દેશી રાજ્યોનો પ્રશ્ન/કાઠિયાવાડ રાજકીય પરિષદ–૩

વિકિસ્રોતમાંથી
← કાઠિયાવાડ રાજકીય પરિષદ દેશી રાજ્યોનો પ્રશ્ન
કાઠિયાવાડ રાજકીય પરિષદ
મોહનદાસ કરમચંદ ગાંધી
પોરબંદર પરિષદ →







૨૬
કાઠિયાવાડ રાજકીય પરિષદ

પરિષદ થઈ અને ગઈ. ઠક્કર બાપાના ભાષણ વિષે, લોકોની હાજરી વિષે, સ્વાગતમંડળના સ્વાગત વિષે, મે૦ રાણા સાહેબનાં વિવેક ને મૃદુતા વિષે, પરિષદમાં તેમની હાજરી વિષે, તેમણે મહેમાનોને આપેલી જાફત વિષે મારે કંઈ કહેવાપણું નથી. શેઠ દેવીદાસે સ્વાગતમાં મણા રહેવા ન દીધી. શેઠ ઉમર હાજી આમદ ઝવેરી જે સ્વાગતમ્ંડળના પ્રમુખ હતા તેમની જગ્યા તેમણે ખરેખર પૂરી, ને સ્વાગત કરતાં પોતીકા દ્રવ્યનો સંકોચ ન રાખ્યો. પ્રમુખના ભાષણમાં ભીલ અને ઢેડના ગોરને શોભે એવું ગાંભીર્ય હતું. પરિષદના ઠરાવો નિર્દોષ હતા. મને તેમાં રસ ન આવી શક્યો, કેમકે તે ઠરાવની પાછળ તેનો અમલ કરવા કરાવવાનાં દૃઢ નિશ્ચય અને શક્તિ નહોતાં. ઠરાવો સૂચવનારામાંના ઘણાએ ઠરાવો સૂચવવામાં પોતાની કર્તવ્યપરાયણતાની સીમા માની લીધી જણાઈ. પરિષદ ખાદી પરિષદ નથી એમ સમજ્યો. મનમાં શમશમી ગયો. મેં એકલે તેનું ધ્યાન ધર્યું. મારી હાર મેં જાણી લીધી, પણ ખાદી પ્રત્યેનો મારો વિશ્વાસ મોળો ન થયો, તેથી મારે મારી બળતરા નથી રડવી.

હું તો કેવળ એક ઠરાવ ઉપર જ લખવા ઇચ્છું છું. તે ઠરાવ મારી કૃતિ છે, અને મને લાગે છે કે તે ઠરાવ રચી પસાર કરાવીને મેં પરિષદની ને કાઠિયાવાડની સેવા કરી છે. એ ઠરાવ આ છે:

“રાજા પ્રજા વચ્ચે કોઈ પણ પ્રકારની ગેરસમજ ન થાય અને આ પરિષદને પોતાની શક્તિનું પૂરું ભાન રહે તે હેતુથી, અને કેટલોક સમય થયાં ચાલતી આવેલી પ્રથાને નિશ્ચિત કરવા સારુ, આ પરિષદ ઠરાવ કરે છે કે આ પરિષદ કોઈ પણ રાજ્યને વિષે વ્યક્તિગત તેની નિંદા અથવા ટીકારૂપ કોઈ પણ ઠરાવ નહિ કરે.”

આ ઠરાવનો સંભવ સત્યની ઉપાસનાને આભારી છે. મેં જોયું કે મે૦ રાણા સાહેબની સાથે કેટલીક ગર્ભિત સમજૂતીને લીધે જ આ પરિષદ પોરબંદરમાં ભરાઈ શકી હતી, અને કેટલાક કાળ લગી આવી સમજૂતીથી જ પરિષદ ભરાઈ શકશે. આમાં પરિષદની અપંગતાનું માપ હતું. આવી અપંગતા કોઈ પણ પરિષદને ન હો. જ્યાં એવી અપંગતા હોય ત્યાં ક્યાંક કંઈક ખોડ હોય છે. પણ અપંગતાને ઢાંક્યે અપંગતા દૂર ન થાય. દરદને ઢાંકનારા દરદમાં વધારો કરે છે; તે મટાડવાના ઉપાયોની અવગણના કરે છે; પોતે પોતાના શત્રુ બને છે.

