દેશી રાજ્યોનો પ્રશ્ન/મોરબી પરિષદમાં ગાંધીજી
← સ્વરાજ એટલે રામરાજ્ય | દેશી રાજ્યોનો પ્રશ્ન મોરબી પરિષદમાં ગાંધીજી મોહનદાસ કરમચંદ ગાંધી |
ચક્રવર્તી અને માંડલિક → |
મોરબી પરિષદમાં ગાંધીજી
ગાંધીજીની સ્થિતિ જેમ આગલી પરિષદોમાં, જેમ મહાસભામાં, જેમ બીજે સ્થળે, વિષમ થાય છે તેમ અહીં પણ થયું. કાંઈ પણ પગલું લેવાનો ભાર એમના ઉપર આવે છે, તેનું પાપપુણ્ય તેમના ઉપર પડે છે, અને તેમના વિના ન ચલાવવાની મનોદશા અણધારી રીતે પોષાય છે. ગાંધીજીએ પોતાના ભાષણમાં આ સ્થિતિ વિષે પોતાનું દુઃખ ઠાલવ્યું.
“મારા વિના તમે પરિષદ ન ભરી શકો તે મારે માટે નીચું જોવા જેવું છે. રાજાઓને માટે એ ઇચ્છા એ નીચું જોવા જેવી નહિ પણ અવિશ્વાસસૂચક છે, અને સંચાલકોને માટે એ દશા શરમભરેલી છે. કાઠિયાવાડના વતની તરીકે અનાયાસે હું આવું એ સમજી શકાય, પણ મારું આવવું અનિવાર્ય ગણાય અને તમે મારી અનુકૂળતાને અનુસરીને પરિષદનો વખત નક્કી કરો, એ મારે માટે શરમાવા જેવું છે. આ શરતને હવે ઉડાવી દેવી જોઈએ. જો મારી હાજરી વિના ન ચલાવી લેવાય તો બહેતર છે કે પરિષદ ન ભરવી, આ તો હું સ્વતંત્ર રીતે કહી રહ્યો છું, પણ એ વિચાર ધરાવનારા યુવાનો અહીં હાજર નથી એ દુઃખદ વસ્તુ છે. મેં તો તેમને કહ્યું કે તમે નિંદા કરનારો ઠરાવ લાવશો તો હું તમને અનુમેાદન આપીશ. દેવચંદભાઈને પણ આ વ્યસનમાંથી છોડાવવાનો પ્રયત્ન કર્યા જ કરું છું, અને એમને સમજાવવા ઇચ્છું છું કે મારા વિના પરિષદ ન ભરાય એમ માનવાની લાચારી એ ન ભોગવે. પ્રજાનું સંગઠન કરવું હોય તો, ગમે તેવો મોટો માણસ હોય, ગમે તેવો બુદ્ધિશાળી હોય તોપણ તેના વિના ચલાવી લેવાની શક્તિ આપણામાં હોવી જોઈએ. આત્મામાત્ર એક છે એમ બધા માનનારા છે, અને બધા આત્મામાં છૂપી શક્તિ એવી ભરી છે કે તે તેને ગમે ત્યારે પ્રગટાવી શકે અને મોટામાં મોટો થઈ શકે. એ કેળવવામાં જ પ્રજાસત્તાક રાજ્ય રહેલું છે. ક્રિચનર ગુજર્યો એટલે રાજ્યતંત્ર બંધ ન થયું, રાજ્યનો અસ્ત ન થયો, યુદ્ધ બંધ ન થયું, પણ તેની જગ્યા બીજાએ પૂરી. ગ્લૅડસ્ટન ગયો ત્યારે પણ રાજ્યતંત્ર બંધ ન થયું. આપણે ગમે તેટલા ગ્લૅડસ્ટન પેદા કરી શકીએ છીએ એ આત્મવિશ્વાસ એ પ્રજામાં રહેલો છે.”
