લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/દેશી રાજ્યમાં સત્યાગ્રહ

વિકિસ્રોતમાંથી
← કાઠિયાવાડ રાજકીય પરિષદનું ધ્યેય દેશી રાજ્યોનો પ્રશ્ન
દેશી રાજ્યમાં સત્યાગ્રહ
મોહનદાસ કરમચંદ ગાંધી
શી આશાએ ? →







૧૧
દેશી રાજ્યમાં સત્યાગ્રહ

એક ભાઈ લખે છે :

“હમણાં હમણાં ‘નવજીવન’માં પ્રગટ થતા લેખો ઉપરથી સામાન્ય વાચક એવો ધ્વનિ ઉપજાવે છે કે આપ દેશી રાજ્યમાં સત્યાગ્રહથી વિરુદ્ધ છો…… સત્યાગ્રહ તો સર્વવ્યાપી હોય. તેને દિશા કે કાળનું બંધન ન હોય.”

મારા લેખમાંથી એવો ધ્વનિ નીકળતો લાગ્યો હોય તો હું દિલગીર છું. સત્યાગ્રહને મર્યાદા માત્ર સત્યની અને અહિંસાની જ હોય. જ્યાં તે જોડી હોય ત્યાં સત્યાગ્રહ હમેશાં થઈ શકે. એ જ દૃષ્ટિએ વિચારતાં મારાં લખાણોમાં ક્યાંયે વિરોધ ન હોય એમ હું માનું છું.

હિંદમાં સ્વરાજ મેળવવાને સારુ દેશી રાજ્યમાં સત્યાગ્રહ ન હોઈ શકે. દેશી રાજ્યમાં સ્થાનિક પ્રશ્નોને અંગે હોઈ શકે. પણ જરાયે અસત્યનો અંશ હોય તો ત્યાં કે બીજે ક્યાંયે સત્યાગ્રહ ન થાય. વસ્તુ સત્ય હોય છતાં જે શાન્તિ ન જાળવી શકે, જે ક્રોધી હોય, જે સત્ય બોલતાં સંકોચ રાખે, જે દુઃખ સહન કરવા તૈયાર ન હોય, તે સત્યાગ્રહ ન આદરી શકે.

સામાન્ય દૃષ્ટિએ જોતાં હાલ આખા દેશનો વાયુ સત્યાગ્રહને પ્રતિકૂળ જોઉ છું. અદેખાઈ, જૂઠ, અશાન્તિ વગેરે ખૂબ વધ્યાં છે. સત્યાગ્રહનો અર્થ વિરોધીની કનડગત જ થઈ રહ્યો છે. સત્યાગ્રહને નામે દુરાગ્રહ ચાલતો જોવામાં આવે છે. આવે વખતે જ્યાં સત્યાગ્રહનો વિષય હોય ત્યાં પણ સત્યાગ્રહી સાવધાનીથી કામ લે. પણ સાવચેત રહેતાં છતાંયે જો એવું માલૂમ પડે કે અમુક પ્રસંગ એવો છે જ્યાં સત્યાગ્રહ અનિવાર્ય છે, તો ત્યાં સત્યાગ્રહી કોઈનો રોક્યો રોકાય જ નહિ.

નવજીવન, ૧૫–૬–૧૯૨૪