વિષયવિચારિણી સભામાં જ બે પ્રસંગો આવ્યા કે જેમાં સભાસદો દેશી રાજ્યની વ્યક્તિગત ટીકા કરનારા બે ઠરાવો લાવ્યા. એ ઠરાવો લાવવાનું કંઈ કારણ નહોતું એમ મારાથી કહી શકાય તેમ નથી. પણ એવા ઠરાવો લાવવા અથવા તેની ઉપર કઈ કાર્ય કરવું એ પરિષદની શક્તિ બહાર હતું એમ મેં સ્પષ્ટ રીતે જોયું. એ ઠરાવો તો સમિતિએ કાઢી નાંખ્યા. પણ એવા ઠરાવો લાવીને પરિષદ પોતાની હસ્તી લાંબી મુદ્દત ન નભાવી શકે એમ મેં જોયું. તેથી મેં પરિષદને સલાહ આપી કે પરિષદે પોતાની અશક્તિ, પોતાની મર્યાદા જગજાહેર કરવી જોઈએ. આમ સાચી વાતનો સ્વીકાર કરી પરિષદ પોતાની અશક્તિ વહેલી દૂર કરશે ને પોતાને બચાવી લેશે એમ મેં સૂચવ્યું.

વિષયવિચારિણી સમિતિને સારુ આ ઘૂંટડો બહુ કડવો હતો. મને પણ આવી સલાહ આપવાનું ગમતું નહોતું. પણ મારો ધર્મે હું સ્પષ્ટ રીતે સમજી શકતો હતો. દુઃખદ સુખદ જે સાચું હોય તે કરવું જ જોઈએ. સાચું સુખ ક્યાં ઘણીવેળા ઝેર જેવું નથી લાગતું? કેટલાકને આ ઠરાવ અળખામણો લાગતો છતાં તેમણે ને બીજાઓએ અતિ ઉદારતા અને દીર્ઘદૃષ્ટિ વાપરી મારી સલાહનો સ્વીકાર કર્યો.

આથી મારી જવાબદારી વધી. હું જાણું છું કે આ ઠરાવનું કશું અનિષ્ટ પરિણામ આવે તો તેમાં મારો દોષ પ્રથમ ગણાવાનો છે. મને તે અનિષ્ટ પરિણામની કશી ધાસ્તી નથી એટલું જ નહિ, પણ મારી માન્યતા છે કે જો તે ઠરાવનો પરિષદ સદુપયોગ કરશે, તે ઠરાવની પાછળ જે કામો કરવાં રહ્યાં છે તે કરશે, તો પરિણામ સારાં આવ્યા વિના નહી રહે. સ્વેચ્છાએ મૂકેલા અંકુશ, સ્વેચ્છાએ પાળેલા સંયમ, સંચમીને હંમેશાં લાભદાયી નીવડે છે. સ્વેચ્છાએ મૂકેલા આ અંકુશને જુદો નિયમ લાગુ નથી પડતો.

પરિષદ મન, કર્મ અને વાચાથી આ ઠરાવનું પાલન કરશે તો મર્યાદાક્ષેત્રની અંદર રહેલાં કાર્યો કરવાની તેની શક્તિ વધશે. મર્યાદા પહેલાં રાજાઓ વ્યક્તિગત ટીકા કે નિંદાના ભયથી પરિષદ ભરવા દેતાં સંકોચ પામતા. મર્યાદા ચોખ્ખી રીતે ન જાણવાથી સભ્યો રાજ્યોના અંગત દ્વેષો દૂર કરવાના મોહક લાગતા પણ વ્યર્થ પ્રયત્નમાં પડતા, ને તેથી કરી શકાય એવાં પણ મોહકતારહિત કાર્યો તરફ દુર્લક્ષ કરતા. હવે કાં તો આવાં નીરસ છતાં સરસ કાર્યો કરશે, અથવા પોતાના દરવાજા બંધ કરશે. કોઈને દેવાળું ગમતું નથી, તેથી પરિષદના કાર્યવાહકો ઇચ્છાએ કે અનિચ્છાએ પણ, કરવા યોગ્ય કાર્યો કરશે એવી આશા આપણે રાખીએ.

