લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/કાઠિયાવાડના સેવકો

વિકિસ્રોતમાંથી
← રાજાઓ દેશી રાજ્યોનો પ્રશ્ન
કાઠિયાવાડના સેવકો
મોહનદાસ કરમચંદ ગાંધી
દેશી રાજ્યો વિષેનો ઠરાવ →







૩૯
કાઠિયાવાડના સેવકો

કાઠિયાવાડના કેટલાક કાર્યકર્તાનું સંમેલન થોડા દિવસ પહેલાં ભાવનગરમાં મળ્યું હતું. તેમાં પુષ્કળ ચર્ચા થયા પછી શ્રી. નાનાભાઈની પ્રેરણાથી એવો ઠરાવ થયો હતો કે તેમણે મારી સલાહ પ્રમાણે સેવાકાર્ય કરવું ને જે મર્યાદાઓ હું મૂકું તેનું પાલન કરવું. આમાંના કેટલાક ભાઈઓ મારી પાસે આ વિષે ચર્ચા કરવા આવવાના હતા. તેમનો કાગળ આવતાં મેં તેમને રોકવાનો પ્રયત્ન કર્યો — એમ લખીને કે મારી પાસેથી તો જેને હું રચનાત્મક કાર્યક્રમ ગણું છું તેને વિષે જ તેઓ સાંભળશે, એટલે ફેરો ફોગટ જવાનો સંભવ છે. પણ તેઓને ગળે આ વાત ન ઊતરી ને શ્રી. જગજીવનદાસ, બળવંતરાય, ફૂલચંદ, ઢેબરભાઈ અને વજુભાઈ આવ્યા. બે કલાકની ચર્ચાને અંતે એમ ઠર્યું કે મેં આપેલી સલાહનો સારાંશ મારે ‘હરિજનબંધુ’માં આપવો. મેં આ માગણીનો સ્વીકાર કર્યો.

પ્રથમ ચર્ચા મેં શ્રી.દાણીને લખેલા કાગળ ઉપર થઈ. મને એમ જણાવવામાં આવ્યું હતું કે, તે કાગળમાં મેં કાઠિયાવાડી કાર્યકર્તાને નકામા, સ્વાર્થી અથવા ચારિત્રશૂન્ય અથવા એ બધું છે એમ કહી નિંદ્યા હતા તે તેથી મેં ઘોર અન્યાય કર્યો હતો. મેં જવાબમાં લખેલું કે એવા નાગા કાગળ લખવાનો મારો સ્વભાવ નથી, ને મેં એ કાગળની નકલ માગેલી. એ કાગળના જવાબમાં તો મજકૂર ભાઈઓ જ આવ્યા ને મારો અસલ કાગળ લેતા આવ્યા. તે નીચે પ્રમાણે છે:

“તમારો કાગળ મળ્યો, ભંગીઓ બાબતનો રિપોર્ટ મારા હાથમાં નથી આવ્યો, પણ મળ્યે વાંચી જઈશ અને કંઈ લખવા જેવું હશે તે લખીશ.

કાઠિયાવાડનું જાહેર જીવન છિન્નભિન્ન દશામાં હોય તો એનો માત્ર એ જ અર્થ કે, લોકો તો હતા એવા જ છે પણ લોકસેવક અથવા લોકનાયક નકામા છે, અથવા સ્વાર્થી છે, અથવા ચારિત્રશૂન્ય છે, અથવા એ બધું એકસાથે છે. કોઈ ઠેકાણે એમ પણ જોવામાં આવ્યું છે કે, બધા પ્રકારના જીવનના પ્રવાહ તો વહી જતા હોય અને મૂર્ખ સેવકો કોઈ ન જાણતું હોય એવી રીતે પોતાનું કામ કર્યે પણ જતા હોય. આવા કોઈ કાઠિયાવાડમાં હશે કે ? આ બધું પ્રામાણિપણે અને સેવાભાવે શોધો, પણ સંઘ તરીકે કરો કે નોખા રહીને, શોભે એવી રીતે વર્તો”

