લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/કાઠિયાવાડ શું કરે ?

વિકિસ્રોતમાંથી
← અધીરું કાઠિયાવાડ દેશી રાજ્યોનો પ્રશ્ન
કાઠિયાવાડ શું કરે ?
મોહનદાસ કરમચંદ ગાંધી
કાઠિયાવાડીને અન્યાય ? →








કાઠિયાવાડ શું કરે ?

રાજકીય પરિષદ ભરવા વિષે ગયે અઠવાડિયે મેં મારો વિચાર સંપૂર્ણ રીતે રજૂ કર્યો. પરિષદ ભરાશે કે નહિ, ભરાશે તો ક્યાં ભરાશે, વગેરે વિષે હું કંઈ જાણતો નથી. હું એટલું જાણું છું કે મને મળવા આવેલા કેટલાક ભાઈઓમાં પણ નિરાશા પેદા થઈ છે. તેઓ ભારે સત્યાગ્રહી હોવાનો દાવો કરનારા છે. તેઓને મારે જણાવવું જોઈએ કે, સત્યાગ્રહીના શબ્દકોશમાં નિરાશા કે તેના અર્થવાળો શબ્દ જ હોતો નથી, તેઓને નિરાશા કેમ થઈ એ પણ હું નથી સમજતો, તેઓ તો મારા અભિપ્રાયને મળતા હતા. પણ ધારો કે મારા ‘તેજ’માં અંજાઈ ગયા. તો ‘તેજ’ બહાર નીક્ળ્યા પછી સાવધાન થવાનો ને ફરી વિચારવાનો તેઓને અધિકાર હતો. તેમ વિચારતાં તેઓને લાગ્યું હોય કે કાર્યવાહકોની કશી ભૂલ નથી થઈ ને શરતો કબૂલ કરીને પરિષદ ભરવાનું કહેવા છતાં દરબાર પરવાનગી ન આપે તો તેવી સ્થિતિમાં સત્યાગ્રહ કરવાનો ધર્મ પ્રાપ્ત થાય છે, તો તેઓ અથવા તેઓમાંના એક પણ સત્યાગ્રહ કરી શકે છે. સાથ વિના પણ સત્યાગ્રહ થઈ શકે એ તેની ખૂબી છે. મારા વિરોધી અભિપ્રાયને લીધે પ્રજામતમાં ભેદ પડે એ હું સમજી શકું છું. પણ જેને સત્ય દેખાયું છે તે સત્યાગ્રહની પ્રચંડ શક્તિનો ઉપયોગ કરીને તે ભેદ ટાળી શકે છે. મારા વિરોધથી પણ સત્યાગ્રહી પાછો ન જ હઠે. મને ભલે અભિમાન હોય કે સત્યાગ્રહનું શાસ્ત્ર તો હું જ જાણું; પણ એ શાસ્ત્રના જ્ઞાનનો મને એકલાને ઇજારો નથી. એક ભાઈએ તેને વિષે પુસ્તક છપાવી સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે કે મારો સત્યાગ્રહ પ્રમાણમાં અશુદ્ધ છે, ને તે ભાઈએ પોતે યોજેલો શુદ્ધતમ છે. આ પુસ્તકનો પરિચય પણ કોઈ વેળા વાંચનારને કરાવવાની હું આશા રાખું છું. સત્યાગ્રહના ઉપયોગ વિશે ને તેની યોજના વિષે નવી શોધો થયા જ કરશે. જેને આત્મવિશ્વાસ હોય તેનો ઝંપલાવવાનો ધર્મ છે. એક જ નિયમમાં ફેરફાર નહિ થાય, કેમકે તેનો સમાવેશ સત્યાગ્રહની વ્યાખ્યામાં જ થઈ જાય છે : બીજાને દુઃખ દઈને નહિ, પણ પોતે દુઃખ સહન કરીને, સત્યાગ્રહી પોતે માનેલું સત્ય પ્રગટ કરે છે. એથી સત્યાગ્રહીની ભૂલોને સારુ મુખ્યપણે તેને પોતાને જ સોસવું પડે.

