લખાણ પર જાઓ

દેશી રાજ્યોનો પ્રશ્ન/દેશી રાજ્યો–૨

વિકિસ્રોતમાંથી
← પ્રજા અને રાજા દેશી રાજ્યોનો પ્રશ્ન
દેશી રાજ્યો
મોહનદાસ કરમચંદ ગાંધી
‘ઉદ્ધાર ક્યારે થાય?’ →






૨૨
દેશી રાજ્યો

“આપશ્રી દેશી રાજ્યોની હસ્તી ઇચ્છો છો. પણ ખરી રીતે તો એકહથ્થુ સત્તાથી જુલમ જ થાય. અમલ એ દારૂના જેવો નશો છે. વળી કોઈ રાજા સારો તા એના પુત્રો નઠારા નીવડે છે. એ જ રાજા એક દિવસ સારો ને બીજે દિવસ ખરાબ નીવડે છે. શું રાજાઓનું અસ્તિત્વ ઇચ્છવા યોગ્ય છે ?”

આ સવાલ એક ગૃહસ્થે કર્યો છે. લખનારના લખવામાં કેટલુંક સત્ય છે છતાં તે સવાલનો બીજો પક્ષ પણ છે. જે પ્રજામાં સત્ત્વ છે તેના રાજા અન્યાયી નથી થઈ શકતા. સત્ત્વહીન પ્રજાને રાજા હોય તોયે શું ને પ્રજાસત્તાક હોય તો પણ શું? જેને સત્તા વાપરતાં ન આવડે તે સત્તાને રાખે ક્યાં ? તેથી જ મેં કહ્યું છે કે જેવી પ્રજા તેવા રાજા. જ્યાં જ્યાં મેં અન્યાયના દાખલા જોયા છે ત્યાં ત્યાં પ્રજાનો દોષ એટલે પ્રજાની નબળાઈ પણ જોઈ છે. પ્રજાસત્તાક રાજ્યમાંયે અન્યાય જોયા છે. પૃથ્વીમાં આજે એવાં પ્રજાસત્તાક રાજ્યો મેાજૂદ છે જ્યાં ભરપૂર અંધાધૂંધી પ્રવર્તે છે ને જ્યાં પ્રત્યેક અમલદાર રાજા થઈ ને બેસી ગયો છે.

મેં નિરકુશ રાજ્યની હસ્તી નથી ઇચ્છી. અંકુશ કેવો ને કેટલો હોઈ શકે તે રાજાપ્રજાએ વિચારી લેવાનું રહ્યું છે. જ્યાં પ્રજા જાગ્રત છે ત્યાં અન્યાય અસંભવિત છે. જ્યાં પ્રજા નિદ્રાવશ છે ત્યાં ગમે તેવું રાજ્યતંત્ર હોય છતાં અન્યાય તો છે જ. દેશી રાજ્ય નિર્મળ અને સંપૂર્ણ ન્યાયવાન હોઈ શકે. તેને સારુ આપણી પાસે રામરાજ્યનો દાખલો છે. આજકાલનાં દેશી રાજ્યોમાં જે અપૂર્ણતા જોવામાં આવે છે તે એક તરફથી પ્રજાની અપૂર્ણતાને અને બીજી તરફથી અંગ્રેજી રાજ્યતંત્રની અપૂર્ણતાને આભારી છે, એટલે દેશી રાજ્યોની અંધાધૂંધીને વિષે આશ્ચર્ય ન હોય. પણ એવી બન્નેની અપૂર્ણતાની અસર છતાં કેટલાંક દેશી રાજ્યોનો કારભાર દીપી નીકળે છે, એ દેશી રાજ્યની નીતિમત્તાનું સૂચક નથી? મારા લખવા કહેવાનો આશય માત્ર એટલો જ છે કે, દેશી રાજ્યમાં કંઈ સંગ્રહ કરવા જેવું છે જ નહિ ને એનો નાશ જ ઇષ્ટ છે એવો વિચાર યોગ્ય નથી. દેશી રાજ્યોમાં સુધારાને સારુ પૂરો અવકાશ છે ને તેમાં સુધારણા થવાથી તે આદર્શ રાજ્યો બની શકે છે. આજે જે સ્થિતિમાં તે રાજ્યો છે તે જ સ્થિતિમાં તે રહેવાં જોઈએ, એમ કહેવાનો તો મારો આશય નથી જ.

નવજીવન, ૨૪–૫–૧૯૨૫