મજકૂર ઠરાવનો એવો અર્થ તો કોઈ ન કરે કે એ ઠરાવથી આપણે જગત આગળ કબૂલ કરીએ છીએ કે રાજ્યો કોઈ ટીકાને પાત્ર નથી. નિંદા તો કોઈની ન જ કરીએ. ટીકાને પાત્ર રાજ્યો હોવા છતાં આપણે એવું કબૂલ કરીએ છીએ કે, અત્યારે આપણી પાસે કાઠિયાવાડના કોઈ પણ રાજ્યની સરહદમાં રહી તેની કે બીજાં રાજ્યોની ટીકા કરવાની શક્તિ નથી. એટલે જ એવી ટીકા કરવાની શક્તિ ભવિષ્યમાં મેળવવાની આશાએ આપણે આવી મર્યાદા મૂકી છે. પરિષદમાં ઠરાવો મૂક્યા સિવાય, પરિષદમાં સીધી કે આડકતરી રીતે કોઈ રાજ્યની અંગત ટીકા કર્યા સિવાય, તે તે રાજ્યોમાં જણાતા દોષો દૂર કરવાના જે ઉપાયો તેની પાસે હોય તે લેવાનો પરિષદની સમિતિને અધિકાર છે, તેનો ધર્મ છે. જેમકે પરિષદની બેઠકને પ્રસંગે વિષયવિચારિણી સમિતિ પાસે ગમે તે સભ્ય હરકોઈ કાઠિયાવાડી રાજ્યના દોષોનું દર્શન સભ્યોને કરાવે ને સમિતિની તેને અંગે સલાહ માગે. અંકુશ એટલો જ કે તેને વિષે ઠરાવ પરિષદની પાસે ન મૂકી શકે, કાર્યવાહક સમિતિ તે તે રાજ્યની સાથે પત્રવ્યવહાર ચલાવી શકે, રાજાએ તથા તેમના અમલદારોને મળી શકે અને દાદ આપવા વીનવે, અથવા ફરિયાદો ખોટી ઠરે તો તે વસ્તુ જાહેર કરે. એટલે કે સમિતિ મિત્ર તરીકે પ્રત્યેક રાજ્યની પાસે યોગ્ય રસ્તે જઈ શકશે. એવો સંભવ છે કે મર્યાદાનું રહસ્ય જાણ્યા પછી તે તે રાજ્યો એકાએક સ્વચ્છંદી ન થઈ ગયાં હોય, જાહેર મતની છેક અવગણના ન કરતાં હોય, તો સમિતિનાં આવાં પગલાંને વધાવી લે, અને તેને પોતાની ઢાલ તરીકે પણ વાપરે. એટલું આ સ્થળે યાદ રાખવું જોઈએ કે આવી તપાસનો સિમિત ગેરલાભ ન ઉઠાવે, જે હકીકતો જાણે તેની જાહેર ચર્ચા ન કરે, અને જો તે તે રાજ્યની પાસે પહોંચવા ન પામે અથવા પહોંચતા છતાં સંતોષ ન મળે તોયે મૂંગે મોઢે સહન કરે અને સમજે કે રોગનું નિવારણ સમિતિની શક્તિની બહાર છે.

આવી મર્યાદિત દખલગીરી કહો કે તપાસ કહો, તેનું પરિણામ સમિતિનાં બાહોશી, ઉદ્યમ અને વિનય ઉપર નિર્ભર છે. જો તે પ્રથમથી જ તે તે રાજ્યોની સામે અભિપ્રાય બાંધી બેસે, ભરમાઈ જાય, તો કશું નહિ કરી શકે. રાજાઓનાં હૃદયને પિગળાવવાનો આત્મવિશ્વાસ તેનામાં હોવો જોઈએ. આવો આત્મવિશ્વાસ કેવળ રાજા પ્રજા ઉભયની અનન્ય સેવાથી આવે છે. બન્નેની સેવા તેમને રીઝવવા ખાતર નહિ, પણ તેમના ભલા ખાતર તટસ્થભાવે કરવાની હોય. આવી સેવામાં સ્વપ્ને પણ સમિતિના સભ્યોના અંગત સ્વાર્થ ન હોવા જોઈએ. દેશી રાજ્યોની હસ્તી ઉપર આપણે હાથ નાંખવા નથી માગતા, માત્ર તેની સુધારણા માગીએ છીએ, એ માન્યતા આ વસ્તુના ગર્ભમાં સમાયેલી છે. જો પરિષદ રાજ્યતંત્રનો જ નાશ કરવા ઇચ્છે તો પરિષદને રાજ્યોમાં મળવાનું સ્થાન જ નથી.

