દેશી રાજ્યોનો પ્રશ્ન/‘ઉદ્ધાર ક્યારે થાય?’

વિકિસ્રોતમાંથી
← દેશી રાજ્યો દેશી રાજ્યોનો પ્રશ્ન
‘ઉદ્ધાર ક્યારે થાય?’
મોહનદાસ કરમચંદ ગાંધી
રાજાપ્રજા →






૨૩
‘ઉદ્ધાર ક્યારે થાય?’

એક ‘સેવક’ લખે છે:

“એક સારા પુસ્તકમાં વાંચેલું કે, ‘અમુક મનુષ્યનાં કર્મ અનુસાર તેને સારું કે નરસું ફળ મળે છે. તેવી જ રીતે સામાન્ય જનસમાજના સામાન્ય આચરણ પ્રમાણે સમાજને સારું નરસું ફળ મળે છે. સમાજનું અસત્ય, અન્યાય, અનીતિ ને દુરાચારનું પ્રમાણ વધી પડે તેના ફળરૂપે જ દુષ્કાળ, રેલ, ધરતીકંપ, અતિવૃષ્ટિ વગેરે દર્શન દે છે.’

સેવક કર્મફળને માનતો હોવાથી ઉપરની વાત સાચી માને છે. અને આ વાત સાચી માનનારને સ્વરાજ્યપ્રાપ્તિમાં પણ શ્રદ્ધા ન જ રહે; સમાજનાં કર્મ ઊધાં હોય તેનાં પરિણામ સીધાં કેમ આવે?

જુઓ આપણા દેશની આંતરિક સ્થિતિ, આપણા નરેશોની સ્થિતિ ! જેને કપાળે આગળના શ્રીરામચંદ્ર, વીર વિક્રમ, શૂરવીર શિવાજી અને પ્રતાપ જેવા પોતાનાં ઝળહળતાં જીવનચરિત્રોથી સોનેરી તિલક કરતા હતા, તે પવિત્ર ભારતમૈયાના કપાળે આજના આપણા કહેવાતા રાજેન્દ્રો અન્યાય, અનીતિ, જુલમ, અત્યાચાર અને હત્યાકાંડથી કલંકિત, કાળાં, ઝાંખાં તિલક કરી રહ્યા છે.

તો પછી આ દેશનું વાતાવરણ, સામાન્ય સામાજિક વર્તન કેવું છે તે આપણે જોઈએ તો માલૂમ પડે છે કે, આ દુર્ભાગી દેશ તા દુર્ભાગ્યને પંથે દોડી રહ્યો છે. અને મારી તો માન્યતા એ જ છે કે, ખોટે રસ્તે જનારને માત્ર સાચો માર્ગ બતાવવો એટલો જ ધર્મ છે, તેને હાથ પકડીને ખેંચવો એ ધર્મ નથી. તેમ પ્રલયકાળને પોકારી રહેલ, દુર્ભાગ્યદેવીના દરવાજા ઠોકી રહેલ, તે અમારા આજના નરેન્દ્રો જ્યાંસુધી જુલમ, અન્યાય, અત્યાચારથી આ હિંદભૂમિને હત્યાકાંડની ભૂમિ નહિં બનાવે, તેમના હદ બહારના ત્રાસથી કલંકિત થયેલી આ ભૂમિને તેમની નિર્દોષ પ્રજાના નિર્મળ રક્તથી નહિ ધુએ, તેમની પાપબુદ્ધિને તે ગરીબડી પ્રજાની ચિંતા ખડકાવી તેની ઊની ઊની જ્વાળા અને તે બળતાં જીગરોના અંતરની ગરમાગરમ હાયવરાળો બાળીને ભસ્મીભૂત નહિ કરે, ત્યાંસુધી આ દેશની, આ નરેન્દ્રોની, આ પ્રજાની શુદ્ધિ કે નવજીવન નહિ સંભવે. કદાચ થાય તોપણ નકામું નીવડે, નુકસાનકારક નીવડે.

