દેશી રાજ્યોનો પ્રશ્ન/દેશી રાજ્યો અને જવાબદારી
← દેશી રાજ્યો | દેશી રાજ્યોનો પ્રશ્ન દેશી રાજ્યો અને જવાબદારી મોહનદાસ કરમચંદ ગાંધી |
તટસ્થતા એટલે ? → |
૪૨
દેશી રાજ્યો અને જવાબદારી
મૈસુરની પ્રજાને મળેલી અધૂરી પણ કંઈક સફળતાથી બીજાં રાજ્યોમાં ઉદારભાવ વધવાને બદલે તેમનામાં આંતિરક જવાબદાર રાજ્યતંત્ર માટેની હિલચાલ સામે કડકાઈ આવી ગઈ છે, એમ પ્રસિદ્ધ થયેલી હકીકતો પરથી જોઈ શકાય છે. મૈસુરની સફળતાને મેં અધૂરી જ કહી છે. એનું કારણ એ છે કે લોકોને સંગીન વસ્તુ તો હજુ કંઈ મળી નથી. મહારાજા અને તેમના સરકારી દીવાને રાજ્ય મહાસભાને માન્ય રાખી છે, એમણે થોડા વખત પર બની ગયેલા દુઃખદ બનાવોની તપાસ કરવાને નિષ્પક્ષ તપાસ સમિતિ નીમી છે, અને એક સુધારા સમિતિ નીમીને તેને પુષ્કળ સત્તા આપી છે. મૈસુર રાજ્ય મહાસભા ધીરજ અને સરળતા રાખશે, અને મૈસુર સરકાર સાચો સદ્ભાવ અને સમજ રાખશે, તો આપણે કદાચ મૈસુરના રાજ્યતંત્રમાં સર્વાંશે નહિ તો ઘણે અંશે જવાબદારી દાખલ થયેલી જોઈશું.
પણ મૈસુરના બનાવોની માનસિક અસર પાર વિનાની થઈ છે. દેશી રાજ્યોની પ્રજાઓ કલ્પનામાં સ્વતંત્રતાની નવી ઝાંખી કરવા લાગી છે. એમને જે દૂરદૂરનું ધ્યેય દેખાતું હતું તે હવે લગભગ હાથવેતમાં આવી રહેલી ઘટના ભાસે છે. હું માનું છું કે, જો પ્રજામાં આવેલી જાગૃતિ સાચી અને વિશાળ હશે તો એમની ધારેલા ધ્યેય પ્રત્યેની કૂચમાં ગમે તેવી સખત દમનનીતિ રોકાણ કરી શકવાની નથી.
ત્રાવણકોરમાં વર્તી રહેલા ત્રાસ વિષે હું પૂરતું કહી ચૂક્યો છું. એને હું બીજું કોઈ નામ આપી શકતો નથી. ત્રાવણકોરના એક પ્રજાજન, જેમના પુરાવા વિષે શંકા આણવાનો પ્રસંગ મારે કદી આવ્યો નથી, તેમના કાગળમાંથી એક ઉતારો અહીં આપું છું:
“દીવાનના નિવેદનનો કાળજીથી અભ્યાસ કરતાં જણાય છે કે, તેઓ આ સવાલ પર ઢાંકપિછોડો કરવા માગે છે, અને તેઓ જે બનાવોનું વર્ણન કરે છે. તેનો કાલક્રમ ન જાણનાર બહારના લોકોમાં ઊંધો ખ્યાલ પેદા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ‘આંતર વિગ્રહ’ની જે ધમકીઓનો ઉલ્લેખ દીવાને કર્યો છે તે સિવાયના બધા બનાવો રાજ્યનું જાહેરનામું પ્રસિદ્ધ થયા પછી અને રાજ્ય મહાસભાને ગેરકાયદે જાહેર કરવામાં આવ્યા પછી બન્યા છે. યુદ્ધ પછી બનેલા બનાવો યુદ્ધને વાજબી કેમ ઠરાવી શકે એ સમજવું મુશ્કેલ છે.