મેં કહ્યું કે આ કાગળનો અર્થ જે નિંદારૂપે લે તેઓ ગુજરાતી જાણતા નથી એમ ગણાય. એનો અર્થ તો સ્પષ્ટ છે. જો શ્રી. દાણીએ લખેલું તે પ્રમાણે કાઠિયાવાડનું જાહેર જીવન ખરેખાત છિન્નભિન્ન થયું હોય તો સેવકોમાં ત્રણમાંથી એક અથવા ત્રણેય દોષો હોવા જોઈએ. આ ભાઈઓએ કબુલ કર્યું કે એ ઉપરાંત બીજો અર્થ મારા કાગળમાંથી નીકળે જ નહિ.

આ ઉપરથી તેઓએ એમ જાણવા માગ્યું કે શું કોઈએ મને કાઠિયાવાડીઓને ન શોભે એવું વર્તન કરનારનાં નામ મોકલ્યાં હતાં ? મેં જવાબ આપ્યો કે જેનું નામ મારી પાસે આવ્યું તે જેને વિષેના આક્ષેપો મેં સાચા માન્યા તેનું નામ મેં પ્રગટ કર્યું છે.

પછી નીચેના પ્રશ્નોની ચર્ચા થઈ :
૧. ગાંધીજી દોરવે.
૨. રાજકીય પરિષદ.
૩. પ્રજામંડળ ને પરિષદ.
૪. રાજ્યોમાં થતાં મનાઈઓ અને અન્યાયો.
પ. મજૂરોનું સંગઠન, તેમની સ્થિતિ સુધારવાને અંગે.
૬. રચનાત્મક કાર્ય, જેવાં કે ખાદી, હરિજનસેવા, ઇત્યાદિ.
૭. બધાં કાર્યો સ્વતંત્ર રીતે થાય કે એક તંત્ર નીચે ?

મારા દોરવવા વિષે મેં અભિપ્રાય આપ્યો કે મારાથી એ બોજો ન ઉપાડી શકાય. હું દૂર બેઠાં કોઈને દોરવવાની શક્તિ કે ઇચ્છા ધરાવતો નથી. એટલે મારું નામ તેઓએ પોતાના મનમાંથી કાઢવું જ ઘટે. કોઈ વિષયોમાં મારી સલાહ પૂછવામાં આવે તે તો હું આપતો જ આવ્યો છું ને તેમ કરવાનો મારો ધર્મ માનું છું. મારો અભિપ્રાય છે કે કાઠિયાવાડીઓએ કાઠિયાવાડમાં જ રહેતા કોઈ ભાઈ ને નાયક નીમવો જોઈએ ને તેવા નાયકની નવી નિમણૂક દર વરસે કર્યાં જ કરે. આમ કરતાં આત્મવિશ્વાસ આવશે ને સ્વાવલંબી પણ થવાશે. કાઠિયાવાડી પોતામાંથી કોઈ ને નાયક તરીકે સાચવી શકતા નથી એવી રહેલી માન્યતા, સાચી કે ખોટી, પણ દૂર થશે.