આજે હૃદય ખોલીને સાચું જ કહેવા દો કે, મને તો, આ આપણા દેશી રાજાઓનો આજનો ઇતિહાસ જોતાં, તેમના કરતાં બ્રિટિશ સરકારમાં વધુ શ્રદ્ધા છે. એ દેશી રાજ્યો કરતાં કાંઈક સારો ન્યાય, કાંઈક વધુ છૂટ આ સરકાર આપે છે—આ વાત જ સાચી લાગે છે. આપની માન્યતા કે શ્રદ્ધા ગમે તે હોય, પણ જ્યાંસુધી એક બળવાન ભાઈ પોતાના નિર્બળ ભાઈને પીડા, જુલમ અને ત્રાસ આપે ત્યાંસુધી તે નિર્બળ ભાઈને કોઈના આશ્રયની જરૂર રહેવી જ જોઈએ, અગર તો તે જુલમી ભાઈને હાથે જમીનદોસ્ત થવું જ ઘટે.

સેવક આપનો, આપના આત્મબળનો, આપની અટલ શ્રદ્ધાનો પ્રશંસક છે. આપના જેટલી શ્રદ્ધા તો અમને ન રહી શકે. તેથી જ સ્વરાજમાં આ પળે શ્રદ્ધા લોપ થવા પામી હશે. પણ આપ આ અશ્રદ્ધાનું સમાધાન કરશો તે સત્ય જ હશે એવી શ્રદ્ધા અત્યારે પણ ધરાવું છું. તો આ અશ્રદ્ધાનું સમાધાન કરશો એવી આશા છે.”

આમાંથી દેશી રાજ્યો વિષે ‘સેવકે’ જે વિગતો આપી છે તે ભાગ મેં કાઢી નાંખ્યો છે.

શ્રદ્ધા કોઈની આપી અપાતી નથી. એટલે ‘સેવકે’ માગેલી શ્રદ્ધા તો તેણે પોતે જ મેળવવી કે અનુભવવી રહી. પણ હું તેનો વિચારદોષ બતાવી શકું છું. પ્રજાનું કર્મફળ તે તેના સમસ્ત કર્મના સરવાળાનું પરિણામ. વળી અહીં સ્વરાજનો સંકુચિત અર્થ લેવાયેલો છે : સ્વરાજ એટલે રાજ્યતંત્રનું અંગ્રેજના હાથમાંથી પ્રજાના હાથમાં હોવાપણું. અહીં તો બન્નેની સામાજિક અથવા રાજનીતિનું કર્મફળ કાઢવું રહ્યું. સામાજિક નીતિમાં આપણી સંઘશક્તિ, સામાજિક નિર્ભયતા ઇત્યાદિ ગુણોનો સમાવેશ થાય છે. એ ગુણો જ્યારે પ્રજામાં આવે ત્યારે આપણે આપણું તંત્ર હાથ કરી શકીએ. વળી અત્યારે સ્વરાજનો અર્થ બ્રિટિશ હિંદુસ્તાનની સ્વાધીનતા એટલો જ છે. તેની અસર દેશી રાજ્યો ઉપર અનહદ થશે એમાં શંકા નથી. છતાં દેશી રાજ્યોનો પ્રશ્ન અલગ રહેશે તો તે બ્રિટિશ હિંદુસ્તાનની સ્વતંત્રતા પછી ઉકેલાશે. ઘણે ભાગે તો તે બ્રિટિશ હિંદુસ્તાનની સ્વતંત્રતાની પછી એની મેળે ઉકેલાઈ જશે. દેશી રાજનીતિ ગમે તેવી ખરાબ હોય, છતાં બ્રિટિશ હિંદુસ્તાનમાં શક્તિ હોય તો તે આજે સ્વાધીન થઈ શકે. એટલે કર્મફળ કાઢતાં બ્રિટિશ હિંદુસ્તાનની પ્રજાના કર્મનું જ માપ આપણે કાઢવું રહ્યું છે. તે સરવાળામાં જો દેશી રાજ્યોને ઉમેરીએ તો ફળ ખોટું નીકળશે. ખરું જોતાં, દેશી રાજ્યો પણ અંગ્રેજી સત્તાનાં જ સૂચક છે. તેઓ અંગ્રેજી સત્તાને વશ વર્તે છે. તેઓ એ સત્તાને જવાબદાર છે છતાં નથી. ખંડણી આપવા પૂરતાં અને તે સત્તાને વફાદાર રહેવા પૂરતાં જ તેઓ તેને જવાબદાર છે. પ્રજાની સાથે તેમના સંબંધ વિષે તે લગભગ સ્વતંત્ર છે. અને પ્રજાને તો તેઓ જવાબદાર નથી જ. તેથી તેમની આસપાસના વાતાવરણમાં દોષ ગ્રહણ કરવાની શક્તિ વધે છે, અથવા બીજી ભાષામાં કહીએ તો, તેઓને અન્યાયી બનવાની લાલચો ઘણી રહેલી છે. ન્યાય કરે છે તેટલો પણ હજુ તેઓમાં સ્વતંત્ર નીતિ રહેલી છે તેથી જ. ખૂબી તો એ છે કે, દેશી રાજ્યો કેવળ નિરંકુશ છતાં અને અંગ્રેજી સત્તા અનીતિને અનુકૂળ છતાં, હજુ જે છે તે નીતિ જાળવી શકે છે. આ સ્થિતિ હિંદુસ્તાનની પ્રાચીન સભ્યતાની ભવ્યતાને ઋણી છે.

