ પ્રજાનો મોટો ભાગ તૈયાર હોવો જોઈએ. આ વસ્તુ ધ્યાનમાં ન રખાય તો માઠાં પરિણામ આવવાનો પૂરા સંભવ રહે છે. આ વાત ધ્યાનમાં ન રહેવાથી કેટલાક સ્વદેશાભિમાની જુવાન અધીરા બને છે. જેમ બીજી કેળવણીને સારુ તેમ અસહકારની કેળવણીને સારુ પણ તૈયારીની આવશ્યકતા રહે છે. માત્ર ઇચ્છા કરવાથી કોઈ અસહકારી નથી બની શકતું. તેને સારુ તાલીમની જરૂર હોય છે. એ તાલીમ કાઠિયાવાડના કોઈ પણ વિભાગમાં હું જોતો નથી. એ તાલીમ અને એ તૈયારી હોય તો અસહકારની આવશ્યકતા સિદ્ધ થયેલી છે એમ હું નથી જાણતો.

અત્યારે કાઠિયાવાડમાં શું કે હિંદુસ્તાનમાં શું, હું તો વ્યક્તિઓની તૈયારીની આવશ્યકતા જોઉં છું. વ્યક્તિમાં સેવાભાવ, ત્યાગવૃત્તિ, સત્ય, અહિંસા, સંયમ, ધૈર્ય, અસ્તેય ઇત્યાદિ ગુણો જોઈએ. આ ગુણોની કેળવણીને સારુ રચનાત્મક કાર્યની આવશ્યકતા છે. આપણે મૂંગે મોઢે પ્રજામાં ઘણું કામ કરીએ તો ઘણા સુધારા એની મેળે થઈ જાય.

મુત્સદ્દીવર્ગ

કાઠિયાવાડ મુત્સદ્દીવર્ગને સારુ પ્રસિદ્ધ છે. કાઠિયાવાડી મુત્સદ્દીમાં વિવક ઇત્યાદિની અતિશયતા છે ને તેથી તેનામાં દંભ, ભીરુતા, ખુશામત ઇત્યાદિ આવી ગયાં છે. આ વર્ગ શિક્ષિત છે. એટલે સુધારો ત્યાં શરૂ થવો જોઈએ. આ વર્ગ જો પ્રજાનું કલ્યાણ ઇચ્છે તો ઘણું કરી શકે. જ્યાં જ્યાં આ વર્ગમાં ચારિત્રવાન પુરુષો જોવામાં આવે છે ત્યાં ત્યાં પ્રજામાં સંતોષ જોવામાં આવે છે. મેં મુત્સદ્દીવર્ગની ટીકા કરી છે. મુત્સદ્દીમાત્ર ઉપરની ટીકાને પાત્ર છે. એવું કહેવાનો મારો આશય નથી. મુત્સદ્દીવર્ગમાંથી તો સુંદર રત્નો નીવડ્ચાં છે એવો મારો અનુભવ છે. એટલે મુત્સદ્દીવર્ગની આશા મેં છોડી જ નથી. મુત્સદ્દીવર્ગ ધનસંચયને સારુ નહિ પણ સેવાને સારુ રાજ્યોમાં નોકરી કરતો થઈ જાય તોયે ઘણાં શુભ પરિણામ નીપજે.

ઈતર વર્ગ

વળી જેઓએ રાજ્યની નોકરી છોડી કેવળ સ્વતંત્ર ધંધો પસંદ કર્યો છે તેઓને તો બધું અનુકૂળ છે. તેઓમાં ઉપરના ગુણોની વૃદ્ધિ જોવાને હું અધીરો થઈ ગયો છું. મૂંગે મોઢે સેવા કરનારા પ્રજાના સાચા સિપાઈઓની જરૂર છે. તેઓએ પ્રજામાં પ્રવેશ કરવાની જરૂર છે. આવી તૈયારીવાળા સેવકો આંગળીને વેઢે ગણી કાઢીએ એટલા નીકળશે. કાઠિયાવાડના પ્રત્યેક ગામમાં એવો એક એક સેવક પણ છે? આનો જવાબ મને નકારમાં જ મળે એમ હું જાણું છું. જે વર્ગ મારું ભાષણ વાંચશે તેને ગ્રામજીવનનું ભાન થોડું જ હશે. જેને ભાન હશે તેને તે ગમશે નહિ. છતાં હિંદુસ્તાન એટલે કાઠિયાવાડ પણ ગામડાંમાં વસે છે.