આટલી પ્રસ્તાવના કરી, સત્યાગ્રહી હોય તેને ઉત્તેજિત કરી, ગયા અઠવા઼ડિયાની પ્રતિજ્ઞા ઉપર હું આવું છું.

આખા ભારતવર્ષમાં, પણ વિશેષે કાઠિયાવાડમાં, હાલ મૌનનો કાળ આવ્યો છે. કાઠિયાવાડની ઉપર તો સદાયનો આરોપ છે જ કે આપણે બોલવે શૂરા, કરવે કાયર. બોલવાની છટા જોઈએ તો વાગ્દેવી પોતાનો કળશ જરૂર કાઠિયાવાડી ઉપર ઢોળે. આ હું દક્ષિણ આફ્રિકામાં પણ અનુભવતો. ત્યાંના કાઠિયાવાડી સાક્ષી પૂરશે જ. કોઈ કોઈ મારા જેવા કાર્ય કરવાવાળા અપવાદરૂપે નહોતા નીકળતા એમ કોઈ ન માને. પણ ભાષણ કરનારને તો વિધાતાએ કાઠિયાવાડમાં જ ઘડ્યા છે.

તેથી કાઠિયાવાડીએ હવે જીભને દાબડામાં બંધ કરીને રાખવાની જરૂર છે. કલમ ભલે કલમદાનમાં ચાલી જાય. પરિષદ ભરાય તો આવતા વર્ષનો ભાષણનો ક્રમ ઘડવા સારુ નહિ, પણ કાર્યનો ક્રમ ઘડવા સારુ. આપણે અનુભવે જોઈ લીધું છે કે પ્રજામાં જાગૃતિ ખૂબ છે, ને આપણે અવસરે હજારો માણસોને એકઠા કરી શકીએ છીએ. એ જ્ઞાનની જરૂર હતી. હવે હજારોને એકઠા કર્યા કરવાની જરૂર નથી. તેથી તો કાળનો ને દ્રવ્યનો નકામો વ્યય જ થાય છે.

કાઠિયાવાડની છવ્વીસ લાખની વસ્તીમાં કાર્ય કરવું સહેલું છે. ખાદીનું, શાળાનું, હરિજનનું, દારુ-અફીણ-નિષેધનું કામ આવશ્યક છે ને તુરત ફળ આપે તેમ છે. એક પણ માણસને ભૂખને લીધે કાઠિયાવાડ છોડવું પડે તો રાજા પ્રજા બન્નેએ શરમાવું જોઈએ. કાઠિયાવાડમાં શું નથી ? જમીન સુંદર છે, કુશળ ને તંદુરસ્ત સ્ત્રીપુરુષો છે. કાઠિયાવાડમાં જોઈએ તેટલો કપાસ થાય છે. વણકરોએ જ મને કહ્યું છે કે ઘણા વણકરોને ધંધાને અભાવે કાઠિયાવાડ છોડવું પડે છે. બે વર્ષ પહેલાં તેઓને ધંધો મળતો હતો; આજે તો વધારે મળવો જોઈએ. તેને બદલે ઓછો કેમ થયો ? આ પડતીને સારું કાઠિયાવાડના કાર્યવાહકો જવાબદાર નથી ? કાર્યવાહકો ભાષણનો ધંધો છોડી, રૂની ઉપર થતી બધી ક્રિયાઓનું જ્ઞાન મેળવી લે તો કાઠિયાવાડીઓની આર્થિક સ્થિતિ એક વર્ષની અંદર સુધારી મૂકે. તેઓ કાઠિયાવાડમાંથી પરદેશી કાપડ કે મિલના કાપડનો બહિષ્કાર કરે. મિલના કાપડથી ઘણાને પૈસો થોડાના હાથમાં જાય છે. જ્યારે લોહીનો ભરાવો કેવળ મગજમાં થઈ જાય ત્યારે દરદીને ધનુર્વા થયો ગણાય છે. તેને બચવું મુશ્કેલ થઈ પડે છે; અથવા તો ફસ ખોલવાથી કદાચ બચે. જ્યારે ઘણાનો પૈસો એક માણસના હાથમાં એકઠો થાય ત્યારે તેને આર્થિક ધનુર્વા થયો એમ આપણે ગણીએ. આરોગ્યવાનના શરીરમાં જેમ લોહી નિયમસર રગેરગમાં ફરે છે ને ક્યાંયે ભરાવો થતો નથી ને જે અંગને જેટલું જોઈએ તેટલું મળ્યાં કરે છે, તેમ જ આરોગ્યવાન આર્થિક સ્થિતિમાં દ્રવ્યનો સંચાર નિયમિત રીતે જ્યાં જ્યાં જેટલો જોઈએ તેટલો થવો જોઈએ. આવું આર્થિક આરોગ્ય મેળવવાનું મોટું સાધન રેંટિયો છે. રેંટિયાનો નાશ થતાં હિંદુસ્તાનનું દ્રવ્ય લૅંકેશાયરમાં ઘસડાઈ જાય છે. એ મહારોગની નિશાની છે. એ રોગનું નિવારણ રેંટિયાના પુનરુદ્ધારથી જ થઈ શકે.