જે હિંસાને વિષે આપણે સૌ અફસોસ કરીએ છીએ તેની બાબતમાં કહેવાનું એ છે કે, એક પક્ષનું કહેવું એમ છે કે પથરા ફેંક્યા ને મોટર બસો બાળી એ પોલીસે ઊભા કરેલા મવાલીઓનું કામ હતું. પણ સત્ય શું છે એ પૂરી તપાસ વિના કહેવું કઠણ છે; અને એવી તપાસ અત્યારના સંજોગોમાં થવી અશક્ય છે, ગમે તેમ હો, પણ આ બધા બનાવો ધોળે દહાડે, અને જે સભાઓમાં પોલીસ ને લશ્કરની મોટી સંખ્યા હાજર હતી તેમાં, બન્યા છે, છતાં એમાંથી એક બનાવ અટકાવી શકાયો નહિ કે ગુનેગારોમાંથી એક પણ જણને પકડી શકાયો નહિ, એ આપને નવાઈભરેલું નથી. લાગતું ? રાજ્ય મહાસભાના પક્ષકારો એમ કહે છે કે, પોલીસો ને તેમના ભાડૂતી માણસો આ અત્યાચારો કરે છે એટલે એમાંથી કોઈને પકડવાની પોલીસની હિંમત ચાલતી નથી. આ ખુલાસો કેટલે અંશે સાચો છે એ હું કહી શકતો નથી. એક સ્વયંસેવક, જેને ક્વાઈલનની સભામાં લાઠીનો સખત માર પડેલો, તે ‘હિંદુ’ના ખબરપત્રીને આપેલી એક મુલાકાતમાં (જે ‘હિંદુ’ના ૪ થી સપ્ટેંબરના અંકમાં પ્રસિદ્ધ થઈ છે) કહે છે કે, કેટલાક પોલીસોને પથરા ફેંકતાં એણે નજરે જોયેલા. આવા આક્ષેપ સાધારણ રીતે રાજ્ય મહાસભાના સભ્યો કરે છે. રાજ્યના તમામ ભાગમાં સભાઓ ભરાય છે ને ભાષણો થાય છે, પણ ધરપકડો બહુ જ ઓછી થાય છે. સભાઓ મારઝૂડ કરીને વિખેરી નાખવી એ રાજ્યની અત્યારની નીતિ દેખાય છે. ક્વાઈલનની સભા પછી, કોટ્ટાયમથી પાંચ માઈલ દૂર આવેલા પુતુપલ્લી ગામમાં ફરી ગોળીબાર થયો હતો. એક બે જણ મરી ગયા અને કેટલાક ઘાયલ થયા. ચોક્કસ સંખ્યા હજી જાણવામાં આવી નથી, નવા જાહેરનામાની બધી કલમોનો લોકો છડેચોક ભંગ કરે છે. પણ સરકાર ગુનેગારોને પકડીને સજા કરી શકતી નથી, કેમકે રાજ્યમાં એક જ જેલ છે ને તે ભરાઈ ગયેલી છે. સરકાર બધા ગુનેગારોને પકડીને સજા કરવા ઇચ્છે તો તેને વધારે જેલો બાંધવી પડે, કેમકે ગિરફતાર થઈને જેલમાં જવા માગનારની સંખ્યા અત્યારે જ ઘણી મોટી છે ને તે દિવસે દિવસે વધતી જાય છે.”
આ ઉપરાંત ત્રાવણકોરના અનેક ભાગમાં જે ભયાનક દમનસત્ર ચાલી રહેલું છે તેનું વર્ણન આપનારા તારોનો વરસાદ મારા પર વરસી રહ્યો છે. રાજ્યનાં જાહેરનામાં ખોટાં માનીને આ પુરાવાને સાચો માનવો જોઈએ એવું હું નથી કહેતો. પણ હું એમ તો ખસૂસ કહું છું કે હંમેશની જેમ આ સવાલને બે બાજુઓ છે, અને આ બાબતમાં નિષ્પક્ષ તપાસને માટે સબળ કારણ છે.
પણ તપાસ થાય કે ન થાય તોયે ત્રાવણકોર રાજ્ય સભાનું કર્તવ્ય તો સ્પષ્ટ છે. તે એ કે, એક તરફથી તેઓ કે તેમની પ્રત્યે સમભાવ રાખનારાઓ કોઈ પણ પ્રકારની હિંસા ન કરે તેની કાળજી રાખવી, અને બીજી તરફથી ત્રાવણકોર સરકાર નમે અથવા તો પોતાના એકેએક સભ્ય ગિરફ્તાર થઈ જાય ત્યાં સુધી સત્યાગ્રહનો કાર્યક્રમ ચાલુ રાખવો.
