દેશી રાજ્યોનો પ્રશ્ન/વિચારની અરાજકતા
← ચક્રવર્તી અને માંડલિક | દેશી રાજ્યોનો પ્રશ્ન વિચારની અરાજકતા મોહનદાસ કરમચંદ ગાંધી |
રાજા અને રંકનું → |
વિચારની અરાજકતા
નિરંકુશ વિચારના હળવા નમૂના તરીકે નીચેનો કાગળ છાપું છું
“અત્યારના ઘનઘોર છવાયેલા વાતાવરણમાં પણ ઉત્સાહપૂર્વક કામ આગળ ધપી રહ્યું છે તે વખતે આપનાં ત્રણચાર ‘નવજીવન’ વાંચીને હું અતિ નિરાશ થયો છું.
દેશમાં અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે તે તરફ આંખ મીંચીને આજે તો આપ આપની અને આપના સાથીઓની મુસાફરીનાં વર્ણનો જ લખો છો. જેમ કોઈ સ્વાર્થી માણસ પોતાનો સ્વાર્થ સાધવાને માટે અથવા પોતાના જ વિચારો રજૂ કરવાને માટે, દેશની ચારે બાજુ ચાલતી પ્રવૃત્તિ તરફ આંખ મીંચીને મરજી પડે તેમ લખ્યે જાય, તેમ જ આજે ‘નવજીવન’નો દુરુપયોગ થઈ રહ્યો છે. હું ચોક્કસપણે માનું છું કે ખાદી અને ઐક્ય વિના સ્વરાજ નહિ મળે; અસ્પૃશ્યતાનિવારણની પણ જરૂર છે. પણ આજે તો ‘નવજીવન’માં વિવાહવિધિ, પુનર્લગ્ન, વૃદ્ધવિવાહ, ગુજરાતી કોશ, ગોસેવા, અને કોઈ વાર તો ફિલિસૂફીનો બહુ જ અતિરેક થાય છે. જો તે બધાં વિના સ્વરાજ ન જ મળવાનું હોય તો જરૂરી સ્વરાજ મળતાં સો વર્ષ લાગશે.
માત્ર ખાદી વેચાતી લેવાના જ કારણે ભોપાળના નવાબનાં વખાણ કરીને આપે ખાદીને દુનિયામાં અળખામણી કરી મૂકી છે, ગમે તેવો કુલાંગાર માણસ પણ જો આપના હાથમાંથી રૂ. ૨૦૦-૪૦૦ની ખાદી ખરીદ કરવાથી જ સારો ગણાતો હોય, તો હું કહું છું કે ખાદીનું નામનિશાન આ દુનિયામાંથી જેમ અને તેમ તરત ભૂંસાઈ જાય તો સારું, જેથી માણસને તેના અસલ સ્વરૂપમાં તો ઓળખી શકાય.
જતીન દાસ, ભગતસિંહ અને દત્ત આપને મન ભલે ગમે તેટલા ગુનેગાર હોય, તોપણ એ વીરાત્મા હતા અને છે. અને તેમના કાર્ય વિષે જે ખુલાસો બહાર પડ્યો છે તે જોતાં તેમનો હેતુ પવિત્ર દેખાય છે. તે બાબતમાં પણ ભલે મતભેદ હોય. પણ રાજકીય કેદીઓના હકને માટે તેઓ પોતાના પ્રાણ જે રીતે નિચોવી રહ્યા છે તે વિષે પણ એક અક્ષર ન લખવો એ તેમની હાંસી છે.
