લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/સત્યાગ્રહીની વરાળ

વિકિસ્રોતમાંથી
← કાઠિયાવાડ રાજકીય પરિષદ દેશી રાજ્યોનો પ્રશ્ન
સત્યાગ્રહીની વરાળ
મોહનદાસ કરમચંદ ગાંધી
મોરબી અને સત્યાગ્રહી →







૩૫
સત્યાગ્રહીની વરાળ

વણોદના ભાઈ વીરચંદ લખે છે:

“આજના ‘નવજીવન’નો અગ્રલેખ વાંચ્યો. કિશોરલાલભાઈ પરનો પત્ર મારો હતો. તે સંબંધી મારો ખુલાસો:

૧. શ્રી. કિશોરલાલભાઈ પરના પત્રમાં જ મેં જણાવેલું કે, ‘એ પત્ર હું ઉશ્કેરાયેલી હાલતમાં લખું છું.’ મોરબીના ઉપરાઉપરી મળેલા સમાચારોએ મને ખૂબ ઉશ્કેરી મૂકેલો. એટલે ક્રોધથી ભરેલ પત્રનું આપનું કથન સ્વીકારું છું.

૨. આપ તે જ લેખમાં જણાવો છો કે, ‘દેશી રાજ્યોની રૈયત જો અત્યારે વિનયથી કરાવાય તેટલા જ સુધારા કરાવી સંતુષ્ટ રહે, રચનાત્મક કાર્યમાં ગૂંથાયેલી રહે તો ઇચ્છિત સ્થાન વહેલું મેળવે.’ આનો મારો જવાબ :

આજે કાઠિયાવાડનાં દેશી રાજ્યોમાં ક્યાંયે સુધારા કરાવવા લડત ચાલતી નથી. બ્રિટિશ હિંદની સ્વતંત્રતાને અંતે જ અમારો ઉદ્ધાર છે એ હું સંપૂર્ણ રીતે સ્વીકારું છું, પણ જ્યાં દેશી રાજ્યો લડત આપવા સામાં આવે ત્યાં શું કરવું ? સત્યાગ્રહની રાષ્ટ્રવ્યાપી લડતમાં ભાગ લેવાને કારણે હદપાર કરે, કુટુંબોને છોકરાને વાંકે સતાવે, ખોટાં આળો મૂકી ખોટા કેસો કરી સંડોવે; અને તેયે આ સંધિકાળમાં. જો લડત વખતે આમ થયું હોત તો જરાય દુઃખ ન જ થાત. ત્યાં શું કરવું? ત્યાં લડત ન હોય? દાખલા તરીકે : (દાખલા અહીં નથી આપ્યા. તંત્રી )

૩. મહાસભા ૨૫ કરોડની કે ૩૩ કરોડની ? અમારાં દુઃખદર્દો મહાસભાને — ગુજરાત પ્રાંતિક સમિતિને — લખી જણાવીએ તે તે પત્રની પહોંચની પણ આશા ન રાખીએ ! આપ તો જવાબ પણ લખો છો જ્યારે પ્રાંતિક સમિતિ પત્રની પહોંચ પણ લખતી નથી, તો તેના તરફથી માર્ગદર્શનની તો આશા જ શી રાખવી ?

૪. હિંદની રાષ્ટ્રીય લડતમાં ભાગ લેવાના જ કારણે જે માણસને અને તેના કુટુંબસંબંધીઓને રાજ્યના સિતમનો ભોગ થવું પડતું હોય તેને મહાસભા કાંઈ મદદ ન કરે એ દલીલ તો, બાપુજી, ગળે ઊતરતી નથી. એક પગી કે મુખીની નોકરી માટે ઈમર્સન સુધી પત્રવ્યવહાર ચાલે, અને એક સૈનિક, તેનું કુટુંબ અને તેનાં સંબંધીઓ પરની આફત વેળાએ મહાસભા પીળી લીટીને બહાને કાંઈ ન કરે ?

