દેશી રાજ્યોનો પ્રશ્ન/દેશી રાજ્યો–૩

વિકિસ્રોતમાંથી
← દેશી રાજ્યો વિષેનો ઠરાવ દેશી રાજ્યોનો પ્રશ્ન
દેશી રાજ્યો
મોહનદાસ કરમચંદ ગાંધી
દેશી રાજ્યો અને જવાબદારી →







૪૧
દેશી રાજ્યો

દેશી રાજ્યોના કારભારમાં વચ્ચે નહીં પડવાના મહાસભાના ઠરાવમાં ડહાપણ રહેલું હતું એમ હમણાં હમણાં બનેલા બનાવોએ પુરવાર કરી આપ્યું લાગે છે. રાજ્યબંધારણ ગમે તેટલું અન્યાયી, આપખુદ અને તર્કહીન હોય તોપણ એવું છે કે, કાયદા તેમ જ રાજકાજની દૃષ્ટિએ દરેક નાનું કે મોટું દેશી રાજ્ય બીજા રાજ્યોની જોડેના સબંધમાં તેમ જ હિંદુસ્તાનનો જે ભાગ દેશી રાજ્યોથી જુદો ઓળખાવવાને બ્રિટિશ હિંદ કહેવાય છે તેની સાથેના સબંધમાં એક એક સ્વતંત્ર અખંડ ઘટક છે. સૌમાં જો કોઈ એક વસ્તુ સર્વસામાન્ય હોય તો તે એ છે કે તેઓ બ્રિટિશ અમલના પોલાદી સકંજામાં સપડાયેલાં છે. પણ ભૂગોળની દૃષ્ટિએ તેમ જ લોહીની દૃષ્ટિએ દેશી રાજ્યોના અને હિંદુસ્તાનના બીજા ભાગોના લોકો એક અને અવિભાજ્ય છે, આપણે તેત્રીસ કોટિ સ્ત્રીપુરુષો એકબીજાનાં સગાં છીએ, ને કોઈ પણ બંધારણની કે લશ્કરી યુક્તિ આપણને વિખૂટાં પાડી શકે એમ નથી. આ નૈસર્ગિક સગાઈ કશા અંતરાય વિના ચાલી રહી છે એનું કારણ એ છે કે, રાજ્યબંધારણની આ જે હકીકત છે તે જ્યાં સુધી કાયમ છે ત્યાં સુધી આપણે તેની હસ્તીનો સ્વીકાર કરેલો છે. એ સત્યાગ્રહનો રસ્તો છે; અથવા પાપના અપ્રતિકારનો રસ્તો છે. દાક્તર વૈદ્ય જેમ શરીરમાંની બધી કુદરતી શક્તિઓને ચાલન આપીને ને તેમને પોતાનું બધું જોર અજમાવવા દઈને ઝેરને નીકળી જવા દે છે, તેમ આપણે આ બાબતમાં કરેલું છે.

પણ દેશી રાજ્યોના કારભારમાં વચ્ચે નહિ પડવાનો ઠરાવ કરીને મહાસભાએ દેશી રાજ્યોની પ્રજાને પાનો ચડાવ્યો છે; બીજા શબ્દોમાં કહીએ તો કુદરતી શક્તિઓને — એટલે કે એ પ્રજામાં પોતામાં જ સુપ્ત દશામાં પડેલી શક્તિઓને — ચાલન આપ્યું છે. તાજેતરમાં બનેલી થોડીક ઘટનાઓમાં એમ દેખાઈ આવ્યું છે કે એ પ્રજાને પોતાની શક્તિનો સાક્ષાત્કાર થયો છે, અને તેણે બહારની કશી મદદ વિના એ શક્તિ વાપરીને સંપૂર્ણ વિજય મેળવ્યો છે. બીજું એક પરિણામ એ પણ આવ્યું છે કે, રાજ્યના સત્તાધીશોએ પોતાની અને પ્રજાની વચ્ચેના કલહનું સમાધાન કરવાને મહાસભાવાદીઓની મદદમાગી છે. મનુષ્ય અજમાવેલી દરેક કાર્યપદ્ધતિની જેમ આને પણ એની મર્યાદાઓ છે એમાં શંકા નથી. મહાસભા ગેરવાજબી માગણી ન કરી શકે. પ્રજાને ખરેખરી ફરિયાદનું કારણુ હોવું જોઈએ, અને તેણે ચોખ્ખે હાથે કામ લેવું જોઈએ. કેમકે સત્યાગ્રહનું સાધન અહિંસા — એટલે કે જે વસ્તુમાં સંપૂર્ણ ન્યાય હોય તે સિદ્ધ કરવાને સારુ વિરોધીને કષ્ટ પહોંચાડ્યા વિના પોતે કષ્ટ સહન કરવું — છે.

