દેશી રાજ્યોનો પ્રશ્ન/ચક્રવર્તી અને માંડલિક

વિકિસ્રોતમાંથી
← મોરબી પરિષદમાં ગાંધીજી દેશી રાજ્યોનો પ્રશ્ન
ચક્રવર્તી અને માંડલિક
મોહનદાસ કરમચંદ ગાંધી
વિચારની અરાજકતા →







૩૦
ચક્રવર્તી
અને માંડલિક

ભાઈ કકલભાઈ કોઠારીએ કેટલાક પ્રશ્નો પૂછ્યા છે તે તેના જવાબ સાથે નીચે આપું છું :

૧. “મોરબીમાં આપે બે વાત કહી : ‘(૧) બ્રિટિશ સલ્તનતનો હું નાશ ઇચ્છું છું; (૨) દેશી રાજ્યોમાં હજી સુધારાને અવકાશ છે એમ હું માનું છું.’

આને અંગે નીચેના પ્રશ્નો ઊઠે છે:

દેશી રાજ્યો બ્રિટિશ સલ્તનતની જેમ નાશને યોગ્ય ઠરે તે માટે દેશી રાજ્યોના સડામાં હજી કયાં તત્ત્વો ઉમેરાવાં જરૂરી છે ? હજી શું બાકી રહ્યું છે ? બ્રિટિશ સલ્તનતને નાશને પાત્ર ઠરાવનારું બ્રિટિશ સલ્તનતમાં જે છે અને દેશી રાજ્યમાં જે નથી તેવું શું છે?”

દેશી રાજ્યો ઉપરથી બ્રિટિશ રાજ્યનું છત્ર ઊડવું બાકી રહ્યું છે. ઇતિહાસ એમ શીખવે છે કે ચક્રવર્તીના પડવા પછી તેની છાયામાં નભતાં માંડલિક રાજ્યો જેમનાં તેમ નભતાં નથી. તે માંહોમાંહે વઢી કેટલાંક નાશ પામે છે, કેટલાંક સબળ થાય છે. જો ચક્રવર્તી દુષ્ટ હોય છે તો તેના નાશ પછી માંડલિકમાંનાં બાકી રહેનારાં કેટલાંક સુધરે છે. આપણે ત્યાં તો કલ્પના એવી છે કે ચક્રવર્તીની ગાદી બ્રિટિશ હિંદુસ્તાન લેશે, એટલે કે તેનામાં એટલું બળ હશે કે બટલર કમિટીના રિપોર્ટ છતાંયે જો બ્રિટિશ હિંદુસ્તાન ખરું સ્વરાજ પામશે તો દેશી રાજ્યોએ તેને મને કમને અનુસરવું પડશે.

૨. “દેશી રાજ્યોવાળાઓને ઘણાને એમ લાગે છે કે બ્રિટિશ હિન્દને મુકાબલે દેશી રાજ્યોનો સડો અને સિતમ અનેકગણો વધારે અને અમર્યાદ છે. જો આપ બ્રિટિશ રાજ્યનો નાશ કરવા ઇચ્છતા હો, તો તો આપે દેશી રાજ્યોનો તો વહેલો નાશ ઇચ્છવો જોઈએ. આપ દેશી રાજ્યોના રાજાઓના ઘણા જુલમો અને સ્વેચ્છાચારોની વાતો નથી જાણી શકતા, તેથી આપને દેશી રાજ્યોની આજની સ્થિતિ સામે જોઈએ તેટલો રોષ નહિ થતો હોય. આ વાત બરાબર છે ”