અહીં હું અહિંસાની એક મર્યાદા બતાવી દેવા ઇચ્છું છું. ઝુલમ કરનાર માણસ તેનો ભોગ થઈ પડનાર માણસની અહિંસા પર મદાર બાંધીને તેમાંનો એકેએક જણ કચડાઈ જાય ત્યાં સુધી જુલમ કર્યે જ જાય તો આસપાસના વાતાવરણમાંથી પોકાર ઊઠે છે, અને લોકમતની કે એવી કોઈક શક્તિ જુલમગારને ઘેરી વળે છે. પણ કોઈ પણ સત્યાગ્રહી એમ ન માને કે તેણે મરણ પર્યંતનું કષ્ટ વેઠવાનું નથી. તે પોતાના અજેય આત્માથી મોતનો ને માલમતાના રંજાડનો સામનો કરે છે, તે તેને તુચ્છકારે છે. જુલમ કરનાર માણસ તેના જુલમનો ભોગ થનારને નમાવી કે ભાંગી શકતો નથી એમાં જ એની અચૂક હાર રહેલી છે.
દેશી રાજ્યો જો તેમની હઠીલાઈ નહિ છોડે, અને હિંદુસ્તાનભરમાં જે જાગૃતિ આવેલી છે તેને વિષેના પોતાના અજ્ઞાનને વળગી રહેશે, તો તેઓ અચૂક વિનાશ વહોરી રહ્યાં છે. હું દેશી રાજ્યોનો મિત્ર હોવાનો દાવો કરું છું. એમની સેવાનો વારસો મારા કુટુંબમાં કંઈ નહિ તો ત્રણ પેઢીથી તો ચાલ્યો આવે છે. હું પ્રાચીનતાનો અંધ પૂજક નથી. પણ આ વારસાની મને શરમ આવતી નથી. બધાં રાજ્યો કદાચ નહિ જીવે. મોટામાં મોટાં તો જ જીવી શકશે જો તેઓ તેમની પ્રજાના સેવકો તે તેમના હિતના રક્ષકો બનશે, અને પોતાની હસ્તીને માટે પોતાના કે અંગ્રેજોના શસ્ત્રબળ પર નહિ પણ કેવળ પોતાની પ્રજાના સદ્ભાવ પર આધાર રાખશે.
રાજ્યો ત્રાસ વર્તાવશે એથી તો જે હિંસાનો અગ્નિ સર્વત્ર ધૂંધવાઈ રહેલો દેખાય છે તેમાં ઘી હોમાશે. જો રાજ્યોને ખોટી સલાહ મળશે ને તેઓ તેમની પ્રજાની વાજબી માગણીઓનો વિરોધ કરવાને સારુ સંગઠિત હિંસા પર આધાર રાખશે, તો સામાજિક અન્યાયનું નિવારણ કરવાના સાધન તરીકે દેશમાં અત્યાર સુધીમાં જે અહિંસાનો ઉદ્ભવ્ થયો છે તે અહિંસા એમનું રક્ષણ નહીં કરે. એ અહિંસા જો હિમાલયના ઉત્તુંગ વૃક્ષ જેવડી ફૂલીફાલી હોત તો તે ગમે તેવી સખત કસોટીમાં પાર ઊતરી હોત. પણ દુઃખ સાથે કબૂલ કરવું પડે છે કે તેની જડ હિંદુસ્તાનની જમીનમાં પૂરતી ઊંડી ઊતરી નથી.