મર્યાદા હેઠળ પરિષદ ભરવાના પોરબંદરના ઠરાવની ઉપર ચર્ચા કરતાં ગાંધીજીએ કહ્યું :
“એ ઠરાવથી આપણે મેળવ્યું છે. એમાં આપણી માનહાનિ નથી પણ માનવૃદ્ધિ છે. એથી આપણે રાજ્યોની પણ સેવા કરેલી છે. એ સેવા આપણને જરૂર કઠે, જો આપણે એવા સંપ્રદાયના હોઈએ કે દેશી રાજ્યો સુધરી જ ન શકે ને એમનો નાશ થવો જ જોઈએ. મોટા અને બુદ્ધિશાળી માણસો ઊંડા અભ્યાસ પછી એવા અભિપ્રાય બાંધતા જાય છે કે રાજ્યોમાં અને રાજાઓમાં એવો સડો પેઠો છે કે એ સુધારી શકાય એમ નથી. આ સંપ્રદાય વધ્યો જાય છે એનાં કારણો છે: કેટલાંક રાજાઓએ જાણીબૂજીને આપ્યાં છે, કેટલાંક હાલ પ્રવર્તતી અરાજકતાને લીધે છે. મને પણ એ અરાજકતા પ્રિય છે, પણ મારી અરાજકતામાં એક રાજકતા છે, મારી અશાંતિમાં એક શાંતિ રહેલી છે; પણ મારા મિત્રો એ નથી કબૂલ કરતા. અને છતાં અરાજકતાના, બળવાના વિચારોવાળો છતાં હું માનનારો છું કે આ રાજ્યમાં સુધારાને અવકાશ છે. જો સુધારો થઈ જ ન શકે એમ માનનારો હું થઈ જાઉં, રાજ્યોનો નાશ જ થવો જોઈએ એમ માનનારો થઈ જાઉં, તો પરિષદમાં ભાગ લેતો હું બંધ થઈ જાઉં; કારણ જેનો ધ્વંસ હું ઇચ્છું છું તેને વીનંતિ શી કરવાની હોય ? પણ આજે હું તેમને ધમકાવીને નહિ પણ પ્રેમથી કામ લેવા ઇચ્છું છું. બ્રિટિશ સરકાર સાથે પણ પ્રેમથી કામ લેવા માગું છું. પણ પ્રેમથી તેનો નાશ ઇચ્છું છું, અંગ્રેજોમાં મારા મિત્રો ઘણા છે, પણ એ પદ્ધતિનો હું નાશ ઇચ્છું છું. એટલે એ રાજ્યને હું વિનંતિ નથી કરતો. પણ દેશી રાજ્યોની સ્થિતિ જુદી છે, એ સ્થિતિ જોતાં જે મર્યાદા આપણે મૂકેલી છે તેમાં માનહાનિ નથી. એ સુંદર વૃક્ષ છે, એમાંથી સારાં ફળ નીપજશે. રાજાઓની એમાં સેવા રહેલી છે, કારણ એઓ તે પરાધીન છે; એ પરાધીનતાને આપણે ઓળખવી જોઈએ, અને એ એળખીએ તો એ મર્યાદાને સાચવવી જોઈએ અને તેમને કફોડી સ્થિતિમાં ન મૂકવા જોઈએ. આજના આપણા ઠરાવો બંને પક્ષના હિતને માટે હોવા જોઈએ, રાજા પ્રજા બંનેનું હિત જાળવનારા હોય તો જ શાંતિને માર્ગે આપણે કામ લઈ શકીએ. તમારાં મન પોરબંદર પછી ડગી ગયાં હોય તો હું કહું છું કે તમે શાંત થાઓ. એ મર્યાદામાં રહી તમે ખૂબ કામ લઈ શકશો એમ હું માનું છું.”