સાત કરોડ (શંકા છે) હરિજનો વિના રવરાજ મળવાનું ન હોય, તો સાત કરોડની દેશી રાજ્યોની પ્રજા વિના તો કદી સ્વરાજ મળવાનું નથી જ. અત્યારે તો હરિજનો કરતાં તેમની સ્થિતિ વધારે ખરાબ છે તેમાં કશી શંકા નથી. આજે કેટલા દેશી રાજાઓએ ખુલ્લી રીતે અને કેટલાએ છાની રીતે કેટલાં ખૂનો કર્યાં છે તે આપ જાણો છો ? આપ તો એમ જ સમજો છો કે દેશી રાજ્યની પ્રજા જેલથી ડરે છે. પણ હું ખાતરીથી કહું છું કે અમે જેલથી ડરતા નથી, મોતથી પણ ડરતા નથી. પણ અમારી આંખની સામે અમારાં નિર્દોષ પત્ની, બાળકો અને સગાંનો કચ્ચરઘાણ નીકળતો અમે જોઈ શકતા નથી. તેમનાં શિયળ ખંડિત થતાં જોઈ અમારે શું બેસી રહેવું? હું જાતે જૈન છું; અહિંસાનો (મારે મન) ઉપાસક છું; દેશી રાજ્યની જેલમાં જઈ આવ્યો છું અને હજી જવાને તૈયાર છું. પણ હું આપને શું કહું ? — એ કેટલા માણસોને દવામાં ઝેર આપીને મારી નાંખ્યા છે તે આપ જાણો છો ? આજે — ના એક માણસની સ્ત્રીને સત્તર વર્ષ થયાં ઉઠાવી જવામાં આવી છે. અત્યારે તે — ના રાજમહેલમાં છે. અને બીજી એવી તો ઘણીયે છે, રેસિડેન્ટને તે માણસે અરજી કરી. જવાબ મળ્યો : વીસ હજાર રૂપિયા લઈ તમે હાથ ઉઠાવી લો.
આવે પ્રસંગે પણ આપ અહિંસા રાખવાનું કહો તે કેવી રીતે રહી શકે? હું જૈન છું, છતાં હિંમત કરીને કહું છું કે એ માણસે અરજી કરવામાં જ ભૂલ કરી છે. તેણે તો — ના મહારાજાનું ખૂન જ કરવું જોઈતું હતું, અને એમ કરતાં આડે આવનાર એક લાખ માણસને પણ શક્તિ હોય તો મારી નાંખવામાં જરાયે પાપ નથી એમ હું માનું છું.
આ બધું કહેવાનો માત્ર એક જ હેતુ કે આપે અમુક મર્યાદા સ્વીકારવી જોઈએ; જેમકે ખાદી, ઐક્ય અને અસ્પૃશ્યતાનિવારણ. એ સિવાય બીજાં કોઈ પણ સામાજિક, ધાર્મિક, અને ખાસ જરૂર વગરનાં બધાં ક્ષેત્રોનો ત્યાગ કરી માત્ર એક રાજકીય ક્ષેત્ર વિષે જ લખવું જોઈએ ને કામ કરવું જોઈએ. એક માણસ બધાને રાજી રાખી શકશે નહિ, અને તેમ રાખવા જશે તો બધાનું બગાડશે. આપણે તો અત્યારે હિંદુસ્તાનની રાજકીચ સ્વતંત્રતા માટે જ લડીએ છીએ. એ પ્રધાન ઉદ્દેશને ધ્યાનમાં રાખીને જ કામ કરવું જોઈએ. ભોપાળના નવાબ વિષે તો આપને એટલું જ કહેવાનું કે તેમનાં વખાણ કરવામાં આપે ભૂલ કરી છે. કોઠારીજી જેવા માણસ મારફત ખાતરી કરશો. પ્રજાતંત્ર કરતાં પ્રભુથી ડરનારા રાજા અને પ્રજાનું રાજ્ય તો સારું એ વિષે કશી શંકા નથી. પણ અત્યારે રાજાઓનો યુગ આથમી ગયો છે. રાજાઓ ગમે તેટલા સારા હોય તોપણ તેમના સંબંધીઓ સારા ન હોય —બધો વખત ન રહે. એ હિસાબે પ્રજાતંત્ર સારું. ઇંગ્લંડના રાજા જેવાં શોભાનાં પૂતળાં જેવા ભલે તેઓ રહે.”