મારી પોતાની વાત આપને લખવા ઘણા દિવસથી વિચારતો હતો તો હવે લખી જ નાખું. નીચેની પરિસ્થિતિમાં મારે શું કરવું તે જણાવશોજી

ધોલેરા સત્યાગ્રહમાં તા. ૬ એપ્રિલથી જાડાયેલો તે પહેલાં વીલેપારલે રહેતો અને સ્થાનિક પ્રવૃત્તિમાં બનતો ફાળો આપતો. તા. ૮ જુલાઈએ ૧૧૭મી કલમ મુજબ ૧૫ મહિનાની સજા થઈ. તા. ૮ માર્ચે યુદ્ધવિરામને અંગે છૂટ્યો. છૂટીને સીધો ધોલેરા પહોંચ્યો. ત્યાં તા. ૧૨મી માર્ચે મારા વતન —વણોદ—ના દરબારે (જેને પાંચમા વર્ગનો દીવાની ફોજદારી અખત્યાર છે), સત્યાગ્રહની ચળવળમાં આગેવાની(?)ભર્યો ભાગ લેવાના કારણે મને લાંબી સજા થયેલ હોઈ, મારે માટે વણોદ તાલુકામાંથી હદપારીનો હુકમ કાઢ્યો. હુકમના ભંગ બદલ ૬ માસની સજા અને રૂા. પ૦૦ દંડ જણાવ્યો.

મેં આ સંબંધી આપને અને બીજાઓને પૂછી શું કરવું તે નક્કી કરવા વિચાર રાખેલો, દરમ્યાન હું કાઠિયાવાડમાં ફરવા ગયો.

દરબારે વિચાર્યું હશે કે હું તેમના હુકમનો ભંગ કરીશ તો મને સજા કરી તેમને ચગડોળે ચડવું પડશે, તેથી દસ દિવસ બાદ તા. ૨૧ મી માર્ચે મારા પિતા તથા નાના ભાઈને બોલાવી કહ્યું કે, ‘વીરચંદ વણોદમાં ન આવે તેવો પ્રબંધ કરો અને લેખી કબૂલાત આપો.’ તેઓ એવી કબૂલાત કઈ રીતે આપે? આથી તેઓ બંને પર હુકમ કાઢ્યો કે, ‘તેમણે રાજ્ય અને સરકારને વફાદાર રહેવાની લેખી કબૂલાત અને રૂપિયા પાંચસો પાંચસોના મુચરકા આપવા, નહિતર એક મહિનામાં ગામ છોડી ચાલ્યા જવું.’ હુકમની લેખી નકલમાં જણાવ્યું કે, ‘વીરચંદ વણોદમાં ન આવે તેવી કબૂલાત આપતા નથી તેમ જ (ચાર વર્ષ પહેલાં) અમૃતલાલ શેઠ — જે ચળવળના એક આગેવાન છે તે — આવેલા ત્યારે અમને જણાવેલું નહિ તેથી તમો પણ ચળવળમાં ભળેલા છો.’

અઠવાડિયા બાદ બીજો હુકમ કાઢી લેખી કબૂલાત અને મુચરકાની વાત રદ કરી હદમાંથી ચાલ્યા જવા જણાવ્યું. તે હુકમમાં જણાવ્યું કે, શેઠ ભીખા વરવા પોતાના દીકરા વીરચંદ આ હદમાં નહિ આવે એવું લખી આપતો નથી. તેને તેનો દીકરો જેટલો વહાલો છે તેટલો અમને નામદાર અંગ્રેજ સરકાર વહાલો છે.’

(દરેક હુકમની લેખી નકલ મારી પાસે છે. હુકમોની ભાષા ગમે તેવા ગંભીરને પણ હસાવવા પૂરતી છે.)

પછી મોઢેથી એક વધુ હુકમ કાઢી મહિનાને બદલે પંદર દિવસમાં ચાલ્યા જવા જણાવ્યું.

