દેશી રાજ્યોનો પ્રશ્ન/પોરબંદર પરિષદ

વિકિસ્રોતમાંથી
← કાઠિયાવાડ રાજકીય પરિષદ દેશી રાજ્યોનો પ્રશ્ન
પોરબંદર પરિષદ
મોહનદાસ કરમચંદ ગાંધી
સ્વરાજ એટલે રામરાજ્ય →







૨૭
પોરબંદર પરિષદ

આટલું કહીને ગાંધીજીએ એ બે દિવસોમાં સૂત્રરૂપે અનેક ઉદ્‌ગારો બહાર પાડ્યા છે તે અહીં સૂત્રરૂપે જ ઉતારું છું:

“પરિસ્થિતિ તો આજે પણ તીવ્ર છે, પણ તીવ્ર ઇલાજ લેવાને માટે આજે આપણે નાલાયક છીએ, એટલે ખામોશ રહેવું ઘટે.”

“જે પોતાની નામર્દી કબૂલ કરશે તે કોક દિવસ મર્દ થવાનો સંભવ છે; પણ જે નાહકનો મર્દ હોવાનો દાવો કરે છે તે કદી મર્દ થવાનો નથી.”

“રાજ્યોમાં ઘણાં દુષ્ટ કામો થતાં સાંભળુ છું, પણ તેનાથી વધારે દુષ્ટ કામ એ રાજ્યોની બહારનાં મોટાં રાજ્યોમાં થઈ રહ્યાં છે. તે કરનારાઓની ચોટલી પકડીશું એટલે રાજ્યોની વાતોનો સહેજે નિકાલ આવશે.”

“આ પરિષદ બકરાંની છે, સિંહની નથી. સિંહોની સંસ્થા જગતમાં નથી જોઈ.”

“જે દિવસે ઉગ્ર પરિસ્થિતિ આવશે તે દિવસે પરિષદ શું કરશે, એમ કહેવામાં વિચારશક્તિની શૂન્યતા છે. એ પરિસ્થિતિ આવશે તે દિવસે પરિષદને આપણે તોડીશું. પરિસ્થિતિ તો આજે પણ આવી પડેલી છે; હું ધગી રહ્યો છું, પણ મારે મારી વરાળ આજે ભરી રાખવી રહી. તમારામાંથી જે ધગી રહ્યા હોય તેઓ પણ વરાળ ભરી રાખે.”

“રજપૂતોનો ઇતિહાસ વાંચીને શીખો કે વીરનું એકે વેણ મિથ્યા જતું નથી. વીરતા વેણ કાઢવામાં નથી, વેણ મિથ્યા ન જવા દેવામાં છે.”

“એક જ માણસનું શુદ્ધ બલિદાન ઊગી નીકળ્યા વિના ન રહે. પણ વિવેક અને વિચાર વગરનું ગમે તેટલું બલિદાન વ્યર્થ જશે.”

“હું તે લોકને સાથે લઈને ચાલવા ઇચ્છું, એટલે તમારે જોરે જ મારું જોર માપીશ.”

“રાજાની મહેરબાની લઈ ને પરિષદ ભરવામાં મનેય હોંશ નથી. પણ પરિષદ ભરવી જ છે એમ કબૂલ કરીએ તો આ મર્યાદાનો ઠરાવ કર્યા વિના છૂટકો નથી.”

“ફરજિયાત અંકુશ પાડનારો છે, મરજિયાત અંકુશ ચડાવનારો છે.”

“આ અંકુશમાં બીજાની દયા ખાવાની વાત નથી, આપણી જ દયા ખાવાની વાત છે. એમાં બીજાનું રક્ષણ નથી, આપણે માટે જ સુરક્ષણનો કિલ્લો રચવાની વાત છે.”

“આ અંકુશ તમારો પોતાનો મૂકેલો હશે એટલે એમાં માનભંગનો દોષ નહિ આવે.”

