દેશી રાજ્યોનો પ્રશ્ન/તટસ્થતા એટલે ?
← દેશી રાજ્યો અને જવાબદારી | દેશી રાજ્યોનો પ્રશ્ન તટસ્થતા એટલે ? મોહનદાસ કરમચંદ ગાંધી |
ઔંધ રાજ્યમાં સુધારા → |
૪૩
તટસ્થતા એટલે?
દેશી રાજ્યોના કારભારમાં હાથ નહિ નાંખવાનો નિશ્ચય મહાસભાએ ૧૯૨૦ માં કરેલો, અને ત્યારથી માંડીને, એના પર ઘણા હુમલા થયા છતાં, એ મહાસભાની નીતિ રહેલી છે. પણ હું જોઉં છું કે દેશી રાજ્યોમાં, જ્યારે ટીકા કરવાનો અથવા સલાહ કે મદદ આપવાનો કંઈક પ્રયત્ન થાય છે ત્યારે પણ, મહાસભા અને મહાસભાવાદીઓની સામે આ સ્વેચ્છાએ સ્વીકારેલા સંયમની વાત કરી તેમના વાંક કાઢવાનો રિવાજ થઈ પડેલો છે. તેથી આ તટસ્થતાની નીતિના ગર્ભમાં શું શું રહેલું છે તેની તપાસ કરવી આવશ્યક છે. એ વસ્તુ સિદ્ધાંતરૂપ તો કદી માનવામાં આવી જ ન હતી. એ એક મર્યાદા હતી, અને તે મહાસભાએ પોતાની જ ખાતર તેમ જ દેશી રાજ્યોની પ્રજાની ખાતર સ્વેચ્છાએ સ્વીકારેલી હતી. દેશી રાજ્યો વિષેના પોતાના ઠરાવોનો અમલ દેશી રાજ્યો પાસે કરાવી શકાય એવી શક્તિ મહાસભાની પાસે નહોતી. તેની સલાહની રાજ્યો તરફથી કદાચ અવગણના કરવામાં આવે, તેના હસ્તક્ષેપ સામે રોષ કરવામાં આવે, અને રાજ્યોની પ્રજાઓને હેરાન કરવામાં આવે છતાં કશો લાભ ન થાય, એવો સંભવ રહેલો હતો. એ નીતિની પાછળ મિત્રતાભર્યો હેતુ અવશ્ય રહેલો હતો. એમાં મહાસભાની ભલું કરવાની શક્તિ મર્યાદિત હોવાનો ડહાપણભેર સ્વીકાર કરવામાં આવેલો હતો. આ અને બીજી ઘણી રીતે મહાસભાએ જે સંયમ પાળ્યો તેણે મહાસભાને એક પ્રકારની પ્રતિષ્ઠા ને શક્તિ અપાવી છે, ને તેનો ઉપયોગ તે ન કરે તો ડહાપણ નહિ ગણાય. આ બાબતમાં કંઈ આનાકાની કરવી એ કોઈ મૂરખ વાણોતર પોતાને વાપરવા આપેલા પૈસાનો ઉપયોગ ન કરે એના જેવું થઈ જાય. અમુક હદ સુધી દેશી રાજ્યો મહાસભાની શક્તિનો સ્વીકાર, ભલે ગમે તેટલી અનિચ્છાએ પણ, કરતાં થયાં છે. એ સાફ સાફ દેખાતું જાય છે કે દેશી રાજ્યોની પ્રજા દોરવણી ને મદદને સારુ મહાસભાની તરફ જોઈ રહી છે. હું માનું છું કે, મહાસભાથી જ્યાં જ્યાં બની શકે ત્યાં બધે એમને એ દોરવણી ને મદદ આપવાની મહાસભાની ફરજ છે. મહાસભામાં જેટલી આંતિરક શુદ્ધિ, જેટલી શુદ્ધ ન્યાયવૃત્તિ, અને જેટલો સર્વ વર્ગોને વિષેનો સદ્ભાવ હશે, તેટલા પ્રમાણમાં જ મહાસભાની પ્રતિષ્ઠા ને શક્તિ રહેવાની છે, એટલું જો હું દરેક મહાસભાવાદીને ગળે ઉતારી શકું તો કેવું સારું! દેશી રાજ્યોની પ્રજાને પોતાનું હિત મહાસભાના હાથમાં સોંપી દેવામાં સુરક્ષિતતા લાગતી હોય તો રાજાઓને પણ મહાસભા પર ઇતબાર રાખવામાં એટલી જ સુરક્ષિતતા લાગવી જોઈએ. મેં મહાસભાવાદીઓને જે ચેતવણી આપેલી છે તેના તરફ લક્ષ નહીં અપાય તો વરસો સુધી ધીરજપૂર્વક પ્રયત્ન કરીને જમાવેલી તમામ પ્રતિષ્ઠાને ધક્કો લાગ્યા વિના નહિ જ રહે.
કંટાળો આવે એવી પુનરુક્તિ કરવાનું જોખમ વહોરીને પણ હું દેશી રાજ્યોની પ્રજાને કહેવા ઇચ્છું છું કે તેમણે મહાસભાની મદદ પર બહુ મદાર ન બાંધવી. તેઓ સત્યનિષ્ઠ અને અહિંસક રહે એટલું પૂરતું નથી. તેમણે પોતાની સહન કરવાની શક્તિનું માપ કાઢી લેવું એ પણ આવશ્યક છે. સ્વતંત્રતાસુંદરી તેનું સંવનન કરનારની પાસેથી ભારે કિંમત માગે છે. અને એ કિંમત આપનાર ઘણા ન હોય ત્યાં લગી જે થોડાક ઉત્સાહીઓ બધે જોવામાં આવે છે તેમણે પોતાની શક્તિનો સંચય કરી રાખવો આવશ્યક છે. તેઓ બહુ ભારે રાજકીય કાર્યક્રમ રાખ્યા વિના પ્રજાની રચનાત્મક સેવાનું કામ હાથમાં લે એ સારું છે. રાજકીય ધ્યેય સિદ્ધ કરવાની શક્તિ રચનાત્મક સેવામાંથી અવશ્ય આવશે. શાણપણ અને ધીરજ તેમને એવી શક્તિ આપશે જે કાળે કરીને એવી બની જશે જેનો સામનો કોઈ નહિ કરી શકે.
- હરિજનબંધુ, ૨–૧૦–૧૯૩૮