અહિંસાથી પરિવર્તન સધાય, નાશ ન સધાય; પ્રજાવાદને રાજાઓમાં સિદ્ધ કરાય, રાજાનો કે રાજ્યનો નાશ ન કરાય; રાજા પ્રજા ઉભયમાં જેટલું સારું છે તેટલાનો મેળ સધાય. ટૂંકામાં, બન્નેની વચ્ચે સંબંધ ધર્મનો રહે, પશુબળનો નહિ. આધુનિક વાયુ નાશક છે, પ્રાચીન સભ્યતા પોષક છે, અહિંસા સર્વનું શુભ સાધે છે; હિંસા એકના નાશની ઉપર બીજાની વૃદ્ધિનો પાયો રચે છે. પ્રજાસત્તા સર્વથા લાભકારક નથી; રાજસત્તા સર્વથા હાનિકારક નથી. બન્નેનો ઉપયોગ છે. તે ક્યાં છે એ શોધવું રાજકીય પરિષદનું કાર્ય છે. કેમકે પરિષદ સત્ય અને અહિંસાને માર્ગે પોતાના ધ્યેયને પહોંચવા માગે છે.

પરિષદ શું કરી શકે એ આપણે તપાસીએ. ખાદી, હરિજનસેવા, સામાજિક સુધારણા ઇત્યાદિ તો છે જ. આ કાર્યો કરી પરિષદ પ્રજાતત્ત્વને પોષે. રાજ્યપ્રકરણી બાબતો થોડી નથી. મદ્યપાનનિષેધ, કેળવણી, રેલવે ખાતું, વરસાદના પાણીનો સમસ્ત કાઠિયાવાડને સારુ સંગ્રહ, સમસ્ત કાઠિયાવાડને સારુ વૃક્ષોનો સંગ્રહ ને તેની વૃદ્ધિ, સમસ્ત કાઠિયાવાડને સારુ એક પ્રકારની જકાત અને એક પ્રકારનો તેનો વહીવટ, આવી રાજા પ્રજા બન્નેનું કલ્યાણુ કરનારી બીજી બાબતો પણ વર્ણવી શકાય. આ વસ્તુઓની ઘણી જ અગત્ય છે. તેના ઉપર જ કાઠિયાવાડ નભી શકે તેમ છે. તેના વિના કાઠિયાવાડ તેની મેળે જ નાશ પામવાનું.

આ કાર્યો સાધવામાં રાજાઓની મદદની જરૂર છે તેના કરતાં વિશેષ જરૂર અમલદારવર્ગની છે. અમલદારવર્ગ જો સ્વાર્થી અથવા લઘુદૃષ્ટિ હશે તો રાજાઓ પોતે ઇચ્છે તે સુધારા પણ થવા ન પામે. રાજાના હાથપગ તેના અમલદાર છે. અમલદારવર્ગ એટલે પ્રજા. પ્રજા સુધરે તો રાજા સુધરે જ. પણ બોલતોચાલતો પ્રજાનો મોટો ભાગ અમલદારવર્ગનો છે. તેથી જ્યાંસુધી તે સ્વાર્થને ન ભૂલે, તે નીતિનો પંથ ગ્રહણ ન કરે, તે પોતાની આજીવિકાને સારુ નિર્ભય ન થાય, નિર્ભય થયેલા સાર્વજનિક કાર્યને સમજતા ને તેમાં રસ લેતા ન થાય ત્યાંલગી રાજ્યોમાં સાચા સુધારા થવાની આશા થોડી જ રહે. તેથી રાજકીય પરિષદનો મહાન પ્રયાસ તો પ્રજામાં જ થવો ને રહેવો જોઈએ. પ્રશ્ન મૂળ છે, રાજા ફળ છે. મૂળ મીઠું થશે તો ફળ મીઠું જ પાકવાનું.

