લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/દેશી રાજ્યો અને સત્યાગ્રહ

વિકિસ્રોતમાંથી
← રાજા અને રંકનું દેશી રાજ્યોનો પ્રશ્ન
દેશી રાજ્યો અને સત્યાગ્રહ
મોહનદાસ કરમચંદ ગાંધી
કાઠિયાવાડ રાજકીય પરિષદ →







૩૩
દેશી રાજ્યો અને સત્યાગ્રહ

મારી સામે બે કાગળ પડ્યા છે. એક મારી ઉપર છે; બીજો ભાઈ કિશોરલાલે તેમની ઉપર આવ્યો છે તે મને જવાબ દેવા મોકલ્યો છે. મારી ઉપરનાનો સાર આ છે :

“अ માં સત્યાગ્રહ ચાલે છે તો તમે અટકાવો છો, ब માં કરનારને ઠપકો આપો છે, क માં થતા સત્યાગ્રહને મોળો પાડો છો ને ग માં સત્યાગ્રહ કરનાર નવા માણસને રજા આપો છો. આવી વિપરીત સ્થિતિમાં તમને પોતાને મૂકવાને બદલે હાલ સત્યાગ્રહ બંધ કરાવીને સૌને માત્ર ખાદીનું કામ કરતા થઈ જવા પ્રેરી સત્યાગ્રહની લાયકાત મેળવવાનું કાં નથી કહેતા ?”

ભાઈ કિશોરલાલની ઉપરનો લાંબો કાગળ ક્રોધથી ભરેલો છે :

“મહાસભાને દેશી રાજ્યોના અમે ઠીક મળ્યા છીએ ! લડાઈને વખતે માર ખાવામાં અમે, જેલ જવામાં અમે, હવે સુલેહ થઈ એટલે અમે કચરા બન્યા. અમારા કાગળો મંત્રી મહોદય કચરાની ટોપલીમાં નાખે. અમે વીરતા બતાવવા ઇચ્છીએ તો મહાસભાની સંધિને નુકસાન પહોંચે ! ભલે અમને દેશી રાજ્યો કચરી નાંખે. ફૂલચંદભાઈ જેવા મહાવીર પોતાની વીરતા બતાવે એટલે તેમનું તેજ હણી નાખવાના હુકમ નીકળે. આ તે ક્યાંનો ન્યાય ? આ કેવી સંધિ ! આમ સ્વરાજ લેવાશે ?”

આ લાંબા કાગળનો સાર મેં યાદ કરીને આપ્યો છે. ક્રોધ ક્ષંતવ્ય છે, કેમકે લખનારે દુઃખ સહન કર્યું છે, ને ક્રોધના આવેશમાં વસ્તુસ્થિતિ સમજવાનો પ્રયત્ન નથી કર્યો.

પહેલો કાગળ પ્રથમ લઉં. ચાર નોખી પરિસ્થિતિને અંગે વિરોધી લાગતા ચાર અભિપ્રાય મેં આપ્યા એ સાચી વાત છે. પણ સાચી રીતે એ અભિપ્રાયોમાં વિરોધ નથી. જીવનના પ્રયોગો રસાયણી પ્રયોગો જેવા હોય છે. રસાયણી પ્રયોગમાં એક જ દ્રવ્યના પ્રમાણનો ફેર પડતાં નોખી નોખી વસ્તુઓ પેદા થાય છે; તેમાં તલમાત્ર પણ નવું દ્રવ્ય મળતાં વળી નવી વસ્તુ પેદા થાય છે. તેમ જ જીવનમાં મનુષ્યના ભેદને લઈને, દેશકાળના ભેદને લઈને સ્થિતિ બદલાય છે, ને તેથી અભિપ્રાયો જુદા અપાય છે; જો એમ ન થાય તો જીવન બંધ થાય અથવા જડવત્ થઈ રહે. બધામાં જોવાનું એ હોય છે કે તે અભિપ્રાયો એક જ સિદ્ધાંતને અનુસરે છે કે નહિ.