રેંટિયો

એ સેવા કેમ થઈ શકે? આમાં હું પ્રથમ સ્થાન રેંટિયાને આપું છું. રેંટિયાની અવગણના મેં બહુ સાંભળી. જે અત્યારે નિંંદાય છે તે જ વસ્તુ સુદર્શન ચક્ર તરીકે પૂજાવાનો વખત હું નજીક આવતો જોઈ રહ્યો છું. જે આપણે વાર્યા નથી કરતા તે હાર્યા કરશું એવો મારો દૃઢ વિશ્વાસ છે. હિંદુસ્તાનનું અર્થશાસ્ત્ર એ ચક્રની પાંખડીએ પાંખડીએ લખેલું છે. ગ્રામજીવનનો પુનરુદ્ધાર કેવળ તેની ઉપર આધાર રાખે છે. સૂતર કાંતવાના કામને હું ધંધા તરીકે નથી એળખાવતો. તે તો ધર્મ છે અને તે ધર્મ હિન્દુ-મુસલમાન બધા ધર્મીઓનો છે. બધા સંપ્રદાયનો છે. એ ચક્ર ફેરવતાં વૈષ્ણવ દ્વાદશ મંત્ર પઢે, શૈવી શિવનો જાપ જપે, મુસલમાન કલમો પઢે, પારસી ગાથા ભણે, ખ્રિસ્તી ઈશુએ શીખવેલી પ્રાર્થના કરે.

એક અમેરિકન લેખકે લખ્યું છે કે, હવેનો યુગ અંગમહેનતનો છે. મૂઢ યંત્રના ગુણાકારથી યંત્રને પૂજતી પ્રજા થાકવા લાગી છે. આપણે શરીરરૂપી અદ્વિતીય યંત્રને છોડી મૂઢ યંત્રની પાસેથી કામ લેવા જવામાં શરીરયંત્રનો નાશ કરી રહ્યા છીએ. શરીરની પાસેથી સંપૂર્ણ ઉપયેાગ લેવો એ ઈશ્વરી કાયદો છે. તેને આપણે ભૂલી જ નથી શકતા. રેંટિયો એ શરીરયજ્ઞનું માંગલિક ચિહ્ન છે. એ યજ્ઞ કર્યા વિના જે જમે છે તે ચોરીનું અન્ન ખાય છે, એ યજ્ઞનો ત્યાગ કરી આપણે દેશદ્રોહી બન્યા; આપણે લક્ષ્મીદેવીને દેશનિકાલ કરી. હિંદુસ્તાનમાં જેના શરીરમાં છેક હાડકાં ને ચામડાં જ રહી ગયાં છે એવાં અસંખ્ય સ્ત્રીપુરુષો આ વાતનો પુરાવા આપે છે. મને વંદ્ય એવા શ્રીનિવાસ શાસ્ત્રિયાર કહે છે કે, હું તો પ્રજાની પોશાકની પસંદગીમાં પણ દખલ દેવા માગું છું. આ વાત તદ્દન ખરી છે. દરેક સેવકનો તેમ કરવાનો ધર્મ છે. પ્રજા પાટલૂન પહેરતી થઈ જાય તો હું તેની સામે મારો અવાજ ઉઠાવું. આપણી હવાને પાટલૂન અનુકૂળ નથી એ હું જોઈ રહ્યો છું. પ્રજા પરદેશી કાપડનો ઉપયોગ કરે છે તેની સામે અવાજ ઉઠાવવાનો હિન્દીમાત્રનો ધર્મ છે. એ અવાજ વાસ્તવિક રીતે કાપડના પરદેશી હોવા સામે નથી, પણ તેથી ઉત્પન્ન થતી કંગાલિયત સામે છે. જો પ્રજા પોતાની જારબાજરી છોડી સ્કૉટલૅંડથી ઓટ મંગાવે અથવા રશિયાથી રાઈ *[] મંગાવે તો હું જરૂર પ્રજાના રસોડામાં દખલ દઉંં, ને પ્રજાને પેટ ભરીને નિંદુ, ને તેને દ્વારે બેસી લાંઘણ કરી મારો આર્તનાદ સંભળાવું. એવું ઇતિહાસમાં બન્યું પણ છે. યુરોપના ગયા રાક્ષસી યુદ્ધમાં પ્રજાને અમુક પાક નિપજાવવાની ફરજ પાડવામાં આવી હતી. પ્રજાનાં ખાનપાનાદિ ઉપર રાજ્યનો અંકુશ વર્તાતો હતો.