જુદી પ્રવૃત્તિઓની ચર્ચા કરતાં મેં અભિપ્રાય આપ્યો કે મારું ચાલે તો હું તો બધાને ખાદી, હરિજનસેવા, ગ્રામઉદ્યોગ, વગેરે કાર્યોમાં જ રોકી લઉં. એમ બધાને રોકતાં છતાં, છે તે ઉપરાંત બીજા ઘણા સેવકો જોઈએ. પણ જેઓને તે પ્રકારની સેવા ન ફાવે તે પોતાને પસંદ પડે તે ક્ષેત્ર પસંદ કરી લે ને તેમાં તન્મય થાય. એવી પસંદગી કર્યા પછી, એક છોડીને બીજામાં ને તે છોડીને ત્રીજામાં એમ ન થવું જોઈએ. રાજકીય પરિષદ ભરવી જ ઘટે તો તે ભાવનગરમાં મેં આંકેલી મર્યાદાની અંદર ને પોરબંદરમાં જે પ્રથા પડી તે પ્રમાણે જ ભરાવી જોઈએ. તે દેશી રાજ્યોની હદ બહાર ન જ ભરાવી જોઈએ. એક જ રાજ્યમાં રજા મળે ત્યાં વરસોવરસ ભરાય. અમરેલીમાં ભરી શકાય; પણ કાઠિયાવાડનું જ કોઈ રાજ્ય હોય તો વધારે સારું.

પ્રજામંડળ તો દરેક રાજ્યને વિષે હોવાં જોઈએ. તેમાં યથાશક્તિ જે સેવા થાય તે કર્યા કરવી જોઈએ.

મેં આંકેલી મર્યાદા પ્રમાણે રાજકીય પરિષદ તો જુદાં જુદાં રાજ્યોના અન્યાય ઇત્યાદિના પ્રશ્નો છૂટથી ન ચર્ચી શકે. એનો અર્થ એવો ન થાય કે એ ક્યાંય ન ચર્ચાય. તે તે રાજ્યોની પ્રજા તે તે પ્રશ્નોને અવશ્ય ચર્ચે, તેને વિષે ન્યાય મેળવવા પ્રયત્ન કરે, ને એમ કરવાનો તેનો ધર્મ છે. તેથી મનાઇ હુકમો અને અન્યાયો જે રાજ્યોમાં થતાં હોય ત્યાં તેની ચર્ચા છૂટથી કરાય. અહીં મર્યાદા સત્ય અને અહિંસાની હોય. જે કહેવાય તે સો ટકા સત્ય હોય, અતિશયોક્તિ અને અવિનય રહિત હોય. જે કરવાની પોતાનામાં શક્તિ ન હોય તે કરવાની ધમકી કદી ન અપાય. જગતમાં ઘણી વસ્તુઓ આપણે અશક્તિને લીધે સહન કરવી પડે છે.

મજૂરોની સ્થિતિ સુધારવાને અંગે તેઓનું સંગઠન કરવું જ જોઈએ. સહુ જાણે છે કે અમદાવાદમાં જે નીતિ શ્રીમતી અનસૂયાબહેને ગ્રહણ કરી છે તેને જ હું તો પસંદ કરું છું. રાજ્યપ્રકરણને સારુ મજૂરોને એકત્રિત કરવાનું ધોરણ મેં સ્વીકાર્યું નથી. રાજ્યપ્રકરણમાં તો બધા શહેરી રસ લે, તેઓએ રસ લેવો જોઈએ. પણ કોઈનું સંગઠન કરવાની પાછળ તે હેતુ ન હોવો જોઈએ. માણસોનું સંગઠન તેમના ધંધા પરત્વે, તેમની વિશેષ સ્થિતિ પરત્વે હોય. રાજ્યપ્રકરણને સારુ તૈયાર થનાર તે કરનાર સંસ્થા તો મહાસભા છે જ. તેને મજૂરોના રાજ્યપ્રકરણી હકો બીજાઓના હકોની જેમ જ રક્ષવાના છે. ખરું જોતાં મજૂરોના રાજ્યપ્રકરણી હકો બીજાના હકોના વિરોધી નથી હોતા, ન હોવા જોઈએ. એટલે મહાસભાના કાર્યમાં બધાની રક્ષા ને બધાનો સમાવેશ થાય છે. મારો અનુભવ છે કે મજૂર-સંગઠનોમાં રાજ્યપ્રકરણને હેતુ કરવાથી કાર્યકર્તાઓ વચ્ચે ખોટી હરીફાઈ થાય છે, તેઓની વચ્ચે મજૂરો સોગઠાં થઈ પડે છે, તે તેથી મજૂરોને નુકસાનીમાં ઊતરવું પડે છે. ને સંગઠનનું નામ વગોવાય છે. કદાચ મજૂરો પણ મિત્રતાનો દાવો કરી આવનારને વહેમની નજરે જુએ. જેઓ મજૂરોની સ્થિતિ સુધારવા સારુ તેઓનું સંગઠન કરે તેમને તે કળા પણ આવડવી જોઈએ. ઇચ્છામાત્રથી વગર આવડતે કોઈ સંગઠન કરવા બેસે તો તે થઈ શકતું નથી.