જ્યાં સત્યાગ્રહ કરનારા મારી કેદમાં હતા, જ્યાં મારા નામનો ઉપયોગ થતો હતો, ત્યાં મારે તે તે સ્થિતિ જોઈને નોખા અભિપ્રાયો આપવા પડ્યા હતા ને તે બરોબર હતા. ચોથા દાખલામાં એ ભાઈએ સત્યાગ્રહની પ્રતિજ્ઞા લઈ લીધી હતી, કોઈ સંઘમાં તે ન હતા. તેમને પોતાની જ એકાકી શક્તિનો પ્રયોગ કરવાનો હતો. પ્રતિજ્ઞામાં ઉતાવળ હતી, બીજો દોષ ન હતો. ઉતાવળથી નુકસાન પહોંચે તો તેમને પોતાને જ પહોંચે એમ હતું. આવી સ્થિતિમાં મારા અભિપ્રાય માગવામાં આવ્યો, એટલે હું તે ભાઈની પ્રતિજ્ઞા તોડાવવાનું પાપ કેમ વહોરું? તેમને હતોત્સાહ કેમ કરું? તેમની પ્રતિજ્ઞા તપાસી, તે નીતિ વિરુદ્ધ છે કે નહિ એટલું જ કહેવાનો મને અધિકાર હતો. તેથી મેં અભિપ્રાય આપ્યો કે પ્રતિજ્ઞાના મૂળમાં દોષ નથી ને તે પ્રતિજ્ઞાનું પાલન કરવાનો તેનો ધર્મ છે.

નિયમ આ છે: જે સત્યાગ્રહની પ્રતિજ્ઞા અહિંસાની વિરોધી નથી ને જેનું નુકસાનકારક પરિણામ કેવળ પોતા ઉપર જ ઊતરવાનો સંભવ હોય તે પ્રતિજ્ઞાનું પાલન આવશ્યક છે; પછી ભલે પ્રતિજ્ઞા લેનારે આગળપાછળની ગણતરી ન કરી હોય, કોઈની સાથે મસલત ન કરી હોય ને પોતે એકલો જ ઝૂઝનાર હોય. એવા નનામા સત્યાગ્રહી વીરો તો જગતમાં અગણિત થઈ ગયા છે. તેમને સારુ કોઈ કીર્તિસ્તંભ નથી ચણતું, તેઓ ઇતિહાસને પાને નથી ચડતા, તેઓ અખબારને પાને પણ નથી ચડતા. તેમનાં નામ પ્રભુના ચોપડામાં ચડે છે; અને તેમના બળ ઉપર જગત ટકી રહ્યું છે. એમ આપણે ચોક્કસ માનીએ. એવાઓના કામમાં માથું મારનાર જ્ઞાની નથી, તે અંધકૂપમાં પડ્યો છે ને દોઢડહાપણ કરી પુરુષાર્થને અટકાવે છે.

આમ નિયમને લખી નાખતાં તે શોભી નીકળ્યો છે. પણ તેને વ્યવહારમાં મૂકતાં, સાથીઓને દોરતાં મને પ્રતિક્ષણ ધર્મસંકટ આવે છે, ને ‘નહિ ઝાડ ત્યાં એરંડો પ્રધાન’ એ ન્યાયે હું વધારે જાણનારની અવેજીમાં સાથી પ્રત્યે કાજીનું સ્થાન લઈ ફતવાઓ આપ્યે જાઉં છું. મારો અનુભવ એવો છે કે આ અભિપ્રાયોથી હજી લગી નથી નુકસાન થયું સાથીઓને કે નથી નુકસાન થયું પ્રજાને. બંને આગળ વધ્યાં છે. મારા અભિપ્રાયને અનુસરતાં સાથીઓને ઘણી વાર દુઃખ થયું છે, પણ તે દુઃખ છેવટના સુખને ખાતર હતું એમ તેમનામાંના ઘણા અનુભવી ચૂક્યા છે.