આ તો એક સરવૈયું થયું. આ પછી ગાંધીજીએ બીજું સરવૈયું રજૂ કર્યું :
“તમે કેટલું કાંત્યું, કેટલા રેંટિયાનો પ્રચાર કર્યો, કેટલી ખાદી વાપરી ? અમરેલીની ખાદીની ઘરાકી મારે કલકત્તામાં શોધવી પડે એ કેવી શરમની વાત છે ? તમે ૨૫ લાખ ખેડૂતોના પ્રતિનિધિ થઈને અહીં આવેલા, તમે તેમનું પ્રતિનિધિપણું શું કર્યું? તમે સાચા હો તો તમારે રચનાત્મક કાર્ય કર્યે જ છૂટકો છે, અથવા તમારે પરિષદને બીજું રૂપ આપવું જોઈશે. રાજકીય પરિષદમાં — જેમાં રગેરગે સત્ય જોઈ એ — તેને બદલે કૃત્રિમતા અને અસત્ય જોઈએ એવી ખેદની વાત ? હરિજનોને માટે મૂળચંદને ખોબા જેટલા પૈસા જોઈએ તે માટે પણ તે મારી પાસે આવે એ શરમની વાત છે. બેચાર હજાર રૂપિયાની તે શી વિસાત છે ? એ તો હું બોલું અને સરદાર માગણી કરે કે આખી રકમ આવી જવી જોઈએ. આ કામને માટે ચારિત્રવાન નવજુવાનો જોઈએ. આ અને એવાં બીજાં અનેક કામ ન કરીએ તો તમારી રાજ્યપ્રકરણી શક્તિ વધશે. આપણે રાજકીય કામ ન કરીએ તો ‘રાજકીય’ પરિષદ નામ શા સારુ રાખીએ ? કોઈ ગુણવાચક નામ રાખીએ —રેંટિયા પરિષદ રાખીએ, સંસારસુધારા પરિષદ રાખીએ. ગમે તે કામ કરીને તમે ૨૫ લાખ ખેડૂતો ઉપર સામ્રાજ્ય ભોગવતા થઈ જાઓ—એ તમે તેમને પ્રેમની દોરીથી બાંધીને જ કરી શકશો. વલ્લભભાઈ એ શું કર્યું ?બ્રિટીશ સલ્તનતના ઇતિહાસમાં જ્યારે એ સલ્તનતનું વધારેમાં વધારે જોર હતું ત્યારે પણ એક વ્યક્તિએ એ સરકાર પાસે કરોડ લીધા અને તેનો વહીવટ પણ પોતે જ કર્યો. બારડોલીમાં એના એ જ ગવર્નરે મોટી મોટી ધમકીઓ આપી, પણ આખરે વલ્લભભાઈનો કક્કો ખરો ઠર્યો. વલ્લભભાઈ પણ મારા તમારા જેવું માટીનું પૂતળું છે, પણ એ તો ખેડૂત બન્યા, બારડોલીના સુખે સુખી અને દુઃખે દુઃખી બન્યા, તેમના નચાવ્યા નાચ્યા, એટલે આજે વલ્લભભાઈના નચાવ્યા ખેડૂતો નાચે છે. પણ બારડોલીની ચાવી રેંટિયામાં જ હતી એ ન ભૂલશો. બધે રાજ્યપ્રકરણી વાતોથી જ કામ થાય છે એમ નથી. રાજાના દોષનું ગાન કર્યાં કર્યેથી જ કામ થાય એવા મિથ્યાવાદ છોડી દો. દક્ષિણ આફ્રિકામાં મેં રાજ્યપ્રકરણની વાત નથી કરી. ચંપારણમાં મહાસભાનું નામ જ મેં નહોતું લીધું, પણ આજે ત્યાં મહાસભાનું વધારેમાં વધારે કામ થઈ રહ્યું છે. મોટાં વ્યાખ્યાનથી રાજાને થથરાવવા જશો તો તેમાંથી શુક્રવાર નહીં વળે, તેથી છોકરાં ઘૂઘરે નથી રમવાનાં. અંધાધૂંધીથી જો રાજ્ય લેવું હોય તો જુદી વાત છે. કોક તો ગાંડો થઈ જશે અને અંધાધૂંધીથી ડરીને આપણું માગેલું આપશે એમ તમે માનતા હો, તો મારું ભાષણ આપવું નકામું છે, તમારું સાંભળવું નકામું છે.”
- નવજીવન, ૭–૪–૧૯૨૯