આવા અને આથી ખરાબ કાગળો મારી ઉપર ઠીક પ્રમાણમાં આવે છે. એવો જ ભાવ દર્શાવનારાં છાપાંની કાપલીઓ પણ મિત્રોએ મોકલી છે. જ્યારે માણસને વિચાર પ્રગટ કરવાની છૂટ મળે છે ત્યારે એવું બન્યા જ કરે છે. એ સૂચવે છે કે માણસ કેવા અવ્યવસ્થિત વિચારો કરી શકે છે. આ અવ્યવસ્થામાં વિચાર કરવાની મંદતા નજરે આવે છે. મંદતાને લીધે માણસની વિચારશ્રેણી સીધી ચાલવાને બદલે આડીતેડી ચાલે છે, ને સાંકળ બંધાઈ શકતી નથી. ઘણી વેળા આવું ક્રોધને લીધે પણ બને છે. ક્રોધનાં લક્ષણ દારૂ અને અફીણ બન્નેને મળતાં છે. પ્રથમ આવેશમાં શરાબીની જેમ ક્રોધી મનુષ્ય રાતોપીળો બને છે. પછી જો આવેશ ઊતરતાં ક્રોધ શમ્યો ન હોય તો તે અફીણની જેમ કામ કરે છે, ને માણસની બુદ્ધિને મંદ કરી મૂકે છે. અફીણની જેમ તે મગજને કોતરી ખાય છે. ક્રોધનાં લક્ષણ સંમોહ, સ્મૃતિભ્રંશ અને બુદ્ધિનાશ એમ ઉત્તરોત્તર ગણાયાં છે.
આ બધું મારી મતિ પ્રમાણે હું મજકૂર કાગળમાં જોઉં છું. લખનાર ભલા માણસ છે. પણ ક્રોધના આવેશમાં તે ‘નવજીવન’માં શું લખાયા કર્યું છે તે ભૂલી ગયેલ છે. સ્વરાજને જ ખાતર જીવનાર છાપામાં સમાજસુધારાના વિષયો આવી શકે કે નહિ એનો વિચાર કરવા તે એકાએક અસમર્થ બની ગયેલ છે.
સ્વરાજનો અર્થ જ પત્ર લખનાર બહુ સાંકડો કરી નાંખે છે. અંગ્રેજના હાથમાંથી અમુક હિંદીના હાથમાં સત્તા જવી એટલે સ્વરાજ એમ આ ભાઈ માનતા જણાય છે. મારે મન સ્વરાજ એટલે ત્રીસે કરોડના હાથમાં રહેલી મર્યાદાપૂર્ણ સત્તા. આવી સત્તા જ્યાં હોય ત્યાં એક બાળા પણ પોતાને સુરક્ષિત માને; કવિની કલ્પના સાચી હોય તો કૂતરાં ઇત્યાદિ મનુષ્યેતર પ્રાણી, જે મનુષ્યના સબંધમાં વસનારાં છે, તે પણ પોતાને સુરક્ષિત માને. આવા સ્વરાજને અંગે અનેક પ્રકારના તાત્ત્વિક નિર્ણયો આપણે કરવાના રહે. કેમકે સ્વરાજમાં નિર્ણયો સત્તાધિકારીની ઇચ્છાને અધીન ન હોય, પણ ન્યાયને, સત્યને અધીન હોય. આવા સ્વરાજને મેં સંક્ષેપમાં રામરાજ્ય કહ્યું છે. એનો મુસલમાન ઇત્યાદિ અનર્થ કરે તેથી તેને હું ધર્મરાજ્ય પણ કહું છું. અહીં રાજાને સ્થાન છે. પણ રાજા એટલે રક્ષક, વાલી, ટ્રસ્ટી; રાજા એટલે સર્વશ્રેષ્ઠ સેવક, દાસાનુદાસ. સ્વરાજનો રાજા પ્રજાનું અવશેષ ખાનાર છે; એટલે પ્રજાને સુવાડીને સૂએ, ખવડાવીને ખાય, જિવાડીને જીવે. આવા રાજા સદા જીવો. એવા રાજા આ યુગમાં ન પાકે તો રાજા નામનો નાશ જ છે એ વિષે મને શંકા નથી.
ભોપાળના રાજા કે બીજામાં આજે એવાં કંઈ લક્ષણ છે કે નહિ તેની સાથે મારે સબંધ નથી. આ પ્રશ્નની જાગૃતિના યુગમાં કેવા રાજા નભી શકે એ મેં તો જણાવી દીધું.