આ બધી પ્રવૃત્તિઓમાં હું પોતે તો ખાદી, અસ્પૃશ્યતાનિવારણ, હરિજનસેવા, ગ્રામઉદ્યોગ ને મદ્યપાનનિષેધને અગ્રસ્થાન આપું. તે ન થાય તો બીજી પ્રવૃત્તિઓમાં દમ નહિ હોય એમ હું માનું છું. બીજી પ્રવૃત્તિઓને આશ્રયે જ રચનાત્મક કાર્યો ચાલે એવી માન્યતા અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલી માનું છું. રચનાત્મક કાર્યને દૃઢતા ને ધીરજપૂર્વક વળગી રહેવાથી તેમાંથી જે શક્તિ પેદા થઈ શકે છે તેને બીજી કોઈ પ્રવૃત્તિ ન અડકી શકે, એવો મારો અભિપ્રાય છે. હું જાણું છું કે આ રચનાત્મક કાર્યોમાં સામાન્યપણે કોઈને રસ નથી હોતો. તેનાં બે કારણો મને ભાસ્યાં છે. એક તો એ કે એ કામો ગામડાંનો સ્પર્શ કરે છે. આપણા કાર્ય કરનારા શહેરોમાં ઊછરેલા હોય છે, અંગ્રેજી નિશાળો કોલેજોમાં કેળવણી પામેલા હોય છે, એટલે તેઓને ગામડાંના જીવનમાં રસ ઓછો હોય છે, તેઓ પોતાને ગામડાંમાં રહેવા લાયક નથી ગણતા, ને ગામડિયાઓના સંગમાં આવવાની કળા તેઓ જાણતા નથી. બીજું કારણ આપણું આળસ ને તેમાંથી નીપજેલું અજ્ઞાન છે. ખાદી ઇત્યાદિ રચનાત્મક કાર્ય સતત જાગૃતિ, મહેનત, અભ્યાસ અને ઉદ્યમ માગે છે, તે આપવાની આપણી તૈયારી નથી હોતી; અને પછી તે મહાકાર્યમાં રસ ઉત્પન્ન નથી થતો તેથી પોતાનો દોષ કાઢવાને બદલે આપણે તે કામો જ નીરસ છે એમ માની બેસીએ છીએ. આને હું મહાદોષ ગણું છું, ને તેથી માની બેઠો છું કે એ કામોને આપણે શોભાવીશું નહિ ત્યાં લગી આપણાં બીજાં કામો પૂરાં સફળ નહિ જ થાય. અને તેથી હું આટલાં બધાં વરસોને અંતે પણ એ કામોને જ વધારેમાં વધારે મહત્ત્વ આપું છું.

હવે છેલ્લો પ્રશ્ન. બધાં કામો એક જ તંત્ર નીચે ચાલતાં હોય તો ભલે ચાલે. બધાં છેક સ્વતંત્ર ચાલે તેમાં હું હાનિ નથી જોતો. એક જ તંત્ર નીચે ચાલે તોય બધાંને સ્વાવલંબી કરવાં જોઈએ, ને જેઓ જે ક્ષેત્ર પસંદ કરી લે તેમાં જ તેઓને ખૂંચવા દેવા જોઈએ.

નવજીવન, ૮–૮–૧૯૩૭