લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/રાજાપ્રજા

વિકિસ્રોતમાંથી
← ‘ઉદ્ધાર ક્યારે થાય?’ દેશી રાજ્યોનો પ્રશ્ન
રાજાપ્રજા
મોહનદાસ કરમચંદ ગાંધી
કાઠિયાવાડ રાજકીય પરિષદ →






૨૪
રાજાપ્રજા

[ ભૂજ (કચ્છ)માં આપેલું ભાષણ ]

જો શાસ્ત્રમાં અને ઇતિહાસમાં રાજ્ય કેવળ રામના જ હાથમાં હોઈ શકે એમ બતાવેલું હોત, તો હું રાજશાહીની કટ્ટી દુશ્મનાવટ કરત. પણ રાવણની વાત કરનાર ઇતિહાસ રામની પણ વાત કરે છે, અને દુનિયા પોકારીને કહે છે કે રાવણનું રાજ્ય અચલિત નથી રહ્યું, રામનો જ વિજય થયો છે; રાજાઓના શાસનમાં ધર્મ દાખલ થાય તો જ તેનું રાજ્ય ચાલી શકે. જેના રાજ્યની અંદર એકે માણસ ભૂખે ન મરે, જેના રાજ્યમાં કોઈ પણ બાલિકા નિર્ભય થઈને ચાર ખૂણે વિચરી શકે, અને તેના ઉપર એક પણ દુરાચારી કટાક્ષ ન કરી શકે, જે રાજા પ્રજાને પોતાનાં સતાન માને અને પારકી સ્ત્રીને માબહેન સમાન લેખે, જે રાજા શરાબ ન પીએ, વ્યસન ન કરે, રૈયતને સુવડાવીને સૂએ અને ખવડાવીને ખાય એવા રાજાવાળા તંત્રનો હું પૂજારી છું, એની ઝંખના કરું છું. એવા રાજાઓ થાય એ માટે રાજા પ્રજા વચ્ચે પ્રેમ ઇચ્છું છું. એવા રાજા હશે ત્યારે દેશમાં દુકાળ, ભૂખમરો, વ્યભિચાર, શરાબ નહિ હોય. પણ આજે તો આ બધી વસ્તુઓ રાજ્યોમાં ભરેલી છે એ શું સૂચવે છે? રાજા પોતાનો ધર્મ ભૂલી ગયા — પોતાની પ્રજાનાં જાન, માલ અને ધર્મનું રક્ષણ કરવાનો ધર્મ ભૂલી ગયા છે; પોતે પવિત્રતા જાળવી નથી શક્યા. અને શાસ્ત્ર તો પાકારીને કહે છે કે, જે કુળમાં કૃષ્ણ જન્મેલા તેમાં પણ વ્યભિચાર, શરાબ, જૂગટું એ વસ્તુનો ત્રિદોષ દાખલ થયો એટલે તે કુળનો કૃષ્ણના જીવતાં નાશ થયો. કૃષ્ણને તો યાદવીના અને સત્યાનાશના સાક્ષી થવું પડ્યું. તેથી હું કહું છું કે, રાજા એવા થાઓ કે કચ્છની પ્રજાને કશું કહેવાનું જ ન રહે. રાજા પવિત્ર અને સારો હોય ત્યાંસુધી તો પ્રજા તેને મદદ કરે, ન્યાય ચલાવવામાં મદદ આપે, વિઘોટી ભરે; પણ તે અત્યાચારી થાય તો ? તો શાસ્ત્ર કહે છે કે બધી વાત રાજાને સંભળાવવાનો પ્રજાનો ધર્મ થઈ પડે છે. કારણ એ વાત ધ્યાનમાં રાખવાની છે કે, ‘યથા રાજા તથા પ્રજા’ જેટલું સાચું છે તેટલું જ ‘યથા પ્રજા તથા રાજા’ સાચું છે; અને એ જ વસ્તુ બી઼જા શબ્દોમાં એક અંગ્રેજી કહેવતમાં પણ આવી જાય છે કે જે રાજ્યને તમે લાયક હશો તેવું રાજ્ય તમને મળવાનું. એટલે એકબીજાની એકબીજા ઉપર અસર થયા જ કરે છે. પ્રજાનાં સત્ય, વીર્ય, દૃઢતાની રાજા ઉપર અસર પડ્યા વિના રહેતી નથી, અને રાજાના અત્યાચારની અને અસત્યની પણ અસર થયા વિના રહેતી નથી. ત્યારે કચ્છની સાહસિક, દરિયા ખેડનારી, અને પૃથ્વીને પ્રદક્ષિણા મારી પૈસા એકઠા કરનારી પ્રજાનું કર્તવ્ય શું છે? જો તમે મને જે જે દુઃખોની વાત આડકતરી રીતે સંભળાવી છે તે સાચી હોય તો વિનયપૂર્વક, પ્રેમપૂર્વક બધાં દુઃખ — બધી ફરિયાદ રાજાને સંભળાવતાં સંકોચ શેનો? એ બધાં દુઃખોની ઉપર મહારાવને મળ્યા વિના મારાથી ટીકા શી રીતે થાય ? પણ એ બધાં દુઃખ સાચાં હોય તો, તમને કહું છું કે, એનો ઇલાજ તમારી પાસે છે, અને તે અવિનય કે અમર્યાદાનો નહિ, પણ સત્યનો અને પ્રેમનો. સત્ય, શૌર્ય અને પ્રેમ એ ત્રિવેણીનો જ્યાં સંગમ થાય ત્યાં એકે વસ્તુ અશક્ય નથી. મારા ૩૦ વર્ષના જાગ્રત અનુભવથી, રાજકાજના અનુભવથી હું તમને કહું છું કે, દૃઢતાથી, સત્યથી અને વિનયથી જે ફરિયાદો હોય તે એકવાર તમે મહારાવને કહી સંભળાવજો. મેં જે કહ્યું છે તે હૃદયની અંદર ઉતારજો, અને તેનો અમલ કરજો; અને તમે જોશો કે મેં તમને જડીબુટ્ટી આપી દીધી છે.

નવજીવન, ૧–૧૧–૧૯૩૫