પછી બીજો હુકમ મોઢેથી કાઢી જણાવ્યું કે, ‘વીરચંદનું નાસિક જેલનું ખર્ચ સરકાર માગે ત્યારે અમે વસૂલ લઈ શકીએ માટે તમારે અમારો પોલીસ પરવાનગી આપે તેટલી જ માલમિલકત લઈ જવી,’ બીજી તેમને કબજે સોંપી જવી.

મેં આખી વસ્તુસ્થિતિનું નિવેદન એજન્સીને મોકલ્યું અને દરબારના આ હુકમો ગાંધી-ઇરવીન સંધિની વિરુદ્ધ હોઈ રદ થવા જોઈએ એમ જણાવ્યું. આપશ્રીએ સંધિની આટલી સ્પષ્ટ વ્યાખ્યાઓ તે વખતે નહિ કરેલી તેથી કે ગમે તે કારણે એજન્સીએ તુરત સ્ટેટને લખ્યું અને ‘તાજેતરમાં એજન્સીએ બહાર પાડેલ હુકમોને આધારે’ એ શબ્દો સહિત અમારી સામેના બધા હુકમો પાછા ખેંચાયા.

હુકમો ખેંચાયા પણ કિન્નાખોરી વધી. લાગ રાખી સપડાવવાની વાત ઉચ્ચારાઈ.

તા. ૨૮મી મેના રોજ દરબારગઢ (જ્યાં દરબાર, ભાયાતો તથા બીજા મુસલમાનોનાં ઘર છે)માં એક મારા મિત્ર ભાયાતને ત્યાં હું બે મિત્રો સાથે રેંટિયા માટે એક લાકડાનો કકડો લેવા જતો હતો. દરવાજે પોલીસ બેઠા હતા તેમણે રોક્યો નહિ. પછી દરબાર સામા મળ્યા તેમણે અમે ક્યાં અને શા કામે જઈએ છીએ વગેરે પૂછ્યું. જવાબ આપી અમે આગળ વધ્યા. દરબારે પણ ‘ઠીક’ એમ કહેલું. ૨૫-૩૦ ડગલાં જવા દઈ એકદમ મને પાછો બોલાવ્યો. મેં પહેરેલ પોશાક — હિંદુસ્તાની સેવાદળ, વીલેપારલે યુથ ગાર્ડઝ, વગેરેનો યુનિફૉર્મ ડ્રેસ, નૅવી બ્લ્યુ અર્ધપાટલૂન અને પહેરણ, માથું ખુલ્લું — દરબારગઢને અપમાનજનક હતો, વગેરે જણાવી ગાળોના વરસાદ સાથે મને માર મારી જેલમાં બેસાડી દેવા પોલીસોને હુકમ કર્યો, મારનું વર્ણન નહિ કરું. ૮-૧૦ પોલીસોએ દશેક મિનિટ લગી અવિરત રીતે ઠંડો માર — જેનાં નિશાન ન રહે તેવા — આખા શરીર પર માર્યો. દરબારે જાતે જેલની કોટડીમાં આવી બે તમાચા માર્યાં અને બીજો માર ઉપર રહી મરાવ્યો. પછી જ મારો ખુલાસો પૂછ્યો. મેં કહ્યું કે હું સામાન્ય રીતે આજ પોશાક પહેરું છું. હું કાંઈ દરબારગઢને અપમાન કરવા માટે જ આ પહેરીને આવ્યો ન હતો કે મારો તેવો ઇરાદો પણ ન હતો, અને હું તો મારા મિત્રને ત્યાં જતો હતો. આ પછી મને એક કલાકે છોડી મૂક્યો. માર મારવાનું કારણ પોષાક તો કહેવાનું, પણ સાચુ કારણ હુકમો પાછા ખેંચવા પડ્યા તેની કિન્નાખારી.