તેથી હૈદરાબાદનાં જાહેરનામાં જોઈને મને સખેદાશ્ચર્ય થયું છે. સર અકબર હૈદરી મોટા કેળવણીકાર છે. તેઓ ફિલસૂફ છે. ઢાકા વિદ્યાપીઠ આગળ આપેલું એમનું પદવીદાન સમારંભનું ભાષણ વાંચીને મને આનંદ થયો હતો. એમણે આ પ્રગતિવિરોધી જાહેરનામાં કાઢ્યાં છે એ અતિશય નવાઈ પમાડનારી વસ્તુ છે. એક સંસ્થા કામ કરવા લાગે તે પહેલાં જ આ જાહેરનામાંમાં તેના પર મનાઈ હુકમ કાઢેલો છે. જે રાજ્યમાં બહુ જ મોટા ભાગની પ્રજા એક ધર્મની છે ત્યાં કોમીવાદનો અર્થ શો હોઈ શકે? દાખલા તરીકે, કાશ્મીર કે સરહદ પ્રાંતમાં, જ્યાં મોટા ભાગની પ્રજા એક ધર્મની છે ત્યાં, કોમીવાદનો અર્થ શા હોઈ શકે ? લઘુમતી કોમના સિદ્ધાંતનો ઉપયોગ શોખને ખાતર અમુક હદ સુધી કરવામાં આવે એ ઠીક છે. પણ ઓછામાં આછું એ લઘુમતીની સંખ્યા તો કંઈક ઠીકઠીક હોવી જોઈએ. લઘુમતીમાં એક માણસ પણ હોય તોયે તે પૂરેપૂરો ન્યાય મેળવવાની અપેક્ષા રાખી શકે. પણ એવી લઘુમતીને રાજકીય ક્ષેત્રમાં કંઈ દરજ્જો ન હોઈ શકે. ખોખા જેવડી નાની કોમનો કોઈ માણસ જ્યારે સત્તાએ ચડે છે ત્યારે તે પોતાની કોમના પ્રતિનિધિ તરીકે નહીં પણ કેવળ પોતાના ગુણ ને લાયકાતના બળે કરીને જ ચડે છે. કોમી એ શબ્દ જે અર્થમાં હિંદુસ્તાનમાં વપરાય છે તે અર્થમાં હૈદરાબાદની રાજ્ય મહાસભા કદી કોમી ન હોઈ શકે. સરહદ પ્રાંતની કોઈ સંસ્થામાં એક પણ હિંદુ સભ્ય ન હોય એટલા જ માટે એ સંસ્થા કોમી છે એવી છાપ તેના પર ન મારી શકાય. પણ હૈદરાબાદનાં જાહેરનામાં તો દૂધમાંથી પોરા કાઢે છે ને કહે છે કે રાજ્ય મહાસભામાં કેટલાક માણસો એવા છે જેમની દૃષ્ટિ મોટે ભાગે કોમી ભેદભાવવાળી છે. વધારે જાણવા જેવું તો એ છે કે રાજ્ય મહાસભાએ એક નિવેદન પ્રસિદ્ધ કર્યું છે તેમાં આ કોમીવાદના આક્ષેપનો સદંતર ઇનકાર કરેલો છે.
તે પછી અત્યાર સુધી પ્રગતિશીલ ગણાતા રાજકોટનો પણ વારો આવે છે. થોડા જ વખત પર ત્યાં રાજ્ય પ્રતિનિધિ સભા હતી ને તેના સભાસદો ચૂંટવાનો રાજ્યના સર્વ પ્રજાજનોને મતાધિકાર હતો, અને સ્વર્ગસ્થ લાખાજીરાજના અમલમાં એ સભાને વાણીનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય હતું. હું આશા રાખું છું કે ત્યાં બળજબરીનું (મારા મત પ્રમાણે કેવળ અકારણ એવું) જે પ્રદર્શન હમણાં થઈ ગયું તે પછી હવે રાજકોટની રાજકીય સંસ્થાને નિર્વિઘ્ને કામ કરવા દેવામાં આવશે એટલું જ નહીં, પણ તેની માગણીઓ ન્યાયવૃત્તિથી પૂરી પાડવામાં આવશે.
ઉપર જણાવેલાં ત્રણ રાજ્યોમાં કે બીજા કોઈ રાજ્યોમાં ગમે તેમ બને તોપણ દેશી રાજ્યોની પ્રજા એટલું સમજે કે, એમની મુક્તિનો આધાર કેવળ એમની શક્તિ પર રહેલો છે; અને એ શક્તિ આચરણમાં સંપૂર્ણ અહિંસા અને સત્યનું પ્રદર્શન કરવામાંથી જ પેદા થઈ શકશે. તેમણે એ પણ સમજવું જોઈએ કે, જેમની પાસેથી શસ્ત્ર છીનવી લેવામાં આવ્યાં છે ને જેઓ લગભગ અનાદિ કાળથી બિનલડાયક પ્રજા તરીકે ઊછરેલા છે. એવા મોટા જનસમૂહને હિંસામય ઢબે ખુલ્લી રીતે સંગઠિત કરવા એ સર્વથા અશક્ય છે.
- હરિજનબંધુ, ૧૮–૯–૧૯૩૮