દેશી રાજ્યોનો પ્રશ્ન/સત્યાગ્રહ અને મોરબી
← મોરબી અને સત્યાગ્રહી | દેશી રાજ્યોનો પ્રશ્ન સત્યાગ્રહ અને મોરબી મોહનદાસ કરમચંદ ગાંધી |
રાજાઓ → |
૩૭
સત્યાગ્રહ અને મોરબી
મોરબી વિષેના મારા લેખની ઉપર કાઠિયાવાડીઓની ટીકા વરસી રહી છે. લખનારામાંના કેટલાક સાચા સેવક છે. તેમની ધગશ સાચી છે, પણ તેમાં હું અજ્ઞાન જોઉં છું. મોરબીને મેં કંઈ પ્રમાણપત્ર આપ્યું નથી. પ્રમાણપત્ર આપવાવાળો હું કોણ ? પણ મેં જ્યાં તેનું વિવેકી કાર્ય જોયું ત્યાં મેં તેની સ્તુતિ કરી છે ખરી. તેથી હું જાણું તેવા ને ન જાણું તેવા તેના દોષો ધોવાઈ જતા નથી. પણ એ લેખમાં દોષદર્શન અપ્રસ્તુત હતું. ‘સત્યાગ્રહી’ની ઉપર અત્યાચાર થયા કે નહિ અથવા થયા તો તે કેવા ઘાતકી હતા તેની પરીક્ષા તે લેખમાં ન હતી. મારી ઉપર સત્યાગ્રહી હુમલો કરવામાં કંઈ નહિ તો ઉતાવળ થઈ હતી એવો હજુ પણ મારો અભિપ્રાય છે. એ અભિપ્રાય એકતરફી પુરાવા ઉપર નહોતો બંધાયો, અથવા એકતરફી પુરાવા ઉપર બંધાયો હતો એમ કહેવાય તો તે સત્યાગ્રહીની કબૂલાતો ઉપર બંધાયો હતો. જો આરંભ દૂષિત હતો તો એટલું કબૂલ કરવામાં હરકત ન હોવી જોઈએ એટલું જ નહિ, પણ તે કબૂલ કરવાનો ધર્મ સમજાવો જોઈએ.
વળી સત્યાગ્રહીનો ધર્મ છે કે તેણે પોતાના રાઈ જેવા દોષ પહાડ જેવા મોટા જોવા તે બીજાના પહાડ જેવા દોષ રાઈના જેવા જોવા. આ ક્રિયા કૃત્રિમ નથી હોતી, પણ સત્યાગ્રહીના સ્વભાવમાં એ હોય.
- નવજીવન, ૨–૮–૧૯૩૧