મને લાગે છે કે દેશી રાજ્યોના સડા સારી પેઠે જાણું છું. પૂર્વે તેઓ ગમે તે કરી શક્યા હોય, આજે તો તેઓ પોતાના સડાને કેવળ ચક્રવર્તીની છાયા નીચે સેવી રહ્યા છે. સરદારની હયાતી છતાં ગુલામના દોષોને નોખા ગણાવી શકાય નહિ. ભાઈ કકલભાઈ પોતે દેશી રાજ્યોના સડાને જાણે છે તેના કરતાં સામ્રાજ્ય વધારે જાણે છે એમ ખચીત વિશ્વાસ રાખે. કકલભાઈ બે આંખે જુએ છે, સામ્રાજ્ય હજાર આંખે જુએ છે. એમ છતાં દેશી રાજ્યોના સડા તે સહન કરે છે એટલે તે તેણે પોતે કર્યા બરાબર છે. આ પ્રસિદ્ધ વાત છે કે જે કુકર્મ કરવાની સામ્રાજ્યને શરમ કે બીક લાગે છે તે તે દેશી રાજ્યો મારફત કરાવે છે. કાયદો કહે છે કે એલચીએ કે ગુમાસ્તાએ કરેલા કામને સારુ મુખી કે શેઠે જવાબદાર છે. ઉદ્યોગમંદિરને કોઈ કંઈ ચોરે ને હું તે સાંખી લઉં એટલે તે પાપ મેં કર્યા બરાબર છે.

૩. “બીજા પ્રશ્નના જામમાં આપ કદાચ એમ કહો કે બ્રિટિશ સલ્તનત હયાત છે માટે જ, તેના આશ્રય નીચે જ, દેશી રાજ્યોમાં આ બધું સંભવે છે; તેથી બ્રિટિશ સલ્તનતનો નાશ થાય, એટલે આપોઆપ દેશી રાજ્યોનો રસ્તો થઈ જશે. આપનું આમ કહેવું થતું હોય તો એક સવાલ પૂછવો રહે છે. બ્રિટિશ સલ્તનતની ઓથ ન હોય તો મધ્યકાલની સાથે જે જવાં સરજાયાં હતાં, અને જેની રચના જ એવી છે કે જેના પરિણામે રાજાની અનિયંત્રિત આપખુદીનો જ કોરડો ફરે, તે આ દેશી રાજ્યોનો સડો આજે જરાયે ઓછો હોત ખરો ? ભૂતકાળમાં જ્યાં ઇતિહાસમાં આવાં રાજ્યતંત્રો નોંધાયાં છે ત્યાં તેના અનિવાર્ય પરિણામ તરીકે આવા જ સ્વેચ્છાચાર અને સિતમ નોંધાયા છે, એટલે એવાં તંત્રોનો એ જીવનસ્વભાવ છે. એટલે કે બ્રિટિશ સલ્તનતની ઓથ હોય કે ન હોય, તોપણ દેશી રાજ્યમાં એ જ સ્થિતિ સંભવે. આ વિચારણા બરાબર છે ? જો બરાબર હોય તો બ્રિટિશ સલ્તનતથી સ્વતંત્ર રીતે દેશી રાજ્યોના નાશનો ‘કેસ’ તૈયાર નથી થતો ? અને બ્રિટિશ સલ્તનત વચમાં ન હોય તો પ્રજાએ તેમનો કે દિવસનો નાશ કર્યો હોય એમ ન બનત? આ સદીમાં ઓછામાં ઓછાં દશ રાજવી તંત્રોનો નાશ થયો, તેમ આનો પણ ન થાત?”

આ પ્રશ્નમાં પ્રશ્નકારે જ કેટલોક જવાબ આપી દીધો છે. પૂર્વની સ્થિતિના જેવી જ ભવિષ્યમાં થવાનો સંભવ નથી, કેમકે આસપાસના સંજોગો બદલાયા છે. ઇતિહાસને પાને ચડેલાં બધાં સ્વતંત્ર રાજ્યો ખરાબ જ હતાં એવું નથી. બધી પ્રજાના ઇતિહાસમાં રામ જેવા ને રાવણ જેવા થઈ ગયેલા જોવામાં આવે છે. આજે આપણો અનુભવ પણ કહે છે કે બધાં દેશી રાજ્યો એકસરખાં ખરાબ નથી. કેટલાંક તો બહુ સારાં છે, તે જો તેમની ઉપર ભૂંડું સામ્રાજ્ય ન હોય તો તેઓ બહુ વધારે સારાં થાય. જો સામ્રાજ્યની હયાતી ન હોત તો હાલનાં જે સડેલાં રાજ્યો છે તેની હસ્તી જ ન હોત, અથવા તેની અંધાધૂંધીમાં ભરતીઓટ થયા કરત. આજે ઊંચે જવામાં રુકાવટો રહેલી છે, નીચે જવાને સારુ સામ્રાજ્યની છત્રછાયામાં અડચણ આવતી જ નથી.