મને પકડેલો ત્યારે ગામલોકોએ હડતાળ પાડી દીધેલી. વેપારી, ધંધાદારી અને ખેડૂતો સહુ જોડાયેલા — સર્વ કામકાજ બંધ હતું. દરબારે હડતાળ ખોલવાનું કહેતાં પ્રજાએ જવાખ આપ્યો કે, ‘આમ માર મારે ત્યાં અમારી સલામતી શી ? મહાસભાવાળા કહે તો જ ખોલીએ.’ હડતાળ પાંચ દિવસ ચાલી.

હું માંડળ દવાખાને સારવાર માટે ગયેલો. દરબારે સમાધાન માટે માણસો મોકલ્યા. પણ તે પહેલાં હું અમદાવાદ પહોંચેલો. દરબાર સમાધાન ઇચ્છે તો કરવા અને હડતાળ સંબંધી યોગ્ય કરી પ્રજાને રાહત આપવા અમદાવાદથી શ્રી. ભોગીલાલ લાલા તથા હરિપ્રસાદ મહેતાને બોલાવી લાવ્યા.

તેઓ તથા બીજા બે ભાઈઓ વણોદ ગયા. દરબારે સ્વેચ્છાએ મળવા બોલાવ્યા, પણ એક ભાઈનું માથું ઉઘાડું હોઈ તે બહાનું કાઢી મળવાની ના પાડી. તેઓ પાછા ફર્યાં અને લોકોને હડતાળ ખોલી નાંખવા સલાહ આપી.

દરબાર લોકોને વધુ સતાવવા લાગ્યા. એવામાં દરબારના નાના ભાઈ જે બહારગામ હતા તે આવ્યા. તેમણે મારી તથા પ્રચારાર્થે આવેલ ધોલેરા સંગ્રામના સૈનિક વ્રજલાલ શાહ તથા વિરમગામ અને સીતાપુરના ૧-૨ સદ્‌ગૃહસ્થો રૂબરૂ આ કૃત્ય બદલ લેખી દિલગીરી દર્શાવી (જેમાં પોલીસોએ માર મારવાની સ્પષ્ટ કબૂલાત છે.)

માર પડ્યા પછી હું માંડળ ગયેલો ત્યાંથી મેં ફરી વાર એજન્સીને આ સંબંધે બીજું નિવેદન મોકલેલું, તેમાં જણાવેલું કે દરબારની અત્યારની વલણ જોતાં અમારી સલામતી જોખમમાં છે. આ દિલગીરીપત્ર પહેલાંની વાત.

પણ દિલગીરી તો મગરનાં આંસુ જ હતાં. હું ત્યાંથી નીકળી અહીં મારા કાયમના કામકાજ પર આવતાં જ દરબારે નીચે મુજબ તાંડવ શરૂ કર્યું છે:

૧. સ્વયંસેવકોને જમાડવાના ગુના બદલ એક ખૂબ જ ગરીબ અને બચરવાળ માણસને નોકરીમાંથી રજા આપી છે.

