દેશી રાજ્યોનો પ્રશ્ન/કાઠિયાવાડીઓને–૧
← શી આશાએ ? | દેશી રાજ્યોનો પ્રશ્ન કાઠિયાવાડીઓને મોહનદાસ કરમચંદ ગાંધી |
ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ → |
કાઠિયાવાડીઓને
મને સંજોગો કાઠિયાવાડ લઈ જાય છે. કાઠિયાવાડીઓનો પ્રેમ હું સમજું છું, ઓળખું છું. પણ મારે તો કામ જોઈએ. મારી પદ્ધતિમાં તો અત્યારના કેળવાયેલા વર્ગની પદ્ધતિમાં હું ભેદ જોઈ રહ્યો છું. એ ભેદ છતાં મને પ્રમુખ બનાવવો એ હાસ્યજનક છે. મહાસભામાં મેં ઘડેલા ઠરાવો પાસ થયા છતાં ઘણા મને સંભળાવી રહ્યા છે કે એ ઠરાવોનો કોઈ અમલ કરવાનું નથી. આવી ભયંકર વાત હું કેમ માનું?
મારી પાસે જેમ મહાસભાને સારુ કંઈ નવી વાત ન હતી તેમ કાઠિયાવાડને સારુ પણ કદાચ નહિ હોય. સત્ય તો એ છે કે મારે કહેવાનું બધું કહેવાઈ ગયું છે. મારે તો જેમતેમ કરીને એની એ જ વાત કહેવાની રહી છે. મારું મન કેવળ ગરીબોમાં જ રહે છે. ભંગીને સારુ, મજૂરોને સારુ મારે તો સ્વરાજ જોઈએ છે. તે કઈ રીતે સુખી થાય એનું ચિંતન કરું છું. તેઓની કાંધ ઉપરથી આપણે ક્યારે ઊતરીશું ? મારે તેઓના હકની ને આપણી ફરજની વાત કરવી રહી, જ્યારે આપણને આપણા હકની લાગી રહી છે.
કાઠિયાવાડીને હું મારી વાત સમજાવી શકું તો કેવું સારું! એ કંઈ ન બનવા જેવું છે? મનુષ્ય આશાએ જીવે છે. તેમ જ મારું છે. કોક દિવસ તો હિંદુસ્તાનને મારી વાત સાંભળ્યે જ છૂટકો છે. કાઠિયાવાડ શરૂઆત ન કરે?
વ્યવસ્થાપકોએ મારે સારું વાતાવરણ તૈયાર કરવાનું હાથ લીધું છે. તે મને બધું ખાદીમય તો દેખાડશે જ. કાઠિયાવાડનાં કળાહુન્નર, કારીગરીનું પ્રદર્શન રાખશે જ. બેલગામમાં કેવું સુંદર પ્રદર્શન હતું ! કાઠિયાવાડમાં ક્યાં ઓછી કળા છે ? કાઠિયાવાડની વનસ્પતિમાં શું નથી? કાઠિયાવાડનાં ગાય બળદ કેવાં રૂપાળાં છે ? તેઓનાં દર્શન થશે કે? હું પશ્ચિમનો મહિમા જોવા નથી જતો. તે તો મેં પશ્ચિમમાં બહુ જોયો છે. પણ દેશનિકાલ થયેલો હું તો દેશી વસ્તુઓનાં સ્મરણ કરું છું, તે જોવા ઇચ્છું છું.
કાઠિયાવાડનો પ્રસિદ્ધ વિવેક તો છે જ. વિવેકની ભાદરમાં વખત ન તણાઈ જાય એવી સંભાળ રાખવા સ્વાગત સમિતિને ભારી પ્રાર્થના છે. કાળને મર્યાદા નથી પણ મનુષ્યદેહને તો છે. આ ક્ષણભંગુર પદાર્થોની સહાયતાથી આપણે અનેક કામો લેવાં છે તેથી પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરવો ઘટે છે.
તેથી દરેક કાર્ય આપણે વખતસર કરી શકીએ એવી કાળજી કાર્યવાહકો રાખે એમ ઇચ્છું છું. જે જે ઠરાવો પરિષદ આગળ મૂકવાની આવશ્યકતા લાગે તે ઘડીને તૈયાર રાખ્યા હશે, તો આપણે તેની ઉપર પુષ્કળ વિચાર કરી શકીશું. વિષયવિચારિણી સમિતિને સારુ પૂરતો વખત રાખવા મારી ભલામણ છે. ઠરાવો ઘડવામાં જો પોતાના ધર્મો ઉપર વધારે ધ્યાન રાખ્યું હશે તો આપણે વહેલા સફળ થઈશું એમ વિચારી ઠરાવો ઘડાઓ એમ હું ઈચ્છું છું.
વખત બચાવવાનો એક રસ્તો તો હું સૂચવી દઉં. સ્વાગત હૃદયથી કરો. એટલે તમને જણાઈ રહેશે કે બાહ્ય સ્વાગતની કશી જરૂર નહી રહે. સરઘસ ઇત્યાદિમાં વખત લેવો એ જે કાર્ય ખરું કરવાનું છે તેમાંથી ચોરી કર્યા બરોબર થશે. બે દિવસમાં છવ્વીસ લાખની સેવાનો ક્રમ ઘડવો છે એ ભુલાવું ન જોઈએ. હજારો સ્ત્રીપુરુષો એકઠાં થશે એમને સંતોષવાને સારુ કેટલીક બાહ્ય વસ્તુઓની જરૂર રહેશે જ. આને સારુ તો પ્રદર્શન જેવું બીજું કંઈ જ નથી એમ આપણે બેલગામમાં જોઈ ચૂક્યા.
- નવજીવન, ૪–૧–૧૯૨૫