દેશી રાજ્યોનો પ્રશ્ન/કાઠિયાવાડ રાજકીય પરિષદ–૪
← દેશી રાજ્યો અને સત્યાગ્રહ | દેશી રાજ્યોનો પ્રશ્ન કાઠિયાવાડ રાજકીય પરિષદ મોહનદાસ કરમચંદ ગાંધી |
સત્યાગ્રહીની વરાળ → |
કાઠિયાવાડ રાજકીય પરિષદ
આ પરિષદે ભાવનગરમાં પોતાની ઉપર એક અંકુશ મૂક્યો હતો, તે એ કે એક રાજ્યની વિરુદ્ધ ટીકા બીજા રાજ્યમાં ન કરવી. આ અંકુશ તે વખતે કેટલાકને ખૂંચ્યો હતો, પણ મને કે કમને બધાએ કબૂલ રાખ્યો હતો. હવે તે અંકુશ કાઢી નાખવાની હિલચાલ ઊભી થવાના ભણકારા વાગી રહ્યા છે.
અંકુશ કાઢવાના પક્ષમાં દલીલ આ છે: અંકુશ મૂક્યો ત્યારે તે પ્રજાની નબળાઈ ને લીધે મુકાયો હતો, હવે જમાનો બદલાયો છે તેથી તે કાઢી નાખવો જોઈએ.
કાઠિયાવાડ રાજકીય પરિષદને અંકુશ કાઢવો હોય તો તેને તે કાઢવાનો પૂર્ણ અધિકાર છે. તે કાઢવા સારુ મને લાગે છે કે પરિષદ ભરાવી જોઈએ, અથવા તો કાર્યવાહક સમિતિએ પરિષદે કરેલો ઠરાવ કાયદા ઉપરવટ જઈ રદ કરવાનું જોખમ વહોરવું જોઈએ. જ્યારે પ્રજામત એવું પગલું માગે છે એમ કાર્યવાહકોને ચોખ્ખું લાગે ને તે તુરત ભરવાની આવશ્યકતા પણ તેટલી જ સ્પષ્ટ જણાય ત્યારે કાર્યવાહક સમિતિને તેમ કરવાનો ધર્મ પ્રાપ્ત થાય છે.
અહીં તો હું તે અંકુશની યોગ્યતા અયોગ્યતાનો જ વિચાર કરવા માગું છું. મને લાગે છે કે એ અંકુશ નબળાઈની નિશાની ન હતો, પણ વિનયની નિશાની હતો ને આજે છે. એ અંકુશમાં રાજાઓની પરિસ્થિતિની ઓળખ રહી છે ખરી. રાજાઓની પરિસ્થિતિ ઓળખવાનો પરિષદનો ધર્મ છે, તેમ તેની કાર્યદક્ષતા છે. એ અંકુશથી પરિષદને નુકસાન મુદ્દલ નથી, લાભ ઘણો છે.
અહિંસા અને સત્યને માર્ગે જનાર એ મર્યાદાનું સહેજે પાલન કરે. એટલે હું તો એટલે સુધી જાઉં છું કે, એ મર્યાદા કાઠિયાવાડ રાજકીય પરિષદનો ઠરાવ છે તેથી જ સત્યાગ્રહી તેનું પાલન નહિ કરે, પણ તે સ્વતંત્રપણે આવશ્યક છે તેથીયે કરે.
अ રાજ્યનાં દૂષણોની ટીકા ब રાજ્યમાં કરવી એ તેની નિંદા છે, તેમાં કાયરતા છે. अનાં દૂષણો તેના રાજ્યમાં જઈ ઉઘાડાં પાડવામાં વીરતા છે. अને અને बને મિત્રાચારી છે. તેથી જો बની હદમાં अની નિંદા થાય તો बની સ્થિતિ કફોડી થાય. સત્યાગ્રહી આમ કોઈ ને વગરકારણે કફોડી સ્થિતિમાં ન મૂકે. પણ अઅને ત્યાં જઈને તેની ટીકા કરવાનું ન બની શકે એવું હોય ત્યારે ક્યાંક તો ટીકા કરવાનું સ્થાન જોઈએ એમ કોઈ કહી શકે. આનો જવાબ તો સીધો જ છે. અંગ્રેજી રાજ્યના પેટામાં દેશી રાજ્યો રહ્યાં છે, એટલે અંગ્રેજી હદમાં પેટ ભરીને બધાં પેટારાજ્યોની ટીકા થઈ શકે છે અને થતી આવી છે.
એટલે આટલાં વર્ષના અનુભવે પણ મારા અભિપ્રાયને હું વળગી રહું : ભાવનગરમાં મુકાયેલો અંકુશ જેટલો આવશ્યક ત્યારે હતો તેટલો જ આજે છે. સત્યાગ્રહીને સારુ પરિષદમાં ને પરિષદ બહાર પણ તે બંધનકારક છે. જો યુગ બદલાયો હોય તો આજ આપણામાં તે તે રાજ્યમાં જવાની ને તેની પાસે સુધારા કરાવવાની શક્તિ હોવી જોઈએ. દૂષિત રાજ્યની બહાર તેની ટીકા કરવામાં શી વીરતા બતાવવાની હોય ?
- નવજીવન, ૮–૭–૧૯૩૧