દેશી રાજ્યોનો પ્રશ્ન/રાજા અને રંકનું
← વિચારની અરાજકતા | દેશી રાજ્યોનો પ્રશ્ન રાજા અને રંકનું મોહનદાસ કરમચંદ ગાંધી |
દેશી રાજ્યો અને સત્યાગ્રહ → |
રાજા અને રંકનું
વીલેપારલામાં કાર્યકર્તાઓની સભા થઈ હતી તેમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો :
“તમે કહ્યા કરો છો કે તમારી કલ્પનાનું સ્વરાજ રાજા અને રંક બંનેને ન્યાય આપે, બંનેને રક્ષે, બંનેના હકો મેળવે. આમાં વિરોધ નથી આવતો? જુઓ, મજૂરો અને માલિક, ધનવાન અને તેનો દરવાન, બ્રાહ્મણ અને ભંગી, તવંગર ને ભિખારી, જ્યાં નજર નાખીએ ત્યાં દ્વંદ્વયુદ્ધ ચાલતું જોવામાં આવે છે, ‘છે’ અને ‘નથી’નો ઝગડો અનાદિ કાળનો લાગે છે. બીજાને દુઃખી કર્યાં વિના માણસ સુખી થઈ શકતો જ નથી એમ લાગે છે. આવી સ્થિતિ કુદરતે જ રચેલી લાગે છે. તમે કુદરતની સામે થવા ઇચ્છતા લાગો છો. આ હવામાં બાથ ભીડવા જેવું નથી લાગતું ?”
ટૂંકામાં પુછાયેલા પ્રશ્નને મેં જરા લંબાવ્યો છે, ભાવ બદલ્યો નથી. પ્રશ્ન સરસ છે તે ઘણાના મનમાં ઉઠતો હોવો જોઈએ. એ હવે વિચારીએ.
જો રામરાજ્ય જેવું આ જગતમાં કોઈ વેળા હતું તો પાછું તે સ્થપાવું જોઈએ. મારી માન્યતા છે કે રામરાજ્ય હતું. રામ એટલે પંચ; પંચ એટલે પરમેશ્વર; પંચ એટલે લોકમત. જ્યારે લોકમત બનાવટી નથી હોતો ત્યારે તે શુદ્ધ હોય છે. લોકમત ઉપર રચાયેલું રાજ્ય એટલે તે જગ્યાનું રામરાજ્ય આવું તંત્ર આપણે કોઈ કોઈ ઠેકાણે આજ પણ જોઈએ છીએ. કેટલાક જમીનદારો આજે પોતાની રૈયતની સાથે સાદાઈની હરીફાઈ કરી રહ્યા છે, ને તેમાં ઓતપ્રોત થવાનો પ્રયત્ન કરે છે. રાજા માત્ર લૂંટનારા જ છે એમ નથી. મારા ભ્રમણમાં મેં સારાનરસાને ભાળ્યા છે. માલિકમાત્ર હૃદયશૂન્ય નથી. ગરીબના રક્ષક મિત્ર તરીકે વર્તનાર ધનિકના ઘણા દાખલા મેં નથી જોયા એ ખરું છે. જે જોયા છે તેમાં પણ સુધારાને અવકાશ છે એ પણ મેં જોયું છે. આ અનુભવ જેને હું રાક્ષસી તંત્ર માનું તેમાં મળ્યા છે. પણ લંકામાં વિભીષણ અપવાદરૂપે હોય તેમાં શી નવાઈ ? જ્યાં એક છે ત્યાં અનેકની આશા જરૂર રખાય. અપવાદનો ગુણાકાર કરીએ એટલે અપવાદ એ સામાન્ય સ્થિતિનું રૂપ પકડે. આ તો મેં શું શક્ય છે એની વાત કરી. એટલેથી પ્રશ્નકારને સંતોષ ન થાય.
શક્યને હસ્તીમાં લાવવાનો પ્રયત્ન તે સત્યાગ્રહ. સત્ય એટલે ન્યાય. ન્યાયી તંત્ર એટલે સત્યયુગ અથવા સ્વરાજ, ધર્મરાજ, રામરાજ, લોકરાજ; આવા તંત્રમાં રાજા પ્રજાનો રક્ષક હોય, મિત્ર હોય. તેના જીવન વચ્ચે ને પ્રજાના રંકમાં રંક અંગ વચ્ચે આજનું આકાશપાતાળ જેટલું અંતર ન હોય. રાજાના મહેલ અને પ્રજાના ઝૂંપડાની વચ્ચે યોગ્ય સામ્ય હોય. બંનેની હાજતોની વસ્તુ વચ્ચે હોય તો નજીવો ભેદ હોય. રાજા અને પ્રજા બંનેને ચોખ્ખાં હવાપાણી હોય. પ્રજાને જરૂરિયાત પૂરતો ખોરાક મળે. રાજા પોતાના ખોરાકમાંથી છપ્પનભોગનો ત્યાગ કરી છ ભોગથી સંતાષ માને. રંક લાકડાના કે માટીના વાસણથી નિર્વાહ કરે તો રાજા પિત્તળાદિ ધાતુનાં વાસણ ભલે વાપરે. સોનારૂપાનાં વાસણો વાપરવાનો લોભ રાખનારા રાજા પ્રજાને લૂંટતા હોવા જોઈએ. રંકને જરૂર પડતાં કપડાં મળવાં જોઈએ. રાજા વધારે કપડાં ભલે રાખતો; પણ તેનાં કપડાં વચ્ચે ને રંકનાં કપડાં વચ્ચેનું અંતર દ્વેષ ઉત્પન્ન કરનારું ન હોવું જોઈએ. રાજાનાં ને રંકનાં બાળકો એક જ પ્રાથમિક શાળામાં ભણતાં હોય. રાજા પ્રજાનો મુરબ્બી થઈ ન રહે, પ્રજાનું કંઈ ભલું કરે તો પોતે ઉપકાર કર્યો છે એમ ન માને. ધર્મમાં ઉપકારને સ્થાન નથી. પ્રજાની સેવા કરવાનો રાજાનો ધર્મ છે. જે રાજાને વિષે કહ્યું તે બધા ધનવાનને લાગુ પડે છે. રાજાનો ધર્મ જેમ પ્રજાના રક્ષક અને મિત્ર તરીકે રહેવાનો છે, તેમ રંકનો ધર્મ રાજાનો દ્વેષ ન કરવાનો છે. રંકની રંકતા પોતાના દોષ, પોતાની ખામીને લીધે ઘણે ભાગે છે, એનું તેને ભાન હોવું જોઈએ. રંક પોતાની સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરતો છતાં રાજાનો દ્વેષ ન કરે, તેનો નાશ ન ઇચ્છે, તેનો સુધારો જ ઇચ્છે. રંક રાજા થવાની ધારણા ન કેળવે; પણ પોતાની હાજતો પૂરી પાડીને સંતુષ્ટ રહે. આમ બંને એકબીજાને મદદ કરતા રહે એ મારી કલ્પનાનું સ્વરાજ.