સરકાર અને મહાસભાની વચ્ચે થયેલી સંધિને દેશી રાજ્યો સાથે કશો સંબંધ નથી. દેશી રાજ્યોમાં લડાઈ ન હતી. સમાધાનીની એક પણ શરત દેશી રાજ્યોને લાગુ નથી પડતી. ઇચ્છે તો પણ દેશી રાજ્યોને બાંધવાનો સરકારને અખત્યાર ન હતો. એટલે તાત્ત્વિક દૃષ્ટિએ દેશી રાજ્યો અથવા રૈયતવર્ગ સમાધાનીથી કોઇ પણ પ્રકારે બંધાતાં નથી. તેથી દેશી રાજ્યો ઉપર જેમ સમાધાનીનો અંકુશ નથી તેમ રૈયત ઉપર પણ નથી. રૈયત સત્યાગ્રહ કરી શકે છે, સવિનય ભંગ કરી શકે છે.

પણ આવા હકનું હોવાપણું એક વાત છે, તેનો અમલ કરવો એ બીજી વાત છે. સત્યાગ્રહ કરવો ઉચિત છે કે નહિ, કરનારમાં યોગ્યતા છે કે નહિ, જેને વિષે કરવો છે તે વસ્તુ સત્યાગ્રહ કરવા જેવી છે કે નહિ, એ વિચાર તો પરિસ્થિતિ જોઈને જ થઈ શકે. અને જ્યારે સાથીઓ મારી સલાહ માગે ત્યારે મારે તેમને દોરવા પડે છે, અને ઘણી વાર તેમને સત્યાગ્રહ કરવાનો હક છે એમ કહેવાની સાથે જ કહેવું પડે છે કે તે કરવાનો સમય નથી અથવા પ્રસંગ નથી.

સામાન્ય રીતે મારા અભિપ્રાય મેં પૂર્વે બતાવ્યો છે તે આજે પણ છે. દેશી રાજ્યોની રૈયત જો અત્યારે વિનયથી કરાવાય તેટલા જ સુધારા કરાવી સંતુષ્ટ રહે, રચનાત્મક કામમાં ગૂંથાયેલી રહે તો ઇચ્છિત સ્થાન વહેલું મેળવે. અંગ્રેજી હકૂમત તળે રહેલું હિન્દુસ્તાન સ્વરાજ મેળવશે ત્યારે દેશી રાજ્યના ઘણા પ્રશ્નો એની મેળે ઉકેલાઈ જશે, એવો મારો દૃઢ વિશ્વાસ છે.

રચનાત્મક કામ કરનારા દેશી રાજ્યોમાં ઘણા થોડા મળી આવે છે એ શોચનીય છે. જેણે રચનાત્મક કામ નથી કરી જાણ્યું તેને સત્યાગ્રહનો પહેલા પાઠ પણ નથી આવડતો એમ કહેતાં મને સંકોચ નથી થતો. મારે મન રચનાત્મક કાર્ય એટલે રેંટિયો ને ખાદી, રચનાત્મક કાર્ય એટલે અસ્પૃશ્યતાનિવારણ, રચનાત્મક કાર્ય એટલે મદ્યપાનનિષેધ, રચનાત્મક કાર્ય એટલે હિંદુમુસલમાન વચ્ચે મૈત્રી. જે સેવાભાવથી, પ્રેમભાવથી ભીનો નથી તે સત્યાગ્રહ શું કરવાનો છે ? આવા સેવકોની સંખ્યા અંગ્રેજી હિન્દુસ્તાનમાં ઓછી છે, ને દેશી રાજ્યમાં તેના કરતાંયે ઓછી છે, એટલે ત્યાં સત્યાગ્રહ કરવાની સલાહ આપતાં મને સંકોચ થાય જ.