આ સાદો પણ ચમત્કારિક નિયમ જો કાઠિયાવાડના સ્વયંસેવકો સમજ્યા હોય, તો તેઓ બધા રૂની ઉપર થતી ક્રિયાઓથી વાકેફ થઈ તે કામ આખી પ્રજામાં દાખલ કરશે. આ રાજકીય કામ પહેલું.

કાઠિયાવાડમાં રાષ્ટ્રીય શાળાઓ કેટલી છે ? અભણ બાળકો ને બાળાઓ કેટલાં છે ? તેઓને પહોંચી વળાય એટલી શાળાઓ છે ? ન હોય તો તેવી શાળાઓ સ્થાપી તેની મારફતે પણ અક્ષરજ્ઞાનની સાથે જ રેંટિયાજ્ઞાન પણ આપી શકાય. આ રાજકીય કામ બીજું.

અસ્પૃશ્યતાનો મેલ ધોવો એ રાજકીય કામ ત્રીજું. એ મેલ ધોતાં ધોતાં પણ રેંટિયાપ્રચાર સહેજે થઈ શકે છે.

દારૂ-અફીણ-નિષેધની જરૂર કાઠિયાવાડમાં કેટલી છે એ હું દૂર બેઠો ન કહી શકું. બહારનો ચેપ થોડોઘણો પણ લાગ્યા વિના ન જ રહે. આ રાજકીય કામ ચોથું.

આ તો હું દૃષ્ટાંતરૂપે ગણાવી ગયો છું. એવાં બીજાં તો ત્યાંના જ માહિતગાર સજ્જનો ઘણાં ગોતી શકે તેમ છે.

‘આ તો સંસારસુધારો, રાજકીય કામ આ ન હોય,’ એમ ઘણા ટીકાકાર બોલી ઊઠશે. એમ કહેવું મિથ્યાભાસ છે. રાજકીય એટલે રાજાને — રાજ્યને — લગતું. રાજા એટલે પ્ર્જાતંત્ર ચલાવનાર. પ્રજાતંત્ર ચલાવનારે ઉપરના એકેએક અંગને તપાસવું જ પડે. તે ન તપાસે તે તંત્રી નહિ, રાજા નહિ. જે સંસ્થામાં તેની અવગણના થાય અથવા તેને ગૌણ પદ અપાય તે રાજકીય નહિ. રાજકીય પરિષદનો ઉદ્દેશ રાજાને સહાયતા કરવાનો અથવા રાજા રાજપંથ છોડે તો તેના પર અંકુશ મૂકવાનો હોય. આવી સહાયતા કે આવો અંકુશ તે જ દઈ કે મૂકી શકે જેની વગ પ્રજાની સાથે લગભગ રાજાના જેટલી જ હોય; પ્રજાજનમાંથી એવી વગ ખરી રીતે તે જ મેળવી શકે જે પ્રજાની શુદ્ધ સેવા કરે. એવી સેવા ઉપરનાં કામોમાંથી જ થવાની. એટલે રાજકીય પરિષદોએ જો ખરેખર રાજકીય કાર્ય કરવાં હોય તો ઉપરની સેવા એ તેમની પ્રાથમિક કેળવણી છે, અને તેથી એ અનિવાર્ય છે.

