દેશી રાજ્યોનો પ્રશ્ન/કાઠિયાવાડ રાજકીય પરિષદ–૨

વિકિસ્રોતમાંથી
← રાજાપ્રજા દેશી રાજ્યોનો પ્રશ્ન
કાઠિયાવાડ રાજકીય પરિષદ
મોહનદાસ કરમચંદ ગાંધી
કાઠિયાવાડ રાજકીય પરિષદ →







૨૫
કાઠિયાવાડ રાજકીય પરિષદ

કાઠિયાવાડ રાજકીય પરિષદની સમિતિએ આગામી પરિષદના પ્રમુખ તરીકે શ્રી. અમૃતલાલ ઠક્કરની પસંદગી કરી છે તેને સારુ સમિતિને ધન્યવાદ આપું છું.

રાજ્યપ્રકરણમાં પ્રકાશ પામેલાં ઘણાં નામો આવ્યાં હતાં પણ અમૃતલાલ ઠક્કરનું નામ આવતાં કોઈને કંઈ કહેવાપણું જ ન રહ્યું. આ પસંદગીમાં મુખ્ય વસ્તુ હું એ સમજ્યો છું કે પ્રમુખ ગમે તેવો તોપણ કાઠિયાવાડનો, ચારિત્રવાન અને દેશસેવાના રંગથી રંગાયેલો હોવો જોઈએ. આ ત્રણ પ્રકારની કસોટીએ શ્રી. અમૃતલાલ ઠક્કર સહેલાઈથી ચડી શક્યા ને ઉત્તીર્ણ થયા. અમૃતલાલ ઠક્કરથી ચારિત્રમાં ચઢી શકે તેવો સેવક આજે નહિ મળે કાઠિયાવાડમાં, નહિ મળે ગુજરાતમાં, કે નહિ મળે હિંદુસ્તાનમાં. દેશને અર્થે તેમનો ત્યાગ આપણા બધાના કરતાં કદાચ પુરાણો છે. તેમની એકનિષ્ઠા તેમને અને દેશને દીપાવે છે. અને સેવાપરાયણતામાં તેમની હરીફાઈ કરવી મુશ્કેલ છે. તે સેવાનું ક્ષેત્ર પણ તેમણે જેટલું સહેલું તેટલું જ અઘરું રાખ્યું છે. સહેલું એમ કે, જે કોમોની સેવા તેમણે શોધી તેમની સેવામાં રસ લેનારા થોડા જ હોય, એટલે તેમને પરિણામ તુરત મળે. અઘરું એટલા સારુ કે, તેમાં દુનિયાને આંજે એવાં પરિણામ ન મળવાથી કાચાપોચા નાસીપાસ થઈ જાય. પણ અમૃતલાલ ઠક્કર ઢેડભંગીના ગોર થયા, અને એટલેથીયે સંતોષ ન વાળતાં ભીલના સેવક અને મિત્ર બન્યા.

આવા માણસ રાજકીય પરિષદમાં શું કરશે ? એ સવાલ તેમની પસંદગી કરનારાને તો ન થયો; અમૃતલાલ ઠક્કરને થયો. તેમનું નામ આવવા દેવા સારુ ઠપકો આપતાં તેઓ મને લખે છે તેનો સાર આ છે: (તેમનો કાગળ અત્યારે મારી સામે નથી.)

“તમે તે જાણો છો કે મારે કામ રહ્યું ઢેડ, ભંગી, ભીલ, કોળી ઇત્યાદિની સાથે. મારે ને રાજ્યપ્રકરણને શું બને ? વળી તમે જ સલાહ આપનારા કે એક કામમાં તન્મય થનારે બીજામાં પડવાનો લોભ ન રાખવો. હવે તમે જ કાં મને મારે સ્થાનેથી બીજે લઈ જવા તૈયાર થયા છો?”

આ પ્રશ્ન તેમને ઊઠ્યો એ તેમની શુભ મનોદશા સૂચવે છે. પણ તેમને ક્યાં ખબર નથી કે રાજકીય પરિષદ અત્યારે ધંધો જ હરિજનાદિની સેવાનો કરી રહેલ છે. કોણ કહેશે કે ખાદીમાં તે સેવા નથી આવી જતી ? એટલું જ નહિ, પણ હરિજનાદિને સારુ સીધી રીતે પણ પરિષદે આ વર્ષે ઓછું કામ નથી કર્યું, ઓછા પૈસા નથી ખર્ચ્યા. એટલે જે વસ્તુ શ્રી. અમૃતલાલ ઠક્કરને પ્રિય છે તે તો અત્યારે પરિષદનું ક્ષેત્ર જ છે. વળી કાઠિયાવાડમાં ખાદીકામના અધિષ્ઠાતા અમૃતલાલ ઠક્કર જ છે. અત્યારે તેમનો ખાદી પ્રત્યેનો પ્રેમ અથવા તે વિષેની શ્રદ્ધા તેટલાં જ છે કે નહિ તે હું નથી જાણતો. તેનું સ્પષ્ટીકરણ તે સહેજે પરિષદ આગળ કરશે.