૪. “બ્રિટિશ સલ્તનત એટલે ટૂંકામાં ‘ઇમ્પિરિયલિઝમ વત્તા કૅપિટલિઝમ;’ ત્યારે દેશી રાજ્ય એટલે એ બે ઉપરાંત ‘ફ્યુડલિઝમ’; એટલે દેશી રાજ્ય તો એ રીતે વધારે નાશપાત્ર ઠર્યાં. આ બરાબર છે? આ યુગમાં ‘ફ્યુડલિઝમ’ ને કોઈ પણ સ્વરૂપમાં સ્થાન નથી એમ તો આપ માનો છો જ ને ? રાજાનો ગમે તેવો નાલાયક છોકરો, તે રાજાનો છોકરો છે માટે જ, રાજા થાય એ પ્રકારની વારસાહક્કવાળી રાજની સંસ્થા જવી જ જોઈએ છે એમ તો આપ માનો છો ને ?”

આ પ્રશ્નનો જવાબ પ્રશ્નકાર માને છે એટલો સહેલો નથી. ‘ફ્યુડલિઝમ’ એટલે શું એ હું પૂરું જાણતો નથી, પ્રશ્નકાર પૂરું હું જાણવાનો દાવો કરે તો હું તે કબૂલ રાખવા તૈયાર નથી. ‘ફ્યુડલિઝમ’માં ‘ઇમ્પિરિયલિઝમ’ ને ‘કૅપિટલિઝમ્‌’ આવી જાય છે. એમ માનવા પણ હું તૈયાર નથી. ‘ફ્યુડલિઝમ’માં બધું ખરાબ જ હતું તે પ્રજાસત્તાક રાજ્ય એટલે સ્વચ્છતાની પરિસીમા, એવું કંઈ છે જ નહિ. અત્યારે તો ચાક ઉપર બધા ચડ્યા છે. તેમાં કોણ ગાગર ઊતરશે ને કોણ ઘડો એ તો જોવાનું છે. જન્મના વારસો બધા નાપાક નથી; નિમાયેલા વારસો બધા નીતિના અવતાર નથી હોતા. પોપમાં પણ સારા નરસા જોવામાં આવે છે; શંકરાચાર્યોમાં હીરા ને કોયલા ભર્યા છે; અમેરિકાના ‘પ્રેસિડંટ’ બધા સોનાનાં જ પૂતળાં નથી અનુભવ્યા, કોઈ માટીનાં પણ નીવડ્યા છે.

૫. “છેલ્લું, બ્રિટિશ સલ્તનતમાં સુધારાને અવકાશ નહિ એટલે નાશને પાત્ર, દેશી રાજ્યમાં સુધારાને અવકાશ એટલે નાશને પાત્ર નહિ, આ પ્રકારનું આપનું કહેવું હોય એમ લાગે છે. ત્યારે સુધારાને અવકાશવાળું રાજ્ય આપ કોને કહો અને સુધારાને અવકાશ ન હોય એવું રાજ્ય આપ કોને કહો ? એ પરત્વે આપનાં નિર્ણાયક ધોરણો અને સિદ્ધાન્તો સમજાવો તો અમારા જેવાને સમજ પડે.”

