દેશી રાજ્યોનો પ્રશ્ન/દેશી રાજ્યો વિષેનો ઠરાવ

વિકિસ્રોતમાંથી
← કાઠિયાવાડના સેવકો દેશી રાજ્યોનો પ્રશ્ન
દેશી રાજ્યો વિષેનો ઠરાવ
મોહનદાસ કરમચંદ ગાંધી
દેશી રાજ્યો →







૪૦
દેશી રાજ્યો વિષેનો ઠરાવ

હરિપુરામાં જે અતિ મહત્ત્વના ઠરાવો પસાર થયા તેમાંનો એક તે દેશી રાજ્યો પ્રત્યેના મહાસભાના વલણ વિષેનો હતો.*[૧] કાર્યવાહક સમિતિએ વર્ધામાં ઘડેલો એ જ રૂપમાં વિષયવિચારિણી સમિતિએ એ ઠરાવ પસાર કર્યો હોત તો સારું થાત, પણ દેશી રાજ્યોમાંથી આવેલા સભ્યોને સંતોષ આપવા સારુ એમાં સહેજ સુધારો કરવો પડ્યો. તે છતાં એ મિત્રોને સંતોષ તો નથી જ થયો, ને મહાસભાના નિશ્ચયમાં જે ડહાપણ રહેલું કે તે તેઓ સમજી શકતા નથી. એમાંના એક મિત્ર ગાંધીજીની પાસેથી એમનું ને મહાસભાનું વલણ સમજી લેવાને ખાસ સેવાગ્રામ આવેલા, ને એ એટલો પૂરો સંતોષ પામીને ગયા કે ગાંધીજીએ એમને જે વાત કરી તેનો સાર અહીં આપી દેવેા ઠીક પડશે.

ગાંધીજીએ કહ્યું : “દેશી રાજ્યો વિષેનો ઠરાવ એ દેશી રાજ્યોની પ્રજાને સુઈ જવાની નહીં પણ કમર કસીને કામ શરૂ કરવાની હાકલરૂપ છે. દેશી રાજ્યોની પ્રજાના કલ્યાણ વિષે મહાસભાને બહુ જ કાળજી છે, એ સમૂહતંત્ર વિષેના મહાસભાના ઠરાવ પરથી સ્પષ્ટપણે દેખાવું જોઈએ. અમે ઇચ્છીએ છીએ કે દેશી રાજ્યોની પ્રજા દેશી રાજ્યોમાં અવિશ્રાંતપણે કામ ચલાવે, પણ તે મહાસભાને નામે નહીં. મહાસભાનું નામ વાપરવાથી મહાસભાનું અપમાન થવાનો સંભવ રહે છે. એ અપમાનથી પરિણામે દેશી રાજ્યોની પ્રજાને લાભ થઈ શકતો હોય તો એ અપમાન હું વહોરી લઉં. પણ એવું બિલકુલ નથી. મહાસભા એકેએક દેશી રાજ્યમાં જઈને ત્યાં ચળવળ ચલાવનારાઓની રક્ષા કરે એ ન બની શકે એવી વાત છે. મહાસભા પોતાનું નામ ન વાપરવા દઈને જ એ લોકોની વધારે સારી રક્ષા કરી શકે છે. દેશી રાજ્યોના લોકો મહાસભાને સમજવા ને માન આપવા લાગ્યા હોય તો એ સારી વાત છે, પણ તો તેઓ મહાસભાના નૈતિક ટેકા વડે કામ કરે તે મહાસભાનું નામ ન વાપરે. જ્યારે જ્યારે મહાસભા દેશી રાજ્યોની પ્રજાને ખરેખરી મદદ કરી શકે એમ હશે ત્યારે મદદ કરશે; પણ તે એમના કામમાં સક્રિય દખલગીરી કરીને નહીં, પણ તેમની ને રાજાઓની વચ્ચે મધ્યસ્થી કરીને મહાસભા દેશી રાજ્યોની અંદર જઈને મદદ કરે એ અશક્ય વાત છે, અને તેથી હું દેશી રાજ્યોના લોકોને જાણીબૂજીને સલાહ આપતો આવ્યો છું કે તેમણે દેશી રાજ્યોમાં મહાસભા સમિતિ ન કાઢવી. કેટલાક કહે છે, ‘અમે દેશી રાજ્યોનો અંત આણવા માગીએ છીએ.’ એ વાતથી એ મિત્રોને કે દેશી રાજ્યોને કશી હાનિ થવાનો સંભવ નથી. પણ તેઓ જો દેશી રાજ્યોના કામમાં સક્રિયપણે રસ લેતા હોય અને મહાસભાને નામે કામ કરવા મથતા હોય તો તેમને હાનિ થાય ખરી. મહાસભાના નામનો ઉપયોગ થવાથી મહાસભાની પ્રતિષ્ઠા વધે નહીં પણ ઘટે. મૈસૂરનો જ દાખલો લો. ત્યાં ખરેખરી મહાસભા સમિતિ હતી, છતાં તે રાષ્ટ્રધ્વજનું અપમાન થતું અટકાવી ન શકી.”