હવે રહ્યું રાજ્યપ્રકરણ. મારી દૃષ્ટિએ આજે આવાં રચનાત્મક કાર્યની બહાર પરિષદને બીજુણ્ રાજ્યપ્રકરણ હોય નહિ. મેં તો સમસ્ત ભારતવર્ષને સારું એવું જ કલ્પેલું છે. જો ભારતવર્ષ મનાતા રાજ્યપ્રકરણને છોડીને કેવળ રચનાત્મક કાર્યમાં તન્મય થઈ ઠક્કરનિષ્ઠાથી કાર્ય કરે તો સ્વરાજ હસ્તામલકવત્ થઈ પડે. અને જો આ વાત હું ભારતવર્ષને લાગુ પાડું છું તો સહેજે કાઠિયાવાડને વિશેષ લાગુ પાડું. આનો અર્થ એવો નથી કે રાજ્યપ્રકરણનું કશું કામ કાઠિયાવાડમાં કે બહાર ન થાય. જેનાથી રાજ્યપ્રકરણનું જ કામ થઈ શકે, જેને રચનાત્મક કામ લૂખું લાગે, તે તો રાજ્યપ્રકરણમાં પડશે જ. તેવાઓના છેડા ઝાલીને આપણે તેની પાછળ પાછળ જઈશું. જો તેમનું કાર્ય આપણને નહિ ગમતું હોય તો આપણે તેમને તેમને માર્ગે જવા દઈશું, ને જ્યારે તેઓ જોશે કે તેમની પાછળ તો આપણે કોઈ જતા નથી ત્યારે તેમને પોતાના રસ્તાની યોગ્યતા વિષે શંકા ઉત્પન્ન થશે ને તે પાછા ફરશે. આ સુવર્ણમાર્ગ કાઠિયાવાડ પરિષદે ગ્રહણ કર્યો છે. મારી ઉમેદ છે કે પરિષદ તે ચીલો નહિ છોડે. એવો એક પણ બનાવ હું નથી જાણતો કે જેથી પરિષદે તે ભાગ છોડવો ઘટે. જો આપણે ભલા થઈશું, જો આપણે જાગ્રત થઈશું, જો આપણે ભયમુક્ત થઈશું, જો આપણે એક થઈશું, તો રાજા પણ સહેજે ભલા, જાગ્રત, પ્રેમાળ, અને રૈયતના મિત્ર થઈ રહેશે. આ ઈશ્વરી નિયમ છે. ‘આપ ભલા તો જગ ભલા’ એ લોકવાક્ય માત્ર નથી પણ એ સત્ય છે. ‘જેવી પ્રજા તેવા રાજા’ એ આ પ્રજાયુગમાં ‘રાજા તેવી પ્રજા’ના કરતાં વધારે સાચું છે. તેથી જ રાજ્યપ્રકરણ એટલે લોકોમાં નીચેથી ઉપર લગી બધાની સાથે અનુસંધાન ને બધામાં એકતા. આ એકતા તે જેમાં બધાના પરસ્પર સંબંધની આવશ્યકતા હોય એવું રચનાત્મક કાર્ય છે. ખાદી જેટલું રાજ્યકર્તાઓને મૂંગે મોઢે, નમ્રતાથી, સંભળાવી રહેલી છે તેટલું લાંબાં ભાષણો કે લખાણો નથી સંભળાવી શકતાં. પણ ખાદીનું ભાષણ તો જે જાણે તે સાંભળે. તે મધુર ભાષણ સાંભળવાને તીવ્ર કાન અને એકાગ્રતા જોઈએ. અસ્પૃશ્યતાનિવારણ એટલે આત્મશુદ્ધિ, એટલે કે ગરીબોની સાથે હાર્દિક ઐક્ય. આ શક્તિની આગળ ધારાસભાનાં ભાષણો મને નજીવાં લાગે છે.

પણ આ તો મારા અંગત વિચારો. તેની ભેટ કાઠિયાવાડીઓને અને શ્રી. અમૃતલાલ ઠક્કરને કરું છું, તેમાંથી જે ગમે તે તેઓ સ્વીકારે ને બીજાનો ત્યાગ કરે.

રાજ્યપ્રકરણ મને સાંપવાનું મેં પરિષદને ભાવનગરમાં કહેલું. પરિષદે મને સોંપ્યું. તેમાં પરિષદે ભૂલ નથી કરી એમ હું માનું છું. મારાથી હું બતાવી શકું એવું કંઈ નથી થયું. મેં હાર ખાધી છે, મને કંઈક નિરાશા થઈ છે, પણ મને બીજો માર્ગ સૂઝ્યો નથી. માર્ગ તો એ જ હતો અને એ જ છે. કાઠિયાવાડ સમસ્તની પરિષદ એટલું જ કરી શકે, વિનય જ કરી શકે. તે તે રાજ્યની પ્રજા વિશેષ કરી શકે એ જુદી વાત છે. એ તે તે રાજ્યમાં કામ કરનાર રાજ્યપ્રકરણને જાણનારા કહી શકે, તેમણે કરવું જોઈએ. કાઠિયાવાડ રાજકીય પરિષદના ક્ષેત્રની મર્યાદા મેં ઇરાદાપૂર્વક આંકી છે. એની બહાર જવું કે નહિ એ આપણા પ્રમુખ વિચારે, અને આપણને નવો માર્ગ બતાવી શકે તો બતાવે.

નવજીવન, ૧૩–૧૨–૧૯૨૬