પણ મારી સલાહ માગવા કે તેને અનુસરવા જે બંધાયેલા નથી તેમને આ લેખ લાગુ પડતો જ નથી. જેના સ્વભાવમાં અહિંસા છે, જે સહેજે સત્યાગ્રહી છે, જેને રોમેરોમ સત્ય વ્યાપી રહ્યું છે, જે સેવાની મૂર્તિ છે તે જગદ્‌વંદ્ય છે. તેને મારી સલાહની જરૂર ન જ હોય, ને તેને તેની ઇચ્છા પ્રમાણે સત્યાગ્રહ કરવાનો અધિકાર છે એમ કહેવાપણું જ ન હોય.

પણ જે ક્રોધથી, મદથી ભર્યાં છે, જેનામાં અહંભાવની માત્રા સારી પેઠે છે અને આવેશને લીધે જેની મતિ ડહોળાઈ ગઈ છે તેમને હું અવશ્ય કહું, ‘ધીરજ રાખજો.’ અજાણપણે પણ અવિચાર્યું પગલું ભરશો તો તેનું પરિણામ કડવું આવશે જ, એટલું જ નહિ પણ અત્યારે થોડીઘણી મર્યાદા જળવાતી હશે તે પણ તૂટશે અને તે વેળા ભવિષ્યની પ્રજા જે કહેવાતા સત્યાગ્રહના ત્રાસથી પીડાતી હશે તે આપણને શાપ દેશે ને સત્યાગ્રહ વગોવાશે. તેથી પ્રત્યેક વિચારશીલ મનુષ્ય સત્યાગ્રહની મર્યાદા ઓળખી લેવી ઘટે છે. અથવા સત્યાગ્રહનું નામ મૂકી દો ને સ્વેચ્છાપૂર્વક વર્તો. જગત તમને ઓળખશે. પણ સત્યાગ્રહને નામે થતાં, પણ તેને ન છાજતાં, કામોથી તો જગત પણ વ્યાકુળ થાય, મૂંઝાય ને તેને પોતાની દિશા ન સૂઝે.

હવે રહ્યો બીજો કાગળ. તેનો ઘણો જવાબ તો ઉપર આવી ગયો. મહાસભાએ તો દેશી રાજ્યમાં દખલ દીધી જ નથી. મહાસભાએ દેશી રાજ્યમાં કોઈ ને સત્યાગ્રહ કરતાં રોક્યા નથી. જો રોકાણ થયું હોય તો તે મારી તરફથી જ થયું છે. થયું છે ત્યાં તે સકારણ થયું છે.

જેમણે ગઈ લડતમાં ભાગ લીધો તેમણે મહાસભા ઉપર કે કોઈ પરાયા પર ઉપકાર નથી કર્યો. ઉપકાર કર્યો કહી શકાય તો તે તેમણે પોતાની ઉપર જ કર્યો હતો. એ યુદ્ધમાં ભાગ લેવાનો બધા હિંદીનો ધર્મ હતો. સત્તાએ હિંદુસ્તાનના ચાર ભાગ કર્યાં છે : અંગ્રેજી, દેશી, પોર્ટુગીઝ, ફ્રેંચ. કુદરતે હિન્દુસ્તાનને એક જ બનાવ્યું છે. સત્તા ભલે આ મારું ને આ તારું એમ માને, પણ આપણે તો એક જ છીએ. તેમાંનું મુખ્ય અંગ જો સ્વતંત્ર થાય, સ્વરાજ મેળવે, તો બીજાં અંગ એની મેળે પુષ્ટ થાય. તેથી અત્યારે જો દેશી રાજ્યોમાંના અને બહારના આપણે બધા અંગ્રેજી વિભાગમાં બધી શક્તિનો ખર્ચ કરીએ ને સ્વરાજ મેળવીએ, તો દેશી રાજ્યમાં ઘણા સુધારા એની મેળે થઈ જ જાય. આથી ઊલટું, જો દેશી રાજ્યોમાં અનુચિત સત્યાગ્રહ કરીને પ્રજાશક્તિનો દુર્વ્યય કરીએ તો સ્વરાજ દૂર જાય.

નવજીવન, ૫–૭–૧૯૩૧