“કાઠિયાવાડમાં રાજા અને રાજ્યતંત્રમાં ભેદ જ નથી. ભેદ હોત તો સારું.”

“જે મનુષ્યને પોતાની શક્તિનું ભાન છે તે જ્યારે તેનું પ્રદર્શન જગતને કરાવે છે ત્યારે તેનો ભાર હલકો થાય છે.”

“આપણામાં શૌર્ય કંઈકે પણ રહ્યું હશે, કાર્યશક્તિ હશે, તો અંકુશથી વધારે કાર્ય કરતા થઈશું એમાં મને શંકા નથી. આપણી પાસે રચનાત્મક કાર્ય એટલાં પડેલાં છે કે તે કરતાં કરતાં આપણને ટીકા કરવાનો સમય જ નથી રહેવાનો; અને એ કામ પૂરું કર્યે જાગીને આપણે જોઈશું તો બધું કુશળ જ જોઈશું.”

આ સૂત્રો આપ્યાં. હવે થોડા હૃદયના ઉદ્‌ગારો આપું, જે ગાંધીજીનું વ્યક્તિત્વ તેમના જ શબ્દોમાં વ્યક્ત કરનારા છે:

“હું જન્મે સત્યાગ્રહી રહ્યો, કર્મે સત્યાગ્રહી રહ્યો, અને સત્યાગ્રહી તરીકે મરીશ. તમારાં રાજ્યોના સડા માટે પણ સત્યાગ્રહ કરી શકું એમ છું. પણ આજે મારો એ પહેલો ધર્મ નથી.”

“મારે શરમાવું પડે કે તમારે શરમાવું પડે કે કોઈને પણ શરમાવું પડે એવું મારાથી ન જ બને.”

“મારો સ્વભાવ જ એ રહ્યો કે અસહ્ય બોજો ઉઠાવી શકાય ત્યાંસુધી ઉઠાવવો, અને ઉઠાવતાં તૂટી પડાય તો તૂટી પડવું, એમ ન કરે તે માણસ તેટલે અંશે ઓછો સત્યનો પૂજારી છે, અને દોરવા ઇચ્છે તો લોકોને એટલે અંશે ઓછો દોરી શકે. સેવા કરનારે પોતાનાં લાજ, આબરૂ, માન એ સર્વસ્વ હોમીને જ પ્રજાની સેવાનો ઇરાદો રાખવો.’

“આ ઠરાવના શબ્દમાં તમે ફેર ન કરી શકો, કારણકે એકેએક શબ્દ તોળીતોળીને લખાયેલો છે. મારો સ્વભાવ જ એ છે કે જેવું બોલું છું તેવું લખું છું, અને લખું છું તેવું બોલું છું.”

છેલ્લે દિવસે કાર્યકર્તાઓ અને ‘સત્યાગ્રહ દળ’ ગાંધીજીની સાથે વાતચીત માટે ભેગા થયા હતા. હરિજન શાળાઓ માટે તે તે રાજ્યમાંથી જ પહેલા પૈસા મેળવવા જોઈએ. એ નિયમને ગાંધીજી આગ્રહપૂર્વક વળગી રહ્યા. એક કાર્યકર્તાએ પૂછ્યું કે, આ રાજ્યમાં હરિજન શાળા કઢાય કે નહિ ?

ગાંધીજીએ કહ્યું : “अ અપવિત્ર રાજ્ય છે એમ મેં ઘણી જગ્યાએ અને ઘણાને મોઢે સાંભળ્યું છે તે જો ખરું હોય તો ત્યાં કોઈ પણ પવિત્ર કાર્યને માટે ન જવાય. એ રાજ્યની અપવિત્રતા કાઢવાના કાર્યનો જ માત્ર આમાં અપવાદ છે. આપણે બ્રિટિશ રાજ્યમાં રહ્યા છીએ, તેથી તેને અમુક પ્રકારની પ્રતિષ્ઠા મળી જાય છે, પણ આપણે એ અનીતિમય રાજ્યતંત્ર અંદર રહીને તોડવું છે એટલે છૂટકો નથી. બાકી બીજા કોઈ પણ પવિત્ર કામ માટે કોઈ પણ સારા માણસે અપવિત્ર રાજ્યમાં જવું અથવા રહેવું એ રાજ્યની પ્રતિષ્ઠા વધારવા જવા જેવું છે.”