બ્રિટિશ સલ્તનત એ મનુષ્ય નથી, પદ્ધતિ છે. જે પદ્ધતિથી એ ચાલે છે તે પદ્ધતિથી હિન્દુસ્તાન પાયમાલ થયું છે, વધારે થતું જાય છે. તેથી એ પદ્ધતિનો હું નાશ ઇચ્છું; હું તો શું, લગભગ આપણે બધા ઇચ્છીએ છીએ. દેશી રાજ્યો એટલે વ્યક્તિઓ. મનુષ્યમાત્રમાં સુધારાને અવકાશ છે, એટલે દેશી રાજાઓમાં પણ છે. જો તેમના સ્વેચ્છાચારને ટકાવનારું સામ્રાજ્ય ન હોય તો દેશી રાજાઓની પાસેથી ઘણા હકો આજે તે તે રાજ્યોની પ્રજા મેળવી શકી હોત. દેશી રાજ્યો નાનકડાં હોઈ તેમનામાં સુધારા જેટલી સહેલાઈથી થઈ શકે તેટલી સહેલાઈથી મોટા રાજ્યમાં ન થઈ શકે એ દેખીતું છે. તેથી મોટાં રાજ્યો ભાંગી નાંખી નાનકડાં કરવાં એમ હું નથી સૂચવવા માગતો, પણ નાનાં રાજ્યોના નાનપણનો લાભ બતાવી રહ્યો છું. કેટલાક પ્રયોગો બ્રિટિશ હિન્દુસ્તાન સહેલાઈથી ન કરી શકે તે દેશી રાજ્યો સુખેથી કરી શકે. જેમકે મદ્યપાનનિષેધ, જમીનમહેસૂલનો સુધારો, ‘હિન્દુ લૉ’ના આવશ્યક સુધારા, સામાજિક સુધારા, નાની બૅંકોના પ્રયોગ, પ્રજાની — વ્યક્તિની નહિ — માલિકીનાં દુગ્ધાલયો ઇત્યાદિ અનેક વસ્તુઓ દેશી રાજ્યોમાં આજે થઈ શકે — જો સામ્રાજ્ય સવળું હોય તો. મારી તો અવશ્ય માન્યતા છે કે દેશી રાજ્યોમાં એટલે રાજાઓમાં અનંતગણો અવકાશ ઊંચે જવાને સારું છે. અને રાજાનો જ દોષ શો કાઢવો? પ્રજાનો કાં જરાયે નહિ ? એટલે આ જવાબોને પૂરતો પ્રજાનો અર્થ મુત્સદ્દીવર્ગ. એ વર્ગમાં કંઈક વીરતા આવે, ખુશામતખોરી મોળી પડે, સ્વાર્થદૃષ્ટિ સંકેલાય, પરમાર્થદૃષ્ટિ ઝાંખી થાય, તો એ વર્ગને રાજાઓને સુધારે એમ છે. એ રાજાના હાથપગ છે. હાથપગ હાલવાની ના પાડે તો રાજા બિચારા ઠૂંઠા થઈ પડે. આ વસ્તુનો અનુભવ કોને નથી? રાજાપ્રજાનો સ્વાર્થ એક જ છે. રાજાઓ આજે વિલાયત પારિસ વસતાં શિખ્યા, નહિ તો એમનું વિલાયત એમના રાજ્યનો ટેકરો; એમના વૈભવમાં વપરાયેલા પૈસા પ્રજામાં વપરાય. ભૂંડું કરવાની તેમની શક્તિને અને આવડતને મર્યાદા છે, સારું કરવાની શક્તિને હદ જ નથી; જ્યારે સામ્રાજ્યને વિષે તો જ્યાં જોઉં છું ત્યાં જૂઠ્ઠાણું, તરકટ, દંભ, દુષ્ટતા, શરાબખોરી, જુગાર, વ્યભિચાર, રાતની તે દહાડાની લૂંટ, ડાયરશાહી, તેના સત્રમાં બધાની કુરબાની. તેના લાભ દેખાય છે તે દેખાવ માત્ર છે. તે જીવે છે પોતાના વેપારને અર્થે, તે મરશે તેને બચાવતાં. આ તીખા શબ્દોનો કોઈ અનર્થ ન કરે. સુધારાને નામે પંકાયેલો પશ્ચિમનો સુધારો મને અળખામણો છે. તેનું ગામડિયું ચિત્ર મેં ‘હિંદ સ્વરાજ’માં આપ્યું છે. તેમાં કાળે કરી કંઈ ફેરફાર નથી થયો. પશ્ચિમનું બધું ખરાબ એવું સમજાવવાનો પણ આશય નથી. પશ્ચિમની પાસેથી ઘણુંયે શીખ્યો છું. ત્યાં શુદ્ધ તપસ્વી લોકો ઘણાયે છે. પશ્ચિમમાં મારા મિત્રો ઘણાયે છે. પણ જેને પશ્ચિમના લોકો સુધારાને નામે પૂજે છે તે હિરણ્યમય પાત્ર છે; તેના ચળકાટથી પ્રશ્નકાર અને બીજા અંજાઈ ગયેલા જોઉં છું.