ભોપાળના રાજાની મારી સ્તુતિ મર્યાદિત છે, મારી સ્તુતિ વિષે છાપાંમાં જે રિપોર્ટો આવ્યા છે તે મેં હજુ લગી વાંચ્યા નથી, વાંચવાની ઇચ્છા સરખી પણ નથી. મને અનુભવ થઈ ચૂક્યો છે કે છાપાંમાં મારાં કે બીજાનાં ભાષણોના શુદ્ધ રિપોર્ટો ભાગ્યે જ આવે છે. છાપાંના મારે વિષેના રિપોર્ટો હું માનું તો આજે તો મારે માનવું રહ્યું કે મને ત્રણેક માસ ઉપર ચકરી આવી હતી. પણ છાપાંના રિપોર્ટોથી મારો ને મારા સાથીઓનો અનુભવ જુદો જ છે. તેથી મેં બધાને ચેતવણી આપી છે ને ફરી આપું છું કે મારા બોલ વિષે મેં જે ‘યંગ ઇંડિયા’માં કે ‘નવજીવન’માં લખ્યું હોય તે જ સાચું માનવું. બાકીને સારુ મને જવાબદાર ન ગણવો જોઈએ. ભોપાળના નવાબ સાહેબની જે સ્તુતિ મેં કર્યાંનું લખ્યું છે તેને હજુ હું અક્ષરશઃ વળગી રહું છું. તેમના ‘મહેલ’ની સાદાઈએ મને હજરત ઉમરની સાદાઈનું સ્મરણ કરાવ્યું. આનો અર્થ એવો કોઈ ન કરે કે ભોપાળના મહેલની સાદાઈ આ મહાન ખલીફાના ઝૂંપડાની સાદાઈનો મુકાબલો કરી શકે. એનો અર્થ માત્ર એટલો કે જ્યાં લાખોનો નવો શણગારેલો મહેલ જોવાની મને બીક લાગતી હતી ત્યાં મેં સામાન્ય ધનિક માણુસની મેડીના જેવું પણ કંઈ ન જોયું. આપણા અમદાવાદના કેટલાક કરોડપતિઓના મહેલો તો નવાબ સાહેબના મહેલના મુકાબલામાં સોગણા ચડી જાય. આવી મને રુચતી મકાનની સાદાઈ જોતાં એટલુંયે કહેવું દેશી રાજ્યની રાજનીતિના વિચારકો ને ટીકાકારો ન સાંખી શકે તો એ અસહિષ્ણુતાની હદ આવી ગણાય.
કોઈ મારી પાસેથી બસેંચારસેંની ખાદી લે તો હું તેને પ્રમાણપત્ર આપી દઉં એવો ભેાળો કે ભલો મને કોઈ ન માની લે. ખાદી પહેરીને છેતરનારા, ખાદી ખરીદીને મારી પાસેથી બીજું કામ લેવા ઇચ્છનારાને હું ઘણે ભાગે તારવી શકું છું. કેટલીકવાર હું છેતરાવું પસંદ કરું છું; કેટલીક વાર મારી મૂર્ખતા — કહો કે અપૂર્ણતા — ને લીધે પણ છેતરાઉં છું.
રાજાઓ ઝેર પાઈને લોકોને મારી નાંખે છે વગેરે આક્ષેપોમાં ઘણી અતિશયોક્તિ છે. લખનારે આ આક્ષેપો વગરપુરાવે કરેલા છે. નવરા માણસો ગમે તે ગપ્પાંને માની લે છે, આ ભાઈસાહેબે કંઈક એવું કરેલું છે. જો તેમની પાસે ઝેર દઈ મારી નાંખનાર રાજાનો સજ્જડ પુરાવો હોય તો તે મારી પાસે મોકલે, સાંભળેલું પુરાવામાં નહિ ગણાય. મારા લખાણના આ ભાગનો વાંચનાર ઊંધો અર્થ ન કરે. કોઈ દેશી રાજા કોઈને અન્યાયપૂર્વક નથી મારી નાંખતા એમ કહેવાનો મારો આશય મુદ્દલ નથી. દેશી રાજાઓને હાથે ખૂનો થયેલાં હું જાણું છું. દેશી રાજ્યોમાં પેસી ગયેલા સડાને વિષે હું અણવાકેફગાર નથી. એ સડાઓને જાણતો છતાં હું માનનારો છું કે તેઓ સુધરી