‘સત્યાગ્રહ દળ’ એ ભાઈ ફૂલચંદે યોજેલું સત્યાગ્રહની તૈયારી કરનાર યુવાનોનું નાનકડું મંડળ છે. હાલ ૨૨ યુવકો છે. સૌ ગાંધીજીની સલાહ વિના કશું પગલું ન લેવાને બંધાયેલા છે. એ યુવકોએ પ્રશ્નો પૂછ્યા.

પ્ર૦ દેશી રાજ્યોમાં સુધારા માટે એક અખિલ ભારતીય સત્યાગ્રહ સંસ્થા જોઈએ કે નહિ ?

ઉ૦ ન જોઈએ. દક્ષિણ આફ્રિકામાં મારી સાથે ૬૦,૦૦૦ થઈ ગયા તેમાંના આજે કેટલા સત્યાગ્રહી છે? પણ તમારા ૨૨ તો જ્યારે જોઈએ ત્યારે કામ આપે એ હેતુથી ચૂંટાયેલા છે. તમે જ્યારે કામ ઉઠાવશો — અને તમે વિવેક વિના પગલું ભરવાના નથી — તે વેળા બીજા અનેક તમને મળી રહેશે. તમે સમજુ સત્યાગ્રહી હો તો તમે કહો છો તેવા અખિલ ભારતીય સત્યાગ્રહ દળની જરૂર નથી. પ્રસંગ આવ્યે તમારું અને સાથે સાથે દેશનું ઝવેરાત પ્રગટશે.

પ્ર૦ સત્યાગ્રહ દળે ગુણ અને સંખ્યામાં કેવી રીતે વધવું?

ઉ૦ દરેક સત્યાગ્રહીએ જાગૃત રહેવું જોઈએ. તેનામાં આળસ, શિથિલતા, તંદ્રા ન હોય, તેને વ્યાધિ ન હોય; એટલે કે દરેક જણ પોતાને વિષે સતત વિચાર કરતો હોવો જોઈએ. પોતે નક્કી કરેલી પોતાની પ્રવૃત્તિની અંદર પોતાને આંક્યા જ કરે. વડા સેનાપતિની આગળ દરેક સૈનિકના કામકાજની રોજનીશી જોઈએ.

પ્ર૦ આજે તો ઘણા હરિજન શાળા વગેરેમાં રોકાયેલા છે.

ઉ૦ હું તો એવા સત્યાગ્રહીને પૂછું કે તેણે બાળકોને સત્યાગ્રહનો સ્પર્શ કેટલો કરાવ્યો, બાળકોની સાથે તે કેટલો ઓતપ્રોત થઈ ગયો ?છોકરાને પૂછું કે આ કોણ છે, તો તેણે કહેવું જોઈએ કે અમે તો આ શિક્ષકને જ બાપ તરીકે જાણીએ છીએ.