જેને ગામડાંની સેવા કરવી છે તેને રેંટિયાશાસ્ત્રનો અભ્યાસ કર્યે જ છૂટકો છે. આ કાર્યમાં સેંકડો બલ્કે હજારો યુવકો ને યુવતીઓ પાતાની આજીવિકા પેદા કરી શકે છે ને તેનો બેવડા અવેજ વાળી શકે છે. તેમાં સંગઠન રહેલું છે. તેમાં દરેક ગામડિયાની ઓળખ રહેલી છે. તેમાં ગામડિયાને સહેજે અર્થશાસ્ત્રનું, રાજ્યપ્રકરણનું જ્ઞાન આપવાનું રહ્યું છે. તેમાં બાળકોની શુદ્ધ કેળવણીનો સમાવેશ થાય છે. અને આ કાર્ય કરતાં ગામડાંની અનેક હાજતો, ખામીઓ વગેરેનું જ્ઞાન થાય તેમ છે.

આ ખાદીના કાર્યમાં કોઈ રાજા પ્રજા વચ્ચે વિરોધ થવાનો સંભવ નથી એટલું જ નહિ, પણ બન્નેનો સંબંધ મીઠો થવાની આશા રાખી શકાય. એ આશાનું ફળીભૂત થવું સેવકની વિવેકબુદ્ધિ ઉપર આધાર રાખે. તેથી રેંટિયાને પ્રધાન પદ આપવાનું આ રાજકીય પરિષદને કહેતાં હું નથી લજવાતો, નથી અચકાતો.

એ જ પ્રમાણે અસ્પૃશ્યતાનું કામ છે. અસ્પૃશ્યતા દૂર કરવી એ હિંદુમાત્રનું પરમ કર્તવ્ય છે. આમાં પણ કોઈ રાજા વચ્ચે ન જ પડે. હરિજનની સેવા કરી, તેની આંતરડીની દુવા લઈ, હિંદુ આત્મશુદ્ધિ કરે તેમાંથી ચમત્કારિક શક્તિ પેદા થાય એવી મારી દૃઢ માન્યતા છે. અસ્પૃશ્યતા એ હિંદુધર્મ ઉપર મહાન કલંક છે. તે કલંકને કાઢવું આવશ્યક છે. એ કાર્ય કરતાં પણ સેવક પ્રજાની સાથે પ્રેમની ગાંઠ બાંધશે. જે હિંદુ હરિજનની સેવા કરશે તે હિંદુધર્મનો તારક થશે ને હરિજન ભાઈબહેનોનાં હૃદયનો સમ્રાટ બનશે.

રાજ્ય બે પ્રકારનાં છે. એક દંડના ભયથી મળે, બીજું પ્રેમના મંત્રથી સધાય છે. પ્રેમમંત્રથી સધાયેલું રાજ્ય દંડના ભયથી પ્રાપ્ત થયેલા રાજ્ય કરતાં હજારોગણું વધારે અસરકારક ને સ્થાયી છે. જ્યારે આ રાજકીય પરિષદના સભ્યો આવી સેવા કરી તૈયાર થશે ત્યારે તેમને પ્રજાની વતી બોલવાનો અધિકાર મળશે ને ત્યારે પ્રજામતની સામે કોઈ પણ રાજાનું થવું અશક્ય થઈ પડશે. ત્યારે જ પ્રજાનો અસહકાર સંભવી શકે.

પણ રાજાઓ વિષે મારો એવો વિશ્વાસ છે કે તેઓ આવા ધાર્મિક પ્રજામતને તુરત ઓળખી જશે. આખરે રાજાઓ પણ હિંદી જ છે. તેમને આ જ દેશ સર્વસ્વ છે. તેમનું હૃદય પીગળી શકે એમ છે. તેમની પાસેથી લોકસેવા લેવી હું સહજ કાર્ય સમજું છું. આપણે ખરો પ્રયત્ન નથી કર્યો. આપણે ઉતાવળિયા થયા છીએ. આપણી શુદ્ધ તૈયારીમાં આપણો વિજય — રાજા પ્રજા ઉભયનો વિજય છે.