આમાં હું દેશી રાજ્યોનો બચાવ નથી કરી રહ્યો. હું તો કેવળ વસ્તુસ્થિતિ ઓળખી ‘સેવક’નો વિચારદોષ બતાવી તેની નિરાશા દૂર કરવા પ્રયત્ન કરી રહ્યો છું. દેશી રાજ્યો ગમે તેવાં ખરાબ હોય, છતાં જો હિંદુસ્તાનના કરોડો મનુષ્યો જે કેવળ બ્રિટિશ સત્તા નીચે છે તે પ્રજાને યોગ્ય સામાજિક ગુણો બતાવી શકે તો સ્વાધીન તંત્ર મેળવી શકે છે. એ ગુણો કેળવવામાં દેશી રાજ્યો મદદ કરવા ધારે તો ઘણી કરી શકે છે. પણ તે ન કરે, વિરુદ્ધ થાય, તોપણ પ્રજા એ ગુણો કેળવી શકે છે.

એ ગુણો કયા તે વખતોવખત આપણે વિચારી ગયા છીએ. રેંટિયો-ખાદી, હિંદુ-મુસલમાન ઐક્ય, અસ્પૃશ્યતાનિવારણ. આ ગુણોની આવશ્યકતા શાંતિમાર્ગે સ્વરાજ લેવા સારુ છે. જો તલવારબળથી મેળવવું હોય તો એમાંના એકેની જરૂર નથી. પણ પછી તે સ્વતંત્રતા પ્રજાની નહિ હોય, પણ બાહુબળિયાની હશે. પ્રજા તો ઓલમાંથી નીકળીને ચૂલમાં પડશે. ઘઉંવર્ણી ચામડીવાળો ડાયર સફેદવર્ણી ડાયર કરતાં વધારે ગ્રાહ્ય નહિ હોય. તો તો જે દેશી રાજ્યોની સ્થિતિને ‘સેવક’ રડે છે તે સ્થિતિ આખા હિંદુસ્તાનની રહેશે; કેમકે તલવારથી જે સંઘે અંગ્રેજ પાસેથી સત્તા છીનવી હશે તે સંઘ પ્રજાને થોડો જ જવાબદાર રહેવાનો છે? અસિ, તલવાર, સમશેર, ‘સૉર્ડ’ બધા એક જ વસ્તુના વાચક છે.