૨. એક યુવાનને હદપારી ફરમાવી છે. તે ભાઈ મૂળ બ્રિટિશ રૈયત છે, પણ ૨૩ વર્ષોથી વણોદ રહેતા. તેમને સગાંવહાલાંમાં જતાં વણોદની હદ માર્ગમાં આવે છે.
૩. પોલીસો તથા બીજા દરબારીઓ લાઠીઓ લઈ ફરે છે, પ્રજાને ત્રાસ આપે છે.
૪. ન્યાયાધીશને અમારા કેટલાક પર ખોટા કેસો કરવા જણાવ્યું. તેમણે ના પાડતાં રાજીનામું માગ્યું, અને નવો માણસ શોધાય છે જે દરબારની ઇચ્છા પ્રમાણે કરી આપે.
પ. મને કાંઈ કરી નહિ શકવાથી ગામના બીજા આગેવાનો પર ખોટા કેસો કરી તેમને સંડોવવા તજવીજ ચાલે છે. દેશી રાજ્યોમાં ખોટા કેસો કેવી રીતે સાચા થાય છે અને પ્રજા કઈ રીતે પીડાય છે તે તો તેમાં રહેલા જ જાણી શકે. તેથી આગેવાન વેપારીઓ વગેરે હિજરત કરે છે.
૬. ૧૦-૧૨ કુટુંબો ભાવિ ત્રાસથી બચવા હિજરત કરી ગયાં છે. તેમનો ગુનો મારા પર થયેલ અત્યાચાર વખતે માત્ર હડતાળ પાડવાનો જ છે. આપશ્રી પકડાઓ કે પૂજ્ય મોતીલાલજીનું અવસાન થાય તોયે એ લોકો ડરના માર્યાં હડતાળ પાડતા ન હતા. આ વખતે અસહ્ય લાગવાથી જ પોતાની સલામતી ખાતર હડતાળ પાડેલી.
૭. આ કુટુંબોને વણોદમાં ઘરબાર, માલમિલકત છે, જરજમીન છે, તેમાંના વેપારીઓને ધીરધાર છે, એ બધાનું દરબારપાણી કરાવવાના. સ્થાવર મિલકત તો, અમારા પાપે ઘડાયેલ પંદરમી સદીના કાયદા મુજબ, રાજ્યને કબજે જ જવાની. રહી ઉઘરાણી, જે માટે ગામમાં જવું એ લોકોને માટે ખૂબ જ જોખમભર્યું છે.
૮. હું, મારો નાનો ભાઈ અને મારા પિતા — અમારા પર ખોટા કેસો કરી, ગમે તે ભોગે પ-૭ લાખ રૂપિયાની આ કુટુંબોની મિલકત છે તે ખલાસ થઈ જાય તોયે, અમને પકડી મંગાવી હેરાન કરવાનું છડેચોક બોલે છે.

૯. હું તો ઘણી વખત જાઉં છું, અને આટલો ચર્ચાયલો હોઈ મને તો કાંઈ કરતા નથી, કદાચ કરશેયે નહિ. પણ મારા નાના ભાઈ તથા પિતાની સ્થિતિ તદ્દન જોખમમાં છે જેમણે તેમના વેપાર બહાર કોઈ દિવસ ધ્યાન પણ આપ્યું નથી.
૧૦. હિજરત કરી જનારાં ૧૦-૧૨ કુટુંબોને વણોદમાં સ્થાવર મિલકત ખૂબ છે. માત્ર મકાનો જ વીસેક હુજાર રૂપિયાનાં ગણાય. જમીનો જુદી. માત્ર મારા કુટુંબને જ પાંચ હજારનાં મકાનો છે. આ બધું માત્ર એક મેં — અંગત જવાબદારીથી — સત્યાગ્રહની લડતમાં ભાગ લીધો તેને પરિણામે.
૧૧. ૩–૪ કુટુંબોની હાલત તદ્દન કફોડી છે.
કહો. આ સ્થિતિમાં મારે શું કરવું?”

