લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/સ્વરાજ એટલે રામરાજ્ય

વિકિસ્રોતમાંથી
← પોરબંદર પરિષદ દેશી રાજ્યોનો પ્રશ્ન
સ્વરાજ એટલે રામરાજ્ય
મોહનદાસ કરમચંદ ગાંધી
મોરબી પરિષદમાં ગાંધીજી →








સ્વરાજ એટલે રામરાજ્ય

[ મોરબીના ભાષણમાંથી ]

મારી પોતાની દૃષ્ટિએ સ્વરાજ અને રામરાજ્ય એક છે, જોકે ભાઈઓની આગળ હું રામરાજ્ય શબ્દ બહુ વાર નથી વાપરતો; કારણ આ બુદ્ધિના યુગમાં સ્ત્રીઓ આગળ રેંટિયાની વાતો કરનારની રામરાજ્યની વાતો બુદ્ધિવાદી જુવાનોને ટાયલા જેવી લાગે. તેમને તો રામરાજ્ય નહિ પણ સ્વરાજ જોઈએ, અને તેઓ સ્વરાજની પણ ચમત્કારિક વ્યાખ્યાઓ આપે છે. મારી દૃષ્ટિએ એ ધૂળ જેવી છે. પણ આજે જ્યારે મહારાજા સાહેબ સમક્ષ અને તેની પ્રજા સમક્ષ હું ઊભો છું, એક કલાક સુધી મહારાજાએ પોતાના હૃદયના ઉદ્‌ગારો મારી આગળ ઠાલવ્યા છે, ત્યારે તેમની આગળ મારા હૃદયના ઉદ્‌ગારો ઠાલવવાનું મન થઈ જાય છે. સ્વરાજની કલ્પના સામાન્ય નથી, પણ તે રામરાજ્ય છે. એ રામરાજ્ય તે કેમ આવે, ક્યારે આવે? જ્યારે રાજા પ્રજા અને સીધાં હોય, જ્યારે રાજા પ્રજા બંનેનાં હૃદય પવિત્ર હોય, જ્યારે બંને ત્યાગ તરફ વળેલાં હોય, ભોગો ભોગવવામાં પણ સંકોચ અને સંયમ રાખતાં હોય, બન્નેની વચ્ચે પિતા પુત્રના જેવી સુંદર સંધિ હોય, ત્યારે તે રાજ્યને આપણે રામરાજ્ય કહીએ. આ આપણે ભૂલ્યા એટલે ‘ડિમોક્રસી’ (પ્રજાતંત્ર)ની વાતો કરીએ છીએ. આજે ‘ડિમોક્રસી’નો યુગ ચાલે છે. મને એના અર્થની ખબર નથી; પણ જ્યાં પ્રજાનો અવાજ સંભળાય છે, પ્રજાના પ્રેમને પ્રાધાન્ય છે. ત્યાં ‘ડિમોક્રસી’ છે એમ કહેવાય. પણ મારા રામરાજ્યમાં માથાં ગણીને અથવા હાથ ગણીને પ્રજાના મતનું માપ ન કાઢી શકાય. એવી રીતે મત લેવાય તેને હું પંચનો મત ન માનું, પંચ બોલે તે પરમેશ્વર એ હાથ ઊંચા કરનારા પંચ ન હોય. ઋષિ મુનિઓએ તપશ્ચર્યા કરીને જોયું કે માણસો તપશ્ચર્યા કરતા હોય, પ્રજાહિતની ભાવનાવાળા હોય, અને તે મત આપે તે પ્રજામત કહેવાય. એનું નામ સાચી ‘ડિમોક્રસી’. મારા જેવો એકાદું ભાષણ આપીને તમારો મત ચોરી જાય તે મનમાં પ્રગટ થતી વસ્તુ તે ‘ડિમોક્રસી’ નથી. મારી ‘ડિમેક્રિસી’ રામાયણમાં આલેખાયેલી છે — અને રામાયણ પણ હું જેમ સીધું સાદું વાંચું છું અને તેમાંથી જે ભાવ નીકળે છે તે પ્રમાણે. રામચંદ્રે કેમ રાજ્ય કર્યું ? આજના રાજા તો રાજ કરવું એ પોતાનો જન્મસિદ્ધ હક માને છે, અને પ્રજાનો કશું કહેવાનો હક સ્વીકારતા નથી. પણ રાજાઓ જે રામના વંશજો કહેવાઓ તે રામે શું કર્યું તે તમે જાણો છો ? કૃષ્ણના પણ તમે વંશજ કહેવાઓ. કૃષ્ણે પણ શું કર્યું ? કૃષ્ણ તો દાસાનુદાસ હતા, રાજસૂય યજ્ઞ વેળા શ્રીકૃષ્ણે તો સૌના પગ ધોયા, પ્રજાના પગ ધોયા. એ વાત સાચી હોય કે કાલ્પનિક હોય, એ પ્રથા તે વેળા હોય કે ન હોય, પણ તેનું રહસ્ય એ કે તેમણે પ્રજાને નિહાળીને પ્રશ્નને નમન કર્યું, પ્રજાના મતને નમન કર્યું. રામાયણમાં આ વસ્તુ જુદી રીતે આલેખાયેલી છે. ગુપ્તચર દ્વારા રામચંદ્રજી નગરચર્ચા કરાવીને જાણે છે કે સીતાજીને વિષે એક ધોબીના ઘરમાં અપવાદ ચાલે છે. તેઓ તો જાણતા હતા કે અપવાદમાં કશું નહોતું, તેમને તો સીતા પ્રાણ કરતાં પ્યારાં હતાં, તેમની અને સીતાજીની વચ્ચે ભેદ પડાવે એવી કાઈ વસ્તુ નહોતી, છતાં આવો અપવાદ ચાલવા દેવો એ બરોબર નથી એમ સમજી તેમણે સીતાજીનો ત્યાગ કર્યો. એમ તો રામચંદ્રજી સીતામાં સમાતા હતા, અને સીતા રામચંદ્રજીમાં સમાતાં હતાં. જે સીતાને સારુ રામ લશ્કર લઈને ચડ્યા, જેની રાતદિવસ રામે ઝંખના કરી, તે સીતાના શરીર-વિયોગની રામચંદ્રજીએ આવશ્યકતા માની. એવા પ્રજામતને માન આપનારા રાજા રામનું રાજ તે રામરાજ. એ રાજમાં કૂતરા સરખાને પણ ન દૂભવી શકાય, કારણ રામચંદ્રજી તો જીવમાત્રનો અંશ પોતામાં જુએ. એવા રાજ્યમાં વ્યભિચાર, પાખંડ, અસત્ય ન હોય. એ સત્યયુગમાં પ્રજાતંત્ર ચાલ્યા કરે. એ ભાંગ્યું એટલે રાજા રાજધર્મ છોડે, બહારથી આક્રમણો થવા લાગે. મનુષ્યનું લોહી બગડે છે ત્યારે બહારનાં જંતુઓ આક્રમણ કરે છે. તેમ જ સમાજશરીર અસ્વચ્છ થાય ત્યારે સમાજનાં અંગોરૂપ મનુષ્યો ઉપર બહારથી આક્રમણ શરૂ થાય છે.