મારી દૃષ્ટિએ આ સ્વરાજ મેળવવા સારુ રાજા ને પ્રજા બંનેની કેળવણીમાં મહત્ત્વના ફેરફાર કરવાની જરૂર છે. લૂંટનાર ને લૂંટાનાર બંને અંધારામાં ભટકે છે. તે રસ્તો ભૂલ્યા છે. બેમાંથી એકેય સ્થિતિ સહન કરવા જેવી નથી. પણ રાજવર્ગ ને ધનિકવર્ગને આ વાત ઝટ ગળે ઊતરે નહિ. એકને ગળે ઊતરે તો બીજાને એની મેળે ઊતરે, એ નીતિને અનુસરીને મેં રંકની સેવા પસંદ કરી છે. બધા રાજા ન થઈ શકે, પણ બધામાં તો સૌ સમાઈ શકે. અને રંકને પોતાના હકનું ને તેની જ સાથે પોતાની ફરજનું ભાન થાય તો આજે સ્વરાજ છે. એ ભાન સત્યાગ્રહ વડે જેટલા વેગથી થાય છે તેટલા વેગથી બીજે કોઈ રસ્તે ન જ થઈ શકે. આ આપણે છેલ્લા બાર માસમાં પ્રત્યક્ષ અનુભવ્યું. એ સત્યાગ્રહમાં જેટલો મેલ પેસી ગયો હતો તેટલે અંશે આપણને સ્વરાજપ્રાપ્તિમાં વિઘ્ન આવ્યું છે.
સત્યાગ્રહ એ લોકકેળવણીનું ને લોકજાગૃતિનું મોટામાં મોટું સાધન છે. સત્યાગ્રહનો બીજો અર્થ આશુત્મદ્ધિ છે. રાજવર્ગને આત્મશુદ્ધિની વાત માત્ર થઈ શકે, તેની ઉપર અસર પહોંચતાં સમય જાય. રંકવર્ગ તો હૂંફ શોધ્યા જ કરે; તેને પોતાના દર્દનું ભાન તો છે જ, ઉપાયનું નથી. તેથી જે ઉપાય બતાવનાર મળી આવે તેના ઉપાય અજમાવે છે. આવી સ્થિતિમાં કોઈ સાચા સેવક તેને મળી જાય તો તેને તે છોડતા નથી તે યથાશક્તિ તેના ઉપાય સ્વીકારે છે. એટલે એક દૃષ્ટિએ રંકવર્ગ જિજ્ઞાસુ ગણાય. સ્વરાજપ્રાપ્તિ પણ તેની મારફતે થાય. એ પોતાની શક્તિ ઓળખે, તે ઓળખતાં છતાં તેનો મર્યાદિત ઉપયોગ જ કરે. આટલું થાય એટલે મારી કલ્પનાનું સ્વરાજ આવ્યું સમજવું. પ્રજા એવી શક્તિ પામ્યા પછી તેને રોકનાર પરતંત્ર અને સ્વતંત્ર બંનેની સામે તે સફળ મુકાબલો કરી શકે.
એથી કાર્યકર્તાઓનો ધર્મ કેવળ લોકસેવા છે. લોકસેવા સત્ય અને અહિંસાને માર્ગે જ થાય. તેમાં જેટલો મોલ આવે તેટલે અંશે લોકપ્રગતિ રોકાય.
દરમ્યાન રાજવર્ગ ને ધનિકવર્ગ જો યુગને ઓળખે તો પોતાની પાસે રહેલ દ્રવ્ય અને દ્રવ્યોપાર્જનશક્તિના માલિક મટી રક્ષક બને; અને રક્ષકને પણ પોતાની આજીવિકા મેળવવાનો અધિકાર છે એટલે તે દ્રવ્યનો મર્યાદિત ને જરૂરિયાત જેટલો જ ઉપયોગ કરે. આમ ન કરે તો છેવટે રાજા રંક ને તવંગર ભિખારી વચ્ચેનું ઝેરી દ્વંદ્વ ચાલવાનું જ. સત્યાગ્રહનો વેગ એ ઝેરને રોકશે એવી આશાએ મારા જેવા તે અસ્ત્રને સર્વાર્પણ કરી ચૂક્યા છે.
- નવજીવન, ૨૨–૩–૧૯૩૧