આ કાગળ પ્રગટ કરીને હું એક નવી ઉપાધિ વહોરી લઉં છું, પણ છૂટકો નથી. આ કાગળ જોકે એક જ વ્યક્તિને વિષે છે છતાં તેમાં ઉઠાવેલા મુદ્દા સાર્વજનિક છે અને તેને વિષે મારો અભિપ્રાય માગ્યો છે. એ આપવાનો મારો ધર્મ છે. જો ધીરજ રાખે તો સત્યાગ્રહીની સામે એવો એક પણ અન્યાય નથી જેને સારુ તેની પાસે ઇલાજ ન હોય. આટલું યાદ રાખવાની જરૂર છે કે, સત્યાગ્રહમાં જેની ઉપર અન્યાય થાય છે તેનામાં જો મુદ્દલ શક્તિ ન હોય તો તે શક્તિ વિના અન્યાયની સામે થવાનું સાધન નથી. એ સત્યાગ્રહની મર્યાદા છે. સત્યાગ્રહનું કામ પદાર્થપાઠ આપી દુઃખીને દુઃખમાંથી મુક્તિ મેળવવા તૈયાર કરવાનું છે. જ્યાં સુધી તે તૈયાર ન થાય ત્યાં સુધી સત્યાગ્રહીને ધીરજ રાખવી પડે છે. એમાં જો સત્યાગ્રહની મર્યાદા છે તો તેની ખૂબી પણ છે. એટલે સત્યાગ્રહી કોઈનો વડીલ કે વાલી નથી બનતો. એ દુઃખીની સાથે દુઃખ ભાગવીને તેનો સાથી બને છે, ભાગીદાર બને છે.

હવે આપણે મુદ્દાઓ ઉપર આવીએ :

૧. દેશી રાજ્યની પ્રજા જો પોતાના રાજ્યમાં મહાસભાનો રચનાત્મક કાર્યક્રમ કરાવવા તૈયાર ન હોય તો અત્યારે બહારથી કોઈ જઈને સફળતાપૂર્વક ન જ કરી શકે. ત્યારે તો દેશી રાજ્યની પ્રજા કોઈ દિવસ જાગૃત થાય જ નહિ, એવી દલીલ કોઈ કરે એ બરોબર નથી. દુનિયાનો એવો નિયમ છે કે, એક વાતાવરણમાં કોઈ જગ્યાએ કંઈક શુભ કામ થતું હોય તો તેનો ચેપ આસપાસ લાગ્યા વિના રહેતો જ નથી. આવો અનુભવ થયા પછી ‘યથા પિંડે તથા બ્રહ્માંડે’ નામનું સૂત્ર જ્ઞાનીઓએ જગતને આપ્યું. જ્યાં પ્રજા દબાયેલી છે ત્યાં પ્રવેશ કરીને તેને જગાડવાનો યોગ કરવા જતાં તે વધારે મૂર્છામાં પડવાનો સંભવ છે. વળી એટલું યાદ રાખવું જોઈએ કે દરેક દેશી રાજ્યની પ્રજા તટસ્થ જગ્યાએ એટલે હિંદના બ્રિટિશ ભાગમાં આવ્યા કરે છે અને ત્યાંથી પોતાની શક્તિ અનુસાર નવી ભાવનાઓ પચાવે છે.

૨. દેશી રાજ્યમાંથી બ્રિટિશ હદમાં આવીને જેઓ સ્વરાજયજ્ઞમાં ઝંપલાવે છે તેઓ પોતાના રાજ્યમાંથી દેશનિકાલ થવાનું જોખમ ખેડે છે, એટલે માબાપનો વિયોગ સહન કરવાનું પણ જોખમ ખેડે છે. વળી જો માબાપ દીકરાના કામ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે તો તેઓએ પણ હદપાર થવા અને માલમતા ખોઈ બેસવા તૈયાર રહેવું જોઈએ. પ્રેમપંથ પાવકની જ્વાળા છે. તેમાં બળી મરવા જે તૈયાર ન હોય તેણે દૂર રહેવું જોઈએ. જે માબાપ દેશ અને માલમિલકતનો ત્યાગ કરવા તૈયાર ન હોય તેમણે સત્યાગ્રહી પુત્રનો ત્યાગ કરવા તૈયાર રહેવું જોઈએ. સૌએ એટલો વિશ્વાસ રાખવા જોઈએ કે સ્વરાજને અંતે જે માલમિલકત બચ્યાં હશે તે તેના મૂળ ધણી અથવા તેના વારસ ભોગવશે જ. દરબાર ગોપાળદાસ જાણે છે કે સ્વરાજ મળ્યે ઢસા એમના જ હાથમાં આવવાનું છે. દરમિયાન તેઓ મૂઠીભર માણસોના દરબાર મટીને લાખોના સેવક એટલે સાચા દરબાર થયા છે. શુદ્ધ સત્યાગ્રહી થોડું છોડીને ઘણું મેળવે છે.