દેશી રાજ્યોની પ્રજા માત્ર સત્યાગ્રહનાં એટલે કે અહિંસાનાં પૂર્ણ રહસ્ય અને શક્તિ ઓળખે તો સમગ્ર હિંદુસ્તાન સ્વરાજ મેળવે. તે પહેલાં દેશી રાજ્યોની પ્રજા પોતાની મર્યાદિત સ્વતંત્રતા લઈને બેસી જશે. અને હિંદુસ્તાનને પૂર્ણ સ્વરાજ મળે તે પહેલાં તેમણે — દેશી રાજ્યોની પ્રજાએ — પોતાની સ્વતંત્રતા મેળવવી જ પડશે. દાખલા તરીકે, તેમને અટપટા બ્રિટિશ તંત્ર જોડે કામ લેવું નહિ પડે ને છતાં તેઓ અહિંસક વાણી, લેખન અને વર્તનની પૂર્ણ સ્વતંત્રતા મેળવી શકે. દેશી રાજ્યોમાં પેદા થતી સંપત્તિની સમાન નહિ તો અત્યારના કરતાં વધારે ન્યાયપૂર્વક વહેંચણી તેઓ, પ્રમાણમાં વધારે સહેલાઈથી, કરાવી શકે. તેઓ ઝાઝા પ્રયત્ન વિના તેમના રાજાઓની ખાનગી સંપત્તિ પર અંકુશ રાખી શકે, અને સસ્તો ને શુદ્ધ ન્યાય મળે એવી પાકી વ્યવસ્થા કરી શકે. અતિશય વિશાળ અને નોકરશાહીના સકંજામાં સપડાયેલા બ્રિટિશ હિંદ કરતાં તેઓ દારિદ્ર્યના અને ગ્રામનવરચનાના પ્રશ્નોનો નિકાલ ઘણી જ વધારે સહેલાઈથી આણી શકે. તેઓ માગતાંવેત સાચી રાષ્ટ્રીય કેળવણી મેળવી શકે.

આ એમનું સ્વરાજ હશે; બેશક મહાસભાને જે પૂર્ણ સ્વરાજ જોઈએ છે તેના કરતાં તો એ ઘણું જ ઓછું હશે. પણ જે મોટાં રાજ્યોની પ્રજાનો મોટો ભાગ પોતા પૂરતું સ્વરાજ મેળવી લે તે પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિનો દિવસ કોઈએ સ્વપ્ને પણ ન કલ્પ્યો હોય એટલે જલદી આવે. એટલે દેશી રાજ્યોમાંના સુધારકો અઘટિત અધીરાઈ ન કરે; તેઓ પોતાની મર્યાદાઓ, અને એ બધા ઉપરાંત વિજયની જે શરત — સત્ય અને અહિંસાનું કડકમાં કડક પાલન — છે તે ન ભૂલે. તેમણે પાછી પાની કર્યા વિના, પણ સાથેસાથે આત્મરક્ષણને નામે આંગળી સરખી ઊંચી કર્યા વિના, ગાળીનો વરસાદ સામી છાતીએ ઝીલવાને તૈયાર રહેવું જોઈએ. સત્યાગ્રહી આત્મરક્ષણનો હક સ્વેચ્છાએ જતો કરે છે. વળી એ પણ યાદ રાખવું જોઈએ કે સત્યાગ્રહીની ઓછામાં ઓછી માગણી એ જ એની વધારેમાં વધારે માગણી પણ છે.

હરિજનબંધુ, ૧૦–૭–૧૯૩૮