વળી જો કાઠિયાવાડ રાજકીય પરિષદને નસીબે શોભવાનું હશે તો મુખ્ય રાજ્યોમાં તેની તેની પ્રજાની નોખી પરિષદો હોવી જોઈએ, ને તે પરિષદો અવશ્ય પોતાના રાજ્યની બધી ટીકા વિનયપૂર્વક કરી શકે છે. આ પરિષદોએ પોતાની શક્તિ કેળવવી જોઈએ. તે શક્તિ કેળવવાને સારુ પણ રચનાત્મક કાર્યો થવાં જોઈએ. આની ઉપર તેની શક્તિની ખિલવણીનો આધાર છે.

આ કાર્યોને સારુ નિઃસ્વાર્થ, નીડર સેવકો જોઈએ. તે ક્યાં હશે ? જે હોય, જેટલા હોય તે શાંતિથી પોતાનું કાર્ય કર્યે જાય તો તેમાં વૃદ્ધિ થશે. ‘હું એકલો શું કરી શકું?’ આવો નામર્દ વિચાર કોઈ ન કરો.

આટલું તો મેં પ્રજાજન પરત્વે કહ્યું. રાજાઓ જો સમજે તો રાજકીય પરિષદના મજકૂર ઠરાવથી તેમની જવાબદારી બહુ વધી છે. આજ લગી તેઓ ટીકા અને નિંદાની બીકે કે તેને બહાને પરિષદની ઉપેક્ષા કરતા હતા, કોઈ અવગણના પણ કરતા હતા. પણ હવે મારી નમ્ર મતિ પ્રમાણે તો તેમણે પરિષદની સભ્યતાની કદર કરી પરિષદને વધાવી લેવી જોઈએ, તેને સંતોષવી જોઈએ, પોતાની અને પ્રજાની વચ્ચે તેનો પુલરૂપે ઉપયોગ કરવો જોઈએ. મારી પાસે પુરાવા છે તે ઉપરથી હું માનું છું કે કાઠિયાવાડનાં તમામ રાજ્યો ટીકાને યોગ્ય જ નથી એવું તો નથી જ. કેટલાકમાં બહુ મોટા દોષો છે એમ સાંભળવામાં આવ્યું છે. તેઓ આ યુગને ઓળખે. આખા જગતમાં જે અંધાધૂંધી ચાલી રહી છે, જેની ગંધ ભારતવર્ષમાં પણ પસરી રહેલી છે, તે એક મહાન નિશાની છે. અંધાધૂંધીરૂપે તે અવશ્ય ઝેરી છે, પણ તેને તળિયે હેતુ નિર્મળ છે. જાણ્યેઅજાણ્યે લોકો પોતે નીતિને માર્ગે ન જતા છતાં નીતિના ઉપાસક છે. સત્તાના આંધળા બળથી તેઓ થાક્યા છે, અધીરા થયા છે. તેમનો ઉપાય દરદ કરતાં પણ ભયાનક છે એ વાત તેઓ અધીરાઈમાં ભલે ભૂલી જતા હોય; પણ તેઓ ઇચ્છે છે સુધારણા, ઇચ્છે છે નીતિની સત્તા. તેમને માર્ગે નીતિ નહિ જ આવે એમ મારા જેવા સત્ય અને અહિંસાના ઉપાસક જોઈ શકે છે. પણ તેઓ એમ પણ જોઈ શકે છે કે જો સત્તાધિકારીઓ નહિ ચેતે તો તેમનો નાશ આવી પહોંચ્યો છે. રાજાઓએ ચેતી જવાની આવશ્યકતા છે. વિનાશકાળની સૂચક વિપરીત બુદ્ધિ તેમને કદી ન હો. હિંદુસ્તાન નીતિનાશને માર્ગે નહિ જ ધસે એવી અચલિત શ્રદ્ધા જ મને જીવવા દે છે. એ શ્રદ્ધાને રાજાઓ સાચી પાડો.

નવજીવન, તા. ૨૯–૧–૧૯૨૮