૩. પણ દેશી રાજ્ય સામું યુદ્ધ દેવા આવે ત્યારે શું કરવું ? ઉપલી કલમમાં આપેલી મર્યાદા સચવાય ત્યાં આવો પ્રશ્ન ઊભો થતો જ નથી. પણ કદાચ થાય તો પડ્યું પાનું નિભાવી લેવું.

૪. દેશી રાજ્યના જુલમમાં એજન્સી વચમાં આવી શકે કે નહિ? જરૂર આવી શકે. મારી દૃષ્ટિએ સમાધાની દેશી રાજ્યને બંધનકર્તા નથી. એજન્સીની દૃષ્ટિએ તો હોવી જોઈએ. એટલે એજન્સી સાચી થાય તો તે ઘણુંયે કરી શકે. તેથી એજન્સીની પાસે દાદ માગવાનો દેશી રાજ્યની રૈયતને અધિકાર છે, અને એ માગે એ ઇષ્ટ છે. એજન્સીનું પાણી એમાંથી કળાઈ જશે.

૫. અંગ્રેજી હદમાં મહાસભા એક પગીનો બચાવ કરે ને દેશી રાજ્યમાં ભલે ગમે તેમ થાય પણ એને કંઈ જ નહિ ? એમ કંઈક છે ખરું. સૌએ પોતાની શક્તિનું માપ કાઢવું જોઈએ. શક્તિ વિના જે બોલે છે તે બકે છે. મહાસભાની ઇચ્છા તો ઘણુંયે કરવાની હોય, પણ જ્યાં શક્તિ ન હોય ત્યાં તે શાંત રહે છે. તેના શાંત રહેવાથી તે કોઈ વાર શક્તિ પણ મેળવે છે. પ્રાન્તિક સમિતિ ઉત્તર ન આપે એ ન બને. જાણીજોઈને ઉત્તર ન આપ્યો હોય તો તે અવિનય ગણાય એમ કબૂલ કરું છું.

હવે ખાસ વણોદને વિષે. જે જે આરેાપો ભાઈ વીરચંદે મૂક્યા છે તે વિષે મને કશીયે માહિતી નથી. તેની ઉપર વણોદ દરબારને શું કહેવાનું છે તે હું જાણતો નથી. એ આરોપો ખરા હોય તો દુઃખની વાત છે. વણોદ દરબાર તરફથી આનો કંઈ પણ ઉત્તર મળશે તો હું છાપીશ. જો સંતોષકારક ઉત્તર હશે તો હું રાજી થઈશ. જો વણોદ દરબારથી કે તેમના નોકરોથી ભૂલ થઈ હોય તો તેનો સ્વીકાર દરબારને શોભાવશે. મનુષ્યમાત્ર ભૂલને પાત્ર છે. એમાંથી રાજાઓ મુક્ત નથી થતા. બધી ફરિયાદ ખરી હોય તો ભાઈ વીરચંદે, તેમનાં માતાપિતાએ અને પ્રજાએ શું કરવું એ વિષે મારો અભિપ્રાય આપી ચૂક્યો છું. પ્રજા રિસાઈને હિજરત કરે તો રાજા નિરુપાય બને છે અને પ્રજા સાથે સમાધાની કર્યા વિના તેને ચાલતું નથી. હિજરત કરવાનો એક મનુષ્યને તેમ જ અનેકને એટલે પ્રજાને હંમેશાં અધિકાર છે અને ધીરજપૂર્વક,વિચારપૂર્વક, દૃઢતાપૂર્વક કરેલી હિજરત આજ લગી નિષ્ફળ નથી ગઈ.

નવજીવન, ૧૯–૭–૧૯૩૬