તમારામાં સત્યાગ્રહી દાક્તર છે. સત્યાગ્રહી દાક્તર કેવા હોવા જોઈએ તે કહું? એ ગરીબને પહેલું સ્થાન આપે, મારા જેવા અને બીજા જેમને ગમે ત્યારે દાક્તર મળે છે તેવાને દાદ ન દે. ગરીબોને પૂછે કે જુઓ તમારા દાંત પડી ગયા છે, તમારે દાંતનું ચોકઠું જોઈએ છે? એ માણસને એમ ન થવું જોઈએ કે કોઈ ખરાબ દાંતવાળા નથી મળતા, મારો ધંધો કેમ ચાલશે ? સત્યાગ્રહી દાક્તરની વધારે વ્યાખ્યા ‘હિંદ સ્વરાજ’માં જોઈ લેજો. સત્યાગ્રહી દાક્તર પોતાની આજીવિકા તો ધંધામાંથી મેળવવાનો વિચાર જ ન રાખે. ડૉ. વાનલેસે હજારો ઑપરેશનો કર્યાં, તેમની સંસ્થાને હજારો રૂપિયા લોકો આપી જાય છે, પણ તેમાંથી કોડી તે નથી રાખતા. સૅમ હિગિનબૉટમ સિંધિયા પાસે ખેતીવાડીના નિષ્ણાત તરીકે હતા. તેમને રૂા. ૪,૦૦૦ માસિક સલાહના મળતા, પણ તેમાંથી કોડી તેમણે અંગત વાપરવા માટે લીધી ખરી ? હા; આપણા ચંદુલાલ દાક્તર છે. ખરા — એ એવું જ કરનારા છે, પોતાનો ધંધો તો સરસ જાણે છે જ, પોતાને માટે કોડી લેતા નથી, અને ગરીબ તેમની પાસે જઈ ને ઊભા રહી શકે.

સત્યાગ્રહી નિર્મળ સાધના સાધે, પોતાની પ્રવૃત્તિ નક્કી કરી લઈને તેને જ વળગી રહે. એક વાર ખોટી વસ્તુને પણ સત્યનિષ્ઠાથી તેણે સત્ય માની હોય તો તેને વળગી રહે તેમાં જ તેની અનન્ય શ્રદ્ધા અંકાય. તુલસીદાસે કહ્યું છે:

રજત સીપમહં ભાસ જિમિ, જથા ભાનુકર વારિ,
જદ્યપિ મૃષા તિહુંકાલ સોઈ, ભ્રમ ન સકે કોઉ ટારિ,

જગતને સત્ય માનીને ચાલીએ છીએ તો પછી જગતના હિતમાં જ મચ્યા રહેવું રહ્યું. એમાં જ કલ્યાણ છે.

પ્ર૦ ધારો કે अ રાજ્ય સત્યાગ્રહ કરવા જેટલું બગડ્યું છે તો અમે તેમાં થાણું નાંખી શકીએ?

ઉ૦ ના, બહાર રહ્યા રહ્યા તમારે ખૂબ બળવાન બનવું રહ્યું, બહારથી अનો પ્રજામત કેળવવો રહ્યો. જ્યારે તમે જુઓ કે તમારામાં બળ વ્યાપ્યું છે, અને अમાં ગાબડું પડ્યું છે, ત્યાં કોક વિભીષણ મળી આવે એમ છે એમ જણાય, તો સત્યાગ્રહ દળ अ ઉપર ચડાઈ કરે. એ ચડાઈ કરતાં છતાં જે રાજાની ખરાબ નીતિ માટે ચડાઈ કરવામાં આવે છે તે રાજા માટે પ્રેમ રાખે. એ બધું હોય ત્યારે ત્યાં સત્યાગ્રહ દળની છાવણી પડી શકે. દરમ્યાન તમે अના લોકોને કેળવી શકો. ત્યાંથી અનેક માણસો આવતા હોય તેમને પોતાની અધોગતિ વિષે જાગૃત કરો. તેમાં પોતાનાં સગાં હોય તોપણ તેમને ત્યાં વિવાહ કે તેવા જ બીજા શુભ પ્રસંગ હોય તો ત્યાં ન જ જવું. એમ એ રાજ્યના લોકોને બહિષ્કારથી કેળવણી આપો.

મહાદેવ હરિભાઈ દેસાઈ
 
નવજીવન, ૨૯–૧–૧૯૨૮