પેલા મિત્રે કહ્યું, “પણ એ બધી વાત બ્રિટિશ હિંદમાં ક્યાં નથી બની ?”

ગાંધીજી : “બની છે, અને મહાસભાએ હંમેશાં એ અપમાનનો સામનો કર્યો છે. એનું કારણ એ છે કે બ્રિટિશ હિંદમાં કોઈ પણ સારા કામને માટે સવિનય કાનૂનભંગ કરી શકાય છે. પણ દેશી રાજ્યમાં એ ન બની શકે. ત્યાં તો મહાસભા સમિતિઓને હમેશાં રાજ્યોની દયા પર જ નભવું પડે; અને અફઘાનિસ્તાનમાંની સમિતિ જેમ કેવળ અફઘાનિસ્તાનની સરકારની દયા ઉપર નભે એથી જરાયે સારી આ સમિતિઓની સ્થિતિ નથી. પણ આ તો મારો અંગત વિચાર અને અર્થ છે.”

ઘણાખરા માણસો એ ભૂલી જતા લાગે છે કે ગાંધીજી પોતે એક દેશી રાજ્યના પ્રજાજન હતા, છતાં તેમણે દક્ષિણ આફ્રિકાથી આવીને પોતાના કાર્યક્ષેત્ર માટે કોઈ દેશી રાજ્યને પસંદ ન કરતાં અમદાવાદને પસંદ કર્યું. એ વિષે બોલતાં ગાંધીજીએ પેલા મિત્રને કહ્યું, “મને ત્રણ રાજ્ય તરફથી પોતાને ત્યાં આવીને વસવાનું ને ત્યાંથી કામ કરવાનું આમંત્રણ હતું. મારે એનો અસ્વીકાર કરવો પડ્યો.”

પેલા મિત્ર કહે, “પણ અમે મહાસભા પાસેથી સક્રિય મદદ નથી માગતા. અમારે તો મહાસભાના આશ્રય નીચે સંગઠન કરવું છે. મદદ કરવાની જવાબદારી મહાસભા પર રહે ખરી, પણ અમે મદદ નહીં માગીએ.”

ગાંધીજી: “એ જ વાત છે. તમે મદદ માગો કે ન માગો, પણ મદદ આપવાની જવાબદારી તો મહાસભાને માથે રહે જ, અને છતાં એનાથી એ જવાબદારી પાર પાડી શકાય નહીં. મહાસભા શી સક્રિય મદદ ન કરી શકે તો એનો આશ્રય તમે લો એ નકામો છે. મહાસભાના જેવી મોટી સંસ્થા એમ પોતાની હાંસી ન થવા દઈ શકે. મને તો આ વાત દીવા જેવી સાફ દેખાય છે. દેશી રાજ્યોના લોકો આ કેમ સમજી શકતા નથી એ મારા કળ્યામાં આવતું નથી. અત્યારે તો મહાસભા સારામાં સારી મદદ એ કરી શકે એમ છે કે તે દેશી રાજ્યોની પ્રજાને સક્રિય મદદ કરી શકે એમ છે એવી જે ભ્રમણા પેદા થયેલી છે તે તોડી નાંખે. એનો અર્થ આપોઆપ એ થશે કે દેશી રાજ્યોની પ્રજાએ સર્વ આંતરિક સુધારાઓ માટે આપબળે ઝૂઝતાં શીખવું રહેશે.”

“આ તો હું બરાબર સમજી શકું છું. પણ ઠરાવ જે રૂપમાં છેવટે પસાર થયો છે તે જુઓ. એમાં જે નવી કલમ ઉમેરી છે તે હાસ્યાસ્પદ છે, અમને દેશી રાજ્યોમાં સમિતિઓ કાઢવાની પરવાનગી આપી છે, પણ એ સમિતિઓને કશું કામ કરવા દેવામાં નહીં આવે. એ સ્થિતિ વિષમ છે.”

ગાંધીજી : “હા, છે જ તો. દેશી રાજ્યોના લોકોને સંતોષ આપવા માટે એટલી છૂટ મૂકી, પણ હું જે અર્થ કરું છું તે પ્રમાણે તો એ છૂટ નકામી છે.”