દેશી રાજ્ય કરતાં અત્યારે અંગ્રેજી રાજ્ય નરમ લાગશે જ, એ તો અંગ્રેજી રાજ્યની ખૂબી છે. અંગ્રેજી રાજ્યે અમુક પક્ષને રીઝવીને જ કામ લેતું રહ્યું છે. તેથી મધ્યમવર્ગી મનુષ્યોને નિરંતર અન્યાય સહન નથી કરવો પડતો. અંગ્રેજી અન્યાયને મોટું ક્ષેત્ર છે, તેથી તે પ્રમાણમાં ઘણો છતાં વ્યક્તિ પરત્વે હળવો લાગે છે; અને સહવાસથી એ અન્યાયને આપણે ઓળખી પણ નથી શકતા. દક્ષિણ અમેરિકાના ગુલામોને સહવાસથી ગુલામી એવી મીઠી લાગી હતી કે, જ્યારે તેઓને ગુલામીમાંથી છૂટા કરવામાં આવ્યા ત્યારે તેઓમાંના કેટલાક રોવા લાગ્યા. ક્યાં જવું, શું કરવું, કેમ આજીવિકા મેળવવી, એ મહાપ્રશ્નો તેમની પાસે ખડા થયા. તેવી સ્થિતિ આપણામાંના ઘણાની છે. અંગ્રેજી રાજનીતિનો ઝીણો પણ ઝેરી માર આપણને જણાતો નથી. ક્ષયના રોગવાળા ઘણાને વૈદ્ય કહે છતાં તેમના ગાલની લાલી તેમને ભુલાવામાં નાંખે છે ને તેઓ જાણતા નથી કે એ લાલી ખોટી છે. તેમના પગની ફીકાશ તરફ તે નજર નથી કરતા.

વળી વાંચનારને ચેતવું છું. હું દેશી રાજ્યની હિમાયત નથી કરતો, હું હિંદુસ્તાનની દુર્દશા વર્ણવી રહ્યો છું. દેશી રાજ્ય ભલે ખરાબ હાય, તે ખરાબીની ઢાલ અંગ્રેજી રાજ્ય છે. અંગ્રેજી રાજ્ય, છીછરો વિચાર કરતાં, ભલે દેશી રાજ્ય કરતાં સારું લાગે; વાસ્તવિક રીતે દેશી રાજ્ય કરતાં સારું તો નથી જ. અંગ્રેજી રાજ્યપદ્ધતિ પ્રજાના શરીરનો, મનનો ને આત્માનો નાશ કરે છે. દેશી રાજ્ય મુખ્યત્વે શરીરનો નાશ કરે છે. અંગ્રેજી રાજ્ય મટે ને પ્રજારાજ્ય થાય તો દેશી રાજ્યની સુધારણા હું હસ્તામલકવત્‌ સમજું છું. અંગ્રેજી રાજ્ય સફેદ બાહુબળનું રાજ્ય મટીને ઘઉંવર્ણી બાહુબળનું રાજ્ય થાય, તો તેથી ન પ્રજાને કંઈ લાભ થાય, ન દેશી રાજ્યો સુધરે. આ બે દાખલાનો તાળો શાંતિથી વિચારવાવાળાં હરકોઈ સ્ત્રીપુરુષ પોતાની મેળે મેળવી શકે છે.

વાતાવરણ ડહોળાયેલું લાગતા છતાં હું રેંટિયા અને ખાદીની પ્રગતિ સ્પષ્ટ જોઈ રહ્યો છું, અસ્પૃશ્યતાનો નાશ થતો જાય છે, અને હિંદુંમુસલમાન સમજીને નહિ તો લડીને ઠેકાણે આવશે જ. એથી સ્વરાજની શક્યતા વિષે મારી શ્રદ્ધા અવિચળ છે.

નવજીવન, ૧૯–૭–૧૯૨૫