છેવટમાં, દેશી રાજાઓની ખાંખત કરવાથી તે સુધરવાના નથી. જેમ ખંજવાળશો તેમ તેની દાદર વધશે. એટલે તે તેમના ચક્રવર્તીની સોડે જઈ મલમપટી શેાધશે. પ્રશ્નકાર તો બટલર કમિટીનો રિપોર્ટ ઘેાળીને પી ગયા હશે. તેઓ સામ્રાજ્યની છત્રછાયાને કાં વળગે છે? એ છત્ર ઊડી જાય તો સ્વતંત્ર ભારતવર્ષની સામે તે નહિ ઝૂઝે, નહિ ઝૂઝી શકે.

એટલે દેશી રાજ્યોની પાસેથી તેમને વીનવીને, મારી શક્તિ હોય તો તેમની સાથે સત્યાગ્રહ કરીને, જે લેવાય તે હું લઉં. મારામાં બીજી શક્તિ ન હોય, મારા વિનયને તેઓ ન ગાંઠે, તો હું ધીરજ રાખું ને મૂળને એટલે સામ્રાજ્યને ઉખેડવા મથું. દેશી રાજાઓ આપણા જેવા છે, આ ભૂમિનો પાક છે; જે દોષો આપણામાં છે તે તેમનામાં છે, જે ગુણો આપણામાં હશે તે પણ તેમનામાં હશે, એમ માનવાની ઉદારતા આપણે કેળવવી જોઈએ. જે દૃશ્ય મોરબી ઠાકોર સાહેબની પાસે પેલી હરિજન શાળાને વખતે અનાયાસે જોવામાં આવ્યું તેમાં ઘણુંયે આશ્વાસન લેવાજોગ હતું.

ભાઈ કકલભાઈના પ્રશ્નોમાં એક વાત રહેલી છે તેને હું પહોંચી શકું તેમ નથી. જો પરિચિત દેશી રાજ્યની સત્તા પણ સામ્રાજ્ય કરતાં તો ખરાબ જ હોય એવો તેમનો છેવટનો નિર્ણય હોય તો મારા જવાબ બધા નિરર્થક સમજું છું. કેમકે ત્યાં તેમની ને મારી વચ્ચે સિદ્ધાંતભેદની ચિનાઈ દીવાલ ખડી થાય છે. હું આશાવાદી રહ્યો, કકલભાઈ નિરાશાવાદી ઠરે. હું મનુષ્યસ્વભાવમાં વિશ્વાસ રાખનારો રહ્યો, કકલભાઈ ને તેવો વિશ્વાસ નથી એમ ઠરે. એવા નાસ્તિક તે નથી એમ સમજીને તેમના પ્રશ્નોના જવાબ આપવા હું પ્રેરાયો છું.

નવજીવન, ૨૮–૪–૧૯૨૯