લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/શી આશાએ ?

વિકિસ્રોતમાંથી
← દેશી રાજ્યમાં સત્યાગ્રહ દેશી રાજ્યોનો પ્રશ્ન
શી આશાએ ?
મોહનદાસ કરમચંદ ગાંધી
કાઠિયાવાડીઓને →







૧૨
શી આશાએ?

મારા બીજા વ્યવસાયોમાં મે કાઠિયાવાડ રાજકીય પરિષદનું પ્રમુખપણું સ્વીકાર્યું છે તે નાનીમોટી આશાઓ સિવાય નહિ સ્વીકાર્યું હોય, એમ વાંચનાર માની જ લેશે.

કાઠિયાવાડમાં ડૂબકી મારી જવાની લાલચ તો હંમેશાં હોય જ. પણ તે ઇચ્છા તો હું બીજી વેળાએ તે પ્રમુખપદનો ભાર ઉપાડ્ચા વિના પાર પાડી શકત. મારી આશા તો એ છે કે કાઠિયાવાડ ઉપર ખાદી પરત્વે બેદરકારીનું જે તહોમત છે તે તહોમતમાંથી તે મુક્તિ મેળવે. મારી પાસે આવેલા ભાઈઓએ મને ખાતરી આપી છે કે સોનગઢમાં હું કેવળ ખાદીનગર જોઈશ ને પરિષદમાં આવનારા હજારો તો ખાદી પહેરીને જ આવશે.

જે કંઈ મળે તે લાભ જ છે એમ સમજી આટલાનો સ્વીકાર કરીશ. પણ જે જવાબ તિલક મહારાજે મરહૂમ મિ૦ મૉન્ટેગ્યુને આપ્યો હતો તેવી જાતના ઉદ્‌ગાર અહીં કાઢું: ‘જે મળશે તે સ્વીકારી વધારે માટે લડીશ.’ કાઠિયાવાડમાં જે રૂ પાકે તે બહાર જાય ને તે રૂનાં કપડાં આવે તે કાઠિયાવાડ પહેરે, એ હંમેશાં અસહ્ય વસ્તુ ગણાય; પણ જેમ રૂ બહાર જાય તેમ કાઠિયાવાડની પ્રજા પણ આજીવિકાને અભાવે બહાર જાય, એ કેમ જોયું જાય ?

 કાઠિયાવાડના વણકરોને ધંધો ન મળે, કાઠિયાવાડની ગરીબ બહેનોને કંતામણને અભાવે દુઃખી થવું પડે, એ કેવો અન્યાય ! આમાં હું રાજા પ્રજા બન્નેનો દોષ જોઉં છું. રાજાઓ ઇચ્છે તો પોતાના પ્રદેશમાં પાકતા રૂનો ઉપયોગ ત્યાં જ કરાવી હાથકંતામણની ને તેને લગતી અનેક કારીગરીઓનો પુનરુદ્ધાર કરાવે.

કાઠિયાવાડના કસબી વણકરોને મેં પોરબંદરમાં ક્યાં નહોતા જોયા? તેઓનો ધંધો હાલ લગભગ નાબૂદ થયા છે. કાઠિયાવાડી અતલસ અને અમદાવાદી અતલસ વચ્ચે હરીફાઈ થતી તે તેમાં કાઠિયાવાડ ચડી જતું, એ મારા જમાનાની વાત. કાઠિયાવાડના ખત્રીઓને હવેલીમાં પણ બાંધણીનું કામ સાથે લાવતા ને પોતાના વખતનો સદુપયાગ કરતા મેં નજરે જોયા છે. તેઓ અત્યારે ત્યાં છે? કાઠિયાવાડનાં શેલાં પ્રખ્યાતિ પામ્યાં હતાં. તેને વણનારા મેં જોયા છે. તે આજે ક્યાં છે? કાઠિયાવાડના રંગારાઓને રાજકોટના પરામાં ચાળીસ વર્ષ પહેલાં જોતો, ને ‘મને એવા રંગનો ફેંટો બાપુ અપાવે તો કેવું સારું’ એ મારી બાળપણની નિર્દોષ ઇચ્છા મને હજુ યાદ છે. એ રંગારા આજ કોણ જાણે ક્યાં હશે?

હાથકંતામણનો લોપ થતાં તેને અંગે ચાલતા બીજા કેટલા ધંધાઓનો લોપ થયો છે એ કોણ જાણે છે? એ કોણ ગણાવી શકે એમ છે? કંતામણના લોપની સાથે જ કળાનો લોપ થયો છે એનું આપણને ક્યાં ભાન છે? એ કળા જતાં કરોડો ખેડૂતોના ઘરનું તેજ ગયું છે એ વિચાર સરખોયે આપણે શહેરનિવાસીઓ ક્યાં કરીએ છીએ? રેંટિયામાં જે બરકત હતી તે રેંટિયાની સાથે ગઈ. જે ઘરમાં તેને ફરી સ્થાન મળ્યું છે ત્યાં બરકત ફરી આવવા મથી રહી છે. હજુ તે જામી શકી નથી કેમકે તે તે ઘરમાં રેંટિયા ઉપર શ્રદ્ધા નથી બેઠી. ‘મારું સૂતર નહિ ખપે તો મારા શા હાલ? આ મહાસભાવાળાઓનો શો ભરોસો ? મારા વહાલા આજ આ કરે છે તે કાલે વળી કાંઇક બીજું જ. એની પીઠ પાછળ ક્યાં સરકાર છે?’ આવી અનિશ્રિત સ્થિતિથી તેઓ ગભરાય છે. ‘દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીએ’ એવી આપણી દયામણી દશા અત્યારે વર્તે છે.