“ત્યારે અમારી સ્થિતિ કેવી રહેશે ? અમે મહાસભાના સભ્યો નોંધવા બંધ કરીએ, ને એક નોખી રાષ્ટ્રીય સંસ્થા ઊભી કરવા માંડીએ ? એ સંસ્થા અત્યારની મર્યાદાઓની અંદર રહીને મહાસભામાં જોડાય ?”

ગાંધીજી : “ખરું કરવાનું કામ એ છે કે તમારે તમારી પોતાની સંસ્થા રચવી. પણ તમે મહાસભાના સભ્ય તરીકે ભલે ચાલુ રહો, મહાસભામાં હાજરી આપો ને એની જોડેનો સંસર્ગ ચાલુ રાખો. પણ તમારું ખરું કામ દેશી રાજ્યોમાં રહેશે. મહાસભાના ઠરાવમાં મહાસભા સમિતિ કાઢવાની છૂટ આપેલી છે એટલું જ. તમારે દેશી રાજ્યોમાં સમિતિઓ કાઢવાની જરૂર નથી. પણ મારી સલાહની કશી કિંમત નથી. તમારે કાર્યવાહક સમિતિ પાસેથી પ્રમાણભૂત સૂચના માગવી જોઈએ.”

મહાદેવ હરિભાઈ દેસાઈ
 
હરિજનબંધુ, ૬–૩–૧૯૩૮
  1. *દેશી રાજ્યોમાં જાહેર જીવનના વિકાસને લીધે અને સ્વાતંત્ર્યની માગણીને લીધે નવા સવાલો ઊભા થઈ રહ્યા છે. ને નવા ઝઘડા પેદા થઈ રહ્યા છે. એ હકીકત જોતાં, આ મહાસભા દેશી રાજ્યોની બાબતમાં પોતાની નીતિ નવેસર નક્કી કરે છે.
    મહાસભા માને છે કે, દેશી રાજ્યોમાં પણ બાકીના હિંદુસ્તાનના જેટલી જ રાજકીય, સામાજિક અને આર્થિક સ્વતંત્રતા હોવી જોઈએ. તે માને છે કે દેશી રાજ્યો એ હિંદુસ્તાનનાં અવિભાજ્ય અંગો છે તે તેને વિખૂટાં પાડી ન શકાય, મહાસભાનું જે પૂર્ણ સ્વરાજનું ધ્યેય છે તે દેશી રાજ્યો સહિત સમસ્ત ભારતવર્ષને માટે છે; કેમકે ભારતવર્ષની અખંડતા અને એકતા જેમ પારતંત્ર્યમાં જળવાઈ છે તેમ સ્વાતંત્ર્યમાં પણ જળવાઈ રહેવી જોઈએ. મહાસભાને તો એવી જ જાતનું સમૂહતંત્ર સ્વીકાર્ય હોઈ શકે જેમાં દેશી રાજ્યો સ્વતંત્ર ઘટકો તરીકે જોડાતાં હોય અને હિંદુસ્તાનના બાકીના ભાગ જેટલી જ લોકશાસનની સ્વતંત્રતા ભોગવતાં હોય. તેથી મહાસભા માને છે કે, દેશી રાજ્યમાં પૂર્ણ જવાબદાર રાજ્યતંત્ર અને નાગરિક સ્વાતંત્ર્યની ખોળાધરી હોવી જોઈએ; અને આમાંનાં ઘણાં રાજ્યોમાં અત્યારે પછાત દશા છે. સ્વાતંત્ર્યનું નામ નથી, અને નાગરિક સ્વાતંત્ર્યનું દમન કરવામાં આવે છે, તેને સારુ આ મહાસભા અફસોસ પ્રગટ કરે છે.
    દેશી રાજ્યોમાં આ ધ્યેયની સિદ્ધિને અર્થે કામ કરવું એને મહાસભા પોતાનો હક અને અધિકાર માને છે, પણ અત્યારના સંજોગોમાં, મહાસભા દેશી રાજ્યોમાં આ ધ્યેયની સિદ્ધિને અર્થે અસરકારક કામ કરી શકે એવી સ્થિતિમાં નથી; અને રાજાઓએ, અથવા તો એમની મારફતે કામ લેતી બ્રિટિશ સત્તાએ, ઊભા કરેલા અનેક અંતરાયો અને પ્રતિબંધો મહાસભાની પ્રવૃત્તિઓને રોકે છે. મહાસભાના નામને લીધે ને તેની મોટી પ્રતિષ્ઠાને લીધે દેશી રાજ્યોના પ્રજાના મનમાં જે આશા