પણ રાજા પ્રજા વચ્ચે પ્રેમનો મેળ સંધાય ત્યારે પ્રજાશરીર આક્રમણોની સામે ટક્કર ઝીલી શકે. રાજશાસન એ પ્રેમનું શાસન છે; રાજદંડ એટલે પશુબળ નહિ પણ પ્રેમની ગાંઠ. રાજા શબ્દ જ ‘રાજ’ એટલે શોભવું ધાતુ ઉપરથી બનેલો છે. તેથી રાજા એટલે જે શોભે છે તે. એ જેટલું જાણે છે તેટલું પ્રજા નથી જાણતી. એણે તો પ્રેમપાશથી પ્રજાને બાંધી લીધી છે તેથી તે દાસાનુદાસ છે. શ્રીકૃષ્ણ પણ દાસાનુદાસ હતા, અને તેમણે સેવકની પાટુ ખાધી. તેમ રાજારજવાડાઓને કહું છું કે, જો તેઓ રામ અને કૃષ્ણના વંશજો કહેવડાવવા ઈચ્છતા હોય તો તેમણે પ્રજાની પાટુ ખાવાને તૈયાર રહેવું જોઈએ. તમે પણ પ્રજાની ગાળો ખાઓ, પ્રજા ઘેલી થાય પણ રાજાથી ઘેલા ન થવાય. રાજા ઘેલા થાય તો પૃથ્વી રસાતળ જાય.

નવજીવન, ૨૯–૧–૧૯૨૮