શકે અને અંકુશમાં આવી શકે એવા છે. મારો આ વિશ્વાસ માણસજાત ઉપરના મારા વિશ્વાસ ઉપર રચાયેલો છે. દેશી રાજાઓ હિંદુસ્તાનના વાતાવરણનું ફળ છે. તેમનું હાડ આપણા જેવું છે, તેમની હાજતો આપણા જેવી છે, તેમનામાં આપણા જ ગુણદોષો ભરેલા છે. આપણે આપણામાં વિશ્વાસ રાખીએ તો તેમનામાં પણ રાખીએ. સત્યાગ્રહનું આખું શાસ્ત્ર પ્રાણીમાત્રના વિશ્વાસ ઉપર રચાયેલું છે. એ રચના ભલે છેવટે ખોટી નીવડે. પણ જેનો સત્યાગ્રહમાં વિશ્વાસ છે તે, રાજા માત્ર નકામા છે અથવા રાજ્યસંસ્થા સુધરી જ ન શકે એવું કદી નહિ કહે. સત્યાગ્રહને અંગે રહેલી એક બીજી માન્યતા પણ નોંધવા યોગ્ય છે. સત્યાગ્રહી માને છે કે પાપમાં સ્વતંત્રપણે નભવાની શક્તિ જ નથી. પાપને પુણ્યનો આધાર જોઈએ જ. એટલે કે નઠારું સારાને આધારે જ નભે છે. આ બરોબર હોય તો દેશી રાજ્યો નાશ પામવા યોગ્ય હશે તો તેમના નાશ તેમની મેળે થશે — જો આપણે તેમને ખરાબ માનવા છતાં મદદ નહિ કરતા હોઈએ તો. આ વિચારશ્રેણીમાંથી અસહકારની ઉત્પત્તિ છે. જેઓ દેશી રાજ્યોને નઠારાં જાણવા માનવા છતાં તેમની નોકરી કરે છે તે તેમને નિભાવે છે. જેઓ દેશી રાજ્યોને નઠારાં સમજી નઠારી રીતે તેમનો નાશ કરવા મથે છે તેઓ પણ તેમને મદદ કરે છે. દુષ્ટતાનો નાશ દુષ્ટતાથી કદી થયો નથી. પણ મારા જેવા, જેઓ ભલે ભૂલથી છતાં શુદ્ધ ભાવથી તેમનામાં સારું જોઈ તેમની તેટલા પૂરતી સ્તુતિ કરે છે, તે કાં તો તે વડે તેને સુધારે છે, અથવા તે વડે તે સત્યાગ્રહ અથવા અસહકાર કરવાનો અધિકાર સાધે છે.
સ્વ. જતીંદ્ર દાસના બલિદાન વિષે મેં મૌન સેવ્યું છે તેની ઉપર પત્ર લખનારે કટાક્ષ કર્યો છે. એ વિષે ‘નવજીવન’માં નોંખું લખાયું છે એટલે અહીં તેનો ફરી ઉલ્લેખ નથી કરતો.
હવે રહી લેખકની ખાતરીની વાત. તે લખે છે: “આપ તો એમ જ સમજો છો કે દેશી રાજ્યની પ્રજા જેલથી ડરે છે. પણ હું ખાતરીથી કહું છું કે અમે જેલથી ડરતા નથી, મોતથી પણ ડરતા નથી.” દિલગીરીની સાથે મારે લખવું પડે છે કે આ ખાતરીની મારી આગળ કિંમત બહુ ઓછી છે, અથવા નહિ જેવી છે. હું માનું છું કે દેશી રાજ્યોની રૈયતમાંથી આંગળીના વેઢા ઉપર ભાગ્યે ગણી શકાય એટલા માણસો જેલ જવાને તૈયાર નીકળશે. મોતની વાત જ શી ? જે જુલમ દેશી રાજ્યોમાં થાય છે તે જો રૈયતવર્ગ બીકણ ન હોત અને જેલ ઇત્યાદિનાં દુઃખ વેઠવા તૈયાર હોત તો અસંભવિત હોત. લખનાર યાદ રાખે કે દેશી રાજ્યમાં કે અંગ્રેજી રાજ્યમાં જેલ જનારાને કોઈ રોકતું નથી. સ્વાર્થત્યાગ અને બલિદાન કરવાની શક્તિ જ્યારે દેશમાં વ્યાપક થશે ત્યારે સડામાત્ર નાશ પામશે.
- નવજીવન, ૨૦–૧૦–૧૯૨૯