ને હૈયાધારણ પેદા થાય છે તે તરત જ ફળીભૂત થતી નથી, અને પરિણામે નિરાશા પેદા થાય છે. અસરકારક કામ ન કરી શકે એવી સ્થાનિક સમિતિઓ રાખવી, અથવા તો રાષ્ટ્રધ્વજનાં અપમાનો સહી લેવાં, એ મહાસભાના ગૌરવને ભૂષણરૂપ નથી. આશાઓ પેદા થયા પછી મહાસભા રક્ષણ કે અસરકારક મદદ ન આપી શકે તેથી દેશી રાજ્યોની પ્રજાના મનમાં નિરાધારપણાની લાગણી પેદા થાય છે, ને તે એમની સ્વતંત્રતાની હિલચાલને વિકસતી અટકાવે છે.
    દેશી રાજ્યોમાં અને હિંદુસ્તાનના બાકીના ભાગમાં જુદી જુદી સ્થિતિ પ્રવર્તતી હોવાને લીધે મહાસભાની નીતિનો ઘણી વાર દેશી રાજ્યોની સ્થિતિ જોડે મેળ ખાતો નથી, અને તેથી દેશી રાજ્યમાં સ્વતંત્રતાની હિલચાલનો સ્વાભાવિક વિકાસ થવામાં રોકાણ કે અંતરાય આવવાનો સંભવ રહે છે. એવી હિલચાલો જો દેશી રાજ્યોની પ્રજા પાસેથી બળ મેળવે, તેમનામાં સ્વાશ્રય પેદા કરે, દેશી રાજ્યોમાં પ્રવર્તતી સ્થિતિને અનુરૂપ હોય, અને બહારની સહાયતા અથવા મદદ પર અથવા મહાસભાના નામની પ્રતિષ્ઠા પર આધાર ન રાખે તો તે જલદી આગળ વધે અને તેનો પાયો વિશાળ અને એવો સંભવ છે. મહાસભા એવી હિલચાલોને આવકાર આપે છે, પણ સ્વાભાવિક રીતે અને અત્યારના સંજોગોમાં સ્વતંત્રતાની લડત ચલાવવાનો બોજો દેશી રાજ્યોની પ્રજા પર પડવો જોઈએ. શાંતિમય અને વાજબી સાધનો વડે ચલાવેલી એવી લડતોને મહાસભા પોતાનો સદ્‌ભાવ અને ટેકો હંમેશાં આપશે, પણ એવી સંસ્થા તરીકે આપેલી મદદ અત્યારની પરિસ્થિતિમાં નૈતિક ટેકા અને સહાનુભૂતિ જેટલી જ હોય એ અનિવાર્ય છે. પણ મહાસભાવાદીઓને વ્યક્તિગત રીતે પોતાની જવાબદારી પર વધારે મદદ આપવાની છૂટ રહેશે. આ રીતે એ લડત મહાસભાના તંત્રને સંડોવ્યા વિના, અને બહારના વિચારોથી અલિપ્ત રહીને, નિર્વિઘ્રપણે વિકસી શકશે.
    તેથી આ મહાસભા ફરમાન કરે છે કે, અત્યારે દેશી રાજ્યોમાંની મહાસભા સમિતિઓ મહાસભાની કાર્યવાહક સમિતિનાં દેખરેખ અને અંકુશ હેઠળ કામ કરે; અને ધારાસભાને લગતી પ્રવૃત્તિમાં ન પડે અથવા તો મહાસભાને નામે કે તેના આશ્રય નીચે સત્યાગ્રહ કે સવિનય ભંગ ન આદરે. દેશી રાજ્યોની પ્રજાની અંદરની લડતો મહાસભાને નામે ન ઉપાડવામાં આવે. એ કામને સારુ દેશી રાજ્યોની અંદર જ સ્વતંત્ર સંસ્થાઓ શરૂ કરવી જોઈએ, અથવા જ્યાં અત્યારે પણ હસ્તીમાં હોય ત્યાં ચાલુ રખાવી જોઈએ.
    મહાસભા દેશી રાજ્યની પ્રજાને ખાતરી આપવા ઇચ્છે છે કે મહાસભા એ પ્રજાના પક્ષમાં જ છે, અને તેમની સ્વતંત્રતાની હિલચાલમાં સક્રિય અને સતત રસ લેશે અને સહાનુભૂતિ રાખશે. તેને વિશ્વાસ છે કે દેશી રાજ્યોની પ્રજાની મુક્તિનો દિવસ બહુ દૂર નથી.