તેથી જ આ સેવા સત્યાગ્રહની સારામાં સારી ને આવશ્યક તાલીમ છે. જેણે એટલું નથી કર્યું તે પ્રજાને અર્થે સત્યાગ્રહ કરવાનો અધિકાર નથી ધરાવતો. પ્રજા તેના સાહસને વધાવી પણ નહિ લે. આ સેવા વિનાના તો આપણે લેભાગુ સેવક કે સત્યાગ્રહી ઠરીએ.

“પણ આવું અઘરું કામ અમે ક્યારે કરવાના ને રાજા ક્યારે સુધરવાના ? જુઓની તમારા જામસાહેબ. તમે તો અભિમાનપૂર્વક કહેતા: ‘જામસાહેબ જ્યારે રણજીતસિંહજી કહેવાતા ત્યારે હું તેમને મળ્યો હતો. અમે એકી વખતે ભણતા ને મળતા પણ ખરા. તે વખતની તેમની સાદાઈ ને તેમનો પ્રજાપ્રેમ ખૂબ હતાં.’ આ બધું આજે નથી. આજે તો જામસાહેબની પ્રજા જેટલી પીડાય છે તેટલી બીજી ભાગ્યે જ પીડાતી હશે. તેમની રાજનીતિમાં સુધારો કરવો અને પ્રજાને રેંટિયો ફેરવતી કરી મૂકવી એ બેને સંબંધ શો છે ? અમને તો લાગે છે કે તમે જેલથી કંટાળ્યા છો, તમે ફરી જેલ જવા નથી ઈચ્છતા, તેથી તમારી નિર્બળતા ઢાંકવા અને પણ અવળા માર્ગે લઈ જઈ નિર્બળ કરવા ઈચ્છો છો.” આવા ઉદ્‌ગારો એક જ વ્યક્તિના નથી. મારી ‘નિર્બળતા’ની વાત વિનોદરૂપે એક મિત્રે કહેલી. એ બધી વાતોને મેળવી મેં ઉપરનો આરોપપત્ર બનાવ્યો છે.

