લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/રાજાઓ

વિકિસ્રોતમાંથી
← સત્યાગ્રહ અને મોરબી દેશી રાજ્યોનો પ્રશ્ન
રાજાઓ
મોહનદાસ કરમચંદ ગાંધી
કાઠિયાવાડના સેવકો →







૩૮
રાજાઓ

એક શબ્દ રાજાઓ વિષે કહીને હું સમાપ્ત કરવા માગું છું. રાજાઓ વિષે હું બહુ બોલ્યો નથી, તેમ અત્યારે પણ રાજાઓ વિષે બહુ બોલવાનો મારો વિચાર નથી; પણ હું જો મારી માગણી ગોળમેજી પરિષદ આગળ નહિ પણ રાજાઓ આગળ ન નોંધાવું તો તેમને અન્યાય કરું અને મહાસભાને અન્યાય કરું. રાજાઓ સમૂહતંત્રમાં કઈ શરતે જોડાશે તે કહેવાની તેમને છૂટ છે. હિંદના બીજા ભાગમાં વસતા લોકો માટે રસ્તા સરળ કરવાની વિનંતિ મેં તેમને કરી છે, અને તેથી હું તેમને આટલી સૂચનાઓ જ કરી શકું, તેના પર તેઓ ઊંડો વિચાર કરીને તેને સ્વીકારે એવી મારી વિનંતિ છે. હું માનું છું કે જો તેઓ ગમે તેવા પણ આખા હિંદને સમાન એવા કેટલાક પ્રાથમિક હકોનો સ્વીકાર કરે, જો તેઓ એ સ્થિતિ સ્વીકારે અને એ હકોની કસોટી તેમની પોતાની જ ઊભી કરેલી અદાલત મારફતે થવા દે, અને જો તેઓ પોતાની પ્રજાના પ્રતિનિધિત્વના કેટલાક અંશો — ફક્ત અંશો જ — દાખલ કરે, તો હું માનું છું કે તેઓ ઘણે દરજ્જે પોતાની પ્રજાને રીઝવી શકશે. તેઓ ઘણે દરજ્જે દુનિયાને અને આખા હિંદને બતાવી શકશે કે એમનામાં પણ લોકશાહીની ભાવના જાગૃત થઈ છે, તેઓ નર્યા આપખુદ રહેવા માગતા નથી, પણ તેઓ ગ્રેટ બ્રિટનના રાજા જ્યૉર્જના જેવા મર્યાદિત રાજા થવા માગે છે.[]

નવજીવન, ૨૭–૧૨–૧૯૩૧
  1. * લંડનમાં બીજી ગોળમેજી પરિષદમાંના ભાષણમાંથી.