દેશી રાજ્યોનો પ્રશ્ન/મોરબી અને સત્યાગ્રહી

વિકિસ્રોતમાંથી
← સત્યાગ્રહીની વરાળ દેશી રાજ્યોનો પ્રશ્ન
મોરબી અને સત્યાગ્રહી
મોહનદાસ કરમચંદ ગાંધી
સત્યાગ્રહ અને મોરબી →







૩૬
મોરબી અને સત્યાગ્રહી

મોરબીનો સત્યાગ્રહ પૂરો થયો છે ને સત્યાગ્રહી બધા પાછા આવ્યા છે એ સહુને સારુ આનંદની વાત છે. તે બન્નેને – રાજને અને સત્યાગ્રહીને — ધન્યવાદ ઘટે છે. રાજે કંઈ શરતો કર્યા વિના સત્યાગ્રહીને છોડી મૂક્યા અને સત્યાગ્રહી હઠ કર્યા વિના રાજની હદ છોડી ગયા તેમાં બન્નેએ મર્યાદા બતાવી છે. જ્યાં આમ શુભ પરિણામ આવ્યું છે ત્યાં ગુણદોષમાં ઊતરવું અથવા ભૂતકાળના વર્ણનમાં ઊતરવું એ વિવેકનો ભંગ છે.

આટલું કહી દઉં : સત્યાગ્રહ આદરવામાં ઉતાવળ થઈ હતી. આરંભ પછી મોરબી રાજની અનુચિત નિંદા કરવામાં આવી એમાં આપણું ભૂષણ ઘટ્યું છે, સત્યાગ્રહને ઝાંખપ લાગી છે. સત્યાગ્રહની પાછળ તેની હિમાયતમાં આ નિંદા થઈ, અતિશયોક્તિ થઈ, તેથી સત્યાગ્રહીને લજ્જિત થવું પડ્યું છે. બીજા નિંદે તેમાં સત્યાગ્રહીને શું, એમ કહી સત્યાગ્રહી નીકળી નથી શકતા. એમ અસત્યાગ્રહી સત્યાગ્રહની વહારે ચડે ત્યારે ઘણી વેળા સત્યાગ્રહ બંધ કરવો પડે છે. સત્યાગ્રહી દળમાં અસત્યાગ્રહીની બહુ સંખ્યા આવી પડે તો સત્યાગ્રહી તેનો ત્યાગ કરે. તેમ જ અહીં પણ કરવાનો પ્રસંગ આવે એવો પ્રસંગ ક્યારે આવ્યો કહેવાય એ તો પ્રત્યેક પ્રસંગને તપાસીને કહી શકાય. આ વખતે એ પ્રસંગ આવી ગયો હતો એમ મને લાગ્યું છે. સારે નસીબે એ નિર્ણય કરવાની જરૂર પડે તેના પહેલાં જ સત્યાગ્રહની સમાપ્તિ થઈ. હવે સત્યાગ્રહીઓને સલાહ છે કે જે દોષ થયા હોય તેનો જાહેર સ્વીકાર કરીને તેઓ પ્રાયશ્ચિત્ત કરે. દોષનો સ્વીકાર એ શુદ્ધ પ્રાયશ્ચિત્ત છે. એમ કરતાં સત્યાગ્રહીનું બળ વધે છે. સત્યાગ્રહ એટલે શુદ્ધતા. જેમ શુદ્ધતાની માત્રા વધે તેમ સત્યાગ્રહીનું બળ વધે.

મહારાજા સાહેબને મેં ધન્યવાદ આપ્યા કેમકે તેમણે મુદ્દલ આનાકાની વગર સત્યાગ્રહીને છોડી મૂક્યા. પણ મારે એટલું તો કહેવું પડે છે કે તેમના અમલદારોએ ક્યાંયે ભૂલ નથી કરી એમ નથી. સિપાહીવર્ગે મર્યાદા નથી જાળવી. મારપીટ, બળાત્કારના વર્ણનમાં અતિશયોક્તિ હતી, પણ તે વર્ણનોમાં સત્યની માત્રા પણ હતી. આ બધું છેક અનિવાર્ય ન હતું. હું જાણું છું કે પોલીસ ક્યાંયે શુદ્ધ નથી હોતી. પોલીસ બળાત્કારને ધર્મનું સ્થાન આપે છે. દંડ વિના દાંડ ન સમજે એમ તે માને છે. તેમના હાથમાં આવ્યા તે બધા દાંડ જ હોય એમ તે માને છે. સંખ્યાબંધ નિર્દોષ માણસો આ યુગમાં તેમના કબજામાં જાણીજોઈને આવે છે એ તેઓ સમજી જ નથી શકતા, એટલે તેમને મન તો બધા લાઠી, ગાળો વગેરેને પાત્ર હોય છે. આમ હોવાથી, જેના હાથમાં સત્તા છે એ જો ન્યાય તોળવા ઇચ્છે તો તેણે પોતાની પોલીસને સાવધાન કરવી જોઇએ. પણ આટલેથી મારે બસ કરવું ઘટે છે. તુલસીદાસનું અમર વચન છે :

जडचेतन गुणदोषमय विश्व किह किरतार ।
संतहंस गुण गहहीं फ्य परिहरि वारिविकार ॥

આપણે રાજના અને સત્યાગ્રહીના ગુણનું ચિંતન કરી બંનેના મેળ સાધીએ.

સૌરાષ્ટ્રના સત્યાગ્રહીને બે અંગત શબ્દ. તમે મૂઠીભર છો. તમે મને મોટી આશા બંધાવી છે. તમારો રજ જેવડો દોષ મને ગજ જેવડો લાગવો જોઈએ. તો જ આપણો મેળ બાઝે. તમારામાં રાગદ્વેષ, હિંસા, અસત્યની જરા પણ માત્રા હોય ત્યાં લગી તમારે સત્યાગ્રહનો વિચાર સરખોયે ન કરવો. તમારો પ્રથમ ધર્મ યોગ્યતા મેળવવાનો છે. કાઠિયાવાડી જગતમાં જ્યાં જ્યાં અનીતિ, અન્યાય જુઓ, ત્યાં ત્યાં ચડાઈ કરવા બંધાયા છો એમ ન માનતા. પણ મૂંગે મોઢે રચનાત્મક કામ કરી યોગ્યતા મેળવો. ચડાઈ વહોરવા ન નીકળો. તમારે આંગણે આવે ત્યારે વધાવજો.

નવજીવન, ૧૯–૭–૧૯૩૧