ત્યારે કાઠિયાવાડ ખાદીનું કામ ઉપાડી લઈ ખૂબ શોભાવશે એવી એક આશાએ મને પલાળ્યો છે.

બીજી આશા પણ તેટલી જ નિર્દોષ ને તેટલી જ તીવ્ર તેમજ ધાર્મિક છે. ધર્મ તો કદાચ આ બીજી આશામાં વધારે હોય. કાઠિયાવાડની આભડછેટથી તો વિદુરની ભાજી ખાનાર, ગોવાળોમાં રખડનાર, ગૌધણ ચારનાર, ગોપીઓનાં નિર્મળ મનનો હરનાર, તેમનાં પવિત્ર હૃદયનો સ્વામી, કૃષ્ણ પણ હાર્યો છે. જે ચીંથરિયા સુદામાને હરખે ભેટ્યો હતો તે કંઈ હરિજનથી અભડાય એમ બને?

પણ તેના જ સૌરાષ્ટ્રમાં આજે હરિજનો હડધૂત થાય છે. તેમનો સ્પર્શ દોષમય ગણાય છે, ને કેટલાક ભલા કાઠિયાવાડી તેઓને ગાળો ભાંડતાં કે માર મારતાંયે ચૂક્તા નથી! એમનો કોણ બેલી થાય ? હું આશા રાખીશ કે જે પરિષદમાં હાજરી ભરશે તેઓ આ દોષથી મુક્ત રહેશે એટલું જ નહિ, પણ તે હરિજનસેવા કરવાની પ્રતિજ્ઞા લેશે.

કાર્યવાહકોને મારે સૂચવવું જોઈએ કે, જો મંડપના કોઈ પણ ભાગમાંથી હરિજનનો બહિષ્કાર થશે તો જ્યાં હરિજનોને જગ્યા મળી હશે ત્યાં જ પ્રમુખને પણ જગ્યા આપવી જોઈશે અને પ્રમુખ ત્યાં બેસીને હર્ષ માનશે. હિન્દુધર્મમાં અસ્પૃશ્યતા નથી. જે ધર્મમાં અસ્પૃશ્યતા હોય તે ધર્મ નથી પણ અધર્મ છે એવો મારો દૃઢ વિશ્વાસ છે. મનુષ્ય બીજા મનુષ્યનો સ્પર્શ કરી અભડાતો નથી, પણ પોતામાં રહેલી મેલી વૃત્તિઓનો સ્પર્શ કરી, તેને પોષીને જ અભડાય છે.

પણ આ વાતને રાજકીય પરિષદ સાથે શો સબંધ છે એમ રાજકીય પરિષદના સભ્યો વિચારતા હોવા જોઈએ. હું ઘણી વેળા જણાવી ગયો છું કે રાજકીય, સામાજિક ને ધાર્મિક એવી ત્રણ નોખી નોખી વસ્તુ નથી, પણ એ ત્રણેને પરસ્પર સબંધ છે. ‘રાજકીય’ શબ્દ રાજા પ્રજાનો સંબંધ સૂચવનારો છે; ‘સામાજિક’ સમાજની આંતરવ્યવસ્થાનો સૂચક છે, ‘ધાર્મિક’ વ્યક્તિના કર્તવ્યનો સૂચક શબ્દ છે. પણ ‘યથા પિંડે તથા બ્રહ્માંડે’ એ ન્યાયે જે વ્યક્તિનું તે સમાજનું, જે સમાજનું તે રાજા પ્રજાનું. જ્યાં ધર્મ નથી ત્યાં જય નથી પણ ક્ષય છે. ભલે તે જયાભાસ હોય, પણ તે ઝાંઝવાનાં નીર સમ જાણવો. જેવી પ્રજા તેવા રાજા, ને જેવી વ્યક્તિ તેવી પ્રજા. બધાંનું મૂળ વ્યક્તિ છે. તે વ્યક્તિની હસ્તી કેવળ ધર્મ ઉપર નિર્ભર છે. તેથી જ ‘જ્યાં ધર્મ ત્યાં જય’ એમ ઋષિમુનિઓએ ગાયું છે.

પરિષદમાં રાજા પ્રજા વચ્ચેના સંબંધનો વિચાર આપણે જરૂર કરીશું; પણ સમાજના કર્તવ્યનો વિચાર સ્પષ્ટ રીતે કર્યા વિના રાજા પ્રજાના ધર્મનો સુવિચાર હું અશક્ય માનું છું.

નવજીવન, ૭–૧૨–૧૯૨૪