હિન્દુ-મુસલમાન

ત્રીજો પ્રશ્ન હિન્દુ-મુસલમાન ઐક્યનો છે. મારી પાસે કાઠિયાવાડના એક બે પત્રો આવ્યા છે તે ઉપરથી જણાય છે કે આ પ્રશ્ન કાઠિયાવાડમાં પણ ધૂંધવાઈ રહ્યો છે. હિન્દુ-મુસલમાન વચ્ચે એકસંપ હોવો જ જોઈએ એ વિષે કંઈ કહેવાની જરૂર હોય નહિ. સેવકમાત્ર પ્રજાનું અંગ ભૂલી નથી શકતો.

મારું ક્ષેત્ર

હું જાણું છું કે મારું ભાષણ ઘણાને અધૂરું લાગશે, નીરસ પણ લાગશે. પણ હું મારા ક્ષેત્રની બહાર જઈ ને કંઈ વહેવારું કે ઉપયોગી સલાહ નહિ આપી શકું. મારું ક્ષેત્ર નિર્મિત થઈ ગયું છે. તે મને પ્રિય છે. હું અહિંસાના મંત્રથી મુગ્ધ થયો છું. મારે સારુ તે પારસમણિ છે. હું જાણું છું કે દુઃખથી તપ્ત હિન્દુસ્તાનને અહિંસાનો મંત્ર જ શાંતિ આપી શકે તેમ છે. મારી દૃષ્ટિએ અહિંસાનો માર્ગ કાયરનો કે નામર્દનો નથી. અહિંસામાં ક્ષત્રીધર્મની પરિસીમા છે; કેમકે તેમાં અભયની સોળે કળા સંપૂર્ણતાએ ખાલી નીકળે છે. તે ધર્મના પાલનમાં પલાયનને, હારને અવકાશ જ નથી. એ ધર્મ આત્માનો હોઈ દુઃસાધ્ય નથી. સમજે તેને તે સહેજે સ્ફુરી નીકળે છે. ભારતભૂમિને એ સિવાય બીજો ધર્મ અનુકૂળ આવનાર નથી એવો મને વિશ્વાસ છે. ભારતભૂમિને સારુ એ ધર્મનું નિશાન રેંટિયો છે. કેમકે તે જ દુખિયાનો વિસામો છે, તે જ કંગાલની કામધેનુ છે. પ્રેમધર્મને નથી દેશની, નથી કાળની મર્યાદા. તેથી મારું સ્વરાજ ભંગી, ઢેડ, દૂબળાં, ને અપંગમાં અપંગની નોંધ લે છે. રેંટિયા સિવાય તે નોંધ લેનારી બીજી વસ્તુ હું જાણતો નથી.

મેં તમારા સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરી નથી. મને તેનું પૂરું જ્ઞાન નથી. દેશી રાજ્યોમાં કેવું તંત્ર જોઈએ એ પ્રશ્નમાં હું ઊતર્યો નથી કેમકે તેનું ઘડતર તમારા હાથમાં રહ્યું છે. પ્રજામાં શક્તિ આવે એવા ઇલાજો શોધવા ને યોજવા એ મારું ક્ષેત્ર છે, કેમકે પ્રજામાં શક્તિ આવે તો તે પોતાનો માર્ગ શોધી લે છે. રાજાને હું સેવકરાજ તરીકે જ સહન કરું છું. પ્રજા શેઠ છે. પણ શેઠ ઊંઘે તો સેવક શું કરે? તેથી પ્રજાજાગૃતિને સારું પ્રયત્ન કરવામાં બધું આવી જાય છે.

આવી મારી કલ્પના હોવાથી મારા કાલ્પનિક સ્વરાજમાં દેશી રાજ્યોને સ્થાન છે ને પ્રજાને પોતાના હકનું પૂર્ણ રક્ષણ છે. હકનું બીજ ફરજ છે. તેથી મેં આ ભાષણમાં બન્નેના ધર્મની જ, બન્નેની ફરજની જ નોંધ લીધી છે. આપણે બધા આપણી ફરજ અદા કરીએ તો હક તો આપણી પાસે જ છે. જો ફરજ છોડી હકને બાઝવા જઈશું તો તે ઝાંઝવાનાં નીર જેવા છે. જેમ તેની પાછળ જઈએ તેમ તે નાસે છે. એ જ વસ્તુ કૃષ્ણે તેની દિવ્ય વાણીમાં ગાઈ બતાવી: ‘હે રાજા, કર્મનો જ તને અધિકાર છે; ફળનો કદી ન હજો.’ કર્મ તે ધમ છે; ફળ તે હક છે.

નવજીવન, ૮–૧–૧૯૨૫

  1. * રશિયામાં નીપજતું બંટીને મળતું ધાન્ય