જામસાહેબ વિરુદ્ધ મેં ઘણુંયે સાંભળ્યું છે. કેટલાક મિત્રોએ તે પુરવાર કરવા બે વર્ષ પહેલાં મને કાગળિયાં પણ મોકલેલાં. પણ હું બીજા કામોમાં રોકાયેલો હોવાથી ને કાઠિયાવાડનું રાજ્યતંત્ર સુધારવું મારા ક્ષેત્ર બહાર હોવાથી મેં તે વિષે કંઈ જ ન કર્યું, ન લખ્યું. આજ પણ હું તેમાં પડવા નથી ઈચ્છતો. હું માનું છું કે જો સ્વરાજપ્રવૃત્તિમાં પ્રજાને શાંતોપચારથી સફળતા મળે તો દેશી રાજ્યતંત્રોમાં જ્યાં જ્યાં ન્યૂનતા હશે ત્યાં ત્યાં તે તેની મેળે જ દૂર થઈ જશે. પણ કાઠિયાવાડી રાજ્યતંત્રમાં જરાયે દખલ દેવા તૈયાર થાઉં તો એકપક્ષી ટીકાઓ ઉપરથી હું અભિપ્રાય બાંધું જ નહિ. વળી જામસાહેબ સાથેની મારી ઓછી કે વત્તી ઓળખાણને વશ થઈને પણ, પ્રથમ તો તેમને મળવાનો અને બધી ફરિયાદો તેમની પાસે મૂકવાનો હું પ્રયત્ને કરું, ને ત્યાર બાદ જો મને લાગે કે અન્યાય તો છે જ ને તે દૂર કરવાની જામસાહેબની વૃત્તિ નથી, તો જ હું તે વસ્તુનો ઊહાપોહ જાહેરમાં કરું. આ પદ્ધતિનો ઉપયોગ મેં ચંપારણના નીલવરોને અંગે પણ કરેલો. એથી ઓછું તે મારાથી કાઠિયાવાડના રાજાઓ પ્રત્યે થાય જ નહિ. તેથી, ઉપરના વિવેચનથી હું જામસાહેબના રાજ્યતંત્ર ઉપર કશો આક્ષેપ કરવા ઇચ્છું છું એમ તેઓ સાહેબ, જો તેઓ આ લેખ જુએ તો, ન માને એવી મારી વિનંતિ છે. મેં તો તેમના રાજ્યતંત્રનો દાખલો કેવળ દૃષ્ટાંતરૂપે લીધો છે. તેમની પ્રજાની ફરિયાદ તો એવી છે જ એમાં શંકા નથી.

પાછા આપણે મૂળ વાત પર આવીએ. મારો અભિપ્રાય છે કે ઉપર જણાવેલી સેવાને જામસાહેબના મનાતા દોષિત રાજ્યતંત્રની સાથે નિકટ સંબંધ છે. જેઓએ એવી સેવા કરી હશે તેનું રાજા પ્રજા બન્ને સાંભળશે. સત્યાગ્રહી બળવાન તો હોય જ, તેનામાં ભીરુતાની ગંધ પણ ન હોય. પણ તેની નિર્ભયતાના પ્રમાણમાં જ તેની નમ્રતા વધવી જોઈએ. વિવેકશૂન્યની નિર્ભયતા તેને ગર્વિષ્ઠ અને ઉદ્દંડ બનાવે છે. ગર્વ ને સત્યાગ્રહની વચ્ચે તો સમુદ્ર વહે છે. વિવેકીની વાત મહાઅભિમાની રાજાને પણ સાંભળવી પડે છે. સેવા વિના નમ્રતા અને વિવેક આવતાં નથી. સત્યાગ્રહીને સ્થાનિક અનુભવ હોવો જોઈએ, તે પણ સેવા વિના ન જ આવે. રાજાઓની ટીકા એ અનુભવ ન ગણાય. કાઠિયાવાડી કાર્યકર્તા ઘણા કેવળ મુત્સદ્દીવર્ગના હોય છે. મુત્સદ્દીપણાને સેવાની સાથે ઘણો ઓછો સંબંધ છે. મુત્સદ્દીવર્ગ એટલે રાજવર્ગ. તેને પ્રજા પોતાનું પેટ પણ નથી આપતી એવો મારો બાળપણનો જાતિઅનુભવ છે. કાઠિયાવાડી જો સેવા કરવા ઈચ્છે તો મુત્સદ્દી મટી ભંગી, ખેડૂત, વણકર, કુંભાર સુતાર ઇત્યાદિ બને. તેમાં તેમના અક્ષરજ્ઞાનની ને મુત્સદ્દી અનુભવની મેળવણી કરે. તે મેળવણીની સાથે સત્ય અને અહિંસા ભળે, તો એ ત્રિપુટીમાંથી જે શક્તિ પેદા થાય તેનો મુકાબલો કોઈ રાજશક્તિ ન જ કરી શકે.

નવજીવન, ૧૮–૫–૧૯૨૪